Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિજય માલ્યા : રોગ કે લક્ષણ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિજય માલ્યા : રોગ કે લક્ષણ?
નવાજૂની : ઉર્વીશ કોઠારી

 

 

એક પક્ષના વકીલે સામેના વકીલ માટે કહ્યું, 'મારા કાબેલ મિત્ર કદી સાચું બોલતા નથી.' સામેવાળા વકીલે વળતો પ્રહાર કર્યો, 'મારા મિત્ર અસત્યને વરેલા છે.' ન્યાયાધીશે કાગળિયાંમાંથી મોઢું ઊંચું કર્યું અને કહ્યું, 'ઓળખવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ?' વિજય માલ્યાકાંડમાં આપણે નાગરિકોએ બંને મુખ્ય રાજકીય પક્ષોને એ જ કહેવાનું થાય, 'ઓળખવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ?'

 

અગાઉની સરકાર તેમના રાજમાં થયેલી ભૂલો અને બેન્કોની સલવાઈ ગયેલી લોન (નોનપર્ફોમિંગ અસેટ્સ-NPA) વિશે વાત કરવાને બદલે વર્તમાન સરકાર ભણી આંગળી ચીંધીને છૂટી પડવા ઈચ્છે છે. હાલની સરકારની જવાબદારી દેખીતી રીતે જ મોટી છે. કારણ કે બીજા કોઈએ નહીં, વડાપ્રધાને પોતે અને તેમના સમર્થકોએ ચૂંટણીપ્રચાર વખતે તોતિંગ અપેક્ષાઓ ઊભી કરી હતી. અગાઉની સરકારની નિષ્ફ્ળતા પર ચાબખા મારી મારીને તેમણે મત મેળવ્યા અને સરકાર બનાવી. પરંતુ તેમના રાજમાં એ નિષ્ફ્ળતાનો વારસો જ આગળ વધ્યો છે. કડકાઈની બધી વાતો પોથીમાંનાં રીંગણાં (કે પ્રચારસભાના વાયદા) જેવી તકલાદી નીવડી છે–ચાહે વાત વિજય માલ્યા જેવા એકલદોકલ 'વિલફુલ ડીફેલ્ટર'ની (જાણીબુઝીને ઉલાળિયું કરનારની) હોય કે જાહેર ક્ષેત્રની બેન્કોમાં સતત વધતી NPAની.

 

એક પછી એક બહાર આવી રહેલી વિગતો પ્રમાણે માલ્યાને પરદેશ નાસી જતા રોકવા માટે સ્ટેટ બેન્કના મોટા સાહેબોને તેમના વકીલે વેળાસર ચેતવ્યા હતા ને કયાં પગલાં લેવાં એ પણ કહ્યું હતું. એક સમયે સર્વોચ્ચ અદાલતે જેને પિંજરે પુરાયેલા પોપટ સાથે સરખાવી હતી અને જેની પર કહ્યાગરાપણાનો આરોપ મૂકતાં વર્તમાન સત્તાધીશો અગાઉ થાકતા ન હતા, એ જ સીબીઆઈએ માલ્યા સામેની નોટિસ મોળી પાડી દીધી. એર પોર્ટ પર માલ્યા દેખાય તો ધરપકડ કરવાને બદલે, ફ્ક્ત જાણ કરવાની સૂચના એ નોટિસમાં કેવી રીતે આવી ગઈ હશે? આવી વિગતો બહાર આવ્યા કરે એટલે વર્તમાન સરકાર વધુ ને વધુ આક્રમક બનીને આખો આળિયોગાળિયો ભૂતકાળ પર નાખવાની કોશિશ કરે છે.

 

રાજરમતનો ટૂંકો નિયમ એક જ છે : આપણા ડાઘ છુપાવવા છે? તો સામેવાળાના ડાઘની વાતો કરતા રહો. સવાર-બપોર-સાંજ, ફેસબૂક-ટ્વિટર-વોટ્સએપ પર, જ્યાં તક મળે ત્યાં. પછી એક દિવસ માલ્યા કે નીરવ મોદી કે એવા કોઈકને પાછા આણવામાં સફ્ળતા મળે એટલે એવા જોરશોરથી વિજયગાન ચાલુ કરી દેવાનું કે માલ્યાને છટકવા દીધાનો આખો ઘટનાક્રમ ભૂલાઈ જાય.

 

ભારતના રાજકીય પક્ષોનો અભિગમ મોટે ભાગે સમસ્યાઓ ઉકેલવાનો નહીં, તેમને ગુંચવાયેલી રાખીને તેમાંથી પોતાનો મહત્તમ રાજકીય ફયદો કેવી રીતે ઉઠાવી શકાય એની ગણતરીઓ માંડવાનો હોય છે. એવું ન હોત તો સરકાર બદલાઈ એના થોડા અરસામાં NPAમાં ઘટાડો થયો હોત કે વધારો અટક્યો હોત. એને બદલ NPAમાં વધારો સતત ચાલુ જ રહ્યો. ભ્રષ્ટાચારને નાથવાના બહાને કરાયેલી નોટબંધીમાં સામાન્ય માણસો હેરાન થઈ ગયા, પણ પોતાની કડકાઈની છાપ ઊભી કરવા આતુર સરકારના નાક નીચેથી માલ્યા અને નીરવ મોદી જેવા સફ્ળતાપૂર્વક દેશ છોડીને ભાગી શક્યા. તેની જવાબદારી લેવાની આવે, એટલે સરકારને ટાઢ ચઢે છે અને તે એલફ્લ બોલીને જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરે છે.

 

મોડે મોડેથી એક એવો પણ પ્રવાહ જોવા મળ્યો, જેમાં માલ્યા વિશે કંઈક બચાવના સૂરમાં વાત થતી હોય. તેમાં એવું સ્થાપિત કરવામાં આવે કે માલ્યાએ ઉલાળિયું કર્યું, પણ તે ગુનેગાર નથી. એ તો માલ્યા ઝાકઝમાળભરી જિંદગીની ઈર્ષ્યા આવતી હોવાથી લોકોએ તેમને વિલન બનાવી દીધા છે. પરંતુ માલ્યાના ઠાઠમાઠ હજુ પણ અકબંધ હોય, ત્યારે તેની પરના રોષમાં નકરી ઈર્ષ્યા જોવાનું કેટલું યોગ્ય ગણાય?

 

માલ્યા હોય કે નીરવ મોદી, પરદેશ નાસી ગયા પછી તેમની એક દલીલ એ હોય છે કે અમે ભારત પાછા જઈશું તો લોકો (અથવા સરકાર અથવા બંને) કેવળ પોતાનો છાકો પાડવા માટે અમને પીંખી નાખશે. આ વાતમાં સચ્ચાઈનો અંશ હોય તો પણ, તેમાં રહેલી ઠાવકાઈ સરકારી બેન્કોનું કરોડોનું કરી નાખનારાના મોઢે શોભતી નથી. એવું ડહાપણ તેમણે દેવું ભરપાઈ કરવાના મામલે દેખાડવાની જરૂર હોય છે.

 

નેતાઓ અને પ્રસાર માધ્યમોને પણ વિજય માલ્યા જેવા ગ્લેમરસ કેસની આસપાસ ફ્રફુદરડી ફ્રવાનું વધારે માફ્ક આવે છે. એમ કરવાથી ચર્ચાનો દાયરો સાંકડો કરી શકાય છે. બાકી, વિજય માલ્યાના આશરે રૂ. ૯૧૦૦ કરોડના બાકી ચુકવણાની સામે NPAનો કુલ આંકડો રૂ. ૧૦ લાખ કરોડને વટાવી ચૂક્યો છે. એટલે વાસ્તવિકતા એ છે કે વિજય માલ્યાને ભારત આણવામાં સફ્ળતા મળે તો પણ, જે બેશરમીથી સૌ સત્તાધીશોએ માલ્યાને અનુકૂળતા કરી આપી, એ ધ્યાનમાં રાખતાં બીજા લોકો પર કશો દાખલો બેસે એવી સંભાવના નહીંવત્ રહે છે.

 

પ્રસાર માધ્યમોને કારણે લોકોને પણ એવું લાગે છે, જાણે વિજય માલ્યા ભારતના રાષ્ટ્રીય ભ્રષ્ટાચારના પ્રતીકપુરુષ હોય અને તેમને પાછા પકડી આણવાથી પછી બેન્કોની NPAની સમસ્યા ઉકલી જવાની હોય. હકીકતમાં માલ્યા પ્રકારના લોકો ફ્ક્ત રોગલક્ષણ છે. તેમની બેફમ અને બેશરમ વર્તણૂકથી દોરવાઈને મૂળ રોગ પરથી નજર હટાવી લેવામાં આવે, તો તેમના નિમિત્તે આખો ઉપાડો કરવાનો ઝાઝો અર્થ સરતો નથી. મહત્ત્વના સવાલ એ છે કે સરકાર કોઈપણ હોય, સરકારી બેન્કોનાં જ નાણાં કેમ મોટા પ્રમાણમાં સલવાય છે? તેમાં સરકાર કે તેના માણસોની શી ભૂમિકા હોય છે?

 

સરકારી અફ્સરો કે નેતાઓ વ્યક્તિગત ફયદા માટે સામાન્ય માણસનું હિત કઈ હદે અવગણી શકે છે? છતાં સજામાંથી કેવી રીતે બચી નીકળે છે? આ પ્રકારના ગુના કરનારા સામે કેવાં સખત પગલાં ભરી શકાય? તેમાં બેન્કોને શો ફયદો થાય? NPAમાં કેટલો ઘટાડો થાય?

 

આવા સંજોગોમાં NPA માટે જવાબદાર કારણો અને પરિબળો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં ન આવે અને તેને રાજકીય ફુટબોલનો વિષય બનાવી દેવાય, તો એક માલ્યા જશે ને બીજા આવશે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otpm-DuH2gw4U-nx70-QZhPHf-vB_xVs6-L5we506egEA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment