Wednesday, 3 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગાંધીજીની 'અહિંસા'એ ભારતમાં લોકશાહીનો પાયો નાખ્યો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગાંધીજીની 'અહિંસા'એ ભારતમાં લોકશાહીનો પાયો નાખ્યો!
જય વસાવડા
 

               
મહાત્મા ગાંધીનો અહિંસા માટેનો હાસ્યાસ્પદ બનેલો હઠાગ્રહ ઘણાને ગમતો નથી. પણ 'સ્વરાજ'ની સુખાકારી માટેની એ સ્ટ્રેટેજી હતી!
               ++++++

રિચાર્ડ એટનબરોની ગાંધી ફિલ્મમાં એક દ્રશ્ય છે. ગાંધી, સરદાર, જીન્નાહ, નેહરૂ, કૃપલાની, આઝાદ બધા એક ખંડમાં બેઠા છે, અને ગાંધીજી સત્યાગ્રહની વાત છેડે છે.

વાત કરતા કરતા ત્યાં ઊભેલા ચાકરના હાથમાંથી ટ્રે લઇ લે છે. સદાય સહજભાવે આવી ચાકરી સ્વીકારવાથી ટેવાયેલા મિત્રોના ચહેરા પર અચરજના ભાવ આવે છે.

પણ ગાંધીજી હસતા હસતા કહે છે કે ''આપણે લડત એટલે નથી ચલાવતા કે જીતીએ. આપણી લડત એ છે કે સામી વ્યક્તિનો દ્રષ્ટિકોણ બદલે (વધુ ઉદાર, માનવીય સદાચારી થાય.) જે કમજોરી એમનામાં છે, એ જ આપણામાં હોય, તો આપણું સ્વરાજ વળી બીજાઓના રાજ કરતા અલગ કેવી રીતે પડશે ? (એ જ અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ખટપટ, હૂંસાતૂંસી વગેરે ચાલુ રહેશે!)''
એ જ ફિલ્મના એક જાણીતા દ્રશ્યમાં કોંગ્રેસ અધિવેશનને સંબોધતા ગાંધીમુખેથી (એમના અક્ષરદેહમાંથી સ્તો) કહેવાયું છે કે ''લોકોની પ્રાથમિક જરૂરિયાત રોટી અને નમક છે. રાજકારણ નહિ.

આપણી વાતો થોડા લોકો અંગ્રેજીમાં છાપી દે એમ હિન્દુસ્તાનનું ભલું નહિ થાય. લોકો અભણ છે, પણ આંધળા નથી. જનતા એટલે મહાનગરોમાં બેઠેલા કેટલાક મહાનુભાવો (સેલિબ્રિટીઝ) નહિ. જનતા એટલે ભારતના સાત લાખ ગામડા. જ્યાં સુધી ધોમધખતા તાપમાં, કાદવ ખૂંદીને એમની પાસે જશું નહિ, ત્યાં સુધી એમના પ્રતિનિધિ બની નહિ શકીએ !''
એક અંગ્રેજને ફિલ્મ બનાવતી વખતે એ સમજાઇ ગયું હતું કે ગાંધી એટલે શું, જે હજુ આપણા અંગ્રેજી રમકડાં જેવા સોશ્યલ નેટવર્કના સાધનો વાપરતા અમુક એન્ટી સોશ્યલ ભારતીયોને સમજાતું નથી. કારણ કે, ગાંધીજી અંગે એમની સમજ ફોરવર્ડેડ મેસેજીઝના ગપ્પાષ્ટકથી ભરપૂર એકાંગી ઈતિહાસની રચાયેલી ખંડિત છે.

ભૂતકાળના ભારતની સ્થિતિ અને સમયગાળનો તટસ્થ અભ્યાસ એમની પાસે નથી. ગાંધીજીના ૧૫૦ વર્ષ ઉજવવાનો થનગનાટ છે. પણ દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં કેવી કેવી વિષમતાઓ હતી, એની સરખી સમજણ નથી. ખોરાક માટે અનિવાર્ય નમક માટે અંગ્રેજોએ દેશમાં જકાતનાકા જેવી ચોકીઓ અને સરહદો રાખેલી સશસ્ત્ર સૈનિકોવાળી, એ ખ્યાલ નથી.

વિધવા સ્ત્રીઓએ કાશીના ગંદાગીચ મકાનોમાં મૂંડન કરાવી રહેવું પડતું અને રક્તપિત્ત જેવો ચામડીનો ચેપી રોગ ઘરના જ સ્વજનને થાય, તો એમને સમાજની બીકે રઝળતા કરી દેવાતા એ અનુભવ તો નથી, પણ એ વેદનાની અનુભૂતિ ય નથી. ધોતિયા, પાઘડી અને મૂછોમાં ય ભેદ હતા અને અસ્પૃશ્ય ગણાતી જાતિઓના લોકોને અમુક રીતે વસ્ત્રો ય પહેરવાની છૂટ ઘણેખરે નહોતી, એ અંદાજ નથી.

બહાર વિદેશ જનાર નાતબહાર મૂકાતા, નાની ઉંમરે બાળલગ્નો સાવ સહજ હતા. સંપ્રદાયવાદ એવો હતો કે એકબીજાના ભગવાનનું ય નામ ન લે, અને પાણી ય ન પીવાય. શિક્ષણમાં ખાસ રસ બધાને હતો નહિ. રાજાશાહી-નવાબશાહીમાં છેવાડાના શ્રમિકો રીતસર 'વેઠ' ઉતારતા. જમીનદારો જમીનમહેસૂલની આવકના નામે શોષણ કરતા. સમાજ આખો વિભાજીત હતો.
ગાંધીજીની એન્ટ્રી આ સમયમાં થઇ. આમાંના અમુક દૂષણો આજે ય મોજૂદ છે. આડાઅવળા ઘનચક્કર કુતર્કોના લબાડલોજીક લડાવી એના બચાવ કરવામાં ય આવે છે. હિન્દુ સમાજમાં આજે ય હજુ પંથ ફેરવી શકાય. ગુરૂ બદલાવી શકાય.

સ્વામિનારાયણ, સ્વાધ્યાય, ગાયત્રી પરિવાર, દાદા ભગવાન, બ્રહ્માકુમારી વગેરે જે માર્ગ આસ્થા માટે પકડવો હોય એ પકડી શકાય. પણ જન્મ આધારિત જ્ઞાાતિ બદલે કે છૂટે નહિ. ગમે એવી પ્રગતિશીલ વાતો કરનાર રાજનેતા આવે, પણ ચૂંટણીની ટિકીટ તો જ્ઞાાતિના સમીકરણો ધ્યાનમાં રાખીને જ ફાળવવી પડે. સત્તા બાબતે શાણપણ નકામું. શક્તિ અને સંપત્તિ જ કામની.
ગાંધીજીએ એકલે હાથે આઝાદી નથી અપાવી. કબૂલ. એમાં ઘણાના યોગદાન હતા અને અમુક સંજોગોની નીયતિ પણ હતી. પણ ગાંધીજીએ આઝાદી આવ્યા પછી પાછી ન જતી રહે અને એક 'રિસ્પોન્સિબલ સોસાયટી' નાગરિકધર્મના આધારે ઘડાય એનું ભારતના ઈતિહાસમાં સૌથી અઘરું પડકારરૂપ કામ હાથમાં લીધું.

દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારતમાં સક્રિય થયા પછી ૩૨ વર્ષ ઘરપરિવારના ભોગે એક પણ રૂપિયો અંગત સુખ માટે વાપર્યાસંઘર્યા વિના માત્ર આ તારતાર થયેલા વસ્ત્રને ટાંકાટેભા કરવામાં વીતાવ્યા. એનું ગ્રાઉન્ડવર્ક વિચક્ષણ દૂરંદેશી અને અસામાન્ય નિષ્ઠા, કમિટમેન્ટથી પોતાના કપડાં ય છોડીને, ૩૨ જન્મદિનમાંથી પાંચ તો ભારત આવ્યા બાદ મોટી ઉંમરે જેલમાં વીતાવી મજબૂત કર્યું. એ ય કોઇ હિંસા વિના. કોઇનો અંગત વિરોધ કર્યા વિના.
બાકી, જે યુગમાં વગર ડિજીટલ નેટવર્કે આખા ભારતમાંથી લોકો એમની એક ઝલક માટે ટોળાબંધ ભેગા થતા હોય. હિટલરથી આઈન્સ્ટાઈન જેમને ઓળખતા હોય, ભારતના લગભગ ઈન્ટેલેક્ચ્યુઅલ્સ અને શ્રીમંત શેઠિયાઓ જેમની તહેનાતમાં 'ફેન'ની જેમ ઊભા રહેતા હોય - એવી ટોળાની અંગ્રેજોને અસહકારથી થથરાવતી અમર્યાદ તાકાત ધરાવતા માણસે એમના વિરોધી વિચારને કચડવા માટે હિંસાનો છૂપો ઈશારો પણ કર્યો હોત, તો આજે ગાંધીને ગાળો આપતી સંસ્થાઓના જ અસ્તિત્વ ન રહ્યા હોત. પણ એ એમનો સ્વભાવ હોત તો વગર બોડીગાર્ડે ફરતા હોત આખી જીંદગી ગોળી ખાવા?
ગાંધીજીની અહિંસા બાબતે ઘણી ગેરસમજ આજે ય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ગાંધીજીએ સૈનિક તાલીમ લીધેલી. એમનો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે યુનિફોર્મમાં ફોટો ય છે. બંદૂક ચલાવતા શીખેલા. એ ઘણીબધી બાબતો અંગે પારદર્શક બની સતત બોલતાલખતા રહેતા, એટલે ઘેલા વિચારો ય ઘણા સંદર્ભો કાપીને મૂકે છે. પણ ૧૯૪૭માં કાશ્મીરના રઝાકારો પર ભારતીય સેનાની કામગીરીનું એણે સમર્થન પણ કરેલું!  એ ખબર છે?
ભાવનગરના કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે નોંધેલો એક પ્રસંગ છે (પુસ્તક: સંસ્થાનું ચરિત્ર) કે વાતવાતમાં કોલેજ જતી યુવતીઓની આવારા મવાલીઓ છેડતી કરે છે, એ પ્રશ્ન ચર્ચાયો. ગાંધીબાપુએ પડખે બેઠેલા કિશોરલાલને પૂછ્યું: 'આવે વખતે તમે બહેનોને શી સલાહ આપો?' કિશોરલાલભાઇએ કહ્યું કે ''જો કોઇ લફંગો ભાઇ છેડતી કરે તો બહેને ચપ્પલ કાઢી એના ગાલ પર લગાવી દેવી.''
ગાંધીજી બોલ્યા: ''હું શી સલાહ આપું ખબર છે? હું એ સ્ત્રીને કહું કે તારી પાસે ચપ્પુ હોય તો એ ચપ્પુને તારે એ ભાઇની છાતીમાં હુલાવી દેવું અને હું આ કૃત્યને એક અહિંસક કૃત્ય તરીકે જાહેર કરીશ!''
આ ગાંધીજીને સમજી શક્યા છે? ગાંધીની અહિંસા કાયરની અહિંસા હોત તો કોમી રમખાણોની આગ ઠારવા - જૈફ ઉંમરે એકલા ન ભટકતા હોત કે ચંપારણના ખૂની અંગ્રેજો સામે નિઃશસ્ત્ર આંખમાં આંખ નાખી ઊભા ન હોત. ગાંધીજીએ કહેલું ય ખરું કે સત્યને ખાતર જરૂર પડે અહિંસાનો આગ્રહ હું જતો કરી શકું તેમ છું. જૈન ધર્મ માટે એમને આદર પણ શ્રીમદ રાજચંદ્ર સાથેના પૂરા પત્રવ્યવહારને એમણે કદી નોંધ ખાતર પણ બહાર પાડયો નહિ. રામ-કૃષ્ણને ભજતા ગાંધી યુદ્ધવિરોધી હતા, પણ સ્વભાવે ય નમાલા કહી શકાય એવા નરમ તો નહિ જ.
તો પછી ગાંધીજીએ અહિંસાનો આવો આગ્રહ શા માટે રાખ્યો? એ માટે જ લેખના આરંભે એ હિન્દુસ્તાનનો ફ્લેશબેક કરાવ્યો છે, જેમાં બધું ફુલગુલાબી નહોતું. 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' તો ગ્લોરિફાઇડ એન્ટરટેઇનર છે. પણ વિલિયમ સ્લીમનનું અંગ્રેજી પુસ્તક 'કન્ફેશન ઓફ એ ઠગ' કે બેસ્ટસેલર એવું સ્વ. હરકિસન મહેતાનું 'પીળા રૂમાલની ગાંઠ' વાંચો તો ય ખબર પડે કે ઠગોનો કેવો અમાનુષી અત્યાચાર હતો ભારતમાં! ફિલ્મને લીધે પિંઢારાઓની વાતો જરાતરા ખબર છે, અને એમને ય કેટલાક તો ક્રાંતિકારીઓ ગણાવે છે - જે વાસ્તવમાં અત્યંત હિંસક ચોર હતા.

સારા-ખરાબ પાત્રો - પ્રસંગો તો દરેક બાબતમાં અપવાદરૂપ નીકળે. પણ ઑવરઑલ જેને અંગ્રેજીમાં 'આઉટપ્લે' કહેવામાં આવે એવા ચોરડાકૂઓના ત્રાસનો એ યુગ હતો. ભારત આમ બહારના દેશો પર આક્રમણ કરવા ન ગયું એવું મનાય છે. અલબત્ત, આપણે નૌકાકાફલા અને તોપગોળા વગેરેમાં ગાફેલ રહ્યા. બાકી નજીક નજીકમાં  આપણા શાસકોએ ય યુદ્ધો કર્યા જ છે.
છતાં ય માની લો કે ભારતે સ્વબચાવ સિવાય મોટા આક્રમણો નથી કર્યા, તો ય  અંદરોઅંદરની લડાઇ ને ઘાતકીપણું ઓછું નહોતું. અતિશય ભયાનક હતું. આજે ય આપણે ઓછા કપડામાં ફોટા પડાવતી અભિનેત્રીઓના ફોટાથી 'સંસ્કૃતિ રસાતાળ જશે' એવી કાગારોળ થાય છે. પણ સિનેમામાં બાળકો ય ભયાનક વાયોલન્સવાળા સીન જુએ એમાં સેન્સરને કે સમાજને ય વાંધો નથી હોતો! લાશનો ફોટો ફ્રન્ટ પેજ પર ચાલે, બ્યુટીનો ફોટો મૂકો તો હાય હાય છીછી ગંદુ ગંદુ.
કારણ કે, હિંસાથી આપણે ટેવાયેલા છીએ. આજે ય ડૉમેસ્ટિક વાયોલન્સના કાયદાઓને ભારતીય પતિઓ તો ઠીક, ઘણીખરી પત્નીઓ ય હસી કાઢે છે! માસ્તર છોકરાંવને ધોલધપાટ જરાક કરી લે, એનો બચાવ વાલીઓ ય કરતાં ફરે છે. વાલીઓ ય 'હાથફેરો' બેશક કરી લે છે.

નાની-નાની બાબતોમાં મિત્રો કે પાડોશીઓ ય 'તું-તા' પર ઉતરી ફડાકાવાળી કે ઈવન દંડા લઇને ધોલધપાટ કરે એની ઝટ ફરિયાદ પણ પોલીસ નોંધતી નથી. પોલીસ પણ બાર બૂધું ને કર સીધું થી આરોપીઓને કૂકડો બનાવી કબૂલાત કરવાથી ટેવાયેલી છે. મારામારી શબ્દોથી પણ કેવી કરીએ છીએ, અને મનમાં કેવીક હિંસા છે, એ તો સોશ્યલ નેટવર્કના  ઓપન પ્લેટફોર્મ પણ સાહેદી પૂરે છે!
બહુ દૂર જવાની જરૂર નથી. ગાંધીજી જ્યાં પેદા થયા અને એમના પિતા જ્યાં સ્ટેટના દીવાન હતા, જ્યાં ભારતના સૌથી વધુ રજવાડાઓ હતા એ 'પ્રિન્સ્લી સ્ટેટ ઓફ કાઠિયાવાડ'ની હાલત કેવી હતી? ગાંધીજીના ખુદના શબ્દોમાં આના માટે સગા ભાઇનું ગળું બીજો ભાઇ કાપે એવા ક્રાઇમવાળી! ૧૮૮૧ના વસતિ ગણત્રીના રિપોર્ટ મુજબ ૯૩% લોકો તો પચાસની વય પર પહોંચે એ પહેલા જ ગુજરી જતા હતા.

સદ્ભાગી લોકો મહારાજા ભગવદ્સિંહજીના ગોંડલ સ્ટેટ જેવા રાજ્યમાં હતા. બાકી બહારવટિયાઓ ગમે ત્યારે ગામ ભાંગતા, લૂંટ કરતા, મારકાટ કરી બીજી હદમાં ભાગી જતા. બધા ટેકીલા કે ખાનદાન જોગીદાસ ખુમાણ જેવા નહોતા. ચંબલમાં ડાકુઓ કે દક્ષિણમાં રેડ્ડી  ડૉનલોકો અને વીરપ્પનો આઝાદી પછી ય આપણે જ જોયા છે ને!
ઈતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇના કહેવા મુજબ ઘણીખરી જગ્યાએ તો કોઇ સિવિલ-ક્રિમિનલ એવો લેખિત કાયદો જ નહોતો. મર્ડર જેવી બાબત પણ ઉપલા લેવલના પરિવારો સિવાય ગુનો નહોતી ગણાતી. એકાદ કૂવાની માલિકી ધરાવતા લોકોની ય દાદાગીરી ચાલતી.

આજે ય ગાંધીની જનમભોમકા પોરબંદરની ખૂનામરકીનો અને ક્રાઇમનો લોહિયાળ ઈતિહાસ જાણીતો નથી? સમાચારપત્રોમાં ય ક્રાઇમના ન્યુઝ વગર પબ્લિકને ચા ફિક્કી લાગે છે. ગામડામાં મારામારીના બનાવો નજીવી વાતમાં બને છે. બિનવારસી લાશો મળી આવે છે. મોબાઇલ માટે હત્યા થઇ જાય છે.
આખા દેશમાં આ સહજ ગણાય છે. છોકરા-છોકરી પોતાની મરજીથી મેરેજ કરે તો જાણે પરિવારવાળાઓને મર્ડરનું ઝીરોઝીરોસેવન જેવું લાયસન્સ મળી જાય છે. કોઇ ફિલ્મ કે ચિત્ર ન ગમે એટલે ભિન્નમત ધરાવનારા કલાકારને ઘેરાવ કરી ધોલધપાટ કરી, કપડાં ફાડવા એ રૂટિન ન્યુઝ થઇ જાય છે.

નોર્થ બેલ્ટ ગણાતા પોલિટિકલ વર્ચસ્વ ધરાવતા ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, હરિયાણામાં તો બાહુબલિ હોવું લાયકાત છે. કોલેજમાં 'કટ્ટા' (પિસ્તોલ)ના ફાયરિંગ થાય છે. આટલી પ્રગતિ ને શિક્ષણ પછી ય બંગાળ કે કેરળમાં ધનાધન ધોલધપાટ - પોલિટિક્સમાં થાય છે. મુંબઇ જેવા મોસ્ટ પ્રોગ્રેસીવ શહેરમાં બાવડાંબાજ ગેંગસ્ટર્સનો લોકલ દબદબો નથી? દેહાતી  નક્સલીઓ  સૈનિકોને ભાજીમૂળાની જેમ વધેરી નથી નાખતા?
જસ્ટ થિંક, આજે આટલો વાયોલન્ટ માહોલ છે, તો આઝાદી અગાઉ કેવો હશે? ગાંધીજી ૧૩ વર્ષના હતા ત્યારે ૧૮૮૨ના ડિસેમ્બરમાં જૂનાગઢ નવાબ સામે રૈયતે ત્રાગું કરેલું. જેમાં એક જગ્યાએ બેસીને મહેસૂલનો વિરોધ નોંધાવવાનો હતો. એ વખતે સ્થાનિક શાસનની પોલીસે કરેલા અંધાધૂંધ ગોળીબારમાં એક બાલિકા સહિત ૮૧ જીવ ત્યાં જ લઇ લેવામાં આવેલા! પ્રજાને કન્ટ્રોલ કરવા માટે શાસકો પણ ઘાતકી થઇ જતા! જલિયાંવાલા બાગ યાદ છે, પણ આ ત્રાગા યાદ નહિ હોય!
ગાંધીજીએ યુવાનવયે લંડનમાં ભણતા ભણતા આઇરીશ ક્રાંતિકારીઓની ભૂખ હડતાલ પણ જોઇ. થોરો, રસ્કિન અને તોલ્સ્તોયની માનવતાવાદી વાતો વાંચી. અન્ય ધર્મોનો અભ્યાસ હિન્દુ ધર્મ સાથે કર્યો. પ્રેમ, ક્ષમા, દયા અને ખાસ તો જાતને જીતવાના તપનો મૂળ આધ્યાત્મિક ગીતાસંદેશ જીવનમાં ઉતાર્યો.

એમાંથી અહિંસક સત્યાગ્રહની ત્યારના અંદરોઅંદરના મારામારી અને રંગભેદમાં જ જીવતા જીવતા 'રેનેસાં' (નવજાગરણ) સુધી પહોંચેલા યુરોપને પણ ખળભળાવી દેતી એમણે બ્લ્યુપ્રિન્ટ બનાવી. એમણે પરદેશી કલાકારો અને બૌદ્ધિકોનો માનવતાવાદી અને શાસક અંગ્રેજના ખ્રિસ્તી ધર્મનો સેવાવાદી એ બેઉ અભિગમના ઝુકાવથી માનવજાતના ભવિષ્યની નાડ પારખી લીધેલી. શસ્ત્રબળે અંગ્રેજોને હરાવવાના ૧૮૫૭ જેવા પ્રયાસો ય નિષ્ફળ ગયેલા, ને પાછળથી સુભાષબાબુ અને એમણે જેમનો સાથ સ્વીકારેલો એ જર્મની અને જાપાન પણ સશસ્ત્ર લડાઇ હાર્યા એ ઈતિહાસનું મુખર અને અફર સત્ય છે.
ગાંધીજી સ્પષ્ટપણે માનતા કે શસ્ત્રથી મેળવેલી બાબત શસ્ત્રથી જ ટકાવવી ને સાચવવી પડે. આઝાદી જો હિંસાથી મળશે તો હિંસા કાયમી માન્ય પ્રથા બનશે ને એ કરનારા માન્ય હીરોઝ. એટલે એમની પોલિસીથી ઊફરા ચાલતા ક્રાંતિકારીઓ માટે એમણે આદર રાખ્યો હોવા છતાં એમના બચાવમાં રસ ન લીધો.

કોઇ સિધ્ધાંતવાદી માણસ ન લે. અને ગાંધીજીના આદર્શો કોઇ ચેનલ નહોતા કે સર્ફિંગ કરો એમ ફરી જાય. એ ઉપવાસ ન કરતા ત્યારે ય કંઇ દૂધપાકપરી બાસુંદી ગાંઠિયા જલેબી ન રોજ ઝાપટતા. એ આધ્યાત્મિક તપસ્વી હતા, જેમના માટે જાહેરજીવન તો પરાણે અપનાવવી પડેલી જવાબદારી હતી.

મૂળ તો એમનું હૈયું બીજાઓની તકલીફો અને અત્યાચારથી દ્રવી ઊઠતું. ખુદ પર દક્ષિણ આફ્રિકામાં હુમલા થયા, જેલમાં ત્રાસદાયક સ્થિતિમાં રખાયા એ  સહન કરીને પણ એમણે જેમની સામે લડતા એમના કાર્યો સિવાય વ્યક્તિગત શત્રુભાવ રાખ્યો નહોતો.
જ્યારે આજની તારીખે આપણા દેશનું માનસ એવું છે કે પરફોર્મન્સની ટીકા અને પર્સનલ ટીકા વચ્ચેનો ભેદ કહેવાતા ભણેલા યુવાનોને ફેસબુક પરની કોેમેન્ટસમાંય સમજાતો નથી! જરાક કટાક્ષની અણી લાગે એટલે ટ્રોલ્સ તરત અંગત ગંદીગલીચ કોમેન્ટ્સ અને મનઘડંત આક્ષેપબાજી પર બેફામ થઇને ઉતરી આવે છે. કારણ કે, એ જ ડીએનએમાં ઘર કરી ગયું છે. ઝટ નીકળતું નથી, શિક્ષણ  થકી પણ.
ગાંધીજીએ એમને આવડયો એવો આ દાખલો ગણી બતાવ્યો. સતત અણી અને ટણીમાં જીવતા ભારતીય સમાજને હજારો વર્ષોથી લોકશાહીની, એક ધ્વજ અને બંધારણ નીચે રહેવાની ટેવ જ નહોતી. આજે ય ટકરાતી ધાર્મિક કે જ્ઞાાતિગત અહંકારી અસ્મિતાઓએ ચૂંટણી અને કાયદાના રાજમાં પોતાનું બેલેન્સ શોધવાનું હતું.
આ ઈતિહાસ અને એમાંથી ઘડાયેલો વર્તમાન ખાસ્સો ઈન્ટરેસ્ટિંગ છે. આજના રાજકારણની અને ધર્મની તાસીર અને તસવીરની રગ એમાં છૂપાયેલી છે. ગાંધીજી કેમ આખી દુનિયાના લાડકા બન્યા અને શા માટે રાષ્ટ્રપિતા કહેવાયા એનું રહસ્ય પણ.
ઑવર ટુ નૅક્સ્ટ આર્ટિકલ. ૧૫૦ વર્ષે આટલું તો જાણવું પડશે ને!

 

ફાસ્ટ ફોરવર્ડ
''આખી દુનિયા અત્યારે રોઇ રહી છે. કારણ કે, એક નેતા નથી ગુમાવ્યો. જાણે થોડીક સારપ, થોડી પ્રેમની શક્તિ અને થોડી શાંતિ અને ન્યાયની ભાવના પૃથ્વી  પરથી ચાલી ગઇ છે !'' (ગાંધીજીને  ઍલન પૅટનની અંજલિ)



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvcSCw5CEZRZHnM2Hf_awSgagtQ1eeWpwFs-UxEguLt%2BQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment