Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ 2025માં તોળાનારા જળસંકટનો વિકલ્પ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હવામાંથી પાણી 2025માં તોળાનારા જળસંકટનો વિકલ્પ?
અનિશ ઈનામદાર

ગુજરાતના ગામડેથી એક જણ, મુંબઈમાં અફલાતૂન એટલે કે અધધધ પગારની નોકરી મળી એટલે હોંશે હોંશે આવ્યો, ફેમિલીને લઈને! પણ ભાયડો ત્રણ જ મહિનામાં પાછો ગામડે જતો રહ્યો, નોકરી છોડીને! એનું કહેવું હતું કે, "યાર મુંબઈમાં હંધુય હારું 'તું, પણ ભૈશાબ ઘરની મંઈ હવ્વારમાં હાડા ચારે પોણી આવેન તેય હાળું પંદેર મિનિટ માટે... લ્યો. આવું તે કંઈ વૉય? નંઈતર ટેન્કરનું પોણી મગાવવાનુું. ના ફાયું ભઈ આપડાનં. આપડું ગોમ હારું. એયને લીલાલે'ર ને મોબલક પોણી. જોકે, હવે તો એનાં ગામમાં પણ મબલખ પાણી નથી મળતું. દેશના અને જગતના લગભગ દેશોમાં મબલખ પાણી નથી મળતું. પીવાનાં પાણીની તીવ્ર અછતની બૂમ સર્વત્ર એકધારી, એકસરખી કાન બહેરાં કરી નાખતી જોરદાર છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી જગતભરમાં પાણીનાં સ્રોતો સૂકાતાં જવાનાં સંશોધનો મગજની નસો તાણી નાખતાં ગાજી રહ્યાં છે. પાણી બચાવોના નારા પણ એટલા જ ચીસાકડાં પાડે છે. એ સાથે પાણી પામવાના નવા સ્રોતો શોધવાના પ્રયોગો પણ પૂરબહારમાં છે.

વિશ્ર્વભરમાં, સૂકાભટ રણપ્રદેશથી માંડીને મુંબઈ-બૅંગલુરુ જેવા ભેજથી ભરચક શહેરોની હવામાં પાણી રહેલું છે, ભેજ રૂપે! એક અંદાજ અનુસાર આપણી આસપાસની હવાના ભેજમાં લગભગ 3,100 ક્યૂબિક માઈલ (12, 900 ક્યૂબિક કિલોમીટર) જેટલું પાણી રહેલું છે. એ વિશ્ર્વના મોટામાં મોટાં કે વિશાળ જળાશયોમાં રહેલાં પાણી કરતાં અનેકગણું વધારે છે. જરા થોભો, આપણે અહીં વાદળોની કે વાદળોમાં રહેલાં પાણીની વાત કરતા નથી.

આ વાત તો આપણે શ્ર્વસીએ છીએ એ હવામાં રહેલા ભેજની છે, જે તમારા કોલ્ડ ડ્રિન્કના ગ્લાસની આસપાસ અથવા વૃક્ષો-વનસ્પતિનાં પાંદડાં ઉપર સવારની ઝાકળનાં ટીપાં રૂપે બાઝે છે... અને આ હવામાંનાં ભેજને શોષી લઈને તેમાંથી પાણી મેળવવાની હોડ લાગી છે. પ્રયોગો ચાલી રહ્યા છે. આ પ્રયોગોમાંથી કેટલાક પ્રયોગો સફળ થયા છે, પણ મોટા પાયે શુદ્ધ જળ મેળવવા માટે જે સાધનો-ઉપકરણો બનાવાઈ રહ્યાં છે તેમાં જો સફળતા મળી તો વિશ્ર્વનો તાજાં જળની સમસ્યાનો ઉકેલ આવી જશે.

વર્ષ 2025 સુધીમાં વિશ્ર્વની (ઝડપથી વધી રહેલી ) વસતિના ત્રણ હિસ્સામાંના બે હિસ્સાના (બે-તૃતીયાંશ) લોકો તીવ્ર જળ અછતની પરિસ્થિતિમાં વસવાટ કરશે એવી ધારણા વ્યક્ત કરાઈ છે. અત્યારે જ 2.1 અબજ લોકો ચોખ્ખાં પાણી વિના જીવી રહ્યાં છે. જગતના સૌથી વધુ ગરીબ લોકોને, જે પાણી પીવા માટે સલામત નથી એવી તેમને જાણ હોવા છતાં તે માટે વધુ પડતા નાણાં ચૂકવી રહ્યા છે. તેઓ આ પાણી પીવામાં, રાંધવામાં વાપરી રહ્યા છે, કારણ કે તેમની પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી.

અશુદ્ધ કે ખરાબ પાણીના ઉપયોગથી દર વર્ષે પ0,000 લોકોના અતિસાર-ડાયરિયા-વધુ પડતાં ઝાડા થઈ જવાથી મૃત્યુ પામે છે. જગતના શ્રીમંત દેશો ગરીબ દેશો કરતાં વધારે-અનેકગણું પાણી વાપરે છે. આ ધનિક દેશોમાં ઉત્ક્ટ પદ્ધતિની ખેતી અને ઉદ્યોગોને પગલે ભૂગર્ભમાં જળસ્રોતો તથા નદીઓના પટ તેમની ધારણા કરતાં વધારે ઝડપથી સૂકાવાં લાગ્યાં છે.

બીજો મુદ્દો ભરોસાનો, વિશ્ર્વાસનો છે. સત્તાવાળાઓ તેમની પ્રજાને 'સલામત છે' એમ કહીને જે જળ પુરવઠો કરે છે તેના પર એ પ્રજાને ભરોસો બેસતો નથી. અમેરિકાના મિશિગનના સિટી ઑફ ફ્લિન્ટમાં નળમાંથી આવતાં પાણીમાં કિરણોત્સર્ગ ધરાવતાં દ્રવ્યો, આર્સેનિક નામનું ઝેર અને સીસાનું પ્રમાણ મળ્યાં હતાં. મધ્યમ વર્ગના લોકો નળનાં પાણીને બદલે બાટલીનું પાણી લેવા માંડયા છે. વિશ્ર્વની બોટલમાં મળતાં પાણીનું બજાર વર્ષ 2013થી દર વર્ષે 10 ટકાના દરે વધતું જાય છે. 2017ના વર્ષમાં બોટલ દ્વારા 391 અબજ લિટર પાણી વેચાયું હતું. બીમારીઓ અને ગરીબી એમ બેઉ બાબતને ઘટાડવા માટે સાવ નવતર કે પ્રચલિત પદ્ધતિ કરતાં વેગળી રીતે પાણીનો સ્રોત શોધવાનું કાર્ય અતિશય આવશ્યક બની ગયું છે. વળી, એવો નવો સ્રોત ધનિક વપરાશકર્તાઓ કે ઉપભોક્તાઓને પણ પસંદ હોવાનો જ!

જોકે, હવામાંથી પાણી ખેંચી કાઢવાની રીત એમ, સાવ નવી પદ્ધતિ નથી. તમારા ઘરમાં જો ડિહ્યુમિડિફાયર મશીન (હવામાંથી વધારાનો ભેજ શોષી લેનારું યંત્ર) હોય તો એ પણ પાણી આપી શકે છે, પણ મેળવેલું એ પાણી ચોખ્ખું નથી હોતું, આપણને જરૂરી ખનિજ તત્ત્વો એમાં હોતાં નથી અને આખાં ઘરની જરૂરિયાત પૂરી કરી શકે એટલું અને એવું પણ નથી હોતું. એવી સેંકડો કંપનીઓે જે પીવાનાં પાણી માટે ડિહ્યુમિડિફાયર ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. મિકેનિકલ ડિહ્યુમિડિફાયરમાં ઠંડો કરી દેનારો રેફ્રિજરેટરમાં વપરાતા ગેસ ધરાવતાં ધાતુનાં અતિશય શીતળ ગૂંચળાં- કૉઈલ હોય છે. જેને કારણે કૃત્રિમ રીતે ડ્યૂ-પોઈન્ટ (ઝાકળ ઝમી જાય એટલી હદનું નીચું ઉષ્ણતામાન, વાયુને પ્રવાહી બનાવી દેતું ઉષ્ણતામાન કે જેના કારણે પાણીમાંની વરાળને ફરી પાણીમાં ફેરવાય એ) સર્જી દે છે.

દક્ષિણ આફ્રિકામાં એક કંપની ઘર માટે વૉટર કૂલર બનાવેે છે, જે દિવસમાં 32 લિટર પાણીનું ઉત્પાદન કરી શકે છે. એવી જ રીતે ભારતની એક કંપની પણ નાના કદનાં મશીનોથી માંડીને મોટા, ટ્રકની સાઈઝનાં મશીનો વેચે છે. આવાં મોટાં મશીનો ગામડાં માટે આદર્શ હોવાનું કહેવાય છે. જો કે, આ મશીનો ઉત્તમપણે કામ કરે એ માટે કેટલીક મહત્ત્વની બાબતો જરૂરી છે. દાખલા તરીકે મશીનની કાર્યક્ષમતા ચોક્કસપણે ભેજના તુલનાત્મક પ્રમાણને આધારિત છે એટલે કે હવામાં પાણીનું-ભેજનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એના પર મશીનની કાર્ય કરવાની શક્તિ જાણી શકાય! જે સ્થળોમાં હવામાં ભેજનું પ્રમાણ 80થી 90 ટકા હોય ત્યાં આ મશીનોની ક્મ કરવાની શક્તિ 60 ટકાથી વધારે પુરવાર થઈ છે... મુંબઈમાં ઉત્તમ ચાલતું આ મશીન ઈરાનમાં કદાચ નબળું પુરવાર થાય! કહેવાય છે કે ઈરાનમાં એ મશીન કદાચ 17 ટકા પરિણામ પણ ન આપી શકે. હવે તો જોકે, અમેરિકામાં એક એવી કંપની પણ આવી છે શિપિંગ ક્ધટેનરની સાઈઝનું મશીન બનાવે છે અને આ મશીન ફક્ત 15 ટકા ભેજ હવામાં હોય તો પણ ઉત્તમ કામ કરી શકે. એના નમૂનાના મશીનનો પ્રયોગ કરવામાં આવ્યો તો એવું તારણ નીકળ્યું છે કે, સખત ભેજવાળી પરિસ્થિતિમાં મશીન દિવસમાં 2000 લિટર પાણી બનાવે છે અને અતિશય સૂકા હવામાનમાં પણ 500 લિટર પાણી બનાવી શકે છે, એનાથી ઓછું તો નહીં જ.

જોકે, હવે હવામાંથી પાણી શોષવાની નવી ટેક્નોલૉજીમાં હવે રેફ્રિજરેશન કૉઈલ્સના બદલે હવામાંથી પાણી શોષી લે એવું એકદમ સૂકાં પદાર્થનું કેમિકલ સ્પન્જ જેવું સાધન મુકાય છે. આ કામ માટે એને ઊર્જાની આવશ્યક્તા રહેતી નથી એમ કહેવાયું છે. આ સાધનના ઉત્પાદકના કહેવા પ્રમાણે એ સૂકો પદાર્થ એવા જ ઝાઝાં મોંઘા નહીં એવા પદાર્થમાંથી બનાવાતો હોઈને જરૂરી પાણી મેળવવામાં ખર્ચ ઘટી જાય છે.

માણસજાતે પૃથ્વીના પેટાળમાં રહેલા એટલે કે ભૂગર્ભમાં રહેલા જળને એટલી બેરહેમીથી અને બેફામ રીતે ખેંચ્યું છે કે એ જળસ્રોતો એટલા ઊંડા જતા રહ્યા છે કે હવે પહેલાની જેમ કૂવામાંથી 35 ફૂટની ઊંડાઈએ પાણી મળતું નથી. ગુજરાત અને દેશના અન્ય કેટલાંક રાજ્યોમાં તો કૂવો ખોદતાં ખોદતાં 100 ફૂટની ઊંડાઈએ પાણી મળે છે. માણસે વળી, નદીના પાણી અતિશય વાપરી નાખ્યાને પગલે પટ સૂકવી નાખ્યા છે અને તેમાં ઉદ્યોગોના પ્રદૂષિત દ્રવ્યો ધરાવતાં પ્રવાહીનો નિકાલ કરી જળ ખરાબ કર્યાને પગલે ઘણે ઠેકાણે એ જળ પણ પીવા લાયક રહેવા નથી દીધું ત્યારે માણસજાતે પાણી મેળવવાના અનેક અન્ય વિકલ્પો શોધ્યા પણ સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવવાનો ઉપાય ખાસ્સો મોંઘો પડે છે અને હિમાલય કે આલ્પ્સ જેવા બરફાળ પર્વતોમાંથી કે ઉત્તર ધ્રુવ જેવા પ્રદેશોમાંથી હિમખંડો લાવી તેમાંથી પાણી મેળવવાનો ઉપાય કારગત બન્યો નથી ત્યારે હવે હવામાંથી પાણી ખેંચવાનો પ્રયોગ સફળ બનાવવા માણસજાત તનતોડ મહેનત કરી રહી છે, પણ અત્યંત સૂકા પ્રદેશમાં શું કરવું એ વિશે હજી સંશોધનો ચાલી રહ્યાં છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuPG7knZEXMZiKqFGWDc%3Dnfb-WydutcQFXSjYSVU7MpzA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment