સંજય ઘરમાં પ્રવેશ્યો ત્યારે રમાબેન મોટે મોટેથી લગ્નગીત ગાતાં હતાં. ઘડીક દરવાજે ઊભો રહી એ માને ગીત ગાતી સાંભળી રહ્યો... માનો કંઠ આટલો સારો છે, એ તેણે પહેલીવાર જાણ્યું... એ ઘરમાં પ્રવેશ્યો.
સંજય નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું. પિતાની મૂડીને માએ સાચવી, પોતે પણ કંઈ ને કંઈ કામ કરતી અને ઘર પૂરતું રળી લેતી. અરે! ઘર પૂરતું જ કેમ, દીકરા સંજયને ઉચ્ચ અભ્યાસ કરાવીને પગ પર ઊભા રહેવાને લાયક પણ માએ જ બનાવ્યો. વર્ષો વીતી ગયા. પતિનો વિરહ હવે કોઠે પડી ગયો હતો અને પુત્ર સંજયે સુખનાં દ્વાર પણ ઘરમાં જડાવી દીધાં હતાં. માતાને હવે એક જ ઈચ્છા, આશા કે ઉમેદ કહો તો એ હતી કે, ક્યારે સંજય પરણે અને ક્યારે આ ઘરમાં રૂમઝુમ કરતી વહુના કુમકુમ પગલાં થાય! સંજયનું મન કળી શકાતું નહોતું. માતાના અતિ આગ્રહ છતાં તે લગ્ન કરવા તૈયાર જ થતો નહોતો. વળી, એ એક પછી એક નોકરીઓ બદલ્યા કરતો એટલે માતાએ પણ આગ્રહ કરવાનું છોડી દઈ પોતાની ઉમેદના ઉમળકાને રોકવાનું જ પસંદ કર્યું હતું, પણ તેને મનમાં ચિંતા સતાવતી હતી કે, દીકરા સંજયની ઉંમર વધી જશે તો? તો, કદાચ પછી કોઈ કુંવારી ક્ધયા તેની રાહ જોઈ થોડી બેસી રહે... તેણે ભાગ્ય પર છોડી દીધું... અને સંજય ખરેખર લગ્નની વય વટાવી ગયો. મા વલોપાત કરતી રહી... વલખાં મારતી રહી! ઘરમાં પ્રવેશતાં જ સંજયે માતાના કંઠના વખાણ કર્યા. "મા, તું તો એટલું સુંદર લગ્નગીત ગાતી હતી કે, પરણવાનું મન થઈ જાય... મા હરખાઈ ગઈ, પૂછ્યું: "ખરેખર બેટા? સંજય આજે છોકરી જોવા જવાનો હતો, તે જાણતો હતો કે, તેણે તેના પતિથી ફારગતી લીધી છે અને પોતાની માતાની સાથે રહે છે. નામ હતું તેનું સીમા... એ સીમાની માતાના ઘરમાં પ્રવેશ્યો કે એક ચાર પાંચ વર્ષનું બાળક દોડીને તેને બાઝી પડ્યું અને બોલ્યું: "પપ્પા તમે આવી ગયા? એ તાળી વગાડીને તેની નાની અને મમ્મી સીમાને કહેવા લાગ્યું: "આ જુઓ, મારા પપ્પા આવી ગયા... એ સીમાનો દીકરો હતો. સંજયે તેને તરત જ તેડી લીધો અને વ્હાલ કરતાં કહ્યું: "હા બેટા, હું આવી ગયો. તારા પપ્પા આવી ગયા. એ સાંભળીને દીકરાએ સંજયના ગળે હાથ ભેરવીને, તેના ખભા પર માથું ઢાળી દીધું... હવે તેના પપ્પા આવી ગયા હતા, તેવા અનન્ય સંતોષ સાથે. સીમા અંદરના ઓરડેથી બહાર આવતાં ઊંબર પર થંભી ગઈ. તેણે વિચાર્યું. મારા પુત્ર ખાતર પણ મારે આ પ્રેમાળ માણસ સાથે લગ્ન કરવાં જોઈએ. બીજી તરફ સંજય પણ એવા નિર્ણય પર આવી ગયો કે, છોકરીમાં જે કાંઈ ગુણ હોય, પણ આ માસૂમ ફૂલ ખાતર મારે આ લગ્ન કરીને બાગ મઘમઘતો કરવો જોઈએ! પરણી ગયાં સંજય અને સીમા. પૌત્રના આગમનથી સંજયની માતા ઘેલી ઘેલી થઈ ગઈ. ઘર કિલ્લોલતું થયું. દિવસો સુખની સીમા વટાવીને પસાર થઈ રહ્યા હતા અને સીમાને ઓધાન રહ્યાની ખબર ઘરની દીવાલો વચ્ચે પડઘાવા લાગી. ઘરમાં ખુશીની છોળો ઊડવા લાગી. સીમાએ બરાબર નવમે મહિને એક સુંદર દીકરીને જન્મ આપ્યો. સંજયની માતાએ ઈશ્ર્વરને પ્રાર્થના કરતાં રાજીપો વ્યક્ત કર્યો કે, "ભાઈને તેની બહેન મળી ગઈ! સૌ સારા વાનાં કરો પ્રભુ... મહિનાઓ વીતી ગયા પણ સીમા પ્રસૂતિ પછી શ્ર્વસુર ગૃહે આવવાનું નામ ન લેતી હોઈ, સંજયને આશ્ર્ચર્ય થયું. માતાના હૃદયમાં ફાળકો પડ્યો. બાધા, માનતા ને પ્રાર્થનાઓ શરૂ કરી. સીમાએ કહી દીધું "હું નહિ આવું. માતા પુત્ર પર વજ્રાઘાત થયો. સીમા તેના નિશ્ર્ચયમાં અડગ રહી. એ નોકરી કરીને બંને સંતાનોને ઉછેરવા લાગી. સીમાની માતા સીમાના આ નિર્ણયથી ખુશ નહોતી. એ પૂછતી - "કારણ શું છે? જવાબ મળતો - મારે મારી રીતે જીવવું છે! સંજય હિજરાતો રહ્યો. સંતાનો પર દૂર રહીને નજર રાખતો પણ એક દિવસ તેને જાણવા મળ્યું કે, બાજુના દુકાનદારે તેની વહાલસોઇ મોટી થતી જતી પુત્રી સાથે અડપલાં કર્યા છે, તેનું નિવારણ કરવાનું વિચારે ત્યાં સુધીમાં એવા સમાચાર મળ્યા કે, તેનો પુત્ર ચરસ ગાંજાના રવાડે ચઢ્યો છે. સ્કૂલ જવાના બહાને નજીકના કબ્રસ્તાનમાં ચરસીઓ સાથે પડ્યો પાથર્યો રહે છે... એક દિવસ સીમાને કોર્ટનું તેડું આવ્યું. સંજયે બંને સંતાનોનો કબજો મેળવવા કોર્ટમાં દાદ માગી હતી. નિયત તારીખે બંને સંતાનોને લઈ, સીમા કોર્ટમાં હાજર થઈ. સંજયને જોતાં જ પુત્ર દોડતો આવ્યો, અને બાઝી પડ્યો: "પપ્પા, તમે આવી ગયા? દૂર ઊભેલી બહેનને લઈ આવી બોલ્યો: "આ આપણા પપ્પા છે, એ આવી ગયા છે, આપણે પપ્પા સાથે જ રહીશું હો, બહેન. ન્યાયાધીશે સીમાને કહ્યું, "ચુકાદો તમારાં સંતાનોએ આપી દીધો છે, તમે શું વિચારો છો? હળવા પગલાં માંડતી એ સંજયને આવીને ભેટી પડી અને બોલી - "ચાલો આપણે ઘેર! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsgPeq%3DJdNm3AHHjgmCtdJhS_bLMnk7QTM_K3ovBGt5GQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment