ઉર્દૂ સાહિત્યજગતના ધૂરંધર લેખક સઆદત હસન મન્ટો, ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી - ત્રણેય ભાષાની ફિલ્મોના સદ્ગત અદાકાર સઈદ જાફરી, પત્રકાર, નવલકથાકાર, પટકથા લેખક અને ફિલ્મ દિગ્દર્શક ખ્વાજા અહમદ અબ્બાસ, ઉર્દૂ ભાષાના મશહુર શાયર અને ગીતકાર અલી સરદાર જાફરી, ફિલ્મ દિગ્દર્શક મુઝફફર અલી, જાણીતા ગીતકાર - પટકથા લેખક જાવેદ અખ્તર ફિલ્મો અને નાટ્યવિશ્ર્વમાં અદકેરું નામ ધરાવતા કલાકાર નસીરૂદ્દિન શાહ, લેખક - શાયર રાહી માસૂમ રઝા, ઈતિહાસવિદ્ ઈરફાન હબીબ, પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાન, ભારતના રાષ્ટ્રપતિપદે રહી ચૂકેલા ઝકીર હુસેન, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી લાલા અમરનાથ. આ યાદી ઘણી લાંબી થઈ શકે એમ છે. પરંતુ પોતપોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ સ્થાન બનાવનારા આ તમામ મહાનુભાવોમાં એક વાત કોમન છે અને એ છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં અનન્ય નામ અને પ્રતિષ્ઠા ધરાવતી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ આપણને આવા તેજસ્વી સિતારાઓ આપ્યા છે. જેઓ ભારતમાં અને વિશ્ર્વભરમાં ઝળકતા હતા.
આવા ઝળહળતા તારલાઓ આપનારી આ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી છે. છેલ્લાં ઘણા સમયથી અલીગઢ યુનિવર્સિટી કોઈને કોઈ વિવાદમાં સપડાય છે.
થોડા વખત પહેલા મહમ્મદ અલી ઝીણાની આ યુનિવર્સિટીના કૅમ્પસમાં તસવીર મૂકવા બાબતે વિવાદ છેડાયો હતો. હવે અલીગઢ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદ વંટોળની ઝપટમાં આવી છે. આ યુનિવર્સિટીમાં ઍલિડ જિયોલોજીમાં પીએચડીનો અભ્યાસ અધૂરો છોડીને જાન્યુઆરીમાં ત્રાસવાદી જૂથમાં જોડાયેલો મન્નાન બશીર વાણી ગયા અઠવાડિયે જમ્મુ - કાશ્મીરના હંદવારા વિસ્તારમાં એક એન્કાઉન્ટમાં માર્યો ગયો.
વાણી ત્રાસવાદી બન્યો અને ઠાર મરાયો. એટલે વાર્તા પૂરી થઈ. પરંતુ વાર્તા પૂરી ન થઈ શરૂ થઈ. અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ આ ત્રાસવાદીને અંજલી આપવા પ્રાર્થનાસભા યોજી. એટલું જ નહીં ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યો. 'આઝાદી' 'આઝાદી'ના નારા લગાવ્યા. યુનિવર્સિટીના સંચાલકોએ આને દેશદ્રોહનું પગલું ગણાવીને ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા. બીજા નવને કારણદર્શક નોટિસો આપી. સમગ્ર કૅમ્પસમાં હોબાળો મચી ગયો. મામલો ગંભીર બન્યો. એ પ્રાર્થના સભાની 13 સેક્ધડની વાઈરલ થયેલા વિડિયોએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી.
માનવ સંશાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટી પાસેથી આખા પ્રકરણની વિગતો માગી છે. બીજી બાજુ અલીગઢ યુનિવર્સિટીમાં સલામતી વ્યવસ્થા સજ્જડ બનાવી દેવામાં આવી છે.
આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જમ્મુ - કાશ્મીરના 1200 વિદ્યાર્થીઓ ભડક્યા છે અને તેમણે સસ્પેન્ડ કરાયેલા ત્રણ વિદ્યાર્થીઓની સામેના આક્ષેપો પાછા ખેંચી લેવા યુનિવર્સિટીને પત્ર લખ્યો છે.
આ વિડિયોને આધારે કેટલાક રાઈટ વિંગ સભ્યોએ એફઆઈઆર નોંધાવી હોવાનું કાશ્મીરી વિદ્યાર્થીઓનું કહેવું છે. 17મી ઑક્ટોબર પહેલા આ વિદ્યાર્થીઓ સામેના આક્ષેપો પાછા ખેંચી નહીં લેવાય તો આ તમામ વિદ્યાર્થીઓ પાછા કાશ્મીર ભેગા થઈ જશે, એવી ચીમકી પણ ઉચ્ચારી છે. આ બધો રાજકીય ખેલ છે, એવા પ્રતિઆક્ષેપો પણ થઈ રહ્યા છે. આવી કોઈ પ્રાર્થનાસભા યોજી નથી. એવો દાવો કરનારા વિદ્યાર્થીઓ કહે છે કે અમે તો અમસ્તા જ મળ્યા હતા. કોઈ નારાબાજી કરી નથી. કોઈને અંજલી આપી નથી. અમને બલિના બકરા બનાવાયા છે. આ રાઈટ વિંગના સભ્યોનું કામ છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના આ નવા વિવાદના છાંટા જમ્મુ - કાશ્મીરમાં પણ ઉડ્યા છે. જમ્મુ - કાશ્મીરના ગવર્નર યુનિવર્સિટીના પોતાના વિદ્યાર્થીઓની સલામતી વિશેનો પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારનો પણ તેમણે સંપર્ક કર્યો છે.
એક જમાનાની વિશ્ર્વવિખ્યાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને આ કેવું ગ્રહણ લાગ્યું છે. યુનિવર્સિટી ધીમે ધીમે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહી હોય એવું લાગે છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થાને રાજકીય રંગ લાગવા માંડે એ શુભ નિશાની નથી. શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય કાવાદાવા કે ખટપટથી જોજનો દૂર રહેવી જોઈએ, પરંતુ આ યુનિવર્સિટીમાંથી દેશની શાન વધારનારા તેજસ્વી વિદ્યાર્થીઓને બદલે ત્રાસવાદીઓ બહાર પડે તો વિદ્યાને કલંક લગાડનારી બાબત છે. લાંછન લગાડનારી વાત તો એ છે કે આવા આતંકવાદીઓને અંજલી આપવાની પ્રવૃત્તિ થાય. સંબંધિતો સાબદા થઈ આ સમસ્યાનો ઉકેલ લાવે એવી અપેક્ષા છે જ, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી પણ રાખવી અનિવાર્ય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov%3DA2eU7Lt_7EqMhPOry6qPbnF9OUf%3D-b8MmJkLsgvrsQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment