Saturday, 6 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નવી પેઢી ખરેખર સ્માર્ટ છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નવી પેઢી ખરેખર સ્માર્ટ છે?
ટેક્નોવર્લ્ડ - લોકમિત્ર

 


સામાન્યપણે એવું માનવામાં આવે છે કે, જૂની પેઢીના લોકો નવી પેઢીને ઓછી કે કાચી આંકવાની બીમારીથી ગ્રસ્ત છે. અમે જ્યારે કિશોરવયના હતા ત્યારે બુઝુર્ગોનાં મોંએ અકસર એવું સાંભળતા કે, આજકાલનાં ભણતરમાં શું દાટ્યું છે? એ સાથે એ લોકો એવું પણ અત્યંત સાહજિક રીતે કરહી દેતા કે, "અગાઉનો મિડલ ભણેલો છોકરો આજના ગ્રેજ્યુએટ બરાબર છે. અમે લોકો પણ આવી વાતોને ઘરડાઓનો ભ્રમ છે એમ સમજીને અવગણતા હતા..., પણ કેટલાક દિવસ અગાઉ એક કિશોરને મામૂલી સરવાળા-ઉમેરા, બાદબાકી કરવામાં એકદમ લાચાર-અસહાય જોયો ત્યારે મને ખરેખર આંચકો લાગ્યો અને હું એમ વિચારવા માટે મજબૂર થઈ ગયો કે શું આજની, નવી પેઢી ખરેખર સ્માર્ટ છે?

 

વાત એમ બની કે, હું રોજ સવારે એક જ દુકાનમાંથી દૂધ, બ્રેડ, માખણ અને ઈંડાં જેવી ચીજો ખરીદું છું. એક દિવસ હું એ દુકાનમાં ગયો તો જોયું કે દુકાનમાલિકનો પુત્ર ગલ્લા પર બેઠો છે. મેં રોજની જેમ જ દૂધ, બિસ્કિટો, ઈંડાં, માખણનો સ્લેબ અને બીજી એક-બે જણસો ખરીદી. પછી છોકરાને પૂછ્યું, કેટલા પૈસા થયા? એટલે એ ચારેતરફ નજર દોડાવીને કેલક્યૂલેટર શોધવા લાગ્યો. એણે ડ્રોઅરમાં પણ ઉથલાવી-ઉથલાવીને શોધ્યું, પણ ગણિત કરનારું યંત્ર એને ના મળ્યું. આ દરમિયાન મેં એને ફરી પૂછ્યું કે, કેટલા પૈસા થયા, દીકરા? પણ એ કશું ના બોલ્યો. એના ચહેરા પર હળવે પગલે એક અજબ પ્રકારની લાચારી પ્રગટવા લાગી. વળી, એણે એક કે બે વાર કાગળ પર થોડા આંકડા પાડીને સરવાળો કરવાનો પ્રયાસ કર્યો, પણ કદાચ એને જ પોતાની ગણકરી પર ભરોસો ના પડ્યો હોય એમ અતિશય દયનીય રીતે મારી સામે જોઈને કહેવા લાગ્યો, "અંકલ, તમે જ ગણી લો ને જે થતા હોય તે. મેં કહ્યું કે, તું જ કહે કેટલા થયા? એટલે એણે ફરી સરવાળો કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ થયો એટલે નારાજગીથી કહેવા લાગ્યો , "પૈસા તમે કાલે પપ્પાને આપી દેજો, હું સામાન નોંધી લઉં છું.

 

મને નવાઈ એવી લાગી કે આ છોકરો કેટલા પૈસા થયા એ કેમ નથી કહી શકતો અને આટલો બધો લાચાર કેમ દેખાય છે? પછી ખબર પડી કે એને કેલક્યૂલેટર નથી મળતું અને એ છ-સાત વસ્તુના ભાવ કાગળ પર કે મોઢે સરવાળો કરીને ગણી શકવાની હિંમત કરી શકતો નથી. એને ભરોસો જ નહોતો પડતો કે એની ગણતરી સાચી છે. આ સમસ્યા સાંભળવામાં ભલે એકદમ સામાન્ય લાગે, પણ આસપાસમાં બારીકાઈથી નજર નાખશો તો યુવાન પેઢીના છોકરાઓ ફક્ત સરવાળા-બાદબાકીના મામલામાં જ નહીં, પણ દરેક નાના-મોટા મામલામાં પણ ટેક્નિકલ સુવિધાઓ પર વધુ પડતો આધાર રાખતી થઈ છે.

 

આજે તમે કોઈ યુવાનને કોઈ ફોન નંબર પૂછો તો શાયદ જ એને એ નંબર યાદ હશે. એ તરત જ પોતાના મોબાઈલમાં રહેલી ફોનડાયરી ખોલશે. એ જોઈને જ એ તમને જોઈતો ફોન નંબર કહી શકશે. પરેશાન કરે એવી બીજી વાત એ છે કે એ જ ડાયરીમાં એના મમ્મી-પપ્પાનો ફોન નંબર પણ હોય છે! વાત ફક્ત ફોન નંબર સુધી જ સીમિત નથી. તમે એને કોઈ સ્કોર પૂછો તો તરત જ મોબાઈલ પકડવાનો. કોઈ કથન કે ઉક્તિ વિશે પૂછો તો કે આ કથન આ મહાનુભાવનું છે કે નહીં તો એ તમને ગૂગલમાં સર્ચ કરવાનું સીધું નહીં કહી શકતો હોય તો જાતે ગૂગલમાં ખાંખાખોળા કરવા માંડશે. ગૂગલે આપણને તમામ નાની નાની વાતો યાદ રાખવાની કડાકૂટમાંથી લગભગ મુક્ત કરી દીધા છે અને એને આપણે ટેક્નોલૉજીની મોટી સિદ્ધિ માનીએ છીએ.

 

આપણે કોઈપણ પ્રકારના અભ્યાસપૂર્ણ તારણ પર પહોંચ્યા પહેલા જ કહી દઈએ છીએ કે, 'આજની પેઢી બહુ સ્માર્ટ છે'. એમ પણ કહીએ છીએ કે, 'હવે એ પહેલાના જેવી નથી રહી. એના કામની ગતિ અતિશય ઝડપી છે. એના સંપર્કો અને સંદર્ભોનો વ્યાપ બહુ મોટો છે. એની જાણકારીઓ વ્યાપક અને સમયસરની છે.' પણ આ ત્યાં સુધી જ સંભવિત છે જ્યાં સુધી નવી પેઢી પાસે સ્માર્ટ ફોન છે અને એ ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન છે... નહીં તો આ પેઢીને પોતાની જાત પર કશો ભરોસો નથી! એક જમાનામાં મશ્કરીમાં એમ કહેવાતું હતું કે, નવી પેઢીના છોકરા બે વત્તા બે એટલે ચાર એમ નક્કર આત્મવિશ્ર્વાસ સાથે કહી શકતા નથી! આ મશ્કરી હવે સચ્ચાઈ બનતી જતી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પશ્ર્ચિમના રાષ્ટ્રોમાં એવા કેટલાય અચાનક કરાયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૫૦ ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે જો કેલક્યૂલેટર કે કેલક્યૂલેટર ધરાવતા મોબાઈલ ફોન ન હોય તો બે વત્તા બે ચાર થાય છે એમ પૂરા આત્મવિશ્ર્વાસ સાથે નથી કહી શકતા.

 

આવી પરિસ્થિતિમાં એવો સવાલ ખડો થાય છે કે, શું ખરેખર આજની પેઢી સ્માર્ટ છે? શું ટેક્નોલૉજીએ આપણને ખરેખર અતિશય ગતિશીલ બનાવી દીધા છે? નવી પેઢીના યુવાનો વેગવાન જિંદગી જીવતાં દેખાય તો છે તે પોતાની ક્ષમતા પર નહીં, પણ ટેક્નોલૉજીના કારણે એ ઝડપ છે. પળવાર માટે જો ટેક્નિકલ સુવિધાનો, ટેક્નોલૉજીનો સાથ છૂટી ગયો તો પછીની પળે આજનો યુવાન મંદબુદ્ધિનો બની જાય છે. નાના નાના સરવાળા-બાદબાકીમાં પણ એને એટલો વિશ્ર્વાસ નથી રહે તો કે એ જે પરિણામ મેળવી રહ્યો છે એ ખરેખર સાચાં છે. ૯૦ના દશકમાં જયાં સુધી મોબાઈલ ફોન નહોતા આવ્યા ત્યારની વાત છે, મશહૂર લેખક ખુશવંત સિંહે પોતાના એક લેખમાં શ્રીનગરના ટેલિફોન એક્સચેન્જની એક મહિલાનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, એ મહિલાને આખા શહેરના તમામ ટેલિફોનોના નંબરો મોંઢે હતાં. આ તો ખેર, એક્સ્ટ્રાઑર્ડિનરી કે અસામાન્ય કે અપવાદરૂપ ખૂબી કહેવાય, પણ ૯૦ના દશક સુધી તો લગભગ લોકોને આઠથી દસ ટેલિફોન નંબર મોંઢે યાદ રહેતા હતા, પણ આજકાલ એમાં પણ ખાસ કરીને યુવાન પેઢીના લોકોને ભાગ્યે જ એક કે બે ટેલિફોન નંબર યાદ રહેતા હોય છે.

 

તો આનું કારણ શું? એ પણ એક સવાલ છે. શું રોજિંદા જીવનમાં ટેક્નિકલ બાબતો પર કે ટેક્નોલૉજી પર વધુને વધુ નિર્ભરતા રાખવાને પગલે આપણે પોતાના મગજ પરનું નિયંત્રણ અને પોતાનો આત્મવિશ્ર્વાસ ગુમાવી રહ્યા છીએ? સમાજશાસ્ત્રીઓ તો દૃઢપણે એમ જ માને છે! જોકે, ન્યૂરોસાયન્ટિસ્ટો આ બાબતે માનવામાં ખચકાય છે. વાત એમ છે કે, જગતના ખાસ્સા જાણીતા અને પ્રતિષ્ઠિત ન્યૂરોસાયન્ટિસ્ટ ડીન બર્નેટ આ સવાલના જવાબમાં કહે છે કે, "ના, આ બાબતે ગૂગલને દોષિત ઠેરવવાનો કશો અર્થ નથી ને એવી જરૂર પણ નથી અને એવું માનવાની પણ હરગિજ જરૂરત નથી કે ટેક્નિકલ બાબતો અને ટેક્નોલૉજી પર અત્યાધિક નિર્ભર રહેવાથી નવી પેઢી બુદ્ધુ બની રહી છે! આ ઉત્તર બાદ સવાલ એવો ખડો થાય છે કે, તો પછી સ્માર્ટ પેઢીના યુવાનો નાના નાના સવાલોના જવાબ આપવામાં આટલી બધી લાચાર-અસહાય કેમ દેખાવા લાગે છે.

 

ડીન બર્નેટ જેવા ન્યૂરોસાયન્ટિસ્ટનું કહેવું છે કે, "ખરેખર કે હકીકતે સમાર્ટનેસના સંબંધે આપણી માન્યતાઓ પુરાણા ખયાલોથી પ્રભાવિત છે. એક કાળ હતો જ્યારે યાદદાસ્ત કે સ્મરણશક્તિ બૌદ્ધિકતા કે બુદ્ધિશાળીપણાનું પ્રતીક હતી અને એ દિવસોમાં ભણવા-લખવાની વ્યવસ્થામાં પણ ચીજોને યાદ રાખવાની બાબતે ભાર મૂકવામાં આવતો હતો. હવે એવું નથી, કારણ કે હવે ભરોસાપાત્ર રીતોથી કોઈ સવાલનો જવાબ જાણવા માટે યાદદાસ્ત પર વિશ્ર્વાસ રાખવાની વિવશતા કે લાચારી નથી રહી. એવા બહુ બધા ઉપાયો અને વિકલ્પો છે જેના આધારે આપણે સાચા અને સટિક જવાબ પર પહોંચી જઈએ છીએ. આને જ સ્માર્ટનેસ કહે છે! વળી એક બીજી પણ વાત છે કે, બુદ્ધિમત્તા માટે ફક્ત પોતાના, નિજી પ્રયાસો જ જવાબદાર નથી. કેટલાય સાંસ્કૃતિક અને અનુવાંશિક બાબતોે છે જે તમને બુદ્ધિમાન બનાવવામાં કે ન બનવા દેવામાં સહાયક બને છે.

 

ન્યૂરોસાયન્ટિસ્ટ ભલે ફાવે તે કહે, પણ માનસશાસ્ત્રીઓ એની સાથે કશી લેવાદેવા રાખતા નથી. માનસશાસ્ત્રીઓનું માનવું છે કે, આજે અતિશય સક્રિયતાને કારણે આપણી જિંદગીમાં કોઈ પણ વાતને જાણવા, તેનું પુનરાવર્તન કરવા તેનો વારંવાર અભ્યાસ કરવાનો અગાઉ જે સિલસિલો હતો કે આજે ખતમ થઈ ગયો છે. એટલે જ તો આપણે આપણા પોતાના આત્મવિશ્ર્વાસને માટે જાત પર ભરોસો કરવાને બદલે મશીન પર ભરોસો કરતા થઈ ગયા છીએ.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsEPuT-vxV%3DGGtdrmbQmqjyQBUJK2znj9mYCNxaXEfoog%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment