આજે મો. ક. ગાંધીનો જન્મદિવસ છે. બ્રિટિશ નેતા ચર્ચિલને ગાંધી સામે ભારે ચીડ હતી. એમણે લખેલું કે આ 'અર્ધનગ્ન ફ્કીર' એક બાજુ સરેઆમ અસહકારની લડત ચલાવે છે અને બીજી બાજુ સમ્રાટના પ્રતિનિધિ (લોર્ડ ઇર્વિન) સાથે સમાન સ્તરે ચર્ચા કરવા માટે વાઈસરિગલ પેલેસના પગથિયાં ચડે છે એ વાત 'ચિંતાજનક અને ઊબકાપ્રેરક' (એલાર્મિંગ એન્ડ નોશિયેટિંગ) છે. માત્ર ચર્ચિલને જ નહીં, વિશ્વના અનેક લોકોને ગાંધી સામે ચીડ હતી, છે અને રહેશે. અન્ય દેશો છોડો, ભારતની જ ગલીઓમાં ગાંધી પ્રત્યે રોષ ધરાવનારા અને એમના 'વધ'ને વધાવનારા જોઈએ તેટલા માણસો જડી આવશે. ગાંધીની હત્યા કરનારા ગોડસેએ કોર્ટમાં આપેલું બયાન એટલું ધારદાર હતું કે એ વાંચીને ગોડસે સાચા હતા, ગાંધી ખોટા હતા અને ગાંધીને મારવાનું ગોડસેનું કૃત્ય યોગ્ય હતું એવું ભલભલા લોકોને લાગી શકે. ગાંધી પૂર્ણ પુરુષોત્તમ નહોતા. એ કોઈ લાક્ષણિક સંત-ફ્કીર-ઓલિયા નહોતા. કાબા ગાંધીના આ પુત્ર એકદમ કાબા પણ હતા અને એમનામાં કાબેલિયત ઘણી હતી. અંબાણી-અદાણીને પણ હંફવી શકે એવા એ 'પાક્કા વેપારી' હતા અને ભલભલા શાસકને મેનેજમેન્ટના બે પાઠ ભણાવી શકે એવા વહીવટી હતા. બ્રહ્મચર્યથી માંડીને બીજી અનેક બાબતે એમણે કહેલી વાતો સાથે સહમત થવું મુશ્કેલ છે. આત્મકથાની પ્રસ્તાવનામાં ગાંધી કહી ચૂક્યા છેઃ 'મો સમ કૌન કુટિલ ખલ કામી?… મારા વિકારને હું જોઈ શકું છું પણ એને હજીયે કાઢી શકતો નથી.' આવા આ ગાંધીના કેટલાક અભિપ્રાયો સાથે આપણે ભલે ગમે તેટલા અસહમત હોઈએ, એમણે ભલે ગમે તેટલી ભૂલો કરી હોય, એ ભલે ગમે તેટલા કુટિલ-ખલ-કામી હોય તો પણ, એક વાતે જગતભરમાં એવી એક વ્યાપક સહમતી પ્રવર્તે છે કે અવતારો-મસીહાઓ-પયગમ્બરોને બાદ કરતાં આટલો મહાન માણસ જગતમાં પાક્યો નથી. આવું કેમ? આ અઘરા સવાલનો સહેલો જવાબ પાયામાં પડેલો છે. પાયાનો મામલો એ છે કે આ જગતમાં બે શક્તિઓનો સંઘર્ષ આદિકાળથી ચાલતો આવ્યો છે અને જગત અસ્તિત્વમાં હશે ત્યાં સુધી એ સંઘર્ષ ચાલતો રહેશે. એ બે આદિશક્તિઓ છેઃ પ્રેમ અને ધિક્કાર. ગાંધીએ પ્રેમની દિશા પકડી. ગાંધી પ્રેમની દિશામાં ચાલ્યા. એ દિશામાં ચાલતી વખતે એમણે ઠોકરો ખાધી હોય અને ભૂલો કરી હોય તો પણ, એમની દિશા, પ્રેમની દિશા સાચી છે, પ્રેમનો મારગ મહાન છે અને ધિક્કારનો એટલે કે લોહિયાળ મારામારીનો (દા.ત. આજકાલના જેહાદી આતંકનો) માર્ગ ખોટો છે એ વાત જગત સ્વીકારે છે. સંજય દત્ત 'ખલનાયક'માં ગુંડા તરીકે પણ વખણાયેલો અને 'લગે રહો મુન્નાભાઈ'માં ગાંધી તરીકે પણ વધાવાયેલો, પરંતુ ખલનાયક સંજુબાબા કરતાં ગાંધીમય મુન્નાભાઈ વધુ ઊંચેરો, વધુ પ્યારો લાગે છે, કારણ કે એ ધિક્કારનો માર્ગ છોડીને પ્રેમના પંથે ચાલે છે અને યાદ રહે, પ્રેમના મારગે ચાલનાર ગાંધી ક્યારેય લડાઈથી ડર્યા નથી. અસલમાં ગાંધીએ વકીલાત છોડયા પછી, જિંદગીભર એક જ કામ કર્યું હતું, લડતનું કામ. જે ગ્રંથમાંથી ગાંધીએ જિંદગીમાં મહત્તમ પ્રેરણા મેળવેલી એ ગીતાનો સાર એ જ હતો કે હે અર્જુન, યુદ્ધ કર. મતલબ, ગાંધીને લડતનો છોછ નહોતો અને ડર પણ નહોતો. ખતરનાક મુસ્લિમ વિસ્તારોમાં આ રામભક્ત ડોસો ટેકેદારોના ટોળા વિના, હથિયારો વિના, એબીસીડી-એક્સવાયઝેડ સુરક્ષા વિના બિન્દાસ હરીફ્રી શકતો હતો. ગાંધીનો પ્રેમ પોચો પ્રેમ નહોતો. પ્રેમથી રહેવું એટલે ડરીને ચાલવું, ઝૂકીને ચાલવું એવું તો આ માણસે ક્યારેય નહોતું કહ્યું. એમનો સંદેશ સ્પષ્ટ હતો કે મરી જવાય તો ભલે મરી જવાય, પણ લડી લેવાનું. અને લડવાનું કઈ રીતે? પ્રેમથી લડવાનું. જગત ગાંધીને પૂજે છે એનું મૂળ કારણ આ છેઃ આ માણસે પ્રેમપૂર્વક લડવાની કળા વિકસાવી અને જગતને શીખવાડી. આજે ગાંધીજયંતી છે અને આપણી આ શ્રેણીમાં વાત પ્રેમ વિશે ચાલી રહી છે એટલે 'ગાંધી અને પ્રેમ' વિશે થોડી વાત કહી. વળી, ગયા લેખના અંતમાં જે સવાલ ઉઠાવેલા કે 'અપેક્ષા વિના પ્રેમ કઈ રીતે થઈ શકે?' એનો આંશિક જવાબ પણ ગાંધીનીતિમાંથી જડી શકે તેમ છે. સાદી વાત છે. ગાંધી ગીતાના અનુયાયી હતા અને ગીતાનો સાર એ છે કે સચરાચરમાં છેવટે તો કૃષ્ણ જ છે, ઈશ્વર જ છે, પરમ તત્ત્વ જ છે. એક વાર જો આ વાત આપણા હૃદયમાં ઠસી જાય કે માણસ ચાહે કોઈપણ હોય, ગાંધી હોય કે હિટલર હોય, અમેરિકન હોય કે જાપાની હોય, પાકિસ્તાની હોય કે ભારતીય હોય, એની અંદર તો એ જ ચૈતન્ય છે જે વિશ્વવ્યાપી છે, તો પછી એને અપેક્ષા વિના ચાહવામાં થોડી ઓછી તકલીફ્ પડે. આ પ્રકારના અપેક્ષાશૂન્ય પ્રેમ માટે ભક્તિ જોઈએ, શ્રદ્ધા જોઈએ. અને એ પણ એવી શ્રદ્ધા કે મારો ઇશ્વર આખા જગતનો ઇશ્વર છે. ગીતાના પરમેશ્વર કૃષ્ણ જેમના અવતાર છે એ વિષ્ણુ વિશે એવી કલ્પના ક્યારેય ન થઈ શકે એ ફ્ક્ત ભારતની જ ટેરિટરી સંભાળતા હશે. એ જ રીતે ઇસ્લામના ખુદા કે ખ્રિસ્તી ગોડ ફ્ક્ત મુસ્લિમ કે ખ્રિસ્તી દેશો પર જ ધ્યાન કેન્દ્રિત કરે એવું તો ભલભલા કટ્ટર મુસ્લિમો કે ખ્રિસ્તીઓ પણ નહીં વિચારી શકતા હોય. એટલે તો ગાલિબે કહેલું કે 'જબ કિ તુજ બિન નહીં કોઈ મૌજૂદ, ફ્રિ યે હંગામા એ ખુદા ક્યા હૈ'. જે છે એ ફ્ક્ત તું જ છે, તો પછી આ હંગામો શેનો છે? જગતમાં જે કંઈ છે અને જે કોઈ છે એ જો પરમતત્ત્વની જ અભિવ્યક્તિ હોય તો ભિન્નતા ક્યાં રહી? હા, દેખીતી ભિન્નતા સ્પષ્ટ છે. દેશો અલગ છે, સમાજો અલગ છે, માન્યતાઓ અલગ છે, ધરમો અલગ છે, માણસો અલગ છે, પરંતુ ગીતાનો કૃષ્ણ જ્યારે વિરાટરૂપ ધરે છે ત્યારે અર્જુન જોઈ શકે છે કે સરવાળે તો બધું જ કૃષ્ણ છે. 'આ વિરાટ વડલાનું મૂળ તો એક જ છે' એ એક એવું સત્ય છે જેને આસ્તિકો માને છે અને નાસ્તિકો (ખાસ તો ઉત્ક્રાંતિનું વિજ્ઞાાન પચાવી ચૂકેલા રેશનાલિસ્ટો) સરળતાથી સ્વીકારી શકે છે. જે ચેતના મારી અંદર છે એ જ ચેતના તમારી અંદર છે એવું જો સમજી શકાય તો મારા-તમારા વચ્ચેનું માનસિક અંતર ઘટાડી શકાય. ન સમજાયું? વાત બહુ અઘરી અને ભેદી અને વેવલી લાગી? ઓ.કે. માની લઈએ કે તમને આ રીતે એટલે કે ગાંધીની રીતે કે કૃષ્ણની રીતે કે ગીતાની રીતે વિચારવાનું ન ફવે તો એક સામાન્ય મનુષ્યની માફ્ક, વેપારીની માફ્ક વિચારીએ. માની લો કે પ્રેમ એક કોમોડિટી છે, પદાર્થ છે. માની લો કે તમે કોઈને ૧૦૦ ગ્રામ પ્રેમ આપો છો. હવે જો બદલામાં તમારે એટલો જ (અથવા તો એથી પણ વધુ) પ્રેમ વળતરરૂપે જોઈતો હોય તો શરત એટલી જ છે કે ૧૦૦ ગ્રામ પ્રેમ આપ્યા પછી બદલામાં એક ગ્રામ પ્રેમ પણ માગવાનો નહીં કે એની અપેક્ષા રાખવાની નહીં. ૧૦૦ ગ્રામ પ્રેમ આપી દીધા પછી તમે જો વળતરની-રિટર્નની સહેજ પણ ફ્કિર નહીં કરો તો તમને બદલામાં મિનિમમ ૧૦૦ ગ્રામ પ્રેમ મળે, મળે અને મળે જ. જગતમાં પ્રેમનો આ વેપારી નિયમ ક્યારેય સરવાળે ખોટો ઠર્યો નથી. વણિક ગાંધી આ વેપારી નિયમ બરાબર પચાવી ચૂકેલા. આ નિયમ ન સમજાય તો પણ એ વિશે જાતે થોડું વિચારી જોજો.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OstePtNsL_1BJ4-DOFrp2x8iZEdtyDHuo4b6AYr1aiy3g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment