Monday, 3 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નબળાઈને જ બનાવી તાકાત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નબળાઈને જ બનાવી તાકાત!
પ્રાસંગિક-દર્શના વિસરીયા

 

 


બાળપણથી પોતાના પગ પર ઊભાં નહીં રહી શકનાર ઈન્દ્રજિત કૌર આજે તેમની આસપાસની અનેક મહિલાઓને પગભર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યાં છે. ત્રીજી ડિસેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમને 'નેશનલ એવૉર્ડ ફોર ધ એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ ડિસેબિલિટી-2018'થી નવાજવામાં આવશે.

 

ત્રીજી ડિસેમ્બરનો દિવસ એ આપણા બધા માટે કદાચ એક સામાન્ય સોમવાર જેવો જ હશે, પણ પંજાબના હોશિયારપુરની દિવ્યાંગ કવયિત્રી ઈન્દ્રજિત કૌર 'નંદન' માટે આ સોમવાર સોનાના સૂરજ સાથે ઊગવાનો છે અને એવું હોય પણ કેમ નહીં? કારણ કે આ જ એ દિવસ છે કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 35 વર્ષીય ઈન્દ્રજિતને 'નેશનલ ઍવૉર્ડ ફોર ધ એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ ડિસેબિલિટી-2018' એનાયત કરવામાં આવશે

 

તમે, હું કે આપણે ઘણી વખત સાવ નાનકડી એવી મુસીબતથી ડરીને કે હિંમત હારી જઈને ઘૂંટણ ટેકવી દેતા હોઈએ છીએ, પણ ઈન્દ્રજિત કૌર એ એક એવું વ્યક્તિત્વ છે કે જેણે જીવનમાં ક્યારેય હાર નથી માની અને એટલું જ નહીં તેની નબળાઈને જ તાકાત બનાવીને હવે તે દિવ્યાંગજનો અને મહિલાઓને પગભર કરવાની દિશામાં આગળ વધી રહી છે.

 

ઈન્દ્રજિત કૌર સાથે અન્ય બીજી બે મહિલાઓને પણ આ દિવસે અલગ અલગ પુરસ્કાર આપવામાં આવશે, પણ આપણી આજની સ્ટોરીની મેઈન હીરો તો ઈન્દ્રજિત કૌર છે. એક મહિલા ધારે તો શું નથી કરી શકતી એના વિશે તો ઘણું બધું વાંચ્યુ, લખ્યું અને સાંભળ્યું હશે, આજે આપણે એક એવી મહિલાની સંઘર્ષ કથાની શાબ્દિક સફર કરવાના છીએ કે જે સાંભળ્યા બાદ કદાચ તમે ઈન્દ્રજિતને જ પોતાની પ્રેરણા માનવા લાગશો.

 

આજે વ્હિલચેરની મદદ વિના હલનચલન નહીં કરી શકનાર ઈન્દ્રજિત કૌર એ ગોઝારા દિવસને યાદ કરતાં આજે પણ હચમચી જાય છે અને કહે છે કે 'જ્યારે હું અઢી વર્ષની હતી ત્યારે મને તાવ આવ્યો હતો. મારી મમ્મીએ મને દવા ખવડાવીને પંખા નીચે સુવડાવી દીધી. દવા ખાધા બાદ થોડું સારું લાગ્યું અને તાવ તો ઊતરી ગયો. હું એકદમ સાજી થઈ ગઈ છું એ વિચારે મેં નાચવા- કૂદવાનું શરૂ કરી દીધું. પણ અચાનક જ હું ડાન્સ કરતાં કરતાં પડી ગઈ હતી. એ વખતે જ મને મસ્ક્યુલર ડિસ્ટ્રોપી નામની બીમારી થઈ ગઈ હતી અને એ દિવસ હતો અને આજનો દિવસ છે હું ક્યારેય મારા પગ પર ઊભી નથી રહી શકી.'

 

જીવનમાં આવી પડેલી આટલી મોટી વિપદા બાદ પણ ઈન્દ્રજિત હિંમત નથી હાર્યાં અને તેઓ સમાજસેવા ક્ષેત્રે આગળ વધ્યા અને આજે દિવ્યાંગજનોના જીવનમાં માર્ગદર્શક તરીકેનું કામ પણ કરી રહ્યાં છે. ઈન્દ્રજિતની આ જ સિદ્ધિને કારણે રાષ્ટ્રપતિ દ્વારા તેમને 'નેશનલ ઍવૉર્ડ ફોર ધ એમ્પાવરમેન્ટ ઑફ પર્સન વિથ ડિસેબિલિટી-2018'થી નવાજવામાં આવશે. તેમની સિદ્ધિઓનો સિલસિલો અહીં જ નથી થમવાનો, પણ ઈન્દ્રજિત ખુદ પંજાબની એક એવી મહિલા સાહિત્યકાર છે કે જેમને 35 વર્ષથી ઓછી ઉંમરમાં સન્માન મળી રહ્યું છે.

 

બીકોમ, એમએ સુધીનો અભ્યાસ કરનારી ઈન્દ્રજિત કૌર પોતે સમાજસેવી બે-ત્રણ સંસ્થા ચલાવે પણ છે અને અન્ય એનજીઓને આર્થિક સલાહ પણ આપે છે. ખેડૂતોને કેમિકલરહિત ખેતી કરવા, મહિલાઓ અને દિવ્યાંગજનોને મદદ કરવા કે તેમને પગભર કરવા માટે તેઓ હંમેશાં જ તત્પર હોય છે.

 

શારીરિક અસક્ષમતા વિશે વાત કરતાં ઈન્દ્રજિત કહે છે કે 'મોટી થયા બાદ મને લાગ્યું કે હવે હું ક્યારેય મારા પગ પર ઊભી નથી જ રહી શકવાની અને એ જ વખતે મેં મારી આ નબળાઈને મારી તાકાત બનાવવાનું નક્કી કરી લીધું અને જુઓ આજે પરિણામ તમારા લોકોની સામે જ છે.'

 

'મને મારી દીકરી પર ખૂબ જ ગર્વ છે અને મેં ક્યારેય દીકરી-દીકરા વચ્ચે કોઈ જ ફરક નથી કર્યો. મને આશા હતી કે એક દિવસ એવો આવશે કે મારી આ દીકરી જ દુનિયાભરમાં અમારા પરિવારનું નામ રોશન કરશે. ઈન્દ્રજિત એ વિશ્ર્વાસ પર એકદમ ખરી ઊતરી છે.' દીકરીની આ સિદ્ધિથી ફૂલી નહીં સમાઈ રહેલી ઈન્દ્રજિતની માતા પોતાની લાગણી કંઈક આ રીતે શબ્દોમાં વ્યક્ત કરે છે.

 

સમાજસેવા અને દિવ્યાંગજનો ઉપરાંત સાહિત્યક્ષેત્રે પણ તેમણે એટલું જ કામ કર્યું છે. સંસ્કૃતમાં રાષ્ટ્રીય માન મેળવનાર ઈન્દ્રજિત એ પંજાબની પહેલી મહિલા હતી અને એટલું જ નહીં પંજાબી સાહિત્યમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઈન્દ્રજિત છ જેટલાં પુસ્તકો લખી ચૂક્યાં છે.

 

આજે લાખો લોકો ઈન્દ્રજિત કૌરને પોતાના પ્રેરણાસ્ત્રોત માની રહ્યા છે, પણ ઈન્દ્રજિત અમરજિત સિંહ આનંદ અને એડ્વોકેટ વિવેક જોષીને પોતાની પ્રેરણા માને છે. પંજાબી સાહિત્યને રાષ્ટ્રીયસ્તરે ઈન્દ્રજિત કૌરે એક અલગ અને આગવી ઓળખ અપાવી છે. ઈન્દ્રજિત કૌર લોકો માટે એક જીવતી જાગતી મિસાલ છે કે એક વખત તમે જો કંઈક કરી દેખાડવાનો નિર્ધાર કરો છો તો પછી દુનિયાની કોઈ તાકાત નથી કે તમને તમારી મંજિલ સુધી પહોંચતા રોકી શકે.

 

-------------------------------------------

ઈન્દ્રજિત કૌરની સિદ્ધિઓ

2008: નેશનલ એવૉર્ડ

2012: મધર ટેરેસા એવૉર્ડ

2013: સ્વામી વિવેકાનંદ સ્ટેટ એવૉર્ડ ઑફ એક્સલન્સી

2014: એવૉર્ડ ઑફ ઑનર, પંજાબી સાહિત્ય અકાદમી એવૉર્ડ

2018: સ્પેશિયલ ઑનર

2018માં તેઓ નાસિકમાં યોજાયેલા અખિલ ભારતીય દિવ્યાંગ સાહિત્ય સંમેલનમાં અધ્યક્ષસ્થાને બિરાજી ચૂક્યાં છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtW_uf2wCx%2B6oMfc%2BxOER4hcC2zk7r5BZQMWC%3DCtaNptA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment