Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દીકરો વતન છોડીને પરદેશ ઊડી જાય ત્યારે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દીકરો વતન છોડીને પરદેશ ઊડી જાય ત્યારે!   
દિલની વાત -દિનેશ દેસાઈ

ઘણા દિવસોથી કાશીબા વ્યથિત હતાં. હૈયામાં ઉચાટ હતો. કેમેય કરીને ચેન પડતું નહોતું. રાતે ઊંઘ આવતી નહીં. જરાક સૂતાં હોય અને અચાનક ઝબકીને જાગી જાય. ઘર આખું ખાવા દોડે. પાંચ ઓરડાના મકાનમાં પોતે એકલાં જણ. છતાં પરિવારે એકલાં ને નોંધારાં. થોડા દિવસ તો જેમ તેમ કરીને વીતી ગયા પણ હવે બધું સૂનું સૂનું લાગવા માંડ્યું હતું.

પડોશીઓ પણ વાતો કરવા લાગ્યાં હતાં પણ કાશીબા કયા મોઢે લોકો સાથે વાતો કરે? કેમ કે અત્યાર સુધી લોકોને જુદું સંભળાવ્યું હતું અને હવે લોકોએ જુદું સાંભળ્યું હતું. વાત વાયરે ચઢીને ગામમાં ફેલાઈ ગઈ હતી. ઘરની બહાર નીકળે ત્યારે રસ્તે જે મળે તે કાશીબાને પ્રશ્ર્નાર્થભરી નજરે જોતાં પણ કાશીબા એમ મચક આપે એવાંય નહોતાં.

સૂંડલામાં શાક ભરીને ફેરી કરતી કશલીએ એક વાર તો પૂછી જ નાખ્યું કે "કાશીબા, તમે તો મોટા ઉપાડે કાયમ માટે શહેરમાં વસતા દીકરાના ઘરે રહેવા ગયાં હતાં ને? આમ ગણતરીના દિવસોમાં જ પાછાં કેમ આવી ગયાં?

કૌશલ્યા નામથી એને કોઈ ન ઓળખે. બધા એને કશલી કહીને જ બોલાવે. વળી જબાનની મીઠી એટલે બધા એની પાસેથી જ શાકભાજી લે. દિલની ભોળી પણ થોડો પંચાતિયો સ્વભાવ ખરો. વાતોડિયણ પણ ખરી એટલે ગામ આખાની વાતો જાણે.

કશલીએ તો જાણે ચૂંટિયો ભર્યો હોય એમ કાશીબા છેડાઈ પડ્યાં અને બોલ્યાં કે "તને બધાએ બહુ માથે ચઢાવી રાખી છે. એ તો ઠીક છે કે હું જવા દઉં છું. ચાલ, છાનીમાની દોઢ સો ગ્રામ દૂધી જોખી દે, એટલે પછી હું ઢેબરા ટીપવા માંડું. તું તો નવરી છે ને મારે હજી ઘણાં કામ કરવાનાં બાકી છે.

"બા, ખોટું ના લગાડશો પણ આ તો તમારી સાથે જીવ મળી ગયેલો છે એટલે પૂછી નાખ્યું. કશલીએ વાત ચાલુ જ રાખી.

બા હવે જરા નરમ પડ્યાં હતાં ને બોલ્યાં કે "ના, વાત એવી નથી, જેવી તમે બધા લોકો માનો છો.

"તો પછી વાત શું છે એ તો કહો, લોકો કેવી કેવી વાતો કરે છે? એકના એક છોકરાએ તમને ઘરમાંથી કાઢી મૂક્યાં તે તમારે આ ગામડે ગામ એકલાં રહેવાં આવવું પડ્યું. દીકરાની વહુ તમને ત્રાસ દેતી હતી અને એવું બધું... કશલીએ તો પુછી જ નાખ્યું.

થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયેલાં કાશીબા આખરે ગળગળા થઈ ગયા. કહે કે "મારો છોકરો છે ને મારી વહુ છે. અહીં ગામમાંય મારું જ ઘર છે ને? મારી મરજી, મારે શહેરમાં રહેવું કે ગામમાં. એમાં લોકોને શું?

કશલી પણ શાકભાજીનો સૂંડલો કોરાણે મૂકીને ઊભા પગે બેસી પડી.

હવે કાશીબાનો બંધ તૂટી પડ્યો: "નથી મારી વહુએ કાઢી મૂકી કે નથી મારા દીકરાનો કોઈ વાંક. વાંક તો મારા કરમનો, મારા નસીબનો.

નાનકડા ગામમાં જીવાભાઈ પટેલ આબરૂદાર માણસ. જીવાભાઈ - કાશીબાને એકનો એક દીકરો, અનિકેત. ભણવા-ગણવા શહેરમાં મોકલ્યો ને શહેરનો થઈને જ રહી પડ્યો. પટેલની ખેતીવાડી વરસોવરસ સૂકાતી ચાલી. ઘરના કામકાજમાં ધ્યાન કોણ આપે? પાછલી અવસ્થાએ વળી જીવાભાઈ પણ બિચારા કેટલું ખેંચે? ઘરનું ગાડું જેમતેમ ગબડતું. બે માણસને વળી ખાવા પણ કેટલું જોઈએ?

અનિકેતે શહેરમાં જ ગુપચુપ લગ્ન કરી લીધાં હતાં. એને બીક હતી કે મા-બાપને કહીશ તો ગામડા ગામની ક્ધયા સાથે જ સગપણ કરાવી દેશે. પટેલને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને રહી રહીને હૃદયરોગે પણ સપડાવ્યા. કાશીબાએ પણ હામ ન હારી. બધા ખર્ચને પહોંચી વળવા ધીરે ધીરે બધી જમીન વેચાવા માંડી. ખાટલે પડેલા પટેલને શું ખબર કે હોસ્પિટલ અને દવાના ખર્ચા ક્યાંથી આવે છે? આખરે પટેલ માંદગી સામે હારી ગયા અને હૃદયરોગના ત્રીજા હુમલામાં દેવ થઈ ગયા.

એકલાં પડેલાં કાશીબા પાસે ગામડે મા-બાપને મળવા જ્યારે વહુ અને બે બાળકોને લઈને અનિકેત આવ્યો ત્યારે તેને તો ખબર પડી હતી કે હવે બાપ રહ્યા નથી. જો કે બાપના જીવતે જીવ તો દીકરાની હિંમત નહોતી કે પ્રેમલગ્ન કર્યાની વાત કરે અને મ્હોં બતાવી શકે. કદાચ બાપના મર્યાની વાત ઊડતી ઊડતી પણ સાંભળી હોય, એટલે જ હવે દીકરો ગામ આવ્યો હોય એ સમજતાં કાશીબાને કંઈ વાર ન લાગી. જો કે વરસો પછી દીકરો ઘરે પાછો ફર્યાનો હરખ અને મૂડીનું વ્યાજ કોને વહાલું ન લાગે?

દીકરો લોકલાજે ગણો કે મોટા ઉપાડે ગણો પણ એકલાં પડેલાં બાને શહેરમાં સાથે લઈ તો આવ્યો પણ બાને દીકરા-વહુ સાથે ન ફાવ્યું તે ન જ ફાવ્યું. કદાચ વહુએ જ બાને ફાવવાં ન દીધાં.

"બા, તમે વહેલાં ઊઠી જાવ છો એ તો સારી વાત છે પરંતુ સવેલા નાહી-ધોઈને તૈયાર થઈ જતાં હોવ તો? નિકિતા વહુ કહેતી.

"હું તો મારા ગામડામાં જેમ બધા કામ પરવારીને પછી જ નાહવા-ધોવાનું કરીશ. બા કહેતાં.

"- પણ વહેલાં તૈયાર થાઓ, સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરો તો જરા સારું લાગે ને. વળી, હવે તો તમે અહીં શહેરમાં આવી ગયાં છો ત્યારે તમારે ગામ જેવાં કોઈ કામ પણ કરવાનાં નથી અને અહીંની રીત-ભાત પ્રમાણે રહો તો અમારું પણ સારું લાગે. અહીંના પ્રમાણે તમારે ટેવ પાડવી પડશે, જો અહીં રહેવું હોય તો - વહુ બોલી પડી.

નિકિતા બાનાં વાસી કપડાં અને દુર્ગંધથી સૂગ અનુભવી રહી હતી. બાળકો સ્કૂલ માટે સવારે વહેલા નીકળી જાય તે છેક સાંજે આવે અને પાછા ટ્યુશન જાય. અનિકેત પણ સવારે ઑફિસ જતો રહે તે પણ મોડેથી ઘેર આવે. આખો દિવસ નિકિતાએ જ અજબની બદબૂ સામે

ઝઝુમવું પડે.

"એટલે તું કહેવા શું માગે છે? હું ભૂંડી લાગું છું એમ જ ને. દીકરાને જન્મ આપ્યો, ઉછેરીને મોટો કર્યો. ભણાવ્યો-ગણાવ્યો તે આ દિવસ જોવા માટે? - અને હું કોઈ શોભાની પૂતળી છું કે તમે લોકો કહો એમ જ મારે રહેવાનું? હું તો આ ચાલી મારે ગામ. હું કોઈનેય ભારે પડું એમ નથી. મને એકલીને રહેતાં આવડે છે. મારે કોઈનાં ઓશિયાળાં થઈને રહેવું નથી. કાશીબા જાણે વિફર્યાં હતાં.

"બા, એવી કોઈ વાત નથી. તમે અમને કંઈ ભારે પડતાં નથી, પણ થોડું સમજો તો સારું. દીકરો-વહુ બેઉ બાને સમજાવવાનો પ્રયાસ કરતા.

આ તરફ સિત્તેર વર્ષનાં કાશીબા કહેતાં કે "એના કરતાં તો ભગવાન મને ઊપાડી લે તો સારું.

કશલી એક ધ્યાન થઈને કાશીબાની વાતો સાંભળી રહી હતી. એય ખુદ વિમાસણમાં પડી ગઈ હતી કે આખરે વાંક છે કોનો? કાશીબાનો કે માના જણ્યાનો?

એક વાર પાડોશીએ બાને કહેલું કે "આટલું મોટું મકાન છે, તમે એકલપંડ્ય છો. બધું વાપરી પણ ન શકો અને સાફસફાઈ પણ ન કરી શકો. એકાદ-બે ઓરડા ભાડે આપી દેતાં હોવ તો?

"ના, ભ'ઈ ના. એ વાત જ ખોટી. હું જીવું છું ત્યાં સુધી તો

ભાડેય નહીં અને વેચવાનીય વાત નહીં. અંજળપાણી હશે ત્યાં સુધી જીવીશ અને રહીશ. બા આવેશમાં આવી ગયાં હતાં.

દીકરો દર મહિને નિયમિત અમુક રકમ ગામડે બાને મોકલી આપતો હતો. એમાં બાનો ગુજારો થઈ જતો હતો. ઓણ સાલ ભારે વરસાદમાં મેડીબંધ મકાનની પછીતનો ભાગ નુકસાન પામ્યો ત્યારે બાએ મરામતનો ખર્ચો મંગાવ્યો હતો પણ દીકરાએ તો સાફ શબ્દોમાં ઈનકાર કરી દીધો હતો.

દીકરાએ કહી દીધું હતું કે "બા, તમારે સમજવું જોઈએ કે અહીં શહેરમાં અમે માંડ માંડ ઘરસંસાર ચલાવીએ છીએ. તમારે અહીં અમારી જોડે શહેરમાં રહેવા આવી જવું હોય તો ઠીક, બાકી જુનું ઘર એટલે ખાતું ધન કહેવાય અને હાલ અમારી પાસે એવા કોઈ રૂપિયાની સગવડ નથી.

એ દિવસે તો કાશીબાને હાડોહાડ લાગી આવ્યું હતું અને મનોમન બબડ્યાં હતાં કે "દેવના દીધેલ જ્યારે મોટા થઈને ડામ દે ત્યારે ડીલ નહિ, દિલ સળગી ઊઠતું હોય છે.

કાશીબાના પડોશના મકાનને પણ વરસાદથી નુકસાન થયું હતું. તેણે ઘરનો થોડો ભાગ રિપેર કરાવવાનું કામ કાઢ્યું હતું. એક જ દીવાલ હોવાથી પાડોશીએ ભેગું કામ કરાવવા માટે ભાગે પડતો ખર્ચો માંગ્યો હતો, પણ કાશીબા શું બોલે?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhHnjyPFwW8JpetN%2B%2BxaZFyFqMPEWtGBF1TXrs%3DC9Q0Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment