Thursday, 27 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શહેરોની નામ બદલીથી દેશને સકારાત્મક લાભ શો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શહેરોની નામ બદલીથી દેશને સકારાત્મક લાભ શો?
પ્રાસંગિક-પ્રતીક ખંભાતી

amdavadis4ever@yahoogroups.com

ઈટાલીના રોમમાં ૬૫ બીસીમાં એટલે કે ઈસવીસન પૂર્વે ૬૫માં જન્મેલા કવિએ એક ઠેકાણે કહ્યું છે, "નામ બદલો અને જગત આખાનું જોણું બની જાઓ.' ઓસ્કર વાઈલ્ડે બહુ સરસ વાત કરી છે કે, "આપણે આપણી ભૂલોને અનુભવનું નામ આપીએ છીએ. તાજેતરમાં શહેરોનાં નામો બદલાવાની જે પ્રવૃત્તિ ચાલી એને શું નામ આપીશું? અનુભવ કહીશું કે...

જસ્ટિસ માર્કણ્ડેય કાત્જુ જુદાજુદા સમયે, જુદાંજુદાં કારણોસર ચર્ચામાં રહ્યા છે. એમણે ઉપહાસ કર્યા જેવી એક ટ્વિટ કરી હતી એના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અલહાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે જસ્ટિસ કાત્જુએ બીજા ૧૮ શહેરનાં નામો બદલાવવાનું સજેશન આપ્યું હતું! એમ તો એમણે એકંદર ૩૦ શહેરોનાં નામાંતરનું સૂચન કર્યું હતું, એમાં અમદાવાદનું નામ અષ્ટવક્રનગર, અહમદનગરનું અંગિરસપુર, અદિલાબાદનું નામ અવંતિપુર, ઔરંગાબાદનું અલખનિરંજનપુર, આગ્રાનું નામ અગસ્ત્યનગર, અલિગઢનું અરુણ જેટલી નગર, ફરિદાબાદનું યોગી આદિત્યનાથ નગર, ગાઝીપુરનું નામ ગણેશનગર, મહેબૂબનગરનું મીરાબાઈ નગર, મોરાદાબાદનું નામ મન કી બાત નગર જેવાં નામ રાખવાનું સૂચન કર્યું હતું. આ રીતે એમણે કુલ ૩૦ શહેરોનાં નામો બદલવાનું સૂચન કર્યું હતું. એમનાં આ સૂચનોનો જે તે શહેરના સત્તાધારીઓએ શો પ્રતિસાદ આપ્યો કોઈ જાણતું નથી, પણ કાત્જુની આ ટ્વિટ નામ બદલીની જે ભરતી આવી છે એને પંપાળીને ફટકારેલી લપડાક છે એવું લાગે ખરું. સમયના પ્રવાહમાં અનેક રાજામહારાજાએ શહેરોના નામ બદલ્યાં અને મૂળ નામો અસ્ત પામ્યાં એ તો ઈતિહાસ છે. જોકે, હાલમાં આગામી વર્ષમાં આવનારી લોકસભાની ચૂંટણીના ચિત્રને અનુલક્ષીને નામો બદલવાનો જે 'તોફાન મેલ' દોડ્યો છે એ જોઈને ચતુર સુજાણે રડવું કે હસવું એ નક્કી કરી શકાતું નથી.

યોગી આદિત્યનાથે અલહાબાદનું નામ પ્રયાગરાજ કરી જ નાખ્યું છે. ફૈઝાબાદનું અયોધ્યા અને મુગલસરાઈનું દિનદયાળ જ્ંકશન, એ પછી અનેક ઠેકાણેથી જુદા જુદા નામકરણની બાતમી આવવા લાગી. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક વિધાનસભ્યે હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવાની માગણી કરી હતી. એ સાથે સમય આવતાં સિકંદરાબાદ અને કરીમનગરનાં નામો પણ બદલીશું એવી હૈયાધારણ આપી હતી. ગુજરાતમાં પણ બધાનો ટેકો હશે તો અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે એમ એક પ્રધાને કહ્યું હતું. વળી એક નેતાએ મુઝફ્ફરનગરનું નામ લક્ષ્મીનગર કરવાની સલાહ આપી છે. અનેક શહેરોમાંથી નામાંતરની માગણીઓ થઈ હતી અને હજી થાય છે. લગભગ મહિના અગાઉ જ દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવાની માગણી થઈ હતી. બની શકે કે ક્યારેક કોઈ એક સ્થળનું નામ બદલવાની માગણી સંયુક્તપણે કરાઈ હોઈ શકે. બૅંગલોરનું બૅંગલુરુ, બેળગાવનું બેળગાવી કે બૉમ્બેનું મુંબઈ નામાંતર કે નામ બદલી આપણે સમજી શકીએ છીએ, પણ હવે તો જાણે નામ બદલી કરવાની ભરતી જ આવી છે એમ લાગે છે. માની લો કે નામાંતરની તમામ માગણી સંતોષાઈ તો એનાથી દેશમાં કે દેશને સકારાત્મક શો ફાયદો થશે એ જાણવાનો કોઈ જ રસ્તો નથી.

એવું કહેવા-માનવામાં આવે છે કે શહેરોનાં નામાંતરની માગણી કેન્દ્રમાં સત્તાધારી પક્ષ અને એવી જ વિચારસરણી ધરાવનારાં જૂથો દ્વારા કરવામાં આવે છે. એ અગાઉ થોડા દિવસો સ્મારકો અને પૂતળાંની ચર્ચા ચાલી હતી. પછી નામાંતરની કે નામ બદલીની વાતો ઊઠી, ચગી અને જોર પકડ્યું પણ... અને નામાંતર થયાં પણ ખરાં! આવું થાય ત્યારે થાય કે દેશની સામે પડેલા અન્ય વિકરાળ પ્રશ્ર્નો શમી ગયા છે કે જાજમ તળે ધકેલી દેવાયા છે! ચતુર સુજાણોનો મત એવો છે કે, અન્ય ગંભીર પ્રશ્ર્નોની ચર્ચા ન થાય, લોકો જાગે નહીં માટે આમ નામાંતરની ધજા ફરકાવાય છે! નહીં તો દરેક ઠેકાણેથી શહેરનાં નામો બદલવાની માગણી એકદમ ઊઠે નહીં. શહેરોનાં નામો બદલવાની માગણી ભાજપની કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષની હોય તો કે એવો આગ્રહ હોય તો પૂછી શકાયને કે, એ શહેરોનાં નામ બદલવાથી કે નવું નામ આપવાથી એનું ભાગ્ય બદલાઈ જવાનું છે? શું એ શહેરોની તમામ સમસ્યા શમી જવાની કે સંતોષાઈ જવાની છે? આ શહેરની સુધારણા કે એના વિકાસ માટે શું કરાશે, કેવી રીતે કરાશે એ વિશે તો કોઈ કરતાં કોઈ જ એક હરફ સુધ્ધાં ઉચ્ચારતું નથી. થોડા સમય અગાઉ ગુડગાંવનું નામ બદલીને ગુરુગ્રામ કરાયું, પણ શહેરમાં કશું પરિવર્તન આવ્યું કે? એમ છતાં પાટનગરમાં અનેક સ્થળે ગુડગાંવનાં નામનાં પાટિયા જોવા મળે છે એમ જાણકારો કહે છે. એનો અર્થ એવો જ થયોને કે આવી નામ બદલી ફક્ત રાજકારણ પૂરતી જ હતી કે શું? દરેક શહેરોને પોતાનો સાંસ્કૃતિક વારસો છે. શહેરનું નામ બદલવાથી એ મૂલ્યો બદલાતાં નથી અથવા એ થાપણને સંપૂર્ણપણે બદલી શકાતી નથી. શું રાજકારણીઓને આ બાબતોની ખબર નથી કે પછી 'ગાંડાનો વેશ લઈને લાડુ ખાવાનો' ધંધો આદર્યો છે, એવું લોકોને લાગે છે અને કદાચ એ કારણે જ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ એ આભાસનો અંચળો ફાડી નાખ્યો છે.

મહારાષ્ટ્રમાં પણ ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરવાની અને ઉસમાનાબાદનું નામ ધારાશિવ કરવાની માગણી કરાઈ છે અને એ વિશે સત્તાવાર કશો નિર્ણય કરાયો નથી. મુંંબઈમાં કેટલાંક રેલવે સ્ટેશનોનાં નામો બદલવામાં આવ્યા હતા તો વળી કેટલાંક રેલવે સ્ટેશનો નામ બદલવાની પ્રતીક્ષા-કતારમાં છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને નાના શંકર શેટ (શેઠ) નામ આપવાની નાના શંકર શેટ કુટુંબની છે એમ કહેવામાં આવે છે. જોકે એ માગણી લાલ ફિતાશાહીમાં અવરોધાઈ ગઈ છે. આમાં રાજકીય પક્ષોમાં વાંધા પડ્યા છે એટલે નામ બદલી શકાયું નથી, એ દર્શાવે છે કે આ નામાંતરની માગણીમાં રાજકારણ હોય છે. આજે પણ કેટલાક લોકો પાટનગર દિલ્હીને અંગ્રેજોની જેમ ડૅલ્લી કહે છે એનાથી એની સંસ્કૃતિમાં કોઈ ફરક પડે છે કે? પટણાનું નામ પાટલીપુત્ર કરવાનો પ્રસ્તાવ છે, પણ મુખ્ય પ્રધાને આ માગણીને હાલ તો મંજૂર રાખી નથી. જો કે, જેમ જેમ ચૂંટણીનાં પડઘમ જોર જોરમાં સંભળાવા લાગશે એમ આ માગણી જોર પકડશે જ! એવું લાગે છે કે નામાંતરની તમામ માગણીઓ સંતોષાશે એટલે જનતાની માગણીઓ આપોઆપ સંતોષાઈ જશે, પાણીની સમસ્યા, મોંઘવારી, આરોગ્યની મુશ્કેલીઓ આપોઆપ શમી જશે... એવું માનીને કુંભકર્ણની જેમ સૂઈ જવામાં માલ છે, એમ મજાકમાં બોલી નાખવું તો બ્લડપ્રેશરને વધવાનો મોકો નહીં મળે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtvRUWAWeC5vQ9tLYiSxHepS6hR3Xc%2Bd_8v3MQicZe5ig%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment