Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કથાસરિતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કથાસરિતા!
મહેશ યાજ્ઞિક
 

 

આંધળી સાસુ અને કેન્સરગ્રસ્ત પતિ, બંનેની ચાકરી અઘરી છે, પણ તેમાં તમે શોર્ટકટ અપનાવ્યો.

 

રાત્રે બાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હતો. વરસાદને લીધે પાણી ભરાઈ ગયેલાં એટલે બાઈક ત્યાં મૂકીને જીપમાં ઘેર આવ્યો." પોલીસ સબ ઈન્સ્પેક્ટર રાઠોડ ફોન પર એના સાળાને સમજાવતો હતો. "તમારે ત્યાં સવારથી જ આવવાનું છે એ ખ્યાલ હતો એટલે તૈયાર થઈને ચા પીતો હતો ત્યાં અમારા ઈન્સ્પેક્ટરસાહેબનો ફોન આવ્યો કે ફટાફટ શુભદર્શન ફ્લેટમાં પહોંચી જાવ." અવાજમાં કંટાળા સાથે એણે ઉમેર્યું. "સમાજ કેવો થઈ ગયો છે અને લોકો કેવાં કેવાં કારનામાં કરે છે એ કંઈ સમજાતું નથી. દીકરાએ સગી માને મારી નાખી ને પછી પસ્તાવો થયો હશે એટલે પાંચમે માળથી પડતું મૂકીને આપઘાત કર્યો. હવે બપોર સુધી ત્યાં ખેતી કરવી પડશે. તમારાં બહેન અત્યારે આવે છે, કામ પતે કે તરત હું હાજર થઈ જઈશ." .

 

પોલીસની જીપ ફ્લેટના કમ્પાઉન્ડમાં પ્રવેશી ત્યારે ત્યાં ઊભેલું ટોળું થોડું પાછળ હટી ગયું. અગાઉ પહોંચી ગયેલા બે કોન્સ્ટેબલ રાઠોડની રાહ જોઈ રહ્યા હતા. રાત્રે પડેલા જોરદાર વરસાદને લીધે ફ્લેટના કમ્પાઉન્ડમાં ઠેર ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. .

 

"ડેડ બોડી અહીં પડ્યું છે." કોન્સ્ટેબલ આગળ વધ્યો એટલે રાઠોડ એને અનુસર્યો. પાંચ માળના ફ્લેટમાં પાછળ કોમન પ્લોટ હતો. ચાલીસેક વર્ષના માણસની લાશ ઉઘાડી આંખોને લીધે બિહામણી લાગતી હતી. સાવ નંખાઈ ગયેલી કૃશ કાયા, સતત ઈન્જેક્શન કે ગ્લુકોઝ ચડાવવા માટેની ફ્લેક્સિબલ સિરીન્જ જમણા હાથના કાંડા પર હતી. ગળામાં કાણું હતું અને એમાં ભરાવેલી નળી થોડે દૂર પડી હતી. માથામાંથી નીકળેલું લોહી પાણીના ખાબોચિયામાં ભળી ગયું હતું. આસપાસ માખીઓ બણબણતી હતી. .

 

"આ અરવિંદભાઈને કેન્સર હતું. છેલ્લા સ્ટેજનું..." લાશની સામે રાઠોડ આશ્ચર્યથી તાકી રહ્યો હતો એ જોઈને સોસાયટીના સેક્રેટરી મનુભાઈએ માહિતી આપી...

 

રાઠોડે ફોટોગ્રાફરને ફોન કરી દીધો અને કોન્સ્ટેબલની સાથે લિફ્ટ તરફ આગળ વધ્યો. મનુભાઈ અને કાન્તિકાકા પણ એમની સાથે લિફ્ટમાં ઘૂસ્યા..

 

પાંચમે માળ ડ્રોઈંગરૂમમાં સાવ સાદું ફનિંચર હતું. રૂમની વચ્ચે પાંત્રીસેક વર્ષની સ્ત્રી બે હાથ વચ્ચે માથું પકડીને બેઠી હતી. પડોશની ત્રણ સ્ત્રીઓ એની સાથે બેઠી હતી. "સાહેબ, હું ઊંઘતી રહી ગઈ ને કાળો કેર થઈ ગયો." રડી રડીને સૂઝી ગયેલી આંખોવાળી અનીતાએ રાઠોડ સામે હાથ જોડ્યા..

 

અંદર નાના બેડરૂમના પલંગ પર સિત્તેરેક વર્ષની વૃદ્ધાની લાશ પડી હતી. મોં પર ઓશિકું કે ગળું દબાવીને એને ગૂંગળાવીને મારી નાખવામાં આવી હતી..

 

સામેની વ્યક્તિ સંકોચ વગર વાત કરી શકે એ માટે અનુભવના આધારે રાઠોડે અમુક ટ્રિક અપનાવી હતી. બહાર આવીને એ અનીતાની સામે જ પલાંઠી મારીને બેસી ગયો. "હવે જે કહેવાનું હોય એ બોલો." સહાનુભૂતિ સાથે એણે કહ્યું. "મારે કોઈ ઉતાવળ નથી. શાંતિથી જે જે યાદ આવે એ કહો.".

 

"આઠ વર્ષ અગાઉ મારાં લગ્ન થયેલાં. ત્યારે જ એમણે સ્પષ્ટતા કરેલી કે મારી બાની આંખો સાવ નબળી છે, ડૉક્ટરે કહી દીધું છે કે ધીમે ધીમે એ સાવ આંધળી થઈ જશે. આ ઘરમાં પગ મૂક્યે બે વર્ષ થયાં ત્યારે સાસુની આંખો સાવ જતી રહી. ત્યારથી માંડીને આજ સુધી ભગવાન સાક્ષી છે કે એમની ચાકરી કરવામાં કોઈ દિલચોરી નથી કરી. સગી માની જેમ સાચવ્યાં છે એમને. તમે પડોશીઓને પૂછી જોજો.".

 

આટલું કહીને એ રડી પડી એટલે બાજુમાં બેઠેલી પડોશણે પાણી આપ્યું...

 

"મારા મિસ્ટરને તમાકુવાળા મસાલા ખાવાની કુટેવ હતી. સાહેબ! રાત્રે સૂતી વખતે પણ મોંઢામાં ડૂચો ભરાવેલો જ હોય. બે વર્ષ પહેલાં તકલીફ થઈ ત્યારે તરત ડૉક્ટર પાસે દોડેલા. એ ડૉક્ટર અમારા દૂરના સગા થાય. કેન્સરનું નિદાન થયું. ઑપરેશન કરાવ્યું અને જડબાનો થોડોક હિસ્સો કાઢી નાખ્યો ત્યારે ડૉક્ટરે ચેતવણી આપેલી કે હવે મરવું હોય તો મસાલા ખાજો. જો ફરી વાર કેન્સર થશે તો હું તો ઠીક, દુનિયાનો કોઈ ડૉક્ટર બચાવી નહીં શકે.".

 

નિરાશાથી માથું ધૂણાવીને એણે ઉમેર્યું. "ઑપરેશનના છ મહિના પછી સાહેબ પાછા રાજાપાઠમાં આવી ગયા. શરૂઆતમાં મારાથી છાનામાના ખાતા હતા પછી તો બિન્દાસ બનીને પહેલાંની જેમ ચોવીસેય કલાક મોંઢામાં ડૂચો હોય જ. છેલ્લે જેની બીક હતી એ જ પરિણામ આવ્યું. કેન્સરે ઉથલો માર્યો. ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહી દીધું કે એટલું બધું ફેલાઈ ગયું છે કે બધો આધાર ઉપરવાળા ઉપર છે. એ સાંભળ્યા પછી હું માથું પછાડીને રડતી હતી એ જોઈને એમને પારાવાર પસ્તાવો થતો હતો પણ હવે કોઈ ઉપાય હાથમાં નહોતો. આવી દશામાં એ મને ધરપત આપતા હતા કે તને ને બાને કોઈ વાંધો ના આવે એટલી જોગવાઈ કરી રાખી છે. ".

 

વચ્ચે વચ્ચે રડીને એ ધ્રૂજતા અવાજે બોલતી હતી."માણસ જેવો માણસ પોતાની મૂર્ખામીથી જિંદગી ફેંકી દે એ પછી પૈસાને શું કરવાના? માથે ધણીની છત્રછાયા હોય તો રોટલો ને મરચું ખાઈને પણ મીઠાશથી જીવી શકાય. એમની હયાતી ના હોય તો રંડાપામાં ગળે કોળિયા ઊતારવાનુંય આકરું લાગે. આખું ગળું સજ્જડબંબ થઈ ગયું.બીજા ઑપરેશન પછી ગળામાં નળી ભરાવીને લિક્વિડ આપવાનું શરૂ કર્યું ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે હવે લાંબુ નહીં ખેંચાય. હોસ્પિટલમાં મહિનો રાખ્યા પછી ડૉક્ટરે કહી દીધું કે હવે અહીં રાખો કે ઘેર લઈ જાવ, કંઈ ફેર નથી. એટલે ઘેર લાવ્યા. ઘરમાં એક રૂમમાં એમની આંધળી માની પથારી અને બીજા રૂમમાં એમની સારવાર ચાલે. શરીરમાં બોલવાનીયે તાકાત તો હતી નહીં, અવાજ પણ માંડ માંડ નીકળે. બે દિવસથી બબડતા હતા કે મારું મરવાનું નક્કી છે પણ મારી માની ચિંતા છે. મારા પછી એનું શું થશે?".

 

નિ:સાસો નાખીને એણે રાઠોડ સામે જોયું. "મારા પછી મારી આંધળી માતાની શી દશા થશે એ એક જ વિચાર એમના મગજમાં ઘૂમરાતો હશે એટલે છેલ્લે આવું પગલું ભર્યું. આટલા વર્ષથી સગી માની જેમ માજીની સેવા હું કરતી હતી એ એમણે જોયેલું તોય આવી મૂર્ખામી કરી. મારા ઉપર એટલો ભરોસો ના રાખ્યો એ ડંખની પીડા તો જિંદગીભર હૈયામાં સળગતી રહેશે.".

 

એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.થોડી વારે સ્વસ્થ થઈને એણે આગળ કહ્યું...

 

"આખો દિવસ એ બંનેની ચાકરીમાં દોડાદોડી રહે એટલે રાત્રે અગિયાર વાગ્યે મારા મિસ્ટરના રૂમના ખૂણામાં પથારી પર પડું કે તરત ઊંઘ આવી જાય. એમાંય રાત્રે વરસાદની ઠંડક હતી.સવારે સોસાયટીવાળાએ લાશ જોઈને ધડાધડ બારણું ખખડાવ્યું. સમાચાર સાંભળીને હું મારી સાસુ પાસે દોડી, એમને હડબડાવ્યાં પણ જીવતાં હોય તો જવાબ આપેને? એય મરેલાં પડ્યાં હતાં." એણે સોસાયટીના હોદ્દેદારો સામે જોઈને ઉમેર્યું."આ બધાએ પણ માજીની દશા જોઈને તાળો મેળવ્યો કે પહેલાં માજીને મારી નાખીને એમણે બાલ્કનીમાંથી પડતું મૂક્યું.".

 

"મગજ ઉપર કાળ સવાર થાય ત્યારે માણસને ભાન ભૂલાવી દે.સારા-નરસાનો વિવેક ભૂલીને એ પોતાનું ઘાર્યું કરે. પાછળવાળાની કેવી દશા થશે એ વિચારવાની અક્કલ એનામાં એ વખતે ના હોય." .

 

રાઠોડે સહાનુભૂતિથી પૂછ્યું."તમારાં સગાં-સંબંધીમાં કોણ હાજર છે? ફોટા પાડ્યા પછી બંને લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલવી પડશે. એ પતે પછી તમને કબજો મળશે." .

 

"સાસરા પક્ષે નજીકના સગામાં કોઈ નથી. મારો નાનો ભાઈ મહેસાણાથી અહીં આવવા નીકળી ગયો છે." .

 

"અમે બધા હાજર જ છીએ. કંઈ પણ કામ હોય તો કહેજો."મનુભાઈએ રાઠોડને કહ્યું...

 

ફોટોગ્રાફરે બંને લાશના જુદા જુદા એંગલથી ફોટા પાડ્યા.પંચનામા સહિતની બધી વિધિ પતાવીને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી એ અગાઉ અનીતાનો ભાઈ આવી ગયો હતો. મદદ માટે પડોશીઓ પણ ખડે પગે હાજર હતા. એ દરમિયાન રાઠોડે પડોશીઓને પણ નાના-મોટા સવાલ પૂછીને પોતાની ફરજ પૂરી કરી હતી. બંને લાશના પોસ્ટમોર્ટમમાં ખાસ્સી વાર લાગી એટલે છેક સાંજે સાડા પાંચ વાગ્યે લાશનો કબજો મળ્યો. એ પછી પડોશીઓના સહકારથી સાંજે અગ્નિસંસ્કારની વિધિ પણ પતાવી દેવામાં આવી...

 

ચોથા દિવસે સવારે પોલીસની જીપ સોસાયટીમાં આવીને ઊભી રહી એટલે મનુભાઈ અને બીજા પડોશીઓ ભેગા થઈ ગયા. જીપમાંથી રાઠોડની સાથે બે મહિલા કોન્સ્ટેબલ પણ નીચે ઉતરી...

 

"તમે બંને મારી સાથે આવો."મનુભાઈ અને જિતુકાકાને રાઠોડે સૂચના આપી એટલે એ બંનેએ આશ્ચર્યથી એકબીજાની સામે જોયું...

 

આખું ટોળું પાંચમે માળ પહોંચ્યું. આ બધાને જોઈને અનીતા લગીર ચમકી પણ બીજી જ સેકન્ડે જાત સંભાળીને બધાને અંદર આવવા દેવા માટે એ બારણામાંથી અંદર ખસી...

 

"આંધળી સાસુ અને કેન્સરના છેલ્લા સ્ટેજમાં પીડાતો પતિ-એ બંનેની એક સાથે ચાકરી કરવાનું કામ અઘરું છે. કોઈપણ સ્ત્રીને શારીરિક અને માનસિક રીતે થકવાડી નાખે એ કબૂલ,પણ એ પરિસ્થિતિમાં તમે બહુ ખતરનાક શોર્ટ કટ અપનાવ્યો!".

 

અનીતા સામે જોઈને રાઠોડ આવું બોલ્યો એટલે જાણે ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ બધા ભડક્યા...

 

"તમે શું કહેવા માગો છો?" અનીતાએ તીણા અવાજે પૂછ્યું. "શોર્ટ કટ એટલે વોટ ડુ યુ મીન?".

 

"હું જે બોલું છું એનો અર્થ મને ખબર છે અને તમે પણ સારી રીતે જાણો છો." રાઠોડે ઠંડકથી કહ્યું."પોલીસ ડિપાર્ટમેન્ટને સાવ ડફોળ માનીને તમે ઠંડી ક્રૂરતાથી પતિ અને સાસુને સ્વર્ગમાં મોકલી દીધાં. ઠંડા કલેજે આવું અધમ પાપ કરતી વખતે એ બિચારાઓની સહેજ પણ દયા ના આવી? તમારા હાથ પણ ના ધ્રૂજ્યા?".

 

"આવો ખોટો આરોપ મૂકતાં શરમ નથી આવતી?" અનીતા વિફરી."શું પુરાવો છે તમારી પાસે?" એણે પડોશીઓ સામે જોયું."આ સાહેબ મનઘડંત આરોપ મૂકે છે, તો તમે કેમ કંઈ બોલતા નથી?".

 

"વરસાદના અવાજનો લાભ લઈને પતિના દૂબળા દેહને તમે પાંચમા માળથી નીચે ફેંકી દીધો. એ બિચારા પાસે પ્રતિકાર કરવાની શક્તિ નહોતી. એ સો ટકા મરી ગયો છે એની ખાતરી કરવા તમે નીચે ગયાં, એ તમારી પહેલી ભૂલ. ચોરીના બહુ બનાવ બને છે એટલે બાજુની સોસાયટીના કોમન પ્લોટમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે એમાં તમારી સોસાયટીનો આ હિસ્સો પણ કવર થાય છે. રાત્રે બારને પાંત્રીસ મિનિટે તમારી આકૃતિ એમાં દેખાય છે...

 

બીજો સૌથી મોટો પુરાવો પોસ્ટમોર્ટમ રિપોર્ટ. તમારા પતિના મૃત્યુનો સમય રાત્રે સાડા બારની આસપાસનો છે અને તમારી સાસુ અઢી વાગ્યે મર્યાં છે. આંધળી સાસુ કદાચ જાગી ગઈ હશે અથવા ગળું ભીંસવા માટેની હિંમત અને શક્તિ ભેગી કરવામાં તમને વાર લાગી હશે. પી.એમ.રિપોર્ટમાં સમય જોયો કે તરત તમારું કારસ્તાન પકડાઈ ગયું. આજુબાજુ તપાસ કરીને સીસીટીવી શોધી કાઢ્યા.ધેટસ્ ઑલ.".

 

રાઠોડે ઈશારો કર્યો એટલે બંને મહિલા કોન્સ્ટેબલે અનીતાને જકડી લીધી...



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvFE9_2fqdCAq8kkbC1cAqJKVGCWSnTz5UUoWvfJhSAiQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment