Wednesday, 3 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાર્ટ-હેલ્થ જાળવવી હોય તો ઉદારદિલ બનો (Gujarati)


હાર્ટ-હેલ્થ જાળવવી હોય તો ઉદારદિલ બનો!
જિગીષા જૈન

 

આપણે ત્યાં હાર્ટ-ડિસીઝનું પ્રમાણ વધ્યું છે એની પાછળ આપણા શહેરી જીવનનું એકાકીપણું છે. ઇમોશનલ સ્ટ્રેસ હાર્ટ-અટૅકને તાણી લાવે છે. આવનારા હાર્ટ-ડે નિમિત્તે ચાલી રહેલી આપણી શ્રેણીમાં આજે આપણે જાણીએ હાર્ટ અને ઇમોશન્સ વચ્ચેનો સંબંધ...

તમે ક્યારેય જોયું છે કે કોઈ માણસને જબરો શૉક લાગે અને તેનું હાર્ટ બંધ પડી જાય અને તે ઢળી પડે? સામાન્ય જીવનમાં ન જોયું હોય તો ફિલ્મોમાં તો જોયું જ હશે. આ સાવ હમ્બગ નથી હોતું. આ રીતે અમુક વ્યક્તિઓનાં મૃત્યુ થઈ શકે છે.

તમે ક્યારેય અનુભવ્યું છે કે તમને જ્યારે ભયંકર ડર લાગે ત્યારે હાર્ટ ખૂબ જોરથી ધડકવા લાગે છે? ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતાં પહેલાં તે ના પાડી દેશે એ ડરે કે ર્બોડ-એક્ઝામનું રિઝલ્ટ આવતાં પહેલાં ફેઇલ તો નહીં થઈને એ ડરે ધબકારા વધી જ જાય છે. આવું જ ત્યારે થાય છે જ્યારે આપણે ખૂબ ગુસ્સામાં હોઈએ. ત્યારે પણ ધબકારા ખૂબ વધી જાય છે.

જે વ્યક્તિ નિરાશ હોય, ડિપ્રેશનમાં હોય તેના ધબકારા જરૂર કરતાં વધુ ધીમા થવાની વાત પણ ઘણા સ્ટડીઝમાં કરવામાં આવી છે.

શરીરના એક પણ અંગને સાહિત્યમાં લાગણીઓ સાથે જોડવામાં આવ્યું નથી, પરંતુ હૃદય અને લાગણીઓ પર ઢગલાબંધ બાબતો લખી ચુકાઈ છે અને લખાતી રહેશે. સાહિત્યમાં અને ફિલ્મોમાં હૃદયને પ્રેમ સાથે જોડવામાં આવે છે, પરંતુ મેડિકલ સાયન્સની દૃષ્ટિએ હૃદયને જીવન સાથે જોડવામાં આવે છે, કારણ કે આ એક અંગ એવું છે જે તમે જન્મો ત્યારથી મૃત્યુ પામો ત્યાં સુધી અવિરત ચાલતું રહે છે. આપણે અનુભવતાં ઇમોશન્સની અસર આપણા હૃદય પર પડે જ છે એવું ઘણા સ્ટડીઝ સાબિત કરી ચૂક્યા છે. આપણા જૂના ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ છે. આપણી સંસ્કૃતિ માનતી આવી છે કે વ્યક્તિના સ્વભાવનો તેની હેલ્થ પર ચોક્કસ પ્રભાવ પડે છે અને મૉડર્ન સાયન્સ પણ આ હકીકતને હવે સ્વીકારી રહ્યું છે. એટલે જ આપણા શહેરમાં એવાં ક્લિનિક્સ ચાલુ થઈ રહ્યાં છે જે વ્યક્તિનો ઇલાજ તેના મનને ઠીક કરીને કરે છે. એટલે કે બીમારીઓને ફક્ત શારીરિક રીતે નહીં પરંતુ માનસિક સ્તર પર પણ ઠીક કરવી જરૂરી છે, કારણ કે મનમાં ઉદ્ભવતી લાગણીઓ શરીર પર ખૂબ અસર કરે છે.

લાગણીઓ અને હાર્ટ-ડિસીઝ
મનને સમજતું અને એને ઠીક કરતું સાયન્સ જે વર્ષોના અભ્યાસ અને અનુભવ પરથી તારવવામાં આવ્યું છે એ માને છે કે હૃદય અને આપણાં ઇમોશન્સ વચ્ચે ગાઢ સંબંધ છે. એ વિશે વાત કરતાં માઇન્ડ થેરપી સ્પેશ્યલિસ્ટ અને હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, 'બે ભાવ છે. એક તો જે વ્યક્તિને ઘણી જગ્યાએથી તરછોડવામાં આવી હોય અને એને કારણે તેના મનની જે અવસ્થા વારંવાર સર્જા‍તી હોય એ ભાવ અને એ અવસ્થા હાર્ટની તકલીફ ઊભી કરે છે અને બીજું એ કે જે વ્યક્તિ જીવનમાં ખૂબ એકલી હોય અથવા એકલી ન હોવા છતાં પોતાને એકલી માનતી હોય તેના મનના ભાવ તેના હૃદય પર સીધી અસર કરે છે. હવે અહીં સમજવાનું એ છે કે બાળપણથી દરેક વ્યક્તિને આ બન્ને ભાવોનો અનુભવ થયો જ હોય છે. છતાં દરેક વ્યક્તિને હાર્ટની તકલીફ થતી નથી. અહીં કામ કરે છે કે તમને મનમાં જે ભાવ ઉત્પન્ન થયો એ ભાવને તમે ક્યાં સુધી પકડી રાખો છો? બધાના જીવનમાં દુખ આવે છે. એમાંથી કોઈ અડધા કલાકમાં બહાર આવે તો કોઈ બે દિવસમાં તો કોઈને બે વર્ષ પણ થાય અને ઘણા લોકો માટે દુખ અને પીડા જીવનભરનાં હોય છે. આમ દરેક વ્યક્તિ પર ઇમોશન્સ અલગ રીતે કામ કરે છે એમ લાગે છે, પરંતુ એવું નથી. ઇમોશન્સ કામ કરે જ છે, પરંતુ એ ઇમોશન્સને તમે તમારા પર કેટલાં હાવી થવા દો છો એ મહત્વનું છે.'

ગુસ્સો અને હાર્ટ
મોટા ભાગના ડૉક્ટરો માને છે કે ગુસ્સો હાર્ટના રોગો સાથે સંકળાયેલો છે. તમારી આજુબાજુ નજર કરશો તો પણ ઘણા દરદીઓ મળી રહેશે જેમના વિશે લોકો ફરિયાદ કરે છે કે આ ભાઈનો ગુસ્સો તો ખૂબ ખરાબ છે અથવા તો આ લોકો એવા હોય છે જે નથી ખુદ જીવતા અને નથી બીજાને જીવવા દેતા. ગુસ્સાનો હૃદય સાથે શું સંબંધ છે એ સમજાવતાં ડૉ. મયંક શાહ કહે છે, 'ગુસ્સો હૃદય સાથે નહીં, લિવર સાથે સંબંધ ધરાવે છે. જે વ્યક્તિ ખૂબ ગુસ્સો કરતી હોય તેના શરીરમાં પિત્ત વધે છે અને આવી વ્યક્તિને આગળ જતાં ડાયાબિટીઝ જેવો રોગ થાય છે. આ ડાયાબિટીઝ લોહીની નળીઓ પર અસર કરતો હોવાથી હાર્ટ-ડિસીઝ થાય છે. આમ ગુસ્સો સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે વ્યક્તિના હાર્ટ પર અસર કરે છે. આમ જો આવી વ્યક્તિનો ઇલાજ કરવાનો હોય તો તેના એકલવાયાપણા અને ગુસ્સો એ બન્ને ભાવ પર કામ કરવું પડે છે.'

સ્ટ્રેસની શરીર પર અસર
શરીરમાં સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરમાં ઘણાબધા બદલાવ થાય છે જે તમને સ્ટ્રેસ ઉત્પન્ન કરતાં પરિબળો સામે લડવાની કે એનાથી દૂર ભાગી જવાની ક્રિયા સૂચવે છે અને એના માટે મદદ કરે છે જેને સ્ટ્રેસની પ્રતિક્રિયા કહી શકાય. આ ધારીએ એટલી સરળ પ્રક્રિયા નથી, ખૂબ જટિલ છે. સ્ટ્રેસનાં લક્ષણો જણાવતાં કાર્ડિયોલૉજિસ્ટ અને કાર્ડિઍક ઇલેક્ટ્રોફિઝિયોલૉજિસ્ટ ડૉ. અમેય ઉદયાવાર કહે છે, 'જ્યારે શરીરમાં સ્ટ્રેસ થાય ત્યારે હૃદયના ધબકારા ખૂબ વધી જાય છે અને એની રિધમ ખોરવાય છે, બ્લડ-પ્રેશર ઊંચું આવે છે તથા પેટમાંનું ઍસિડ વધે છે જેને કારણે પેટમાં દુખાવો, અપચો અને છાતીમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત સ્નાયુઓમાં ટેન્શન વધે છે જેને કારણે માથાનો દુખાવો, ગરદન અને પીઠનો દુખાવો પણ થાય છે. સ્ટ્રેસને કારણે શ્વાસ ટૂંકા થઈ જાય છે, લોહી જાડું બને છે અને ક્લૉટિંગની શક્યતા વધે છે. ઇમોશનલ ટ્રૉમાથી વ્યક્તિને હાર્ટ-અટૅક પણ આવી શકે છે. એ શક્ય છે. જ્યારે કોઈ વ્યક્તિને પહેલેથી જ નળીઓમાં બ્લૉકેજ હોય ત્યારે તે વ્યક્તિને એકદમ ચોંકાવનારા કોઈ ખબર આપવામાં આવે ત્યારે તેના બ્લડ-પ્રેશર પર અસર થાય છે અને તેને હાર્ટ-અટૅક આવી શકે છે, પરંતુ કોઈ પણ સામાન્ય હેલ્ધી માણસ જોડે આવું થાય જ એ જરૂરી નથી.'

ડિપ્રેશન સાથે સંબંધ
જે દરદીઓને હાર્ટ-ડિસીઝ હોય છે એ દરદીઓને આ રોગને કારણે ડિપ્રેશન આવી જતું હોય છે અને એ ડિપ્રેશન તેમના હાર્ટની પરિસ્થિતિ વધુ ખરાબ કરે છે. જે લોકોને હાર્ટ-ડિસીઝ નથી તેમને પણ જો ડિપ્રેશન આવે તો આ દરદીઓમાં હાર્ટ-ડીસીઝથી મૃત્યુનું રિસ્ક બેવડાય છે. આ બાબતે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, 'કૉરોનરી આર્ટરી ડિસીઝના લગભગ ૩૦થી ૪૦ ટકા પેશન્ટ ડિપ્રેશનનો ભોગ બને છે જેમાં તેમની અવસ્થાની ગંભીરતા અને મૃત્યુની શક્યતા છથી નવગણી વધી જાય છે. જેમ હાર્ટ-પ્રૉબ્લેમ્સ પછી પેશન્ટ માટે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, સ્મોકિંગ કે આલ્કોહૉલ પીવો રિસ્ક-ફૅક્ટરમાં ગણાય છે. એટલું જ રિસ્કી ડિપ્રેશન છે જેનાથી લાઇફ સ્પાન ઘટે છે એટલે કે જીવનનાં વર્ષો ઓછાં થતાં જાય છે. સૌથી મોટો અને મહત્વનો પ્રૉબ્લેમ એ છે કે હાર્ટ-પેશન્ટને ડિપ્રેશન થઈ શકે છે એ વાત બધાને ખબર નથી અને બધા કાર્ડિયોલૉજિસ્ટ હાર્ટ-પેશન્ટના ડિપ્રેશનનો ઇલાજ કરી નથી શકતા. તેઓ મોટા ભાગે ટૉનિક્સ આપી દે કે ઊંઘની દવા આપી દે જે એનો ઇલાજ નથી. આવું થાય ત્યારે દરદીને નિષ્ણાત પાસે ચોક્કસ લઈ જવો જેથી તેનો ઇલાજ થઈ શકે.'

શું કરવું?

તમે હાર્ટના દરદી ન બનવા માગતા હો કે હાર્ટના દરદી હો તો પણ તમારા ઇમોશનલ સ્ટ્રેસને કે ઇમોશનલ ઇમ્બૅલૅન્સને ઠીક કરવું જરૂરી છે.

વધુપડતું સ્ટ્રેસ, ડર, ડિપ્રેશન, અત્યાધિક ચિંતા કે કાબૂ બહારના ગુસ્સાને અવગણો નહીં. એમ ન માનો કે આ તો મારો સ્વભાવ છે અને એ બદલવો અશક્ય છે. આ માટે પ્રોફેશનલને મળો અને તેની મદદ લો. આ સ્ટ્રેસને ઓછું કરવામાં અને એને મૅનેજ કરવામાં ઘણી મદદ થશે. યાદ રાખો કે તકલીફો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે; પરંતુ એ તકલીફોને કઈ રીતે લેવી, ચિંતા કરવી કે એને દૂર કરવા માટે પ્રયત્નો કરવા, ડરવું કે એનો હિંમતથી સામનો કરવો એ વ્યક્તિ પર છે.

હાર્ટની તકલીફ ન આવે એ માટે બે ગુણો તમારે વિકસાવવા જોઈએ. એક દરિયાદિલી એટલે કે ઉદાર અથવા મોકળા મનના બનવું જરૂરી છે અને બીજું, તમારામાં ગ્રૅટટ્યુડ એટલે કે કૃતજ્ઞતા વિકસાવો. જે મળ્યું છે એ મળ્યા બદલ કૃતજ્ઞ બનો. આ બન્ને ભાવ જે વ્યક્તિમાં સમાયેલા છે તેને ૧૦૦ વર્ષે પણ હાર્ટ-અટૅક આવતો નથી. જે વ્યક્તિ સ્વાર્થી છે, ફક્ત પોતાના વિશે વિચારે છે તેને આ રોગ ચોક્કસ આવે છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov6qjQ69aO2iw34moUyYnQoKwwkKoS1VSqfQ%2BZz_kQB7A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment