નાના હતા ત્યારે નિશાળે જતી વખતે આપણો લંચબોક્સ અને વોટરબેગ ભરવામાં, યુનિફોર્મને ઈસ્ત્રી કરવામાં અને આપણને સમયસર તૈયાર કરીને નિશાળે મોકલવામાં વ્યસ્ત થઈ જતી મમ્મીની સવારની ચા રસોડામાં પડી પડી ઠંડી થઈ જતી. ધીમે ધીમે આપણે મોટા થયા, મમ્મીની જવાબદારીઓ પણ મોટી થઈ. ઘણું બધું બદલાયું પણ પેલી ઠંડી ચા આજે પણ ત્યાંની ત્યાં જ છે.
દરેક ઘરના રસોડામાં આ ઠંડી ચા રહેતી હોય છે. ડાઈનીંગ ટેબલ પર બેઠેલા ઘરના બાકીના સભ્યોને ગરમાગરમ હૂંફ પીરસવામાં વ્યસ્ત થઈ જતી કોઈ એક વ્યક્તિના ભાગમાં આ ઠંડી ચા આવતી હોય છે. ઠંડી ચા મમ્મીની હોય, બહેનની હોય કે પત્નીની પણ તકલીફ એ વાતની છે કે આ ચા ઠરી જવાની ઘટનાની ક્યાંય નોંધ નથી લેવાતી. ફક્ત ઘરમાં જ નહિ, દરેક કચેરીમાં, બેંકમાં કે કોઈપણ વર્કપ્લેસ પર અવારનવાર કોઈ એક વ્યક્તિની ચા ઠરી જતી હોય છે. ટેબલ પર પડેલા પોતાના કામને ન્યાય આપવામાં મશગુલ થયેલા કેટલાય લોકો પોતાની ગરમ ચાને અન્યાય કરી બેસે છે. દરેક વ્યક્તિ પોતાની અંગત લડત લડી રહી છે. પોતાની ઉકળી રહેલી વ્યાવસાયિક કે વ્યક્તિગત સમસ્યાઓ ઠંડી પાડવામાં પરોવાયેલા કેટલાક લોકો પોતાની ઠંડી ચા સાથે સમાધાન કરી લેતા હોય છે. ઠંડી ચા પીનારી દરેક વ્યક્તિનું સન્માન થવું જોઈએ કારણકે ઠંડી ચા એ વાતની સાબિતી છે કે પોતાના સ્વજનોની સેવામાં કે પોતાની વ્યાવસાયિક જવાબદારીઓ પુરી કરવામાં ઓગળેલા કેટલાક લોકો પોતાની ચા કરતા પોતાના કામ પ્રત્યેની ચાહતને વધારે પ્રાથમિકતા આપે છે. મમ્મી, પત્ની કે બહેન. ઘરમાં રહેલી કોઈપણ સ્ત્રી જ્યારે એવું કહે છે કે 'મને તો ઠંડી ચા જ ફાવે' એનો પરોક્ષ અર્થ એવો પણ કાઢી શકાય કે 'મારા માટે ચા કરતા તમે બધા વધારે મહત્વના છો.' આપણા બધા કામ પતાવીને, ઘરમાં રહેલી કોઈ એક વ્યક્તિ રસોડામાં જઈને એકલામાં ઠંડી ચા પી લેતી હોય, તો સંબંધો અને સથવારાની ભાષામાં એને દુર્ઘટના કહેવાય. એક નાનકડો પ્રયત્ન કરીએ. જે આપણને પ્રેમ કરે છે, જે આપણું કામ કરે છે આપણી આસપાસ રહેલી એવી કોઈપણ વ્યક્તિની ચા ઠરવી જોઈએ નહિ. ચામાં ગળપણ ખાંડને કારણે નહિ, સામે રહેલી ગમતી વ્યક્તિને કારણે આવતું હોય છે. દરેક વ્યક્તિ ગરમ ચાની હકદાર છે. આપણી સાથે કે આપણી નીચે કામ કરી રહેલો દરેક કર્મચારી એટલો લાયક તો હોય જ છે કે આપણી સાથે કે સામે બેસીને એક કપ ગરમ ચા પી શકે. ઘર હોય કે ઓફિસ, હોસ્પિટલ હોય કે દુકાન. કામ, હોદ્દા અને પદવીએ ઓલરેડી આપણા ભાગલા પાડી નાખ્યા છે. સાથે બેસીને માણેલો એક કપ ચા જેવો હુંફાળો અવસર આપણને એક કરવા માટે પુરતો છે. ગરમ ચામાંથી નીકળતી વરાળ સામેની વ્યક્તિ માટે આપણા હ્રદયમાં રહેલી કુણી લાગણીઓને અંકુરિત કરે છે. એ સંબંધોની ભીનાશ વધારે છે. ગમતી વ્યક્તિ સાથે ચા પીવી, એ આપણી જિંદગીમાં આવવા બદલ સામે રહેલી વ્યક્તિની ઉજવણી છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuKup8Ank-WuhQTaB-PQOShKcpJbLZoiN5gcu%3DDcZ1%2Bhg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment