સપ્ટેંબર માસમાં આવેલા બે ધાર્મિક પ્રસંગો ગણેશચતુર્થી - ગણેશોત્સવ અને શ્રાદ્ધપક્ષ અને સ્ત્રીઓના દરજ્જાની વાત થઈ. આ વખતે એક ઓર ધાર્મિક પ્રસંગ છે અને તે છે મોહર્રમનો. મોહર્રમ કોઈ ઉત્સવ નથી. આપણે જાણીએ છીએ કે શિયાપંથી મુસ્લિમો અમુક દિવસ માતમ, વેદનામય શોક પાળી છેલ્લે મોહર્રમને દિવસે શોકની પરાકાષ્ઠાએ પહોંચે છે. એમના પંથના પ્રારંભકાર અને હઝરત પયગંબરના દોહિત્ર ઈમામ હુસેનની કુરબાનીને આ દિવસ આલેખે છે, સ્મરે છે. ગ્રેગોરિયન કે ખ્રિસ્તી કેલેંડરમાં ૩૬૫ દિવસ છે અને વિક્રમ, શક કે ગમે તે સંવત હોય પણ હિંદુ કેલેંડરમાં ૩૬૦ દિવસ છે એટલે લગભગ મળતા સમયે બંનેના તિથિ માસ મળતા આવે છે. ઈસ્લામી કેલેંડરમાં દિવસો ઓછા હોવાને કારણે મોહરમ કે ઈદ વગેરે દસ દસ દિવસ આગળ પાછળ થતા હોય છે. સિક્યુલર ઉત્સવો પણ સપ્ટેંબરમાં છે. સિક્યુલરિયા વગેરે કહીને કોઈ આ દિવસોને ભાંડે તે અગાઉ સ્પષ્ટ કરવાનું કે અહીં ધાર્મિક નહીં પણ ધર્મનિરપેક્ષ ઉત્સવોનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે પ્રજાસત્તાક દિન કે માતૃદિન વગેરે. આ બે ઉત્સવો છે શિક્ષક દિન અને સર્વોદય જયંતી. બંને આ મહિનામાં આવે. શિક્ષક દિન પાંચ સપ્ટેંબરે અને સર્વોદય જયંતી અગિયાર સપ્ટેંબરે. એક રાષ્ટ્રપ્રમુખ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે અને બીજો વિનોબા ભાવેનો, કહે છે કે ડૉ. રાધાકૃષ્ણનનો જન્મદિન એમના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મનાવવા માગતા હતા ત્યારે એમણે કહ્યું કે તમારે તમારા શિક્ષકને સન્માનવા છે તો તમે તમામ શિક્ષકગણના કાર્યને જ ઊજવો ને! પંતપ્રધાન જવાહરલાલ નેહરુએ ઉત્સાહથી આ વાત વધાવી લીધી અને પાંચ સપ્ટેંબર એમનો જન્મદિન ૧૯૬૨થી ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવાય છે. એમનો જન્મ આ દિવસે ઈ.સ.૧૮૮૮માં થયેલો. નસીબદાર હતા કે ઈન્દિરા ગાંધી દેશ પર ઈમર્જન્સી ઠોકી બેસાડી લોકશાહી હકોને રદ કરે તે અગાઉ ૧૭ એપ્રિલ, ૧૯૭૫ના દિવસે એમનું અવસાન થયું. જેને પાળી, પોષી અને દૃઢ બનાવવામાં એમનું પણ પ્રદાન હતું તે લોકશાહી પરનો આ કઠોર આઘાત એમણે જોવો ન પડ્યો. જોવાની વાત એ છે કે ડૉ. રાધાકૃષ્ણન હતા ઊંડા ધર્મઅભ્યાસી. તુલનાત્મક ધર્મ વિશે એ નિષ્ણાત. 'અદ્વેત'ને સમજાવવા અને વર્તમાન સમયમાં એનું અર્થઘટન કરવાનું એમણે કામ કર્યું. પશ્ર્ચિમના દેશોમાં ભારતીય ધર્મ વિશે જે ગેરસમજ પ્રવર્તતી હતી તે દૂર કરવા માટે એમણે વિપુલ લેખન કર્યું. આઝાદીની લડતમાં એમનો સીધો હિસ્સો ન હતો અને છતાં પોતાના કાર્યથી એમણે ભારતની દેશવિદેશમાં શાન વધારેલી. ભારતીય સંવિધાન નિર્માણમાં ભાગ લેવા તેઓ ચૂંટાયેલા અને તે અગાઉ યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ, પછી સોવિયેત યુનિયનમાં આપણા એલચી અને ૧૯૫૨માં ઉપરાષ્ટ્રપ્રમુખ બનેલા. પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના અવસાન પછી એ રાષ્ટ્રપતિ ૧૯૬૨માં બન્યા તે અગાઉ પ્રાધ્યાપન કાર્ય કરેલું, અલગ અલગ અને મહત્ત્વની યુનિવર્સિટીઓમાં. ખૂબીની વાત છે કે ડૉ. રાધાકૃષ્ણન્ મોટા ધર્મઅભ્યાસી અને એ ક્ષેત્રમાં ફિલસૂફ અને નેહરુ સિક્યુલર, ધર્મને અંધશ્રદ્ધા સાથે જોડતી એકે ગતિવિધિમાં એ માને નહીં અને ધર્મનિરપેક્ષ શાસનમાં માને. એમને અને રાધાકૃષ્ણન્ને ભારે લગાવ. તેનું કારણ હોઈ શકે કે રાધાકૃષ્ણન્ માટે ધર્મ અંગત શ્રદ્ધાનો વિષય હતો. એમની વિદ્વત્તા એમને ધર્મનું રાજકારણ ખેલવા દેતી નહીં. એ આધુનિક પોષાક જોડે દ. ભારતના બ્રાહ્મણોની જેમ પાઘડી પહેરતા, એમના કાળમાં એ સ્વાભાવિક હતું. ગાંધીજી પણ પાઘડી પહેરીને કોર્ટમાં જતા. દ. આફ્રિકામાં એમને જજ સામે એ કાઢવાનું કહેલું તે એમને રુચેલું નહીં. કેમકે આપણી પરંપરામાં પાઘડી ઉતારવી પડે એ નામોશી ગણાતી. તર્કસંગતવાદી નેહરુ અને ધર્મજ્ઞાની રાધાકૃષ્ણન્ને બને તેમાં નવાઈ નહોતી, કારણ કે ધર્મની સમજ, ઓળખ અને લેખન તેમ જ અધ્યાપનમાં એ ક્યાંયે તર્કવિહીન નીતિ રાખતા નહીં. ભારતીય સ્વાતંત્ર્ય લડત કાળમાં આપણી પાસે અનેક વિદ્વત્તાપૂર્ણ નેતાઓ હતા. ૧૯મી સદીમાં તો તેથી પણ વધુ, ટિળકની આલોચનાવાળી ગીતાઆવૃત્તિ જાણીતી છે. ડૉ. આંબેડકરે બે બે મોટી યુનિવર્સિટીઓમાંથી પોતાના અભ્યાસ થકી ડૉક્ટરેટ મેળવેલી. નેહરુ પોતે આ લોકો જેવા તેજસ્વી વિદ્યાર્થી નહોતા પણ એમનું વાચન વિશાળ હતું. જેલવાસ દરમિયાન પુત્રી ઈન્દિરાને પત્રો લખતાં લખતાં એમણે જગતના ઈતિહાસની રૂપરેખાનો મોટો ગ્રંથ તૈયાર કર્યો. 'ડિસ્કવરી ઑફ ઈન્ડિયા' ગ્રંથ પાછો અલગ. ગુરુપૂર્ણિમા અને શિક્ષકદિન આ બંનેનો ભેદ સમજી લેવા જેવો છે. આજે ભાગ્યે જ કોઈ શિક્ષકને ગુરુ કહી શકાય, સિવાય કે વિદ્યાર્થીઓને ઘરે રાખીને લગનથી અને ભૌતિક ખેવનાઓને પ્રાધાન્યા આપ્યા વિના કોઈ સંગીત કે નૃત્ય શીખવતા હોય કે વેદાભ્યાસ કે કાંઈ કરાવતા હોય કોઈ તો. પ્રાચીન કાળના ગુરુઓ વનવાસમાં હતા, ક્યારેક રાજ્યાશ્રમ માટે શહેરમાં આવતા અને બ્રાહ્મણો તથા ક્ષત્રિયોના દીકરાઓને શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યા આપતા. ક્યારેક કોઈ પ્રાઈવેટ ટ્યૂશન ટાઈપના દ્રોણાચાર્ય રાજધાનીમાં જ રહી જતા. જોકે, આ ગુરુએ કર્ણને ક્ષત્રિયપુત્ર ન હોવાને કારણે વિદ્યા ન આપી કે આદિવાસી એકલવ્યને તગેડી તો મૂક્યો પણ પાછો આગળ જતાં એનો અંગૂઠો પણ કાપી લીધો વગેરે આપણી કલ્પનાના ગુરુઓમાં એ બંધબેસતા નથી. આપણે ત્યાં એવા એક વાયડાભાઈ હતા જે સાહિત્યક્ષેત્રે શિક્ષણકાર્ય અને શિક્ષણક્ષેત્રે સાહિત્ય અભ્યાસમાં રહી મોટાઈ મારતા. ઘણાએ એમને દ્રોણાચાર્યનું બિરુદ આપેલું, કેમ કે દ્રોણાચાર્ય મહત્ત્વને સમયે દુર્યોધન પક્ષે રહેલા તેવું જ આ ભાઈએ કરેલું. એમનું એક ઉપનામ બ્રહ્મરાક્ષસ પણ હતું. વ્યાવસાયિક શિક્ષણક્ષેત્રે એક જાણીતી વાત છે કે સામાન્ય કે ઠોઠ નિશાળિયા જ આવા શિક્ષકો માટે ગુરુભક્તિ રાખે, તેજસ્વી વિદ્યાર્થીઓ એમની પામરતા સમજી ગયા હોય. સોથી ઓછાં વર્ષ અગાઉ આધુનિક ગુરુમાઈઓનો પ્રવેશ થયો. તે સિવાય હજારો વર્ષ જૂના અને અનેકવિધ રીતે પળાતા હિંદુધર્મમાં આપણે મહિલા ગુરુ ભાગ્યે જ જોયાં છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં મહિલાઓ સંસાર ત્યાગ કરીને મોક્ષ તરફ ગતિ કરે છે, હિંદુ ધર્મમાં પરંપરાગત રીતે અમુક અવતાર પછી અને પુરુષ શરીર મળે તે પણ અમુક જ્ઞાતિના તો મોક્ષ થાય. ગાર્ગી જેવાં વિદૂષીના ચેલાઓ વિશે જાણવા મળ્યું નથી અને ઋષિ અરુંધતી પણ જીવનસાથી જોડે આશ્રમ ચલાવતાં. મધ્યકાલીન યુગમાં જે જ્ઞાતિઓને મંદિર પ્રવેશ નહોતો, ગર્ભગૃહ સુધી પહોંચવાની છૂટ નહોતી તેમણે ભક્તિમાર્ગે ગુરુ થકી ઈશ્ર્વર સુધી પહોંચવાની મજલ લીધેલી. અહીં આપણને સુંદરતમ ભજનો મળેલાં છે અને મહિલાઓ પણ એમાં સામેલ હતી. અહીં બે ઉપલી જ્ઞાતિનાં સંતકવિઓ મળે છે જે છે મીરાં અને નરસિંહ. મીરાંબાઈના ગુરુ રોહિદાસ "ચમાર જાતિના હતા અને નરસિંહ મહેતાની નીચી ગણાતી જ્ઞાતિઓ જોડે ભજનરાત્રિઓ જાહેર છે. ત્યાર પછી આ ધીરે ધીરે ગુરુ-વ્યવસ્થા એવી કથળી કે ચલમ ફૂંકનારા બાવાથી માંડીને મીઠી જીભે પ્રવચન કરનાર સુધીના ગુરુઓ ફૂટી નીકળેલા. આમાંના લેભાગુઓ વિશે સ્વ. હસમુખ ગાંધીને ગુરુપૂર્ણિમા પ્રસંગે લખીને બળતરા કાઢતા જાણ્યા છે. મને એવું લાગે છે કે સંસ્કૃત શ્ર્લોક ગુરુર્ બ્રહ્મા... કદાચ કોઈ ગુરુએ જ લખ્યો, લખાવ્યો કે પ્રચલિત કર્યો હશે, તેમના સિવાય લખતું તો કોણ? અહીં પગ પકડવાની, નાણાં કે ભેટ આપવાની પ્રથા હવે જાણે સર્વવ્યાપી થઈ ગઈ છે. કમનસીબે બંને પ્રથાનો ભેદ ન સમજનારા વ્યાવસાયિક શિક્ષક પણ પગે લાગવા બેસી જાય છે. બાળમંદિરમાં માત્ર સ્ત્રીશિક્ષકો હોય છે. પ્રાથમિક કક્ષાએ વધુ સ્ત્રીશિક્ષકો, ત્યાર પછી એમનું પ્રમાણ ઘટતું જાય છે, પણ એમાં પણ સુધારો થઈ રહ્યો છે. શિક્ષકનો વ્યવસાય માથાકુટિયો છે અને કદાચ ધીરે ધીરે એ મોટી મેજોરિટીથી સ્ત્રીઓને હસ્તક થઈ જશે. શિક્ષકદિને ઉત્તમ શિક્ષકોને એવૉર્ડ આપવામાં આવે છે ત્યારે યાદ રાખવાનું કે શિક્ષકોને ફૂલ, આરામ કે મિજબાની મળે એ શિક્ષકદિનની ઉજવણી નથી. અહીં શિક્ષકોએ પોતે ફરી એક વાર વચન લેવું પડે કે વ્યાવસાયિક તરીકે તેઓ પ્રતિબદ્ધ છે. પોતે પોતાના જ્ઞાનનો વિકાસ કરશે, કરતા રહેશે અને વિદ્યાર્થીઓને સર્જનશીલતાથી અવનવી રીતે શીખવશે. કામના બોજાની ફરિયાદ સતત કરવાનું શોભે છે? સાતમા પગાર કમિશનના અધધધ વધારા પછી પણ? મારું સદ્નસીબ કે મને ઉત્તમ શિક્ષકો મળ્યાં જેમને વિશે લખવાનું હવે પછીથી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsYNip3SHUa_B8vVsA5E-KzDVkt5u6P_Te0O%2BFLKo%2BQBA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment