' અલય, ચાલ, જલદી બહાર...સીકયોરીટી ચેક પહેલા એક વાર પાંચ મિનિટ બહાર જવા દે છે. મમ્મી, પપ્પાને મળી આવીએ..મમ્મીએ ખાસ કહ્યું છે. લગેજ અંદર જાય એટલે બહાર આવીને એકવાર મોઢુ બતાવી જજે. પછી જ તેને શાંતિ થશે. ત્યાં સુધી તે બહાર રાહ જોતી ઉભી જ રહેશે. તેને પગનો દુ:ખાવો છે છતાં માનશે નહીં. હું ઓળખું ને તેને ? ચાલ, યાર ' કહી નિશાંતે અલયને લગભગ ધક્કો માર્યો. અલયને બહાર જવાનું મન ન થયું. તેની રાહ જોવાવાળુ કોઇ કયાં હતું ? બહાર જઇને શું કરે ? પરંતુ અંતર્મુખી સ્વભાવને લીધે મનની વાત આ વીસ વરસોમાં કયારેય કોઇને કહી નહોતો શકયો...આજે કેમ કહે ? નિશાંત તો પોતાની ધૂનમાં મશગૂલ હતો. બહાર મમ્મી, પપ્પા અને બધા પોતાની પ્રતીક્ષા કરતા હશે.. અત્યારે એ એક વિચાર સિવાય બીજું કશું તેને સ્પર્શી શકે તેમ નહોતું. પહેલીવાર ઘરથી આટલે દૂર જઇ રહ્યો હતો. તેનો ઓથાર ભીતરમાં છવાયેલ હતો.
અલયનો હાથ ખેંચી નિશાંત બહાર નીકળ્યો. અને બહાર આતુરતાથી ઉભેલ મમ્મી,
પપ્પાને સબ સલામતના સમાચાર આપવા લાગ્યો.
અલય ત્યાંથી થોડે દૂર ખસી ગયો. જાણે સામે પોતા માટે કોઇ ઉભું હોય અને પોતે તેમને ' બાય' કરતો હોય તેમ હસીને હાથ હલાવવા લાગ્યો. તેની આંખોમાં જળજળિયા ઉભરાતાં હતાં. માંડ માંડ અંદર છલકતાં પૂરને ખાળી રાખ્યાં હતાં. હજુ કયાં સુધી આ દંભનું મહોરું ઓઢીને ઘૂમવાનું હતું ?
આંખો કોઇને જોઇ રહ્યાનો ડોળ કરતી હતી પરંતુ તેના કાન નિશાંતની વાત સાંભળી રહ્યા હતા. ' બેટા, બરાબર ધ્યાન રાખજે હોં. અને જો થેપલા અને બધો નાસ્તો બેગની અંદર નીચે મૂકયો છે. આટલે દૂર તને મોકલતા જીવ તો જરાયે નથી ચાલતો. પણ તારી બહું ઇચ્છા હતી તેથી ના નથી પાડી શકયા. બેટા, પરદેશમાં તબિયત સંભાળજે અને કોઇ વાતની ચિંતા કરતો નહીં. પૈસાની ખેંચ રાખતો નહીં. પપ્પાએ બધી વ્યવસ્થા કરી જ લીધી છે. જરાયે મૂંઝાતો નહીં. રોજ દૂધ બરાબર પી લેવાનું ભૂલતો નહીં. તું દૂધ પીવાનો બહું ચોર છે. ત્યાં મમ્મી નહીં હોય. બેટા, હવેથી તારું ધ્યાન તારે જ રાખવું પડશે. તારા વિના ઘર સૂનુ સાવ સૂનું થઇ જશે. અમને કોઇને ગમશે નહીં. તું તારું ધ્યાન રાખજે હોં.. રાખીશ ને ? નહીંતર અમને કેટલી ચિંતા થાય એ તને ખબર છે ને ? ' કહેતાં નિશાંતની મમ્મીએ આંસુ લૂછયા અને પુત્રને માથે સ્નેહથી હાથ ફેરવી રહી. સૂચનાઓનો સ્નેહભર્યો વરસાદ વરસી રહ્યો.
' અને બેટા, નોકરી જલદી ન મળે તો ચિંતા ન કરીશ. તારો બાપ હજુ બેઠો છે. બધે પહોંચી વળશે. પરદેશમાં પહેલું ધ્યાન તબિયતનું રાખવાનું. પછી બીજું બધું. ત્યાં માંદા પડવું પોસાય નહીં. તેથી ભણવાનું, નોકરી બધું પછી. પહેલી તબિયત...' નિશાંતના પપ્પાએ સ્નેહથી પુત્રને સલાહ આપી.
' હા, ભાઇ, નોકરી ન મળે ને છોકરી મળશે તો પણ ચાલશે. મમ્મી, હવે તારો દીકરો ત્યાંથી કોઇ ગોરી છોકરી ઉપાડી લાવવાનો.'
નિશાંતની બટકબોલી નાનીબહેન લાડથી ભાઇની મસ્તી કરવાનું ચૂકી નહીં. ' એય ચાંપલી, માર ખાઇશ હોં...ગોરી છોકરી તો નહીં..પણ તારા માટે કોઇ ધોળિયો છોકરો જરૂર શોધી લાવીશ. ' કુટુંબમેળાના કંકુછાંટણામાં ભીની ભીની ક્ષણો દોડી રહી. નિશાંતના કાકા,મામા, માસી..બધાનું મોટું ટોળુ હતું ત્યાં હાજર હતું.
દૂર ઉભા રહીને બધી વાત સાંભળતા અલયની આંખો ભીની બની.પોતાને તો આવું કહેવાવાળું કોઇ કયાં હતું? પોતે આવું કયારેય સાંભળવા કયાં પામ્યો હતો ? કુટુંબ એટલે શું એ પૂરું સમજવા કે અનુભવવાની તકથી તે તો હમેશનો વંચિત....
લાખ કોશિષ છતાં અલયની આંખોમાં શ્રાવણી ભીનાશ તગતગી ઉઠી. સમયનું ભાન થતાં નિશાંત મમ્મી,પપ્પાને પોતાની ચિંતા ન કરવાનું કહી, બધાને પગે લાગી, આશીર્વાદ લઇ અંદર પાછો વળ્યો.તેની બહેને તેના હાથમાં ગુલાબનું ફૂલ અને એક કાર્ડ મૂક્યા. પ્લેનમાં અંદર બેસીને પછી જ ખોલજે. આવજે ભાઇ..' કહેતા બહેનનો અવાજ રુંધાયો. બહેનને સ્નેહથી ભેટી નિશાંત ભારે પગલે જલદી જલદી પાછો વળ્યો. અલય તો જાણે નાટકનું કોઇ ભાવસભર દ્રશ્ય જોતો હતો... ' અલય, બહાર ભણવા જવાનું મન બહું હતું તેથી નીકળ્યો તો છું. પરંતુ મમ્મી, પપ્પા વિના.... ગળગળો થઇ ઉઠેલ નિશાંત વાકય પૂરુ ન કરી શકયો. ધીમેથી તેણે ભીની આંખો લૂછી.
અલય નિશાંતના કપાળમાં કરેલ લાલચટ્ટક ચાંદલા સામે જોઇ રહ્યો હતો. કદાચ નિશાંતની મમ્મી કે બહેને શુકનરૂપે કરેલ હશે તે વિચારી રહ્યો. પોતાના કોરાધાકોર કપાળ પર તેનાથી અનાયાસે હાથ ફેરવાઇ ગયો. ' અરે, અલય, તેં પણ મળી લીધુંને તારા મમ્મી, પપ્પાને ? ' ' હા, હમણાં જ ગયા. ' અલયે પોતાની ભીની આંખો ચૂપચાપ લૂછી નાખી. ' સારું કર્યું. આમ પણ હવે આપણને બહાર નીકળવા નહીં દે. ફલાઇટનો સમય પણ થવા આવ્યો છે. જોકે મારી મમ્મીનો સ્વભાવ તો એવો ટેંશનવાળો છે કે મેં રોકાવાની ના પાડી છે તો પણ મને ખાત્રી છે કે એ હજુ પણ રોકાશે જ. ખબર છે કે હવે હું બહાર આવી શકવાનો નથી. છતાં આપણી ફલાઇટ ઉપડશે પછી જ તેને શાંતિ થશે. ' નિશાંત પોતાની ધૂનમાં બોલ્યે જતો હતો. અલય ચૂપચાપ સાંભળતો હતો. ત્યાં તો સીકયોરીટી ચેકની સૂચના આવતા બંને તે તરફ વળ્યા. બધી વિધિ પતાવી બંને પ્લેનમાં પોતાની સીટમાં ગોઠવાયા. અલયને બારી પાસે સીટ મળી હતી. નશીબજોગે નિશાંતનો નંબર પણ બાજુમાં જ આવ્યો હતો.
મમ્મી, પપ્પા અને ઘરથી છૂટા પડવાના વિરહની વેદનાથી ભીની બનેલી આંખો નિશાંતે લૂછી. અલયે પણ પોતાની ભીની આંખો લૂછી. એ જોઇ નિશાંતે કહ્યું, 'દોસ્ત, ઘરથી છૂટા પડવું બહું અઘરું છે નહીં ? ' અલયે મૌન રહીને ડોકુ ધૂણાવ્યું. શું બોલે તે ?
નિશાંતે બહેને આપેલું કવર ખોલ્યું. અંદર સુન્દર મજાનું કાર્ડ હતું. જેમાં ઘરના બધા સભ્યો તથા સગાઓએ શુભેચ્છાના સંદેશ પોતપોતાના હસ્તાક્ષરમાં લખ્યા હતા. નિશાંત સજળ આંખે વાંચી રહ્યો. અલયની નજર પણ કાર્ડમાં સ્થિર થઇ હતી. થોડી ક્ષણોમાં પ્લેને પોતાની અંદર બેસેલ અનેક લોકોના વિવિધ શમણાંઓ પોતાની વિશાળ પાંખમાં ભરી અવકાશમાં ઉડાન શરૂ કરી.
અલયની નજર બારીની બહાર દેખાતા નાનકડા બનતા જતાં કીડી જેવડા વાહનો.. માણસો, મકાનો પર પડતી રહી. ધીમે ધીમે હમણાં બધું અદ્ર્શ્ય થઇ જશે..બધું દૂર દૂર થતું જતું હતું. જોકે નજીક હતું પણ શું ? ઘરથી, મા બાપથી, મિત્રોથી, પોતાની જાતથી સુધ્ધાં દૂર જ રહ્યો હતો ને ? પોતે ફરી પાછો કયારેય અહીં આવશે કે નહીં એ કયાં ખબર હતી ? અહીં તેની પ્રતીક્ષા કરવાવાળું કોઇ નહોતું. એક અજાણ ભાવિ તરફ તે જઇ રહ્યો હતો..શા માટે ? કોના માટે ? આ આખી દુનિયામાં તે એકલો હતો..? સાવ એકલો..કોને પોતાનું કહે ?
આ કયો અભિશાપ લઇને તે જનમ્યો છે ? સામે દેખાતા અનંત અવકાશને શૂન્ય નજરે તે તાકી રહ્યો. થાકીને થોડીવારે તેણે આંખો બંધ કરી. ત્યાં તો યાદોના અઢળક વાદળો.... બહુ નાની વયથી તેને બોર્ડીંગ સ્કૂલમાં મૂકી દેવામાં આવેલ.. વરસમાં એકાદ વાર ફોન આવી જતો. બસ..બે મિનિટ વાત થતી. વધારે સમય મમ્મી, પપ્પા પાસે કયારેય ન હોય.
તેની નજર સમક્ષ નાનકડો અલય...મમ્મી,પપ્પાને કરગરતો..રડતો અલય તરવરી રહ્યો. ' મમ્મી, પ્લીઝ...મને અહીં નથી રહેવું. મારે ઘેર આવવું છે. હું તમને કોઇને હેરાન નહીં કરું. પપ્પા, પ્લીઝ...મને ઘેર લઇ જાવ...' તે રડતો રહ્યો હતો. મમ્મી, પપ્પા વોર્ડનને કહી રહ્યા હતા ' એ તો એની જાતે ટેવાઇ જશે. શરૂઆતમાં થોડું આકરું લાગે. '
વોર્ડન તેમની હા માં હા પૂરાવતા રહ્યા હતા. બાળક અહીંથી ન જાય તેમાં જ તેમને રસ હતો. તગડી ફી વસૂલવાની હતી.
અલયની આજીજી...કાલાવાલા, આંસુ કશું કોઇને પીગળાવી ન શકયું.. તેને અહીં શા માટે ધકેલી દેવામાં આવ્યો છે તેની સમજણ પણ કયાં પડી હતી ? ચાર વરસના શિશુને ફકત એટલી જ ખબર હતી કે મમ્મી તેને મૂકીને ચાલી જાય છે. બસ એથી વિશેષ કોઇ ભાન નહોતી. અને એ ભાને એ અબોધ બાળકને ભયભીત કરી મૂકયો હતો.
દિવસે તો રડવાની હિમત પણ નહોતી. રોજ રાતે નાનકડા અલયની આંખો છલકતી રહેતી. તેને ડર લાગતો. કયારેક પથારી ભીની થઇ જતી..અને સવારે વોર્ડનનો ઠપકો..અને બીજા છોકરાઓનું હસવું..તેની મશ્કરી કરવી... અલયના હાથ આ ક્ષણે પણ કાન ઉપર ઢંકાયા..નથી સાંભળવા એ અવાજ..બધાથી દૂર..ખૂબ દૂર ભાગી જવું છે. જયાં કોઇ તેને ઓળખતું ન હોય... હોસ્ટેલમાં બધા છોકરાઓના મમ્મી, પપ્પાના ફોન આવતા રહેતા. છોકરાઓ દોડીને ભાગતા વાત કરવા માટે. પોતાને કોઇ કયારેય ફોન કરતું નહીં. એવો સમય જ કયાં હતો મમ્મી, પપ્પા પાસે ? મમ્મી તેની કેરિયરમાં અને પપ્પા પોતાના બીઝનેસમાં..... અલયની સૂની આંખો ઘણીવાર ફોનને તાકી રહેતી. કયારેક એ પોતાને માટે પણ રણકશે ?
પણ..... વરસો આ જ રીતે દોડતા રહ્યાં. મોટો થયા પછી આગળ ભણવા અમેરિકા જવાનું છે એ નક્કી કરીને તેને જણાવી દેવામાં આવ્યું હતું.વિઝા મળી ગયા.અને જવાની ટીકીટ પણ આવી ગઈ. જવાને આગલે દિવસે પપ્પા બે ચાર મિનિટ માટે એકલા મળી ગયા. ' પપ્પા, મારી ફલાઇટ કાલ રાતની છે. ' ઓહ..કાલે રાતે ? કાલે સવારે અમારે તો એક અગત્યની મીટીંગ માટે હૈદ્રાબાદ જવાનું છે. અમારી ફલાઇટ તો વહેલી સવારની છે. એની વે..સવારે છૂટા પડીએ કે રાતે..શો ફરક પડે છે ? જવાનું તો છે જ..બરાબર ને ? અલયનું માથુ હલી ન શકયું. કંઇક અંદર સુધી ખૂંચ્યું. છેલ્લી એક આશા પણ ઠગારી નીવડી. કદાચ આજે તો પપ્પા....... '
ઓકે..બેટા, સી યુ..ગુડ નાઇટ એન્ડ ટૈક કેર..હેપી જર્ની...ડ્રાઇવર એરપોર્ટ પર છોડી દેશે. ચાલ, હવે સૂવું જ પડશે..કાલે સવારની વહેલી ફલાઇટ છે.
બાય બેટા....' વરસો પછી કદાચ અલયે બેટા શબ્દ સાંભળ્યો. અલયના મોંમાંથી બાય શબ્દ કેમે ય ન નીકળી શકયો. તેની આંખ ઉભરાણી..
એકાદ ક્ષણ પપ્પાએ તેની સામે જોયું. પછી દીકરાની નજીક આવ્યા. કદાચ પહેલીવાર તેને માથે હાથ ફેરવ્યો.
ઓકે..માય સન....? ' ઓકે...' અલયના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે નહીં તેની ખબર તેને પણ ન પડી. પપ્પાનો એ પહેલો ને કદાચ છેલ્લો સ્પર્શ...? પપ્પા સૂવા ગયા. ફરી એકવાર અલય મૌન રહીને પપ્પાને જતા જોઇ રહ્યો. તે કયાંય સુધી ત્યાં જ બેસી રહ્યો. પપ્પાના શબ્દો કાનમાં પડઘાતા રહ્યા. ' ઓકે..માય સન? ' તેને ચીસો પાડીને કહેવાનું મન થઇ આવ્યું.. ' નો..પાપા.....નથીંગ ઇઝ ઓકે..નથીંગ ઇઝ ઓકે..કયારેય કશું ઓકે નહોતું... કશું નહીં. ' પણ શબ્દો ગળામાં જ રૂંધાઇ રહ્યા.
આ ક્ષણે પણ....અંદર જતા પપ્પા .... અને તેના પડઘાતા શબ્દો..' ઓકે માય સન...?'
અલયની આંખે બે બુદ તગતગી રહ્યા. નિશાંતે ધીમેથી અલયનો ખભ્ભો થપથપાવ્યો.
' મમ્મીની યાદ આવે છે ને ? દોસ્ત, આપણે મક્કમ થવું જ રહ્યું. નહીંતર આપણા મમ્મી, પપ્પાને કેવું દુ:ખ થાય ? મને પણ ઘરની યાદ તો આવે છે. પણ....એક ભવિષ્યની આશામાં નીકળ્યા છીએ..બસ મમ્મી, પપ્પાના સપના પૂરા થાય અને આપણે તેમને ખૂબ સુખી કરી શકીએ એટલે બધું વસૂલ..' ગળગળા થઇ ગયેલ નિશાંતે પોતાની આંખ લૂછી.. અલયની આંખો ન જાણે કેમ ધોધમાર વરસી પડી.
થોડીવારે અલયે બારીમાંથી નીચે જોયું તો રાત પડી હતી. ઘનઘોર અંધકાર છવાયો હતો. પરંતુ નીચે ટમટમતા લાખો દીવડાઓ પણ દેખાતાં હતાં.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsJ_Ox6Nw9d1Ao4MDh3awk7xDGW8SLOxWzGb7USLLYQiA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment