કોઈને આપણાથી તકલીફ પહોચી રહી છે એવું લાગે ત્યારે...જાણીતા હિન્દી ફિલ્મ રાઈટર-ડિરેક્ટર ફ્રેન્ડ સંજય છેલના માધ્યમથી ખાસ આ કોલમ માટે જાણવા મળેલો એક કિસ્સો લઘુકથાની જેમ આલેખીને વાચકો સામે મૂકું છું. લંડનની એક ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં એક યુવતી ઍન નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેની ડ્યુટી એ હૉસ્પિટલના ઓર્થોપેડિક વૉર્ડમાં હતી. ઍન મિલનસાર સ્વભાવની હતી અને ઓર્થોપેડિક વૉર્ડમાં સારવાર લઈ રહેલા બાળકોની ઉમળકાભેર સંભાળ લેતી હતી, પણ એક રાતે પોતાની નાઈટ ડ્યુટી ઍનને બહુ આકરી લાગી. એકત્રીસ ડિસેમ્બરની એ રાતે હૉસ્પિટલના કર્મચારીઓએ ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. એ પાર્ટીમાં મોટા ભાગના કર્મચારીઓ ભાગ લેવાના હતા, પણ કેટલાક કર્મચારીઓએ પોતાની ફરજ બજાવવી જ પડે એમ હતી. અને એ કેટલાક કર્મચારીઓમાં ઓર્થોપેડિક વૉર્ડની ઍનનો સમાવેશ થતો હતો. એટલે તે અપસેટ થઈ ગઈ હતી. તેણે ઓર્થોપેડિક વૉર્ડના જે બાળકોની સંભાળ લેવાની હતી તે બાળકોમાં જોની નામનો એક છોકરો પણ હતો. દસેક વર્ષના જૉનીને પોલિયોને કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલિયોગ્રસ્ત જોની શારીરિક રીતે એટલો અક્ષમ હતો કે તે માત્ર પોતાના હાથ જ હલાવી શકતો હતો. ઍનને જોની બહુ ગમતો હતો અને તે માસૂમ બાળકની શારીરિક લાચારી જોઈને તેના મનમાં અનુકંપા જાગતી હતી. જોનીને જોઈને તેના હૃદયમાં વાત્સલ્યની લાગણી પણ જન્મતી હતી અને તે ઘણી વાર જોનીના કપાળ કે ગાલને ચૂમીને તેના પ્રત્યે પ્રેમ દર્શાવતી હતી. પરંતુ, એ એકત્રીસ ડિસેમ્બરની રાતે પોતાની ડ્યુટીને કારણે ડાન્સ પાર્ટીમાં ભાગ ન લઈ શકાયો એથી ઍન અકળામણ અનુભવતી હતી. બીજા સહકર્મચારીઓ એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી ઉજવી રહ્યા છે ત્યારે પોતે અહીં ફરજ બજાવી રહી છે. એ હકીકતથી એ અકળાઈ રહી હતી. એ વિચારોને વિચારોમાં તેણે જોનીને તેની પથાારી પર સૂવડાવ્યો. તેણે રોજની આદત પ્રમાણે જોનીને કપાળ કે ગાલ પર ચુંબન કર્યું નહીં અને 'ગુડ નાઈટ', 'સ્વીટ ડ્રીમ્સ' એવા શબ્દો પણ તેને કહ્યા નહીં. નાનકડો જોની સમજી ગયો કે નર્સ ઍન આજે અપસેટ છે. તેની આંખો ઍન સાથે મળી ત્યારે તેણે ઍન સામે સહાનુભૂતિભર્યું સ્મિત કર્યું અને તેને કહ્યું, 'આઈ એમ સોરી. અમારા કારણે તમારે આજ રાતની ભવ્ય ડાન્સ પાર્ટી મિસ કરવી પડશે.' જોનીએ પોતાના તરફથી અને બીજા બાળકો વતી ઍનને 'સોરી' કહ્યું એટલે ઍને જોની સામે ફિક્કું સ્મિત કર્યું. જોનીએ કહ્યું, 'અમારે કારણે તમે ભવ્ય ડાન્સ પાર્ટી મિસ કરી રહ્યા છો, પણ આપણે અહીં એક નાની પાર્ટી કરીશું.' ઍન ફરી ખોટું હસી. એ જોઈને જોનીએ કહ્યું, 'હું મજાક નથી કરતો. મારું ડ્રૉઅર ખોલો એમાં પાર્ટી માટે કંઈક પડ્યું છે.' ઍનએ જોનીનું ડ્રૉઅર ખોલ્યું. એમાં કેકનો એક પીસ પડ્યો હતો. ઍને જોની સામે પ્રાર્થનાભરી નજરે જોયું. જોનીએ કહ્યું, 'આજે એકત્રીસ ડિસેમ્બર છે એટલે અમને બધાને ડિનર સાથે કેકના પીસ પણ અપાયા હતા. મને મળેલો પીસ મેં ખાધો નહીં, તમારા માટે રાખી મૂકયો.' પોલિયોગ્રસ્ત બાળક જોનીની પોતાના પ્રત્યેની લાગણી અનુભવીને ઍનની આંખો ભીની થઈ ગઈ. એ દરમિયાન જોનીનું બોલવાનું ચાલુ જ હતું: 'ડ્રૉઅરમાં થોડા સિક્કાઓ પણ પડ્યા છે એમાંથી કોઈ ડ્રિન્ક પણ ખરીદી શકાશે અને...' અચાનક જોનીના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેણે રૂંધાતા અવાજે વાત પૂરી કરી: 'કાશ! હું ઊભો થઈ શકતો હોત તો હું તમારી સાથે ડાન્સ પણ કરી શકત.' એ સાથે ઍનના હૃદયમાં તે માસૂમ બાળક માટે સૈલાબની જેમ લાગણી ઊભરી આવી અને તે જોની પાસે જઈને તેને વળગી પડી. તેણે જાનીના ચહેરાને ચુંબનોથી નવડાવી નાખ્યો. તેની આંખમાંથી આંસુ વહીને જોનીના ચહેરાને ભીંજવી રહ્યા હતા. જોનીની આંખો પણ ઊભરાઈ રહી હતી. તે બંનેની લાગણી એકબીજાના આંસુની જેમ સાથે ભળી ગઈ હતી. ઍનની આંખોમાંથી વહી રહેલા આંસુ પાછળ મિશ્ર લાગણીઓ હતી. તેને અફસોસ થઈ રહ્યો હતો કે પોતે સ્વાર્થી બનીને ડાન્સ પાર્ટીમાં ન જઈ શકવા માટે અકળામણ અનુભવી રહી હતી. અચાનક જ તેને ડાન્સ પાર્ટી નકામી લાગવા માંડી હતી. ઍન જોનીથી થોડી અળગી થઈ ત્યારે પણ તેના ગળે ડૂમો ભરાયેલો હતો. જોને તેના નાના હાથ લંબાવીને ઍનના બંને ગાલ પરથી આંસુ લૂછયા. ઍન ફરી જૉનીને વળગી પડી. તેણે ત્રૂટક અવાજે કહ્યું, 'ફરગિવ મી માય સન. હું તારા અને બીજા બાળકોને કારણે ડાન્સ પાાર્ટીમાં નહીં જઈ શકાય એનો અફસોસ કરતા કરતા અકળાઈ રહી હતી, પણ મને હવે એ ડાન્સ પાર્ટીની બિલકુલ પડી નથી. આપણે એ બધા કરતા વધુ ભવ્ય રીતે એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી મનાવીશું!' એ એકત્રીસ ડિસેમ્બરની રાત ઍનની જિંદગીની સૌથી યાદગાર ન્યૂ યર વેલ કમ પાર્ટી બની રહી. એ રાતે એ વૉર્ડના બાળકો પણ પોતાની શારીરિક અક્ષમતા અને તકલીફો ભૂલીને ગીતો ગાતા રહ્યા અને ઍન ડાન્સ કરતી રહી, તેમને વાર્તાઓ- જોક્સ કહેતી રહી, તેમને હસાવતી રહી, તેમનું મનોરંજન કરતી રહી.' * * * લંડનની એક નર્સ અને એક પોલિયોગ્રસ્ત બાળક વિશેનો ફકરો સંવેદનાના તાર ઝણઝણાવી ગયો અને આ કૉલમના ફોર્મેટને કારણે એ ફકરાને લઘુકથાની જેમ વાચકો સામે મૂક્યો, પણ ઍન અને જોનીની આ વાતને આપણા જીવનમાં ઉતારવા જેવી છે. આપણી આજુબાજુની કોઈ વ્યક્તિને આપણાથી તકલીફ પહોચી રહી છે એવું લાગે ત્યારે જોનીની જેમ વર્તવાની કોશિશ કરી જોજો અને સામેની વ્યક્તિમાં થોડીક પણ સંવેદના હશે તો તમે પણ આવા ચમત્કારના સાક્ષી બની શકશો! Thankful to Sanjay Chhel for the subject. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsbYiP8Xd-Zq9R%2BMy25h%3DPtWciQA-i24t1FwwbvACVwNQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment