ઘણા લોકોને અતિ ગરમ પાણીથી નાહવાની આદત હોય છે. અતિ ગરમ પાણી અમુક પરિસ્થિતિઓમાં ઇલાજ સંબંધે વાપરવામાં આવે છે, પરંતુ નાહવા માટે હૂંફાળું પાણી જ વાપરવું જોઈએ. નાહવામાં પાણીનું તાપમાન કઈ રીતે શરીર પર અસર કરે છે એ આજે સમજીએ અને જાણીએ કે અમુક પ્રકારના સ્નાનથી સ્વાસ્થ્યને કયા પ્રકારનો લાભ થાય છે સ્નાન સાયન્સની દ્રષ્ટિએ હાઇજીન સંબંધિત ક્રિયા છે, પરંતુ શરીરને સ્વચ્છ રાખવા સિવાય પણ એના ઘણા ઉપયોગો છે. આજે દરેક ઘરમાં ગીઝર આવી ગયાં અને એને કારણે જ શિયાળો હોય કે ઉનાળો, શહેરી વ્યક્તિ ગરમ પાણીથી જ નહાય છે. મુંબઈમાં ખાસ કરીને જ્યાં દરેક •તુ લગભગ સરખી જ હોય છે ત્યાં નાહવાનું પાણી જરૂરિયાત કરતાં આદત પ્રમાણે વધુ વાપરવામાં આવે છે. એટલે કે શિયાળો છે કે વાતાવરણમાં ઠંડી છે એટલે નહીં, પરંતુ ગરમ પાણીથી નાહવાની મજા આવે છે કે પછી હવે આદત પડી ગઈ છે એમ સમજીને ગરમ પાણીથી નાહવામાં આવે છે. ઘણા લોકો તો ત્યાં સુધી કહે છે કે ગરમ પાણીએ નહાયા ન હોય તો લાગે જ નહીં કે નહાયા છીએ. જોકે ગુજરાતમાં જઈએ તો એવું ખાસ જોવા મળતું નથી, કારણ કે ત્યાં ઉનાળો ભયંકર ગરમ અને શિયાળો ભયંકર ઠંડો હોય છે. એટલે ત્યાં શિયાળામાં લોકો ધગધગતા પાણીથી નહાય છે અને ઉનાળામાં ઠંડા પાણીથી. જોકે ઉત્તરમાં તમે જોશો તો શિયાળાની ઠંડીમાં પણ લોકો નદીમાં નહાતા હોય છે. તેમને ઠંડા પાણીની આદત હોય છે. આજે આપણે નાહવા માટે પાણી કેવું હોવું જોઈએ એ વિશે વાત કરીએ.
પાણીનું તાપમાન મહત્વનું આપણા વડીલો કહેતા કે નહાતી વખતે પાણી હૂંફાળું ગરમ હોવું જોઈએ, ખૂબ ગરમ કે ખૂબ ઠંડા પાણીએ નવાય નહીં. જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે લોકો ખૂબ ગરમ ધગધગતા પાણીએ નહાય છે અને ગરમી હોય ત્યારે ફ્રિજના પાણીએ નાહતા લોકો પણ હોય છે, પરંતુ આ આદત હાનિકારક છે. ખાસ કરીને ઉંમરલાયક લોકો એટલે કે એવા લોકો જેમને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ કે હાર્ટ-પ્રૉબ્લેમ હોય તેમણે ક્યારેય ખૂબ ઠંડા પાણીએ કે ખૂબ ગરમ પાણીએ નાહવું ન જોઈએ. એની પાછળનું કારણ સમજાવતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. પ્રતીક સોની કહે છે, 'જ્યારે આપણે ખૂબ ઠંડા પાણીએ નહાઈએ છીએ ત્યારે શરીરમાં રહેલી લોહીની નસો સાંકડી બની જાય છે અને ખૂબ ગરમ પાણીમાં નહાઓ ત્યારે નસો પહોળી બને છે. એ સાંકડી કે પહોળી થાય ત્યારે આ નસોને કારણે બ્લડ-પ્રેશર પર સીધી અસર પડે છે. બ્લડ-પ્રેશર ઉપર-નીચે થાય એટલે હાર્ટ પર જોખમ વધે છે. આ સંજોગોમાં જો વ્યક્તિને પહેલેથી જ હાર્ટમાં તકલીફ હોય કે કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ હોય કે પછી લાંબા સમયથી ડાયાબિટીઝ હોય તો તેના પર જોખમ વધે છે. આમ તો કોઈ પણ વ્યક્તિએ આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ જો તમને રિસ્ક-ફૅક્ટર હોય જ તો આ બાબતે ગફલતમાં રહેવું નહીં નહીંતર જીવ જોખમમાં મુકાઈ શકે છે.'
અતિ ગરમ પાણી કે હૂંફાળું મોટા ભાગના નૅચરોપૅથ તથા આયુર્વેદ અને યોગના નિષ્ણાતો માને છે કે અતિ ગરમ પાણી નુકસાનકારક છે. સ્નાન માટે હૂંફાળું ગરમ પાણી જ વાપરવું જોઈએ. નિષ્ણાતો માને છે કે અતિ ગરમ પાણી થેરપી માટે ક્યારેક વપરાય છે, જ્યારે નહાવા માટે તો હૂંફાળું પાણી જ વાપરવું. સ્નાનનો પહેલો સંબંધ ચામડી સાથે છે. અતિ ગરમ પાણી ચામડી માટે ઉપયોગી છે કે નહીં એ પ્રશ્નનો જવાબ આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. નીરજા નેલોગી કહે છે, 'જો તમારે સ્કિન સારી રાખવી હોય તો ક્યારેય ગરમ પાણીથી ન નહાવું, કારણ કે ગરમ પાણી ચામડીને ડ્રાય કરે છે. ખાસ કરીને આ વાત ડ્રાય ટુ નૉર્મલ સ્કિનના લોકોને લાગુ પડે છે. જેમની સ્કિન ઑઇલી છે તેમને પ્રૉબ્લેમ નથી જો તે ગરમ પાણીથી નહાય. શિયાળામાં આમ પણ સ્કિન ડ્રાય થાય છે અને લોકો ગરમ પાણીથી નહાય છે એમાં સ્કિન વધુ ડ્રાય થઈ જાય છે. સ્કિન અને વાળ બન્નેને સારાં રાખવાં હોય તો હૂંફાળું પાણી બેસ્ટ છે, અતિ ગરમ નહીં.'
એક પ્રકારનો ડિસઑર્ડર ઘણા લોકો એવા હોય છે જે નાહવા માટે અતિ ગરમ ધુમાડા નીકળતું પાણી જ વાપરે છે. એની પાછળ એક કારણ એ છે કે આ લોકોને નાનપણથી જ અતિ ગરમ પાણી વાપરવાની આદત હોય છે એટલે તે ટેવાઈ જાય છે. ફક્ત નહાવા માટે જ નહીં, પરંતુ ખોરાકમાં પણ તેમને અત્યંત ગરમ પદાર્થ જ ખાવા જોઈએ. આ બાબતો વિશે પોતાનું મંતવ્ય આપતાં હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, 'હોમિયોપથીમાં આ પ્રકારની આદતોને અમે ડિસઑર્ડર ગણીએ છીએ. આપણા શરીરમાં હોમિયોસ્ટેસિસ હોય છે જે આપણા શરીરને બૅલૅન્સમાં રાખવાનું મહત્વનું કામ કરે છે. એમાં કોઈ તકલીફ હોય ત્યારે આ પ્રકારનું વર્તન માણસ કરે છે, જેને અમુક દવાઓ દ્વારા ઠીક કરવામાં આવે છે. આમ જો તમને અતિ ગરમ પાણીની આદત હોય તો એ સારી તો નથી જ. છોડવાનીકોશિશ કરો અને ન છૂટે તો નિષ્ણાતની સલાહ લો.'
યાદ રાખો હૂંફાળા પાણીમાં નહાઓ ત્યારે એ ધ્યાન રાખો કે છેલ્લે નહાવાનું પૂરું થાય એ પછી શરીર પર થોડું ઠંડું પાણી નાખવું જરૂરી છે. એ બાબતે ધ્યાન દોરતાં ડૉ. મયંક શાહ કહે છે, 'મોટા ભાગના લોકો આ બાબતે જાણકારી નથી ધરાવતા કે હૂંફાળા પાણીથી છિદ્રો ખૂલી જાય છે એ પછી એને બંધ કરવાનું કામ પણ આપણે જ કરવું જોઈએ નહીંતર એમાં કચરો ભરાઈ જાય, જે વધુ નુકસાન કરે. એ માટે છેલ્લે થોડું ઠંડું પાણી વાપરીને શરીરને ઠંડું કરવું જરૂરી છે.'
સ્નાનથી સ્વાસ્થ્યને થતા ફાયદા હાલમાં જર્નલ ઑફ અપ્લાઇડ ફિઝિયોલૉજીમાં છપાયેલા અને યુનાઇટેડ કિંગડમમાં થયેલા આ રિસર્ચમાં જોવા મળ્યું કે ઓબીસ અને બેઠાડુ જીવન જીવનારા પુરુષોને બાથટબમાં ગરમ પાણી ભરીને એમાં દરરોજ વીસ મિનિટ ડૂબેલા રહેવાથી શરીરનું આંતરિક ઇન્ફ્લમેશન ઘટે છે અને ગ્લુકોઝનું મેટાબોલિઝમ પણ સારું થાય છે. ગરમ પાણીમાં આ રીતે ડૂબેલું રહેવું એ એક પ્રકારની ટ્રીટમેન્ટ જેવું કામ કરે છે એવું રિસર્ચ જણાવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરમાં અમુક પ્રકારનાં કેમિકલ જેમ કે ત્ન્-૬ ઉદ્ભવે છે, જેને કારણે આંતરિક સોજાઓ હોય એ દૂર થતા હોય છે. આ કેમિકલ જ્યારે આપણે ગરમ પાણીમાં વીસ મિનિટ ડૂબેલા રહીએ ત્યારે પણ રિલીઝ થાય છે એમ રિસર્ચમાં જોવા મળ્યું. જે પુરુષો પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો તેમને દરરોજ એક અઠવાડિયા માટે ૧૦૨ ડિગ્રી ફૅરનહાઇટ તાપમાનના પાણીમાં વીસ મિનિટ ડોક સુધી ડુબાડેલા રાખવામાં આવ્યા હતા. અને એવા જ એક બીજા ગ્રુપને આવું કંઈ કરવામાં આવ્યું નïહોતું. બન્નેના ધબકારા, બ્લડ-પ્રેશર અને શરીરનું તાપમાન પ્રયોગ સમયે દર ૧૫ મિનિટે લેવામાં આવ્યાં હતાં અને પ્રયોગ પછીના બે કલાકે તેમની બ્લડ-ટેસ્ટ પણ કરવામાં આવી હતી. આ સિવાય આ પુરુષોની ફાસ્ટિંગ બ્લડ-શુગર પણ ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં ખબર પડી હતી કે તેમની શુગર પણ ઘટી છે.
શું ખરેખર સ્નાનના હેલ્થ સંબંધિત ફાયદાઓ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, 'જો તમે ડોલ ભરીને નહાતા હો કે શાવર લેતા હો તો એ પ્રકારના સ્નાનથી ફક્ત રિલૅક્સ થઈ શકાય, લોહીનું પરિભ્રમણ સારું થાય અને ચામડીનાં બંધ છિદ્રો ખૂલી જાય; જેનાથી ખરા અર્થમાં શરીર સાફ થઈ શકે. એ સિવાય કોઈ ખાસ ફાયદાઓ થતા નથી. પણ નૅચરોપથીમાં વર્ષોથી આપણે જાણીએ છીએ કે કટિસ્નાનનું મહત્વ છે જેમાં વ્યક્તિના પગ અને માથું જ ફક્ત પાણીની બહાર હોય છે, બાકી વચ્ચેનું શરીર ટબમાં ભરેલા હૂંંફાળા પાણીની અંદર હોય છે. આ પ્રકારે વીસ મિનિટ એમાં બેસવાનું હોય છે જેનાથી યુરિનની તકલીફો, માસિક સંબંધિત તકલીફો કે કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે. આમ પાચન સુધરે છે અને મેટાબોલિઝમ પર એની ઘણી સારી અસર થાય છે. કટિસ્નાન ચોક્કસપણે સ્વાસ્થ્ય ઉપયોગી સ્નાન છે.'
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuQ8ZaFifQcG7hkfeg4PMkMbSaM53yWy61yFuO6uOx2Ow%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment