××× દોડધામભરી જીંદગીમાં સંબંધ સાચવવાના કે ટકાવવાની ટિપ્સ પણ ફાસ્ટ અપગ્રેડ થતી જાય છે! હે પરમેશ્વર, તેં અમને ઉત્તમ મિત્રો આપ્યા છે તે માટે હું તારો આભાર માનું છું. મિત્રો - જેમના સાથમાં દુ:ખો વહેંચાઈ જાય છે અને આનંદ બેવડાય છે, જેમની સમક્ષ અમે જેવા છીએ તેવા જ પ્રગટ થઈ શકીએ છીએ અને જેમની પાસે નિખાલસપણે હૃદય ખોલી શકીએ છીએ. જેઓ અમારી નિર્બળતાની જાણ સાથે અમને સ્વીકારે છે અને અમારામાં એવી લાગણી પ્રેરે છે કે તેમને અમારી જરૂર છે. જેમને મળીને અમે હળવા થઈએ છીએ અને સમૃદ્ધ પણ થઈએ છીએ. ગેરસમજ થવાના કે મૈત્રી જોખમાવાના ભય વિના અમે જેમના વિચારો કે કાર્યોનો વિરોધ કરી શકીએ છીએ અને એ વિરોધ પાછળનો પ્રેમ જેઓ પારખી શકે છે. જેઓ લાંબા સમયથી ટકી રહ્યા છે, બધાં વાવાઝોડાંમાં સાથી બન્યા છે, અને ભવિષ્યમાં પણ તેઓ સાથે જ હશે એવો વિશ્વાસ જેમના માટે રાખી શકાય છે, જેઓ અમારા માટે ઘસાય છે અને એ વિશે સભાન હોતા નથી, આવા મિત્રો તેં અમને આવ્યા છે તે માટે અમે તારા કૃતજ્ઞા છીએ. પરમાત્મા, અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ. અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના અને સાત્ત્વિકતા, સત્યનિા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ. અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા તેમનો માર્ગ દુર્દશાની ખીણમાંથી પસાર થાય ત્યારે અમે તેમને વિસરીએ નહીં. ઈશ્વરત્ત્વનો અંશ જેમાં ઝલકે છે તેવા આ ઉત્તમોત્તમ માનવ સંબંધનું અમને વરદાન આપ, પ્રભુ! - કુંદનિકા કાપડિયા આદર્શ તો એવી જ મૈત્રી છે કે જેનાં મૌનનું વજન ન લાગે. ઉલટું, એ જ સંબંધ લાંબા ટકે જેમાં ગૂંગળાવી નાખતા આગ્રહો અને તાણ કે ત્રાગા ન હોય. ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટીનું સન્માન હોય આજના જમાનામાં મિત્રાચારી થવી મુશ્કેલ છે. થાય તો એનું આયુષ્ય લાંબુ હોતું નથી. છતાં ય, આ પ્રાર્થનામાં વાત થઈ એવા સખાસખીઓે, સ્વજન સમા લાગતા સંબંધો તો હોવા જોઈએ. એવું ય નથી કે બધા સાવ સ્વાર્થના સગા થઈ ગયા છે. એ તો આપણી સિલેક્ટિવ મેમરી હોય છે કે આપણે ખરાબ, નેગેટીવ, ઉદાહરણો જ ઘૂંટીને યાદ રાખીએ છીએ. બાકી જાણીતાએ મોં ફેરવી લીધું હોય તો અજાણ્યાએ મદદ પણ કરી હોય છે. મૂળ સમસ્યા તો એ છે કે જીંદગીની રફતારના ગીઅર આગળ પડી ગયા છે. આરઝૂઓ અને એક્ટીવિટીઝ માટે સમય ઓછો પડે છે. જીંદગીમાં વધુ વર્ષો, યૌવન કે કલાક ઉમેરાતા નથી.પણ જીંદગી માણવાના ઓપ્શન્સ સપાટાબંધ વધતા જાય છે. એટલે સ્વભાવમાં છૂપા અભાવ ભળી જાય છે. આક્રોશ અને અપેક્ષાના દબાણો નીચે સતત દબાયેલા રહેવું પડે છે. ટેકનોલોજીએ સોશ્યલ કનેક્શન્સ ઇઝી અને ફાસ્ટ કરી આપ્યા, પછી કોન્સ્ટન્ટ બીજાઓની નજરમાં બહાદૂર કે હોશિયાર કે મીઠડાં દેખાવા માટે પ્રયાસો કરવા પડે છે ઘણાને! આ બોજની સીધી અસર સંબંધો પર અને સ્વાસ્થ્ય પર આવે છે. દુનિયામાં એના પર ઓછું લખાયું- બોલાયું નથી. ઘણાં લોકોમાં મોટા માણસોની ગૂડબૂકમાં રહેવાની જન્મજાત આવડત હોય છે. જેમની પાસે એ ના હોય એ ઘૂસણખોરીથી વશીકરણ જેવા રિમાર્કસ કરી શકે. પણ આ ય એક કળા છે. દરેક કળાની જેમ એનાં થોડોક નેચરલ ટેલન્ટનો બેઝ, થોડીક ઓબ્ઝર્વેશન સાથે સ્કિલ ડેવલપમેન્ટની પ્રેક્ટિસ અને થોડોક નવું શીખીને વધુ કોમ્યુનિકેટ કરવાનું પેશન ત્રણેનું કોમ્બિનેશન જોઈએ.
રિશ્તા આજકાલ ફ્રેજાઇલ થતા જાય છે. ભરોસાની ભેંસ પાડો જણે! બહારના ઇન્સ્ટન્ટ ફીડબેક મફતમાં ઓનલાઇન મળે, ત્યારે ઓફલાઇનના પરમેનન્ટ બોન્ડિંગની કદર ઘટી જાય! બધે અધૂરપ છે, ઉતાવળ છે.
બીજાઓ કેવા હોવા જોઈએ એની ઝંખના છે, પણ આપણે એવા બીજાઓ માટે બનવું જોઈએ એની સાધના નથી! આમ તો રિલેશનની ફોર્મ્યુલા જમાનાજૂની, સ્ટ્રેઇટ ફોરવર્ડ છે. 'લાઇટ' રોશનીવાળું, હળવાશવાળું અંગ્રેજીનું 'લાઇટ' યાને એલઆઇજીએચટીના સ્પેલિંગનું એક્રોનિમ. લવ, ઇન્ટીમસી, ગ્રોથ, હેપીનેસ, ટ્રસ્ટ. પરાણે પ્રીત ન થાય, ક્યાંક જરાક કોઈ ગમે- ભલે એ ગમવાનું કારણ કદાચ કોઈ બાહ્ય સૌંદર્ય, આંતરિક શક્તિ કે ક્યાંક ઉપયોગીતાનો સ્વાર્થ હોય, પણ ગમે ત્યાં જ વધુ સમય આપી શકાય. જ્યાં પ્રેમ ત્યાં ટાઇમ, કોઈ ધંધાકીય સપનું ય અતિશય અંદરથી ગમતું હોય ત્યારે એના માટેની મીટિંગ્સ મધરાતે ય ઉમળકાથી કરવા દોડો.
સમય એકબીજાને આપો તો નેચરલી, આત્મીયતા વધે જ વધે. ધેટ્સ ઇન્ટીમસી, પરસ્પર ગૂંથાતા જતા તાર. પણ એમાં ય ઉંમરની જેમ સતત વિકાસ થવો જોઈએ. નહિ તો કાળક્રમે ગેપ પડી જાય. બચપણમાં મેળામાં આવતા મિત્રો જ મોટપણમાં કથામાં જોડે રહે એ હંમેશા થતું નથી. સંબંધ એક છોડનું વાવેતર છે, એ જેમ વિકસે એમ એની ડિગ્રી પણ અપગ્રેડ થાય. જોડે ભણતો ભાઈબંધ આઇપીએસ ઓફિસર થાય ત્યારે એની ડયુટીના સ્થળે ખભે ધબબો મારી ગાળ ન બોલાય. એરપોર્ટ પર મળેલી હીરોઇન સાથે સખીપણું થયું હોય એટલે એને ઘરના ગરબામાં નાચવા ન બોલાવાય. મ્યુચ્યુઅલ રિસ્પેક્ટનો એક વિવેક જાળવવો પડે. આપ- આપ કહેવાની તહેઝીબ નહિ, પણ બદલાતા સંજોગો મુજબ શીખતાં સમજતાં સુધરતાં એડજસ્ટ થવાની તમીઝ.
અને હેપિનેસ. પરસ્પર સુખાનુભૂતિ સૂકાઈ જાય એ સંબંધ લાંબો ટકે ય નહિ. લીલું ઘાસ ટકે, ખડના તણખલા ખરી પડે. કોઈ એજેન્ડા હોય જો કે કામ કે ઇવન આરામ કરવાનો એમાં ય મોજ વધવી જોઈએ. ટેન્શન કે આર્ગ્યુમેન્ટસ નહિ. અગાઉ લખેલી ફ્રેન્ડશિપ ફોર્મ્યુલાનું રિવિઝન કરી લો : હેલ્પ પ્લસ હ્યુમર પ્લસ હેબિટ ઇઝ હેપિનેસ ઇન રિલેશન્સ!
મદદગારી વિના મિત્રતા સંભવ નથી. ખાલી મોઢું જોઈને તો કૃષ્ણ- સુદામાની કથા પણ યાદ ના રહી હોત. સંબંધશાસ્ત્રનો સોનેરી નિયમ હેલ્પફૂલ થયા કરવાનો છે. ધરાર પૂછપૂછ કરવું ઇરિટેટિંગ લાગે. શીખવવા સમજવાનું એ કે, કોને કયા પ્રકારની મદદ જોઈએ છે, એ વગર કહ્યે સમજાઈ જવું જોઈએ! ખુશામત પાછળનો મતલબ સમજે એટલા સ્માર્ટ તો ખુદા ય હવે થઈ ગયા છે. એટલે મસકાપાલિશ જેવા વખાણ કર્યા કરવાથી જ સંબંધ ટકે એવું ન માનતા! પ્રશંસા પાછળ પણ સોલિડ ફેક્ટસનું લોજીક હોવું જોઈએ, ને ટાઇમિંગ. પણ મદદનો બદલો દેવા તો ઉપરવાળા માલિક પણ બંધાયેલા છે.
સીરિયસનેસ તો સામેની સીટ પર કોઈ બેઠું હોય એના ચહેરા પર પણ કાયમ જોવી ગમતી નથી. માટે મુસ્કુરાઇએ. કીપ સ્માઇલિંગ. કશુંક તૂટે, દુ:ખે, અણબનાવ થાય તો પ્રાકૃતિક સાહજીક નઘરોળ ચીસાચીસ કરીને ય એના પર હસતા શીખો. જોલી રહો તો હમજોલી બનતા જશો. આનંદ ને મસ્તીની ભૂખ છે આજકાલ.
એવરીવન ઇઝ એન્ટરટેઇન્મેન્ટ હંગ્રી. જોકરવેડાં નથી કરવાના. પણ આપણી હાજરી સામા માણસને ગમે, એનામાં પ્રસન્નતા પેદા કરે અને છૂટા પડયા પછી એના મનમાં સ્મિત હોય એટલે ફરી સંગાથનો તલસાટ જન્માવે એવા આનંદીવિનોદી બની રહેવાનું. સોગિયું ડાચું લટકાવી કાયમ ઉગ્ર ઘાંટાઘાટ નહિ કરવાની. એન્ડ હેબિટ્સ. થોડીક બૂરી આદતો બદલવાની, સારી ટેવો પાડવાની એટલે રોજ મફતિયા ગુડમોર્નિંગ મેસેજીસ કે ઉધાર લીધેલા ચબરાકિયા કે દેખાડાના ભક્તિભાવનો બીજાના મોબાઇલમાં ત્રાસ વર્તાવી દેવો એમ નહિ. એટલે, એવી સુટેવો જેથી બીજાઓને તમારા પર માન થાય, તમારામાંથી પ્રેરણા મળે, કશુંક શીખવાનો ને એ માટે જોડે રહેવાનો ભાવ જાગે.
જેમ કે, સમયનું અનુશાસન, જેમ કે સેન્સ ઓફ કમિટમેન્ટ, જેમ કે, દારૂ પીને છાકટા બની ધાંધલ કરી અળખામણા ન થવા માટે જાત પર કન્ટ્રોલ લિમિટ ચુસ્તપણે બાંધવી તે. જેમ કે, ક્યાંક મહેમાન પણ હોઈએ તો મનફાવે એમ વર્તીએ નહિ એ! લિસ્ટ લાંબુ છે. વરાયટી એમાં ખૂબ હોવાની પણ હેબિટ કેળવો સારી, તો વ્યક્તિત્વ આપોઆપ આકર્ષક થશે. ને શિરમોર હેબિટ એ કે સંબંધોમાં તાજગીસભર સંવાદ સામાને શ્વાસ લેવાની જગ્યા આપીને કરતા રહેવાનો! એન્ડ ટ્રસ્ટ. વિશ્વાસ. ભરોસો. બેઇમાનીના બિઝનેસમાં ય જોડીદાર તો ભરોસાપાત્ર હોવો જોઈએ. એ શાખ, વાણી, વર્તન, વિચાર અને વ્યવહારથી બને છે. કોઈકના વ્હાલા થવા માટે એક સંબંધનો ભોગ આપનાર કે કોઈ મિત્ર- સ્વજનના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવનાર આગળ ઉપર બીજા સાથે ય મોકો મળતા કે રસ ખૂટતા આવું જ કરશે, એ શાણા માણસો સમજી જાય છે અને ફોર્માલિટી સિવાય ડિસ્ટન્સ વધારી દે છે. ટ્રસ્ટનું કૌમાર્ય પટલ જેવું છે.
એકવાર એ તૂટે પછી સર્જરી વિના સંધાય નહિ, ને વારંવાર તૂટે પછી સંબંધ માત્ર નાદાનો કે સરખા બેઇમાનો કે સોદાગીરી પૂરતા જ રહે. માટે ટ્રસ્ટ એ બેશકીંમતી એસેટ છે, સંબંધમાં. નાનામોટા સગવડ ખાતર કે કોઈની લાગણી ન દુભાય એ માટે બોલાતા જૂઠની વાત નથી. એ ક્ષમ્ય ગણાય. પણ કોઈને નુકસાન ન થાય, એ બ્રાન્ડ વેલ્યુ કે પ્રતિષ્ઠા કેળવવી પડે! એનું હેબિટફોર્મિંગ કરવું પડે. તો જાણે આ થયો સંબંધશાસ્ત્રનો આખો એક અધ્યાય. જાહેર જીવન કે કોર્પોરેટ બોર્ડના ધંધાદારી રૂલ્સ તો વધુ ક્લિયર અને અપફ્રન્ટ છે. ભસતા કૂતરા માટે બિસ્કીટ રાખો અને કરડતા કૂતરા માટે લાઠી રાખો, અને રસ્તે રખડતા શ્વાનો એ આપણી સંપતિ નથી એ સભાનતા રાખી યાત્રા આગળ વધારો.
સંબંધના સુગંધશાસ્ત્રના બધા રૂલ્સ સેલિબ્રિટીઓ પર એપ્લાય નથી થતા. ત્યાં થમ્બરૂલ 'સમરથ કો નહી દોષ ગુંસાઈ' છે, એ ધ્યાન રાખવા જેવું છે. આમ, પણ શિખર પર ઘાસ ન હોય. ટોચની સેલિબ્રિટીઝ મોટા ભાગે સમય જતાં ફ્રેન્ડલેસ બની રહેતી હોય છે.
કારણ કે, એમની ઇચ્છા- અનિચ્છા સિવાય આસપાસના લોકોની એમને જોવા અને જોખવાની નજર અને એમની પાસેની આકાંક્ષાઓ બદલાઈ જતી હોય છે. વન ટુ વન કોમ્યુનિકેશનના ટાઇમ કે સ્પેસ એમની પાસે એટલે બહુ હોતી નથી કે એમના ફિલ્ડના પરફોર્મન્સ માટે એમને સોલિટયુડ, એકાંતની આરાધના અનિવાર્ય છે. પણ માનવ સમાજ બધા આવા અપવાદની જેમ જીવી ન શકે. માઠુ લાગી જવાના, એકબીજાની ઉલટતપાસના કે ડિજીટલ મીડિયાને લીધે પંચાતના પરિબળો વધવાના. ત્યારે રિલેશન્સમાં સ્વીટનેસ કેવી રીતે ટકાવીને રાખવી? ધેટ્સ એ ક્વેશ્ચયન.
આદર્શ તો એવી જ મૈત્રી છે કે જેનાં મૌનનું વજન ન લાગે. ઉલટું, એ જ સંબંધ લાંબા ટકે જેમાં ગૂંગળાવી નાખતા આગ્રહો અને તાણ કે ત્રાગા ન હોય. ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટીનું સન્માન હોય. બીજેદિવસે ગુમાવી દેવાશે કોઈ શબ્દ કે વર્તનને લીધે એવો ભય ન હોય એવા સિલેક્શનના મૂળિયા ઉંડા ઉતરે છે.
એવા સંબંધોમાં જોડે ડ્રાઇવ કરતી વખતે કે જમતી વખતે ખામોશી એટલે નથી હોતી કે અંટસ છે. પણ એટલે હોય છે કે આ વાતચીત, મુલાકાતનો સિલસિલો ટેમ્પરરી નથી. કાયમી છે, એવી ખાતરી છે! આ લેવલના રિલેશનમાં બહારનું ગુડી ગુડી આવરણ- ઔપચારિકતા હટાવી સિરિયસ ડિસ્કશન, દલીલો કે મજાકો અસંમતિની છૂટ સાથે થઈ શકે છે. સાઇન ઓફ હેલ્ધીનેસ! પણ એવા એ રિલેશન્સ યોગાનુયોગ સર્જાય એ સિવાય થોડો ભોગ આપવો પડે મેઇન્ટેનન્સ માટે. આ માટે કેટલીક પ્રેક્ટિકલ, સાયન્ટીફિક ટિપ્સ છે. ફર્સ્ટ, ડેલ કાર્નેગીના જમાનાની. પણ ચિરંજીવ લર્ન ટુ સે સોરી એન્ડ થેન્ક્સ. વારંવાર વાપરી આ શબ્દો લિસ્સાલપટાં ન બનાવો. પણ આપણી ભૂલ કેમ ત્યાં એનું પુનરાવર્તન નહિ થાય, એના સંકલ્પ સાથે એની કબૂલાત કરી. જેન્યુઇન મિચ્છામી દુક્કડમ કહો અને કોઈક કશુંક મહેનત કરી સારું કરે, આપણું કામ કરે કે ખુદ સફળતા મેળવે ત્યારે એનો આભાર માનવાનું. એવો બિરદાવવાનું ઉદાર દિલ રાખો આ બાબતો જરૂર પડે સંકોચ છોડી, ખાનગીને બદલે જાહેરમાં વ્યક્ત કરો. વિથ સેન્સ ઓફ ટાઇમિંગ, અફ કોર્સ. બીજું એ કે ધારો કે સંબંધમાં સોંપાયેલું કાર્ય નથી થયું, પણ માણસ સાફદિલ અને સાચા હોય, લાગણી એમની ટકોરાબંધ હોય તો એમની આ અશક્તિને સમજો. એમને પોતાના કારણો મજબૂરીઓ, પ્રાયોરિટીઝ હશે. એની ગાંઠ ન મારો. ઇસ્યૂ ક્રિએટ કરવાને બદલે પ્રયત્નોને બિરદાવવાની ટેવ પાડો. તો ક્યારેક ધાર્યું પરિણામ પણ આવશે અને રિલેશન જશે નહિ.
એવું નહિ કે સ્પષ્ટ કહેવાનું નહિં પણ પરફોર્મન્સ ડ્રિવન જે કહેવું હોય એ કહીને પર્સનલ ફ્રન્ટ પર વાતને વાળી લેવાની કુશળતા ય જોઈએ. ફૂંકવાનું ને કરડવાનું સંતુલન.
ત્રીજું, આજના સમયમાં સમયાંતરે સ્મોલ કોમ્યુનિકેશન્સ કરવા માટે દિમાગ સાબૂત રાખો. મોટી બાબતો જેમ કે બર્થ ડે બધાને યાદ હોય, વિશિઝ ને ફ્લાવર્સના ઢગલા થતા હોય. પણ વાતવાતમાં ખબર પડી હોય કે સામી વ્યક્તિ કોઈ ટેસ્ટ માટે હોસ્પિટલ જવાની હતી, તો મેેેસેજ કરીને એ ખબર અંતર ત્યારે પૂછી લો.
ફોન ન લઈ શકો, ત્યારે જ્યાં સંબંધ સાચવવા જેવા સુગંધી હોય ત્યાં લુખ્ખુ બિઝી કે લેટર ઓન જેવા જવાબો આપવાને બદલે સ્પેસિફિક રિઝન આપો આ કારણમાં આ રીતે વ્યસ્ત છીએ એમ. મુદત પાડો ત્યારે પણ ચોક્કસ રહો, નિખાલસ રહો. 'આ મહિનો ફ્રી નથી. આ તારીખ પછી મળાશે' એમ કહીને સંબંધનું માન યથાવત્ છે, એવું જતાવવું જોઈએ. ફરી વાર મોટું ચિત્ર નાના નાના પિક્સેલ્સથી રચાય છે. મોડી રાતે કે બે દિવસે પણ યાદ રાખી એક ટેક્સ્ટ મેસેજ મોકલી જ શકાય. વાતચીત કરતા જાવ એમ ખબર પડવી જોઈએ કે સામાને ગમે છે શું, શું અકળાવે છે. ઘણીવાર ચોઇસીઝ સમય જતાં બદલાય. પોલિટિક્સ કે ફિલ્મસ્ટાર- ક્રિકેટ કે ફેસબુક કમેન્ટ, ઇન્સ્ટાગ્રામ લાઇક જેવી બાબતે ઉગ્ર જીભાજોડી કરી સંબંધ ખરાબ ન કરાય. એને બદલે મિનિંગફૂલ કન્વેર્ઝેશન્સ કરાય.
આ 'મિનિંગફૂલ' એટલે શું ને કેવી રીતે એવા સવાલો જો થતા હોય તો એ એક સાદી ટેકનિક છે. મોટેભાગે સગા, સંબંધી, સખા-સખીઓ સાથેની વાતોમાં ઘણાં 'સ્ટેટમેન્ટસ' જ વાપરે છે. 'કેમ. આજે ટકાટક દિવસ રહ્યો ને!' 'જોયું! જામી ગયું ને!', 'જોરદાર મસ્ત લાગ્યું ને!' પછી પરાણે સામી વ્યક્તિએ ડોકું ધુણાવવાના થાય. અંદરથી વાતોની મજા ન આવે, એટલે લાંબા ગાળે એ ટૂંકાવે જ રાખે. જ્યારે એના બદલે થોડાક પ્રશ્નો પૂછી આવવાના, 'ક્યાં ફરી આવ્યા?'થી શરૂ કરી ફલાણું કેવું ને ઢીંકણામાં શું ધ્યાન રાખવું સુધીના. વખાણ પર કરવા માટે કોઈ ચોક્કસ મુદ્દા શોધવાના. તમારા લેખો બહુ જ ગમે એની સાથે કઈ વાત બહુ ગમેલી એ બારીકીઓ પર ભાર મૂકવાનો. શક્ય હોય તો આમાં થોડાક મૌલિક નિરીક્ષણો ઉમેરવાના. સામાને ય જલસો પડે એમ. બોરિંગ ઉપદેશાત્મક કે ચીલાચાલુ વોટસએપીયા વાતો નહિ. પોતાને રૂટિનમાંથી રિલેક્સ કરવાની વાત કરનાર સહુને ગમવાના જ.
મૂળ વાત કોઈ કેર કરે છે, લવ કરે છે, વિશ્વાસ તોડયા વિના સારું ઇચ્છે છે, જરૂર પડે પ્રોટેક્ટ કે સપોર્ટ કરશે એવો કાયમી અહેસાસ કરાવવાની છે. અને આજના યુગમાં દરેક બાબતમાં એગ્રી ન થાવ, તો ખપ પૂરતી દલીલ સિવાય લાંબીલચ પર્સનલ એટેક કરતી ચર્ચાઓ એવોઇડ કરવાની છે. કોઈની ખામીઓ દેખાડતા પહેલા ય ખૂબીઓ વખાણવી પડે. અને ખાસ તો જરાક સમય કાઢી મૂવી, પિકનિક, આઉટિંગ કોઈ પણ બહાને મળતા રહેવું જોઈએ. ક્યારેક ક્યારેક.
કોઈ કશો પ્રયાસ કરે તો તોડી પાડવાને બદલે બિરદાવતા રહેવો. રિલિજીયસ કે પોલિટિકલ ડિબેટ ફ્રેન્ડ સાથે સતત ન કરવી. પણ સાવ ઉલટા વિચારો હોય ને જોડતા સમાન શોખ કે આદર ન હોય તો સંબંધ કપાઈ જશે. વહેલા મોડા એ સમજી લેવું. માફ કરવા ને ભૂલ હોય તો માફી માગવી. જીદમાં વાતને વળગી ન રહેવું અને દગા ખાઈને નાદાન બની ઝૂકવાને બદલે જતું કરવું. રિએક્શન્સ બીજાઓ આપે એનાથી દોરવાશો તો રિમોટ કંટ્રોલ એમની પાસે જશે. સાદી વાત છે જીંદગી તો શેરડીનો સાંઠો જ છે એ છોલવામાં અને ગંડેરી ચાવવામાં મહેનત પડે, તો જ મીઠો રસ આવે. ઘૂંટડે ઘૂંટડે એ રસ પીવો ત્યાં જ સાંઠામાં ગાંઠો આવે. હવે ગમે તેટલી મહેનત કરો આવી ગાંઠો ચાવી ન શકાય. ચાવવા જાવ તો દાંત તૂટ ગાંઠો નહિ. માટે એ થૂંકી નખાય ને ફરી ગંડેરી તરફ ધ્યાન અપાય. વળી ગાંઠો આવે વળી જવા દેવાનો. આમ જ સાંઠો પૂરો થાય ને અમીરસથી મન તૃપ્ત થાય. લોકો જેમાં ખુશી મળે એ કરવા દો, ને આપણને જેમાં ખુશી મળે એ આપણે કરો. ઉતાવળી દુનિયામાં બહુ ભાગમભાગ છે, ત્યારે તહેવારોના દવસો મિલન મહોત્સવ બનાવવા જેવા છે. જખમને રૂઝ તો આવે છે અને અડયા ન કરીએ. મોરારિબાપુ કહે છે એમ ભૂલો તો બંને પક્ષે હતી, પણ એમણે ગણી અને અમે અવગણી! સુગંધ તો જ આવે જો હવા વહેતી રહે! ભીના રહો, તાજા રહો, મુસ્કુરાતા રહો અને મહેંકતા રહો.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtyBFritVmOAs1JkuXiD1RkVxK8-Jg_Thmm6tt99HFK-g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment