ટ્રેન આગળ વધતી હતી અને બારી બહારનાં દ્રશ્યો પાછળ છૂટતાં જતાં હતાં… શ્રવણે વિચાર્યું… જીવનનું પણ આવું જ છે ને…! અત્યારે એના મનમાં પણ શ્રેયસ સાથે થયેલ સંવાદના પ્રતિધ્વનિરૂપ વિચારો ઊઠી રહ્યા હતા. આજે બાજુની સીટ ખાલી હતી. શ્રેયસ આવ્યો નહોતો. શ્રવણને ચિંતા થાય એ સ્વાભાવિક હતું… બંને જણ એક કારખાનામાં રાતપાળી નોકરી કરતા હતા. ત્યાં જવા માટેની ટ્રેન પણ બેઉની એક જ. રોજેરોજની ઘટમાળ અને સતત સાથે રહેવાથી બેઉ વચ્ચે નિકટતા કેળવાઈ હતી. જોકે કોઈનાથી નિકટતા થાય એટલે એમાં આત્મીયતા હોય જ એવો કોઈ નિયમ નથી… પરંતુ અહીં આ સંબંધમાં જાણે બેય વસ્તુની હાજરીનો અહેસાસ એક બીજાને થતો. ઓછું ભણતર, કુટુંબના સંજોગો, મોંઘવારી, છોકરાઓનું ભવિષ્ય અને ભણતર સહિતનાં રોજ-બ-રોજનાં ખર્ચ…! આટઆટલી વાતની સમાનતાએ બેઉને સમાનપણે નજીક લાવી મૂક્યા હતા એમ કહીએ તો જરાયે અતિશયોક્તિ ન કહેવાય અને એટલે જ તો એકબીજાની તકલીફ અને એની અસરને પણ બેઉ જાણ બરાબર રીતે સમજી શક્તા હતા ને…! ઘાણીના બળદ જેવી એકધારી વૈતરું કરાવનારી જિંદગીમાં એકબીજાને વાત કરીને હળવા થવાનું ઠેકાણું એટલે આવડી આ ટ્રેન…!!! એમાં જ તો શ્રેયસે વાત કરેલીને, પોતાની માની બીમારીની.
નાનપણમાં રંડાપો વેઠીને એણે છોકરાઓને મોટા કર્યા હતા. પોતાની ઈચ્છાઓને હોમીને પણ એને છોકરાઓની પૂરી થઈ શકે એટલી ઈચ્છાઓને પૂર્તિ કરી હતી…અને છોકરાઓને પણ આ વાતનું બરાબરનું ભાન હરઘડી રહ્યા કરતું એટલી સંવેદનશીલતા પણ સંતાનોને મા પાસેથી જ મળેલી, વારસામાં જ સ્તો વળી!
એવી માને ઢળતી ઉંમરે કંઈ જ તકલીફ કે દુઃખ ન થાય, એનું મનથી ધ્યાન શ્રેયસ રાખતો જ… પણ કહ્યું છે ને ઘડપણ એટલે બીજુ બાળપણ…! ઉંમરની સાથે-સાથે મન બદલાય છે, તો વ્યેવહાર પણ બદલાય જ. દીકરાની સ્થિતિને નજર સામે જોનારી- સમજનારી મા જ્યારથી બીમારીમાંથી બેઠી થઈ છે ત્યારથી એક જ રટણ લઈ બેઠી છે…મરતા પહેલા એકવાર હરિદ્વારની ગંગામાં ખંખોળિયું અંતિમ ખાઈને મનખા દેહને પવિત્ર કરવા, બસ…! શ્રેયસના મુખેથી આ વાત સાંભળતાં શ્રવણની આંખો ભીની થઈ ગઈ હતી. એને યાદ આવી ગઈ બાપુજીની માંદગી-ઈચ્છા-આર્થિક સંકડામણ… માની ઈચ્છાને પૂરી કરવાની પૂરેપૂરી નિયત તો હતી શ્રેયસની, પરંતુ એ માટે જરુરી એવી મિલકતની બરકત નહોતી…! ઘરનાં ખર્ચા, છોકરાઓનાં ટયૂશન અને ઉપરથી નજર સામે જ જુવાન થઈ રહેલી બહેનના લગ્નની ચિંતા…આ બધામાં માની યાત્રા વિશે એ કરે તો પણ શું કરી શકે? આ મતલબની વાત બે દિવસ પહેલા જ ટ્રેનમાં શ્રેયસે શ્રવણને કરી હતી અને આજે એ પોતે જ કારખાને નથી આવ્યો…! ક્યાંક માની તબિયત?…
ના…ના…એવું ન બને… શ્રવણનું મન ચિંતાથી ઘેરાવા લાગ્યું.
'ખ…ટા…ક'- કરતી ટ્રેન ઊભી રહી.
વગર પૂછયે ટોળામાંથી જાણવા મળ્યું હતું કે પાટા પર કોઈ પુરુષે પડતું મૂક્યું હતું.
શ્વાસભેર દોડી જઈને શ્રવણે કશીક ખાત્રી કરી, શ્વાસ તો હેઠો બેઠો, પરંતુ ચિંતાએ એનો કેડો ન મૂક્યો.
રાતપાળી કરીને આવ્યા પછી થોડીવાર આરામ કરવાની ટેવને કોરાણે મૂકી શ્રવણે સ્વસ્થ-સ્વચ્છ થઈ સવાર-સવારમાં બહાર જવાની તૈયારી સાથે ચંપલમાં પગ નાખ્યો કે… ચાલમાં કપડાં સૂકવતી પત્નીની પ્રશ્નસૂચક નજરને ખાળવા ઉતાવળે બોલી પડયો… 'કહું છું સાંભળે છે! બાપુજીને શ્રાદ્ધ માટે જે બ્રહ્મભોજ રાખ્યો છે એ કેન્સલ કરવો પડશે…સગાં-વહાલાં અને બહેનું-દીકરીયુંને જરા ફોનથી ના કહી દે જે ને!' પત્ની સ્તબ્ધ! પાટલૂનના ખિસ્સા પર કાળજીથી હાથ દાબીને શ્રવણ સડસડાટ એ દિશામાં દોડયા, જયાં શ્રેયસનું ઘર હતું. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsACui-NfeUJ-swCcxdXRAAp0_d4Sdey0h%3DMrHH0Kz4aw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment