Thursday, 4 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વજન વધારનાર ઔષધ ક્યું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વજન વધારનાર ઔષધ ક્યું?
આરોગ્ય ચિંતન : વૈદ્ય મનુભાઈ ગૌદાની

 

 

આયુર્વેદમાં વજન વધારનાર અતિ ઉત્તમ ઔષધ ક્યું? એમ જો મને પૂછવામાં આવે તો હું તરત જ અશ્વગંધાનું નામ આપું. આયુર્વેદના લગભગ તમામ માન્ય ગ્રંથોમાં "અશ્વગંધા" નો ઉલ્લેખ થયેલો છે. "આહન" કે આસનના જે મૂળિયા ગાંધીને ત્યાં મળે છે, તે જ આ અશ્વગંધા.
આ અશ્વગંધાનો પાચન પ્રણાલી અને વાતનાડી સંસ્થાન એટલે કે નર્વસ સિસ્ટમ પર ઉત્તમ પ્રભાવ પડે છે. એટલે જ અશ્વગંધા જઠરાગ્નિ પ્રદીપ્ત કરી ભૂખ લગાડે છે. અશ્વગંધામાં એક "બૃંહણ" ગુણ રહેલો છે. "બૃંહણ"નો અર્થ થાય શરીરને પુષ્ટ કરનાર અથવા વજન વધારનાર. ચરક સંહિતાના સૂત્રસ્થાનના ચોથા અધ્યાયમાં બૃંહણ એટલે કે વજન વધારનારા જે દસ ઔષધો દર્શાવ્યા છે.
તેમાં આ અશ્વગંધા એટલે કે આહનનો પણ સમાવેશ થયેલો છે. જેમનું વજન વગર કારણે વધતું ન હોય, અથવા જેવો પહેલેથી જ કૃશ-પાતળા હોય, તેમણે નિયમિત અશ્વગંધાનો ઉપયોગ કરવો જોઈએ. એ માટે વાચકોને ઉપયોગી થાય એવા એક ઘરગથ્થુ પ્રયોગનું અહીં નિરૂપણ કરું છું.

એક ગ્લાસ જેટલા ભેંસના દૂધમાં એટલું જ પાણી નાખી. તેમાં એક ચમચી જેટલું અશ્વગંધાનું ચૂર્ણ નાખી તેને ધીમા તાપે ઉકાળવું. ઉકળતાં ઉકળતાં નાખેલું પાણી ઊડી જાય અને એક ગ્લાસ જેવું દૂધ રહે, ત્યારે તેને ઉતારી ઠંડું પાડી પી જવું. સવારે કે સાંજે કોઈપણ એક ટાઈમે નિયમિત રીતે આ અશ્વગંધા યુક્ત દૂધનો ઉપયોગ કરવાથી ધીમેધીમે વજન વધારી શકાય છે. જેમને અશ્વગંધાવાળું દૂધ ભાવે નહીં. તેમણે તેમાં થોડી સાકર અને એલચી નાખી ઉપયોગ કરવો.

આ અશ્વગંધાના મૂળિયામાં "સોમ્નીફેરીન" નામનો એક કડવો ક્ષારીય પદાર્થ રહેલો છે. જેનો ગુણ સમ્મોહન એટલે કે નિદ્રાજનક છે. એટલે જેમને નિદ્રા ન આવતી હોય અથવા થોડી કે ત્રૂટક ત્રૂટક આવતી હોય, તેમણે ઉત્તમ ફાર્મસીનો "અશ્વગંધારિષ્ટ" લાવી રાત્રે અડધા કપ જેટલું તેમાં એટલું જ પાણી નાખી પીવો. આ પ્રયોગથી ઊંઘ સારી આવે છે અને અન્ય નિદ્રાજનક ઔષધોની જેમ તેની કોઈ વિપરીત અસર થતી નથી. અશ્વગંધાના ઉપયોગથી મૂત્રોત્સર્ગ ક્રિયા યોગ્ય પ્રમાણમાં થાય છે. જેથી તેનો એક ગુણ હૃદ્ય પણ છે. હૃદ્યનો અર્થ થાય હૃદયનું બળ વધારનાર. જેમનું હૃદય મોટું કે પહોળું થઈ ગયું હોય. એટલે કે એન્લાર્જમેન્ટ ઓફ હાર્ટ હોય, તેમને માટે અશ્વગંધાને રસાયન અને વાજીકરણ પણ ગણાવ્યું છે. આયુર્વેદિય મતે રસાયન ઔષધો જીવન શક્તિ વધારનારા ગણાવાય છે. જ્યારે વાજીકરણનો અર્થ થાય કામ એટલે કે મૈથુન શક્તિ વધારનાર. આમ જેમને શીઘ્રપતન-અર્લી ડિસ્ચાર્જની તકલીફ હોય. તેમણે પણ અશ્વગંધાનો ઉપયોગ કરવો.

બીજા પ્રયોગો
     પ્રસૂતા સ્ત્રીને જો સૂંઠ સાથે અશ્વગંધાનો ઉપયોગ કરાવવામાં આવે તો ગર્ભાશયમાં રહેલા દોષો બહાર આવે છે. કારણ કે આ પ્રયોગથી ગર્ભાશયનું સંકોચન થાય છે. આ પ્રયોગથી ધાવણની પણ વૃદ્ધિ થાય છે. એટલે જે સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય તેમણે પણ આ પ્રયોગ કરવો.

     અશ્વગંધા અને ચોપચીનીનું સમભાગે બનાવેલું ચૂર્ણ પાથી અડધી ચમચી જેટલું સવારે અને રાત્રે બે-ત્રણ ચમચી જેટલા મધ સાથે લેવામાં આવે તો રક્ત વિકારો, ગુમડા, જીર્ણ વ્રણ તથા ઠંડી ગાંઠો મટે છે.

     ક્ષય રોગમાં રસ, રક્ત, માંસ, મેદાદિ સાતે ધાતુઓનો હ્રાસ થાય છે. આ હ્રાસ થવાનું કારણ સ્ત્રોતાવરોધ ગણાવાય છે.

 અશ્વગંધામાંથી બનાવવામાં આવતું અશ્વગંધારિષ્ટ આ ધાતુઓનું વહન કરતા સ્ત્રોતો-માર્ગોના અવરોધો દૂર કરી ચોખ્ખા કરે છે. એટલે આવા દર્દીઓએ ચિકિત્સકની સલાહ મુજબ અશ્વગંધારિષ્ટનો ઉપયોગ કરવો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OudvV8%3DyONTsWumoq3SxtWR%2B0rGGcDA%3DYF_6x-djaXCWQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment