- માણસ ભરપૂર જીવન જીવતો જ નથી. આ એક એવા માણસની વાત છે જે એમ માનતો હતો કે પોતે જીવતોજાગતો માણસ છે એ જ એનો મોટો હોદ્દો છે. પોતાની જિંદગીની દરેક પળ તેણે માણી હતી. તદ્દન ગરીબ માણસ હતો, પણ તેને પૈસાની ભૂખ નહોતી અને તેને મહત્ત્વાકાંક્ષા જેવું કંઈ પણ નહોતું. તે બરાબર ચુંમાળીસ વર્ષ જીવ્યો, પણ આટલી ઉંમરમાં પીડા તો પુષ્કળ વેઠી હતી. હાડકાંના માળા જેવો લાગે. તબિયત નરમ જ રહે. તે ક્ષયરોગથી પીડાતો હતો, પણ તેને કદી એ રોગનો કે મોતનો ડર લાગ્યો નહોતો. એને મન જિંદગી એક ઉજાણી હતી. દરેક દિવસ તેને માટે ઉત્સવનો દિવસ હતો. આમ જુઓ તો સમાજમાંથી એ ફેંકાઈ ગયેલો માણસ હતો. ઓગણીસમા સૈકાનો એ ઊજળો અંગ્રેજ સમાજ – એમાં આવા ગરીબ અને સાચાદિલ માણસને શું સ્થાન હોય? આ તો એક ખાણિયાનો દીકરો. માંડ મેટ્રિક પાસ. તેની એક જ વિશેષતા નજરે ચઢે તેવી હતી કે તે લેખક હતો, પણ એક લેખક તરીકે પણ તરત કોઈના મનમાં વસી જાય એવો નહોતો. કેમ કે, ઔદ્યોગિક ક્રાંતિ અને પ્રગતિની બોલબાલાના એ દિવસો હતા. ત્યારે કોઈ માણસ કુદરતની અને ધરતીની ગોદની કે આકાશની અસીમતાની વાત કરે તો તે જુનવાણી લાગે – રહસ્યવાદી લાગે. આ માણસનું નામ ડેવિડ હરબર્ટ લોરેન્સ. ઘણા બધા લોકો તેને 'લેડી ચેટર્લીઝ લવર' નવલકથાના લેખક તરીકે ઓળખે છે. આ નવલકથાને કારણે તે ખૂબ વગોવાયો હતો, પણ તેણે આ એક જ નવલકથા લખી નથી. તેણે ચુંમાળીસ વર્ષની જિંદગીમાં ઘણીબધી નવલકથાઓ લખી. સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખી અને કવિતાઓ લખી. લેખોની સંખ્યા પણ નાનીસૂની નથી, પણ તેને જે ગમ્યું તે તેણે લખ્યું. કોઈને ખુશ કરવા માટે તેણે કશું લખ્યું નથી. તેની એક નવલકથા સૌથી વધુ ચલણમાં છે – 'સન્સ એન્ડ લવર્સ'. 'લેડી ચેટર્લીઝ લવર' તેની છેલ્લી નવલકથા, પણ તેને તેની હયાતીમાં કશી કીર્તિ મળી નહોતી કે કશું ધન મળ્યું નહોતું. ડેવિડ હરબર્ટ લોરેન્સ ગરીબી અને માંદગી છતાં ગમે ત્યાં ધરતીનું રૃપ જોવા નીકળી જ પડતો હતો. જાણે આખી પૃથ્વીને પોતાની બાથમાં લઈને એ જીવવા માગતો હતો. 'લેડી ચેટર્લીઝ લવર' નવલકથા એણે મધ્ય ઇટાલીના ટસ્કન પ્રદેશની ટેકરીઓમાં બેસીને લખી હતી. ડી.એચ. લોરેન્સ ઈ.સ. ૧૮૮૫માં ૧૧મી સપ્ટેમ્બરે જન્મ્યો હતો અને ઈ.સ. ૧૯૩૦ની બીજી માર્ચે મૃત્યુ પામ્યો હતો. પાઇનના વૃક્ષ નીચે એ વાર્તા લખવા બેસતો ત્યારે જાણે સમાધિ લાગી જતી. ગરોળીઓ એની ઉપર દોડાદોડી, ચડ-ઊતરની રમત માંડે, પંખીઓ એની નજીક ઊડ્યા કરે અને કશા જ વિક્ષેપનો અનુભવ કર્યા વગર એ પોતાનું લેખનકાર્ય કર્યા કરે. જે રીતે બતક પાણીમાં તરે, માછલી જળક્રીડા કરે અને પંખી ઊડે એટલી સહજતાથી એ લખ્યા કરે. લેખન એના માટે એટલું સ્વાભાવિક હતું, પણ તેનો અર્થ એ નહીં કે એક કલાકારની કોઈ જ સભાનતા વિના જે કોઈ શબ્દ સૂઝે તે લખ્યા કરે! એ તો પોતાનું હૃદય ઠરે એવી અભિવ્યક્તિ સુધી પહોંચવા માટે મથ્યા જ કરતો. છેલ્લી નવલકથા 'લેડી ચેટર્લીઝ લવર' તેણે ત્રણ વાર લખી હતી. ગરીબ હતો, કોઈ નોકરી જેવું આવકનું સાધન નહોતું. સમાજમાં કોઈ ખાસ સ્થાન નહોતું કે લેખકની બિરાદરીમાં પણ તેનું કોઈ માન નહોતું, પણ એને આ બધાંની જરૃર જ ક્યાં હતી! એને તો જિંદગીની પ્રત્યેક નાડીનો ધબકાર સાંભળવાની અને દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ હતી. એને નાની-મોટી કોઈ આકાંક્ષાઓ જ નહોતી. લોરેન્સ માનતો હતો કે માણસો ખરેખર જીવતા જ નથી અને નાની-મોટી ઝંખનાઓ પાછળ આંધળી દોટ મુકે છે અને જીવવાનું જ ભૂલી જાય છે. આ પૃથ્વી ઉપર કેટલા બધા મનુષ્યો જીવે છે અને છતાં એમાંથી કેટલા થોડા માણસો ખરેખર જીવે છે! માણસ ભરપૂર જીવન જીવતો જ નથી. આ જિંદગીમાં અનુભવવા જેવું ઘણુંબધું છે, પણ લોકો બહુ થોડું જ જાણે કે અનુભવે છે. એક નાની કે મોટી નોકરી, એક નાનું કે મોટું ઘર, ઘરમાં એક પત્ની-માણસ એક ચગડોળમાં બેસે છે, બેસી જ રહે છે, ઘરડો થઈ જાય છે અને એક દિવસ આ દુનિયા છોડીને ચાલ્યો જાય છે. અસીમ બ્રહ્માંડના ઝાકમઝોળ હિંડોળાનું રૃપ તો તેણે મુદ્દલ જોયું જ નથી હોતું. આ પૃથ્વી ઉપર વિસ્મયોની જે એક અનંત દુનિયા છે તેમાંથી પણ તેણે કશું જોયું નથી. શુદ્ધ પ્રેમપદાર્થનો પણ કોઈ અનુભવ એણે કર્યો નથી. એ પીડાથી બચીને જીવવા માગે છે, એ જોખમથી દૂર રહીને ચાલવા માગે છે, તે ઉપરછલ્લા આનંદોની વચ્ચે એક સલામત જિંદગી જીવવા માગે છે. એને કોઈ કુતૂહલ નથી, કોઈ ઉમંગ કે થનગનાટ નથી – કોઈ વિસ્મય જ નથી – એક અનંત ગુફામાં વિસ્મયોના ઢેરના ઢેર એની આંખ સામે પડ્યા છે અને તે કશું જોતો નથી. તેની પાસે સમય જ નથી. પોતે જેને પ્રાપ્તિ સમજે છે તેવી પ્રાપ્તિથી 'સંતોષ' માને છે – જિંદગીની કિંમતી ક્ષણો વટાવીને તેના બદલામાં તે ખોટા સિક્કા કમાય છે, પણ આ દુનિયામાં આ જ ચલણ માન્ય છે એટલે એનો વહેવાર બરાબર ચાલે છે. લોરેન્સ માને છે કે નાનાં-મોટાં તમામ પ્રાણીઓનું પોતાનું વિસ્મયભર્યું – રહસ્યભર્યું અસ્તિત્વ છે. ફક્ત માણસો વિસ્મયની એ લાગણી ગુમાવી બેઠા છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvqFPQTDVP1sWwyiDZn46CYSBONERSscyguzkwhHLs_7w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment