Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સૌંદર્ય એટલે એક્ઝેટલી શું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સૌંદર્ય એટલે એક્ઝેટલી શું? :: વાહ બ્યુટી કે આહ બ્યુટી!
અંદાઝે બયાં-સંજય છેલ

ટાઇટલ્સ: રાજકારણમાં ગાફેલ રહો તો રાફેલ થઇ જાય ( છેલવાણી)

 

કવિ કુલગુરુ રવીન્દ્રનાથ ટાગોર ઘરનાં આંગણાંમાં લઘરવઘર કપડાંમાં, ખુલ્લા વાળ અને વિખરાયેલી દાઢીમાં ચા પીતા બેઠા હતા. એટલામાં મહાત્મા ગાંધી અચાનક એમને મળવા આવી પહોંચ્યા. ટાગોરે, ગાંધીજીને બે મિનિટ બેસવા કહ્યું. અંદર ગયા અને થોડીવારે નવા સ્વચ્છ કપડાંમાં, વાળ ઓળીને, પ્રોપરલી તૈયાર થઈને પછી ગાંધીજી સામે બેઠા. ગાંધીજીએ હસીને પૂછ્યું, 'કવિ, હું કોઈ તમારો ચાહક કે સ્ત્રી મિત્ર નથી કે 'તમારે આમ સજીધજીને મારી સામે આવવું પડે!' ત્યારે ટાગોરે ગાંધીજીને સમજાવ્યું. મહાત્મા, મુદ્દો એ નથી કે તમેં મારા સ્ત્રી મિત્ર છો કે પુરુષ મિત્ર પણ હું જો લઘરવઘર, કદરૂપો દેખાઉં તો એ તમારી આંખોને સારું ના લાગે. તમારી દૃષ્ટિને અજાણતાં જ મારું અસ્તવ્યસ્ત રૂપ નડે ને? તમને તકલીફ થાય અને મારાં સૌંદર્યની ખામીને લીધે સામેનાને તકલીફ થાય તો એ પણ એક જાતની હિંસા' છે. સૂક્ષ્મ હિંસા! આ કમાલની વાત ટાગોરે કહી દીધી. ગાંધીજી ચૂપ થઈ ગયા આ લોજિક સાંભળીને.

સૌને સુંદર દેખાવું ગમે છે, સુંદર દેખાતી આકૃતિઓ - માનવદેહો પણ ગમે છે. એક આખી લોબી એમ માને છે કે સુંદરતા એ શું છે? એ તો ઉપરછલ્લી, સ્કિન ડીપ - માત્ર ચામડી સુધીની વાત છે. તો અમને સમજાતું નથી કે બીજી કઈ વાત હોઈ શકે? કોઈ સ્ત્રીએ પોતાની ચામડીને, સાપની કાંચળીની જેમ ઉતારી નાખી હોય અને એ માત્ર માંસ, હાંડકાં, લોહી સાથે ફરતી હોય એવું હજુ તો અમારા ધ્યાનમાં નથી! અને જો કોઈ સ્ત્રી એમ સાબિત કરવા માગે કે ના બાહ્ય સૌંદર્ય જ સર્વસ્વ નથી, અંદરની સુંદરતા પણ એક ચીજ છે અને એ પોતાની ચામડી ઉતારીને જો બહાર નીકળે તો કેવું લાગે? રોડ પર લોહી નીંગળતું એ શરીર જોઈને લોકો ભાગંભાગ કરવા માંડે! 'અંદરની સુંદરતા કેટલી સરસ છે' જેવું નોટિસ કર્યા વિના લોકોનાં શ્ર્વાસ અટકી જાય. સ્કૂલે જતાં બાળકો ફરી પાછાં ઘરમાં ઘૂસી જાય અને ત્યાં જ નાસ્તાનો ડબ્બો ખાઈને, યુનિફોર્મ ઉતારી નાખે. નોર્મલી, યુવાન કે પ્રૌઢ સુંદર સ્ત્રીને છુપાઈને જોનારો પુરુષ પણ તરત જ 'ભૂત' 'ભૂત' કહીને જ્યાં જગ્યા મળે ત્યાં દોડી જાય.

સ્ત્રીનાં બાહ્ય સૌંદર્ય, બહારનો દેખાવ, સેક્સ અપીલ એ બધાં પર પુરુષો સહેજ વધુ ધ્યાન આપે છે એ કબૂલ. સ્ત્રીને માત્ર બ્યુટીફૂલ રમકડું માનીને અપમાન કરે છે એ વાત પણ કાન પકડીને (અમારા પોતાના, સ્ત્રીના નહીં) માન્ય છે, પણ આંતરિક બ્યુટી એટલે એક્ઝેટલી શું? સ્ત્રી માત્ર શોભાની કે 'સેક્સ ઓબ્જેક્ટ' નથી એ સાચું પણ સ્ત્રીના જે અંદરના 'સૌંદર્ય'ની વાત વારંવાર કહેવામાં આવે છે એ વાત મોટે ભાગે બોરિંગ પ્રોફેસરો, ડાહી ડાહી ચિંતનપૂર્ણ કોલમો લખનારા લેખકો, સાધુસંતો, કથાકારો અને જેમની ચાર-પાંચ છોકરીઓ જુવાન થઈ ગઈ હોય એવા વડીલો જ ગંભીર અવાજે કહેતા હોય છે. કોઈ ગાયનેકોલોજિસ્ટ કે સર્જન-ડૉક્ટરોએ આંતરિક સૌંદર્ય જ શ્રેષ્ઠ એવું સર્ટિફિકેટ હજુ આપ્યું નથી. એની સામે બાહ્ય સૌંદર્ય વિશે ચિત્રકારો, ફેશન ફોટોગ્રાફરો, ફિલ્મી મેગેઝિનના ગોસીપ રાઈટરો, અભિનેત્રીઓ, મોડેલો વગેરે કોઈ દિવસ શ્રેષ્ઠતાનો દાવો નથી કરતાં પણ માત્ર મૂંગા મોઢે સમર્થન કરે છે, કારણ કે એમને એમાં સાબિત કરવા જેવું કશુંય લાગતું નથી.

શાસ્ત્રોમાં વૃદ્ધ ઋષિ-મુનિઓ-સંતો હંમેશાં એમ કહેતા જણાય છે કે સ્ત્રીનાં શરીરમાં શું દાટ્યું છે? અસ્થિ મજ્જા માંસ લોહી... એમાં છે શું કે લોકો આટલું મહત્ત્વ આપે છે? વાત કરેક્ટ છે, પણ અમે એમ પૂછવા માગીએ છીએ કે જો સ્ત્રીનાં શરીરમાં લોહી, હાડકાં, માંસ છે તો શું એ વૃદ્ધ જર્જરિત ઋષિઓનાં શરીરમાં શું હીરા-મોતી કે માણેક છે? અક્સર, તપસ્વીઓની વાર્તામાં આપણે જોઈએ છીએ કે કોઈક અપ્સરાઓ આવીને એમની આસપાસ ઓછાં કપડાંમાં આઈટેમ 'નંબર' જેવો ડાન્સ કરીને એમનાં વર્ષોનાં તપમાં ભંગ પાડે છે. સો-બસો વર્ષનું તપ, અપ્સરાના માત્ર બે મિનિટનાં ડાન્સને કારણે ખતમ! એનો મતલબ કે પેલાં ડાન્સમાં વધારે પાવર હતો કે એ અપ્સરાનાં રૂપમાં વધારે શક્તિ હતી? અને વિચાર કરો કે વળી સુંદર અપ્સરાઓ છેક જંગલમાં ચાલીને, હિમાલય જેવા પર્વતો પર આટલી તકલીફ લઈને ચઢીને પેલા વૃદ્ધ તપસ્વીને ડિસ્ટર્બ કરવા શા માટે જાય? એમને ડાન્સ જ કરવો હોય તો કોઈ રાજા-મહારાજા, ઈન્દ્ર ઇત્યાદિ વધારે વૈભવી અને ઇંટરેસ્ટિંગ ક્લાસિક પાસે જઈને પોતાની ડાન્સ કલાનું પ્રદર્શન કરે ને? એક્ચ્યુઅલી તપસ્વીઓની કલ્પનાઓ - ફેંટસીઓ આ બધી અપ્સરાઓ રૂપે નાચતી હશે.

ઇન્ટરવલ:

બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે,

સુઘડ ને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને

- મરીઝ

ફક્ત સ્ત્રીના સૌંદર્યની જ વાત અહીંયા નથી પણ પુરુષોનું સૌંદર્ય પણ આવાં દંભથી બચ્યું નથી. છોકરો ગમે એવો દેખાવમાં સારો હોય કે નહીં પણ દિલનો સારો હોવો જોઈએ' એવું કહીને છોકરીઓ તરત બ્યુટીપાર્લરમાં જઈને પોતાનાં રૂપની ટાપટીપ કરતી હોય છે. 'સાચો પ્રેમ તો હૃદયથી થાય' એવું કહીને કરોડપતિ માણસ (જે ટકલો કે જાડો હોય તો પણ) એને પરણી લે છે... પણ અંદરથી તો હેન્ડસમ હીરો કે રમતવીર એમનાં સ્વપ્નપુરુષ તરીકે મનમાં જોગિંગ કરતાં હોય છે. ખૂબ હેન્ડસમ હીરો લોકો સાથે દસ-બાર વર્ષ પ્રેમ કે અફેર કર્યા પછી હીરોઈનો, મોડેલો અમીર માણસોને વીણીવીણીને પરણતી હોય છે અને 'દિલ હી સબકુછ હૈ' જેવી સુફિયાણી વાતો કરતી હોય છે!

ખૂબ સુંદર વ્યક્તિત્વ પણ બહુ બોરિંગ છે. મ્યુઝિયમમાં મૂકેલી લિસ્સી ફૂલદાની જેવું. ઘણી સ્ત્રીઓ સૌંદર્યને એ નકલી પ્લાસ્ટિક કક્ષાએ લઈ જાય છે. મેકઅપના ઢગલા અને કડદા ચહેરા પર કેકના થરની જેમ હોય છે. સુઘડ સ્વચ્છ માપેલા તોલેલા એક્સપ્રેશન્સ કે હાવભાવ એવા લાગે છે કે જાણે કોઈક મૂર્તિને ચાવી આપીને ચલાવીને લાવ્યા હોય! ટપાલ ટિકિટ જેવું સ્માઈલ આપીને ઉપકાર કરતા ચહેરા, એરહોસ્ટેસ જેવાં ધંધાદારી સ્મિત ફેંકતાં ચહેરા, બાથરૂમની ટાઈલ્સ જેવા ચમકતા ચહેરા... એ સૌંદર્ય નથી, સૌંદર્યનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. સુંદરતા અને આકર્ષકતામાં ફરક છે. આકર્ષકતા વધુ આકર્ષક છે. વધુ સુંદર છે. ક્લાસિક સુંદરતામાં આર્ટ ગેલેરીમાં ટીંગાડેલ મોનાલિસા કે ક્લિયોપેટ્રાનાં તૈલચિત્ર જેવી ખામોશી છે. આકર્ષકતામાં, ઉડતાં પવન સાથે વિખરાતાં વાળને સીધા ના કરવાની અલ્લડતા છે. બ્યુટી, ક્લાસિક બ્યુટીમાં એક એરિસ્ટોક્રેટિક રાજવી ઠાઠ હોય છે, ટ્રેડિશનલ રીતભાત હોય છે, આસપાસ નોકરચાકરો ફરતાં હોય એવો ભાસ હોય છે. 'આ સામાન તકલાદી છે સંભાળીને મૂકવો' એવું ઇંગ્લિશમાં ફ્રેજાઈલ લખેલ સ્ટિકર લગાડવું પડે એમ વ્યક્તિત્વ પર જ્યારે આકર્ષક વ્યક્તિત્વ રાજવી નથી પ્રજા પ્રિય - ડેમોક્રેટિક છે. ટોળાં વચ્ચે એ ભળી શકે છે, એકદમ અલગ તોય સૌનું પ્રાણી છે!

સૌંદર્યમાં 'સ્નોબ અપીલ' છે. આકર્ષકતામાં મોબ અપીલ'! એક જમાનામાં સુંદર સ્ત્રીનાં ચિત્રો બનાવવા માટે ચિત્રકારો માત્ર રાણીઓ, કુંવરીઓ જ ચિત્રો ચીતરતાં. રાજ્યમાં એમના સિવાય બીજી કોઈ સુંદર સ્ત્રી હોઈ જ ના શકે. ચિત્રકારો જો બીજી કોઈનું ચિત્ર ચીતરે તો માથાં ઉડાવી દેવામાં આવતાં અથવા તો જેલ થતી. બહુ બહુ તો નદીકિનારે પાણી ભરતી ગામડિયણ કે માછલાં વેચતી સ્ત્રીનાં ચિત્રો એ જમાનામાં જોવા મળતાં. રાણીઓ-કુંવરીઓ પણ સૌંદર્યના ઈતિહાસમાં અમર થઈ જવા પહેલાં બાહ્ય સૌંદર્ય કે અંદરનાં સૌંદર્યની કોઈ ચર્ચા નહોતી, પણ હવે છે કારણ કે સ્ત્રીઓ જાગૃત છે. માત્ર શરીરથી ઓળખાવા નથી માંગતી - માત્ર પુરુષની આંખોને ગમે તેવી એક 'બિકાઉ ચીજ' નથી બનવું એમને. અને જોકે એ સારુંયે છે કારણ કે અંદરનું, બહારનું કે આસપાસનું કોઈ પણ સૌંદર્ય જ્યારે ઘેલછા બની જાય છે, ત્યારે એ સુંદરતા ખૂબ કદરૂપી બની જાય છે. વીતેલા જમાનાની હીરોઈનો જ્યારે લાઉડ મેકઅપ કરે છે ત્યારે એમાં જે ભયાનકતા દેખાય છે, એ લોહિયાળ લાશથી પણ વધુ ડરાવની હોય છે. સૌંદર્ય-રૂપ, બહુ ઓવરરેટેડ શબ્દ છે. અંદરની કે બહારની બ્યુટી, બંનેમાં વાત વધે તો બોરિંગ થઈ જાય. મુક્તપણે હસતી હસાવતી સ્ત્રી કે નજાકતથી ફ્લર્ટ કરીને હસાવતાં ખુશહાલ પુરુષ જેવું સુંદર બીજું કંઈ જ નથી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot7QUXkPkDF56jg-6atSL_ua2LOx3cibDMsKDd8Wftndg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment