એક મહિલા રેસ્ટોરાંમાં ટેબલ પર ચા પીવા બેઠી છે. વેઇટર આવે છે અને તેની ચામાં પા ચમચી સાકર નાખે છે. તે મહિલા વધુ સાકર માગે છે. કપમાં એક ચમચી સાકર નાખવામાં આવે છે. મહિલા વધુ માગે છે અને વેઈટર આવીને એક કોથળો ભરીને સાકર ઠાલવે છે. સ્વિડિશ ભાષાના 'લરગોહમ' શબ્દ અને સ્વિડનની આ ફ્લિસૂફી સમજાવતો આ વીડિયો છે. સ્વિડનની પ્રજા વિશ્વભરમાં સૌથી વધુ ખુશ અને આનંદિત પ્રજાઓમાંની એક ગણાય છે. તેમની ખુશી અને શાંતિપૂર્ણ જીવનનું રહસ્ય છે 'લરગોહમ'. કોલેજિયન આર્યનાનો કબાટ કપડાંથી ખીચોખીચ છે. કોલેજ, પાર્ટી, નવરાત્રિ, લગ્ન, તહેવારો માટેનાં એમ ઢગલાબંધ કપડાં એમાં ભર્યા છે. શોભનાબેનનું રસોડું વાસણોથી ખીચોખીચ છે. દિવાળીમાં નાસ્તા પીરસવા માટેની ક્રોકરીથી માંડીને વેવાઈ જમવા આવ્યા હતા એ વખતનો ડિનર સેટ, જાતભાતના તપેલાં, જુદા-જુદા પ્રકારનાં તવાઓ અને કંઈક કેટલુંય ભરેલું છે. દીપના શૂ-રેકમાં સ્પોર્ટસ, ફેર્મલ શૂઝ, સ્લીપર, ચંપલ, સેન્ડલ્સ એમ કુલ મળીને જૂતાંની ૨૨ જોડી છે. દીપકભાઈની રેડિમેડ કપડાંના મુંબઈ, પૂણે, ચેન્નાઈ, કોલકાતા અને હૈદ્રાબાદમાં એમ કુલ મળીને બાર સ્ટોર્સ છે અને હવે તેઓ દુબઈમાં પણ એક સ્ટોર શરૂ કરવામાં વ્યસ્ત છે. મહિનાના વીસેક દિવસ તેઓ બહારગામ હોય છે. તેમની પાસે સમયની સતત અછત હોય છે. ચીજવસ્તુઓ હોય કે ઈન્ટરનેટ પર સમય વ્યતીત કરવાનો હોય, ખાવા-પીવાનું હોય કે ધંધા-વ્યવસાય માટે સમય ફળવવાનો હોય, આપણે દરેક બાબતમાં અતિરેક કરતા થઈ ગયા છીએ. વેબ સિરીઝ દર્શાવતી નેટફ્લિક્સ તેમજ અન્ય સ્ટ્રિમિંગ એપ્સ આવ્યા પછી બિન્જ વોચિંગ શબ્દ આવ્યો. દિવસ કે રાતના એકસાથે પાંચ-છ કલાક વેબ સિરીઝ જોઈ નાખવાની, એનું નામ બિન્જ વોચિંગ. આઝાદીની ચળવળ વખતે કે ત્યાર પછીના થોડાં વર્ષો સાદગી અને કરકસરનો મહિમા હતો. પછી એક આખી નવી પેઢી આવી જેમણે કહ્યું કે અમારી પાસે જે છે એ અમે શા માટે ન માણીએ? ત્યાગ, બલિદાનનું સ્થાન ભોગવાદે લઈ લીધું. વાનગીઓથી માંડીને વસ્ત્રોમાં, મોબાઇલથી લઈને મોટરમાં વેરાઈટી આવી ગયાં. મનોરંજન માટે સેંકડો ચેનલો અને મોબાઇલ એપ્સ આવી ગયા, છતાં આપણને જે જોઈતું હતું એ સુખ તો ન આવ્યું. એને બદલે ડ્રગ્સ, ડિપ્રેશન અને સુસાઇડ વધી ગયાં. આનું કદાચ મુખ્ય કારણ છે સંતુલનનો અભાવ. સ્વિડનની 'લરગોહમ' જીવનશૈલી કહે છે કે કશાયનો ત્યાગ નથી કરવાનો પણ જેટલું જોઈતું હોય એટલું જ ખરીદો અને વાપરો. જે છે એનાથી વધુ મેળવવા માટેની દોડમાં લાગવાને બદલે જે છે એને પહેલાં માણો તો ખરા! થોડાક ધીમા પડો. આખો દિવસ ઊંધું ઘાલીને કામ કરવામાં જ રચ્યાપચ્યા ન રહો. ધંધો, વ્યવસાય કે નોકરી કરો પણ પોતાની જાત સાથે, પહાડો કે દરિયાકિનારે નહીં તો છેવટે ઘર નજીકના બગીચામાં જઈને થોડો સમય કુદરતના સાનિધ્યમાં વિતાવો. પોતાની જાતને સાંભળો એમ પરિવાર, મિત્રો કે પરિચિતોની વાત પણ કાન દઈને સાંભળો. અધીરા ન બનો. બીજાઓ સાથે પણ થોડું વહેંચો. લાખોનું દાન કે સમાજસેવાના કાર્ય કરવાની જરૂર નથી. પણ આપણી આસપાસના લોકોની આપણે કેટલી નોંધ લઈએ છીએ? ડ્રાઇવરને કે કામવાળી બાઈને તેના બાળકો વિશે આપણે છેલ્લે ક્યારે પૂછયું હતું? મોબાઇલમાં મેસેજ કે ફેન પર વાત કરતાં કરતાં રોજ આપણે વોચમેન પાસેથી પસાર થઈ જઈએ છીએ. છેલ્લે ક્યારે આપણે તેમને એક સ્મિત આપીને કેમ છો એવું પૂછયું હતું? ટેક્સી ડ્રાઇવર કે વેઇટરને ધન્યવાદ કહેવાનું આપણને યાદ રહ્યું હતું? બુદ્ધ ભગવાન સાધનાકાળમાં હતા અને તેમનું શરીર કૃષકાય થઈ ગયું હતું. એ વખતે તેમણે એક સિતારવાદક અને તેના શિષ્યને વાતચીત કરતા સાંભળ્યા હતા. સિતારવાદક કહી રહ્યા હતા કે સિતારના તારને એટલા પણ ન ખેંચવા કે એ તૂટી જાય અને એટલા ઢીલા પણ ન છોડવા કે એમાંથી સંગીત ન નીપજે. બુદ્ધ ભગવાનને ત્યારે સત્ય લાધ્યું જેને તેમણે કહ્યું- સમ્યક. સ્વિડનનો લરગોહમ એટલે કદાચ બુદ્ધે આપેલો સમ્યકનો સિદ્ધાંત જ. ન ઓછું, ન વધારે; ખપ પૂરતું જ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvkW4gR3%3D7gsSHuVBsFgKYL4CFgB%2B0fRk7F1j1pNgoBYQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment