Friday, 28 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દુનિયામા કંઇકનો હું કરજદાર છું... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુનિયામા કંઇકનો હું કરજદાર છું 'મરીઝ', ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે!
ડૉ. શરદ ઠાકર

 

 

 

આનંદ પોતે કાયમ આનંદમાં જોવા મળતો હતો, પણ એને જોઈને બીજા મિત્રો આનંદવિહોણા થઈ જતા હતા. એને દૂરથી આવતો જોઈને જ બધા આડાઅવળા થઈ જતા હતા. આમ થવાનું કારણ વર્ણનથી નહીં સમજાવી શકાય, એ સમજાવવા માટે થોડાંક દૃષ્ટાંતો આપવાં પડશે.

 

મેડિકલ કોલેજનું કેમ્પસ. હોસ્ટેલ લાઇફના દિવસો. એ જમાનો 'સેલ્ફ ફાઇનાન્સ કોલેજ'નો ન હતો. દિવસ-રાત મહેનત કરીને પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવીને, એક પણ પૈસાનું ડોનેશન આપ્યા વગર જ મેડિકલ કોલેજમાં ભણવા માટે જઈ શકાતું હતું.


ડૉ. આનંદ તરફથી સોળ લાખ રૂપિયા મળી ગયા છે. આ લેટર પણ મળ્યો છે તમારા માટે  એ વાત તો જમાનાઓથી ચાલતી આવે છે કે જ્યાં પરીક્ષામાં માત્ર ગુણવત્તા જ જોવાની હોય છે ત્યાં ધનવાનોના નબીરાઓ ટકી શકતા નથી. પરીક્ષાખંડ એકમાત્ર એવું રણમેદાન છે જ્યાં ઝૂંપડીઓ જીતી જાય છે અને બંગલાઓ હારી જાય છે. રાજપુત્રો કરતાં ભીલપુત્રે ચલાવેલાં તીરો વધારે અસરકારક સાબિત થાય છે.


અમારા બધામાંથી પણ મોટાભાગના વિદ્યાર્થીઓ લોઅર મિડલ ક્લાસમાંથી આવતા હતા. એ સમયે અઢીસો રૂપિયામાં આખો મહિનો પસાર થઈ જતો હતો. એમાં મેસ બિલ, ચા-નાસ્તો, સાબુ-તેલ તેમજ ઇતર ખર્ચાઓનો સમાવેશ થઈ જતો હતો. ધોબીનો ખર્ચો જેને પરવડે તે ધનવાન ગણાતો હતો. બાકી અમારા જેવા તો જાતે જ કપડાં ધોઈ નાખતા હતા. દરેક બેચમાં પાંચ-દસ ટકા વિદ્યાર્થીઓ એવા મળી જ આવે જેઓ મહિનાની દસ તારીખ સુધી ઘરેથી મની ઓર્ડર ન આવે તો રડી પડતા હતા અને પછી પાણીના બે ગ્લાસ પીને ઊંઘી જતા હતા. આ જલપાનમાં જ એમનું ડિનર સમાઈ જતું હતું.


આજ-કાલ વરસે દહાડે દસ-પંદર લાખ રૂપિયાની ફી ભરીને એંશી લાખની કારમાં બેસીને ડૉક્ટરીનું ભણવા જતા અને વાતવાતમાં પાણીની જેમ પૈસા ખર્ચતા રાજકુમારોને જોઉં છું ત્યારે... જવા દો એ વાત! આપણે ક્યાં હતાં? હા, યાદ આવ્યું, આપણે વીસમી સદીના સાતમા દાયકામાં હતા, જ્યારે વીસ પૈસામાં એક કપ ચા મળતી હતી અને પંચોતેર રૂપિયામાં પૂરો મહિનો બે ટંક ભરપેટ જમી શકાતું હતું.


આ જમાનામાં આનંદ જેવા કેટલાક પરોપજીવી વિદ્યાર્થીઓ પણ હતા અમારા કેમ્પસમાં. આનંદ ગરીબ પરિવારનો દીકરો ન હતો. એના પિતા એડવોકેટ હતા, પણ આનંદની દાનત ગરીબ હતી. શરૂઆતમાં આ વાતની ખબર ન પડી, પણ પછી ધીમે ધીમે બધાને પરચાઓ મળતા ગયા.


ધીરેન નામનો વિદ્યાર્થી સવારના પહોરમાં ચા પીવા માટે આદમની કેન્ટિનમાં ગયો ત્યારે આનંદ પહેલેથી જ ત્યાં બેઠો હતો. ધીરેનને જોઈને એણે બૂમ પાડી, 'ગુડ મોર્નિંગ પાર્ટનર! આવો અહીં જમાવો. શું મંગાવું?'


'એક કપ ચા અને બે ખારી.' ધીરેને જવાબ આપ્યો.
આનંદે તો ઓર્ડર આપેલો જ હતો. એમાં ઉમેરો થઈ ગયો. બંને ખાસ કંઈ એવા ગાઢ મિત્રો ન હતા, પણ એક જ કેમ્પસમાં રહેવાના કારણે એકબીજાને ઓળખતા હતા.


ધીરેનને આનંદની વિશેષ ઓળખાણ ત્યારે મળી જ્યારે ચા-નાસ્તો કરીને આનંદે ખિસ્સામાં હાથ નાખ્યા વગર જ કહી દીધું, 'સોરી પાર્ટનર, હું મારું પાકીટ રૂમમાં જ ભૂલી ગયો. ઉતાવળમાં...'

 


ધીરેનના ખિસ્સા પર ચા-ખારી ઉપરાંત એક વધારાની ચા અને ચાર ખારી, બ્રેડબટર અને ચેવડાનું બિલ પણ આવી પડ્યું.


એ જ દિવસે સાંજે લાઇબ્રેરીમાં બેસીને એનેટોમીની બુક વાંચી રહેલા જયદીપને બગાસાં આવવા માંડ્યાં. એ ચાનો ડોઝ મારવા માટે ઊભો થયો. વિનુભાઈની કેન્ટિન તરફ ચાલવા લાગ્યો. ત્યાં જ પીઠ ઉપર ધબ્બો અને કાનમાં ઉમળકાભર્યો અવાજ પડ્યો, 'ક્યાં ચાલ્યા પાર્ટનર! ચા પીવા? હું ત્યાં જ જઈ રહ્યો છું. કંપની રહેશે.'


કંપનીના બદલામાં જયદીપના ડેબે ચાર રૂપિયાનું બિલ ચોંટી ગયું. એ તો બાપડો અડધી ચા પીવા જ નીકળ્યો હતો, આનંદના કારણે બે આખી ચા અને બે પ્લેટ્સ સમોસાંનું બિલ ભરવું પડ્યું. આ વખતે આનંદે એના ખિસ્સામાં હાથ નાખ્યો તો ખરો, પણ બિચારો શું કરે? પાકીટમાં એક જ નોટ હતી. દસ રૂપિયાની. ફિલ્મ 'શ્રી 420'માં રાજકપૂર નરગિસને પૂછે છે, 'તુમ્હારે પાસ દો આને છુટ્ટે હૈ? છુટ્ટે? મેરે પાસ સૌ કા નોટ હૈ.'


એ પછી તો એક પછી એક બધા મિત્રો મૂંડાતા રહ્યા. જયેશ, દિનેશ, બકુલ, નરેન્દ્ર, મિતુલ. વારા પછી વારો, મારા પછી તારો. ધીમે ધીમે વાત ફેલાતી ગઈ. કેમ્પસ ખૂબ મોટું. વિદ્યાર્થીઓની સંખ્યા પણ આઠસો-હજાર જેટલી. એટલે વાત પૂરા કેમ્પસમાં પ્રસરે ત્યાં સુધીમાં ફર્સ્ટ એમ.બી.બી.એસ. પૂરું થઈ ગયું. સેકન્ડ એમ.બી.બી.એસ.નું વર્ષ શરૂ થયું ત્યાં સુધીમાં તો આનંદની ધાક જામી ચૂકી હતી. સહુ એને હવે 'આનંદ આતંકવાદી'ના નામથી ઓળખવા માંડ્યા હતા. ચા પીવા માટે કેન્ટિનમાં જવાનું થાય તો બધા ચારે બાજુ બારીક નજર ઘુમાવીને જોઈ લેતા હતા કે આસપાસના પાંચસો મીટરના ઘેરાવામાં ક્યાંય આનંદ તો દેખાતો નથી ને?


સેકન્ડ એમ.બી.બી.એસ. દરમિયાન આનંદે બીજો પાસો ફેંક્યો. ચા-નાસ્તાની દિશા છોડીને એણે ફિલ્મ જોવાનો દાવ અજમાવ્યો. કોઈ પણ મિત્રોનું ગ્રૂપ ફિલ્મ જોવા માટે નીકળ્યું હોય, તો આનંદ નામનો ખુદાબક્ષ એમની સાથે જોડાઈ જાય. અમારામાંથી મોટાભાગનાં જૂથોમાં 'સોલ્જરી'નો રિવાજ હતો. સોલ્જરી એટલે ગ્રૂપનો દરેક સભ્ય પોતાના ભાગે આવતી રકમ ચૂકવી દે, પણ આનંદ તો જે-તે ગ્રૂપ માટે નવો સભ્ય હોય, એટલે પહેલી વારમાં તો એની પાસેથી કોઈ પૈસા માગતું નહીં અને બીજી વાર આનંદ એ ગ્રૂપમાં ક્યારેય જોડાય નહીં. નવી ગબ્બી, નવો દાવ!


ધીમે ધીમે આખા કેમ્પસમાં વાત પ્રસરી ગઈ. પછી તો એ સ્થિતિ સર્જાઈ ગઈ કે દસ-બાર મિત્રો વાંચી-વાંચીને કંટાળ્યા હોય અને રાતના નવથી બારના શોમાં પિક્ચર જોવા માટે નીકળ્યા હોય ત્યારે જો આજુબાજુના એક કિલોમીટરના ઘેરાવામાં ક્યાંય આનંદની હાજરી છે એવા ઊડતા સમાચાર મળે તો પણ આખું ગ્રૂપ ફિલ્મનો વિચાર પડતો મૂકીને પાછું લાઇબ્રેરીમાં ઘૂસી જાય.


થર્ડ એમ.બી.બી.એસ.માં આનંદે નવો દાવ અજમાવ્યો. કેન્ટિનમાં, મેસમાં, પ્રોવિઝન સ્ટોરમાં બધે ઉધાર રાખવાનું શરૂ કર્યું. ચાર-ચાર મહિને બિલ ચૂકવે. એ પણ ત્રીસેક ટકા જેટલું જ. નવા આવેલા સ્ટુડન્ટ્સ પાસેથી ઉછીના પૈસા લે અને પછી પરત આપે નહીં. ધીમે ધીમે વિદ્યાર્થીઓ વિફર્યા. કડક ઉઘરાણીઓ શરૂ થઈ ગઈ. આનંદ પૈસા ન આપે, માત્ર જવાબ આપે, 'આ મહિને ઘરેથી મની ઓર્ડર નથી આવ્યો. આવતા મહિને અચૂક પૈસા આપી દઈશ.'


બીજા મહિને બીજું બહાનું, 'ઘરેથી મની ઓર્ડર તો આવ્યો હતો, પણ ભોજનખર્ચના બે મહિનાનું સામટું બિલ ભરવાનું હતું એમાં વપરાઈ ગયા. આવતા મહિને અચૂક...'

ત્રીજા મહિને ખિસ્સું કપાઈ જાય તો એ પછીના મહિને બીમારીમાં રકમ વપરાઈ જાય.


જયલાએ તો એક દિવસ જાહેરમાં એને કહી દીધું હતું, 'આનંદ, મને એક વાતનો જવાબ આપીશ? તું પેન્ટમાં ખિસ્સાં જ શા માટે કરાવે છે? તારે જીવવાનું તો પારકાનાં ખિસ્સાં પર જ છે ને?'


આમ ને આમ થર્ડ એમ.બી.બી.એસ. પણ પૂરું થઈ ગયું. છેલ્લી પરીક્ષા પાસ કરીને ક્લાસના તમામ વિદ્યાર્થીઓ જગતના ચોકમાં ફેંકાયેલાં મોતીની જેમ વેરાઈ ગયા. મોટાભાગના એકબીજાના સંપર્કમાં રહ્યા, પણ આનંદ ક્યાં ખોવાઈ ગયો એની માહિતી કોઈની પાસે ન હતી અને એની પરવા પણ કોને હોય?


પચીસ વર્ષ વીતી ગયાં. બે-ચાર ડૉક્ટર મિત્રોએ આગેવાની લીધી, 'ચાલો, આપણી બેચનું એલ્યુમ્નાઈ ગેધરિંગ ગોઠવીએ.' ફોનના નંબરો ડાયલ કરવામાં આવ્યા. વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ ફરતા થયા. દોઢ મહિનાના પ્રયાસો પછી એકસો મિત્રો (સહકુટુંબ) ભેગા થવા માટે રાજી થઈ ગયા. અમદાવાદથી ત્રીસેક કિમી. દૂરના એક રિસોર્ટમાં ગેટ-ટુગેધર આયોજિત કરવામાં આવ્યું.


કોઈ કોઈને ઓળખી ન શકે તેવી દશા થઈ ગઈ હતી. મોટાભાગના ડૉક્ટર મિત્રોના માથે રમતના મેદાન જેવડી ટાલ પડી ગઈ હતી. જેમના માથા પર વાળ રહ્યા હતા તે પણ સફેદ થઈ ગયા હતા. મોટાં-મોટાં પેટ અને સ્થૂળકાય પત્નીઓ, ટીનેજર સંતાનો. ચારસો જણાએ ત્રણ દિવસ અને બે રાતના પેકેજમાં જે મજા માણી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. છૂટાં પડતી વખતે ડૉ. ધીરેન, ડૉ. જયેશ અને ડૉ. મિતુલ રિસોર્ટના માલિક પાસે જઈને 'પેમેન્ટ' વિશે વાત કરવા લાગ્યા, 'આપણે માથાદીઠ ચાર હજારની વાત થઈ હતી. ચારસો જણાના ચાર હજાર લેખે સોળ લાખ થાય. તમે કેટલું ડિસ્કાઉન્ટ આપશો?', 'નોટ એ સિંગલ રૂપ્પી!' માલિકે આવું કહીને બધાને ચોંકાવી દીધા. પછી કહ્યું, 'પેમેન્ટ આવી ગયું છે. કોઈ ડૉ. આનંદ તરફથી સોળ લાખ રૂપિયા મળી ગયા છે. આ લેટર પણ મળ્યો છે તમારા માટે.'


કવરમાંથી પત્ર કાઢીને ડૉ. જયેશે ચારસો જણાને વાંચી સંભળાવ્યો. 'પ્રણામ મિત્રો! મને ઓળખ્યો ને? હું ડૉ. આનંદ આતંકવાદી. તમને મારું મોં જોવાનું નથી ગમતું એટલા માટે હું આવ્યો નથી. સત્ય એ છે કે મારા પિતા ભલે એડવોકેટ હતા, ખૂબ કમાતા હતા, પણ એમની પ્રથમ પત્ની એટલે મારી જનેતા મને જન્મ આપીને મૃત્યુ પામી હતી. પપ્પાએ બીજું લગ્ન કર્યું હતું. નવી મા અને યુગો જૂની પીડા. કેમ્પસમાં કદાચ સહુથી ગરીબ હું હતો.


તમારા બધાના સહારે સહારે મારાં સાડા ચાર વર્ષ નીકળી ગયાં. અત્યારે હું ખૂબ કમાયો છું. મને ક્યાંકથી ઊડતા સમાચાર મળ્યા કે તમે ભેગા મળી રહ્યા છો. મારા તરફથી પૂરેપૂરી સ્પોન્સરશિપ આપું છું. ફૂલને બદલે ફૂલની પાંખડી સમજીને સ્વીકારી લેજો અને જો આ આતંકવાદીને માફ કરી શકો તો આવતા વર્ષે ફરીથી મળીએ. હું પણ આવીશ. શરત એક જ, બધાનું બિલ હું ચૂકવીશ.'


ચારસો જણાની આઠસો આંખો રડી ઊઠી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oua%3DazCkcm%3DmJHCuYA__xSb3Jr_kUBavCoopnVY1HW5nA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment