આર. કે. નારાયણની અંગ્રેજીમાં લખાયેલી નવલકથા 'ધ ગાઈડ' આપણને યાદ છે દેવ આનંદની ફિલ્મ 'ગાઈડ'ને કારણે, ફિલ્મનાં ગીતો વહીદા રહેમાન અને વિજય આનંદના ડિરેક્શનને કારણે. ખૂબસુરત ફિલ્મ છે. પણ ઓરિજિનલ નવલકથા એથીય વધારે ખૂબસુરત છે. નવલકથાને ફિલ્મના માધ્યમમાં લઈ જવા માટે ઘણું બધું જતું કરવું પડે, થોડું ઘણું ઉમેરવું પડે અને કેટલુંક ટૂંકાવવું પડે, કૉમ્પ્રેસ કરવું પડે તો કેટલીક બાબતમાં લાઉડનેસ ઉમેરવી પડે. આર્ટ અને ક્રાફ્ટનો ઉત્તમ સંગમ થયા પછી જ આવી કૃતિ બની શકે.
'ગાઈડ' ફિલ્મ તો તમે જોઈ છે. કોઈએ ના જોઈ હોય તો આજે જ નવી સીડી/ ડીવીડી ખરીદીને જોઈ શકે. પણ આ ફિલ્મ જોનારા કરોડો દર્શકોમાંથી બહુ ઓછા રસિયાઓએ નવલકથા વાંચી હશે. નવમા કે દસમા ધોરણના વૅકેશનમાં 'ગાઈડ'નો હિન્દી અનુવાદ હાથમાં આવ્યો અને વાંચ્યો. ફિલ્મ ૧૯૬૫-૬૬માં રિલીઝ થઈ ચૂકેલી. ગણોને આઠ-નવ વર્ષ પહેલાં. ફિલ્મનાં ગીતો બહુ સાંભળવા મળતા. પણ ફિલ્મ હજુ સુધી જોવાઈ નહોતી જે કૉલેજકાળમાં જોઈ. એ જમાનામાં દેવ આનંદ વીક, ગુરુદત્ત વીક ચાલતાં. લૅમિંગ્ટન રોડ પરના ભવ્ય 'મિનરવા'માં એક અઠવાડિયા સુધી રોજ મૉર્નિંગ શોમાં દેવ આનંદ વીક હતું. મૅટિનીથી નાઈટ સુધીના ચાર શોઝમાં 'શોલે' ચાલતી. મૅટિની પહેલાંના મૉર્નિંગ શોમાં સાવ સસ્તા ભાવની ટિકિટમાં એક અઠવાડિયામાં દેવ આનંદની સાત ફિલ્મો જોયેલી. બધી બ્લેક ઍન્ડ વ્હાઈટ, એક 'ગાઈડ' સિવાય. અને દાદરના 'કોહિનૂર' સિનેમામાં ગુરુદત્ત વીક લાગેલું. 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ' અને 'સાહેબ બીબી ઔર ગુલામ' સહિતની ગુરુદત્તની સાત ફિલ્મો જોઈ નાખેલી. આર. કે. નારાયણની 'ધ ગાઈડ' અંગ્રેજીમાં તો ઘણા સમય પછી વાંચી. એ વાંચ્યા પછી નારાયણની 'સ્વામી ઍન્ડ હિઝ ફ્રેન્ડ્ઝ' સહિતની ફિક્શન્સ તેમ જ એમનાં કેટલાંક લેખ સંગ્રહો પણ વાંચ્યા. રાસિપુરમ કૃષ્ણસ્વામી ઐય્યર નારાયણસ્વામી એમનું આખું નામ. રાસિપુરમ વતનનું ગામ, કૃષ્ણસ્વામી પિતાનું અને ઐય્યર જ્ઞાતિ. અલમોસ્ટ 'આધાર' કાર્ડ જેવી આઈડેન્ટિટી સાઉથ ઈન્ડિયન નામોમાં પ્રગટ થતી હોય છે. લક્ષ્મણસ્વામી એમના છોટાભાઈ. પૉપ્યુલરની નોન એઝ આર.કે. લક્ષ્મણ, ધ કાર્ટૂનિસ્ટ. ફિલ્મમાં જે જે વાતો લેવાઈ નથી, લઈ શકાઈ નથી કે ફિલ્મના માધ્યમ માટે બિનજરૂરી કે અપ્રસ્તુત ગણીને ચાળી નાખી હોય એવી વાતો કરવી છે. ઘણી સરસ સરસ વાતો છે. ક્યારેક લાગે કે આ તમામ છૂટી ગયેલી વાતોને સમાવી લઈને ફરી એકવાર 'ગાઈડ' બનવી જોઈએ - વેબસિરીઝ તરીકે. પણ દેવ આનંદનો ચાર્મ, વહીદાજીનું ગ્લેમર તથા શૈલેન્દ્ર અને એસ. ડી. બર્મનનાં ઈમ્મોર્ટલ ગીતો એમાં ન હોય એને લીધે એ વેબ સિરીઝ કદાચ ફિક્કી લાગે. પણ મૂળ નવલકથાની હવે તમને જે વાંચવા મળશે તે વાતો તમને ખાતરી કરાવશે કે 'ગાઈડ' ફિલ્મમાં જે જબરજસ્ત પ્લસ પોઈન્ટ્સ તમને ગણાવ્યા તેને કૉમ્પેન્સેટ કરી શકે એવી રસીલી વાતો ઉમેરવાથી વેબ-સિરીઝ ફ્ક્કિી નહીં લાગે. નવલકથાનો ઉઘાડ જેલની બે વર્ષની સજા કાપીને નીકળતા રાજુ ગાઈડથી નથી થતો. પહેલો જ સીન રાજુ પેલા અજાણ્યા ગામમાં આવી ગયાનો છે (જ્યાં એની અનિચ્છાએ એને સાધુ માની લેવામાં આવે છે). ભોલા સાથેની થોડીક વાતચીત પછી આ નાનકડો સીન પૂરો થાય છે. ભોલાનું નામ નૉવેલમાં વેલાન છે. આ પહેલા સીન રાજુની અનાયાસે વેલાન સાથે ઓળખાણ થઈ જાય છે. બીજો સીન નજીકના ભૂતકાળના ફલૅશબેકનો છે. વેલાનને મળતા પહેલાં રાજુ જેલમાંથી છૂટ્યા પછી વાળંદની દુકાને શેવ કરાવી રહ્યો છે. વાળંદ વાતોડિયો છે. દાઢી કરતાં કરતાં રાજુને પૂછે છે: 'દોઢ-બે? કેટલા વરસની સજા કાપી?' રાજુને નવાઈ લાગે છે: આને કેવી રીતે ખબર કે હું જેલમાંથી આવું છું. અને કેટલાં વરસની એનો પણ એને અંદાજ છે, આવું કેવી રીતે બને? વાળંદ ફોડ પાડે છે કે જેલનું મકાન વટાવ્યા પછી સૌથી પહેલી આ જ દુકાન છે. બધા કેદીઓ અહીં જ દાઢી કરાવીને પોતપોતાને ગામ જતા હોય છે. પણ દોઢ-બે વરસનો અંદાજ? વાળંદ રાજુને કહે છે કે તેં કોઈ ખૂનબુન કર્યું હોય એવું લાગતું નથી. ખૂન માટે અધૂરા પુરાવાઓ હોય તોય કમસે કમ સાત વર્ષની પડે. કોઈ મોટો આર્થિક ગોટાળો કર્યો હોય તોય સાત વર્ષે બહાર આવે. વીસ વર્ષથી હું આ ધંધામાં છું. તેં કોઈ મોટી છેતરપિંડી નથી કરી, નાનો મામૂલી ગુનો કર્યો છે એટલે તું દોઢ-બે વર્ષની સજા કાપીને બહાર આવ્યો હોઈશ. પણ ખબર કેવી રીતે પડી? સાત વર્ષ જેલમાં રહી આવેલાનો ચહેરો બદલાઈ જાય. એના મોઢા પરની રેખાઓ પરથી ખબર પડી જાય. તેં કોઈનું મર્ડર તો નથી જ કર્યું, તેં કોઈના પર રેપ કર્યો હોય એવું પણ નથી લાગતું, કોઈનું અપહરણ પણ નથી કર્યું, કોઈના ઘરને આગ પણ નથી ચાંપી - તારો ચહેરો કહી આપે છે. રાજુ વાળંદને પૂછે છે કે તું જેલમાં જઈને કેદીઓના વાળ કાપવાનું કામ નથી કરતો? વાળંદ ના પાડે છે. એ કામ એણે પોતાના ભત્રીજાને સોંપી દીધું છે. કેમ? તો કહે: રોજ રોજ જેલમાં કોણ જાય? રાજુ કહે છે: જેલ કંઈ બધા ધારે છે એટલી ખરાબ જગ્યા નથી, ઘણા સારા લોકો હોય છે ત્યાં. તો જા ને ત્યાં જ પાછો, વાળંદ એની મજાક કરે છે અને ઉમેરે છે: બજારમાં જઈને કોઈનું ખિસ્સું કાપ એટલે પોલીસ તને ફરી ત્યાં જઈને મૂકી આવશે. રાજુ પણ મજાકના મૂડમાં છે: ત્યાં યાર, રોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જવું પડે. એ આપણને ના ફાવે! દાઢી પૂરી થયા પછી રાજુના ચકમકતા ચહેરાને જોઈને વાળંદ અસ્ત્રો બાજુએ મૂકતાં કહે છે: 'લે, મહારાજા જેવો લાગે છે તું.' પાછો વર્તમાન. વેલાન (ભોલા) સાથેની થોડીક વાતચીત. અને હવે રાજુ પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે. માલગુડી એનું વતન. આર. કે. નારાયણે સર્જેલું આ કાલ્પનિક નગર હવે તો સાહિત્યપ્રેમીઓમાં જગમશહૂર છે. 'ગાઈડ'માં માલગુડીના સ્થાને ઉદયપુર બતાવેલું છે. 'ગાઈડ' ફિલ્મના અંગ્રેજી વર્ઝન સામે આર. કે. નારાયણનો ખૂબ મોટો વાંધો હતો. પણ કૉન્ટ્રેક્ટ કરીને બંધાઈ ગયેલા, પસ્તાયેલા. 'લાઈફ' મૅગેઝિનમાં 'મિસગાઈડેડ ગાઈડ' નામનો લેખ લખીને નારાયણે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. એમના એક નિબંધ સંગ્રહમાં એ છે. 'ગાઈડ'નો પ્લોટ આખો તૈયાર કરીને નારાયણે એમના નવલકથાકાર મિત્ર ગ્રેહામ ગ્રીનને એ સંભળાવ્યો હતો અને પૂછ્યું હતું કે એન્ડમાં રાજુ ગાઈડને જીવતો રાખું કે...? ગ્રેહામ ગ્રીનના સૂચન મુજબ જ નારાયણે આ નવલકથાનો અંત રાખ્યો. અતિ કળાત્મક રીતે. ૧૯૫૬માં નારાયણ પહેલી વાર અમેરિકા ગયા. ત્યાં કૅલિફોર્નિયાના બર્કલી શહેરમાં એક હૉટેલમાં રહીને નૉવેલનો ફસ્ટ ડ્રાફટ થોડાક અઠવાડિયામાં જ લખી નાખ્યો. શરૂઆતમાં ટાઈપ કરીને લખવા માગતા હતા. બેઉ હાથની એક-એક આંગળીથી ટાઈપ કરતા. પણ મઝા ના આવી એટલે મહિના માટે ભાડે લીધેલું ટાઈપ રાઈટર ત્રણ જ દિવસમાં પાછું આપી દીધું. આખી નવલકથા પોતાના હસ્તાક્ષરમાં જ લખી. પછી એને ટાઈપ કરાવીને મઠારી અને ફાઈનલ વર્ઝનની મેનુસ્ક્રિપ્ટ એ પ્રવાસ દરમિયાન જ ત્યાંના પ્રકાશકને સોંપીને નવ મહિને ભારત પાછા આવી ગયા. ૧૯૫૮માં 'ધ ગાઈડ' પ્રગટ થઈ. નારાયણે પોતાની સૌથી પહેલી નવલકથા 'સ્વામી ઍન્ડ હિઝ ફ્રેન્ડ્સ' ૧૯૩૫માં લખી હતી - ઓગણત્રીસ વર્ષની ઉંમરે. ૧૯૮૭માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી માલગુડી ડેઝ તમને યાદ હશે. એમાં નાનકડા સ્વામીની ચતુરાઈ, એની નિર્દોષ હરકતો તથા માલગુડીનું જે વાતાવરણ છે તે વાતાવરણ 'ગાઈડ' નવલકથામાં રાજુના બાળપણના દિવસોની વાતો વાંચતા તાજું થાય છે. વાતો બધી જ નવી છે, જુદી છે, પણ વાતાવરણ માલગુડીનું. કાલે એની વાત કરીશું તો તમને પણ લાગશે કે વેબ-સિરીઝ માટે એેમાં કેટલું રિચ મટીરિયલ છે. આર. કે. નારાયણે 'ગાઈડ' નવલકથામાં લખેલી જે મઝેદાર વાતો દેવ આનંદની લૅન્ડમાર્ક ફિલ્મમાં છૂટી ગઈ છે તેની વાત કરીએ છીએ. રાજુ ગાઈડ ભોલાની સામે પોતાની જિંદગીની સ્મૃતિઓ ઠાલવતો રહે છે. રોઝી અને માર્કો રાજુનો નજીકનો ભૂતકાળ છે. એમના વિશે વાત કરીને પોતે ગાઈડ કેવી રીતે બન્યો એની લાંબી અને ભારે ઈન્ટરેસ્ટિંગ દાસ્તાન રાજુ સંભળાવે છે. નાનપણથી જ રાજુનું રેલવે સાથેનું અનુસંધાન રહ્યું છે. એનું ઘર માલગુડી સ્ટેશનની સામે જ હતું. પિતાએ પોતાના હાથે ઘર બાંધ્યું હતું. એ જમાનામાં હજુ રેલવે આવી નહોતી. ગામથી જરા દૂર ઘર બાંધવાનું પિતાજીને શું કામ સૂઝયું? જમીનનો નાનો ટુકડો સાવ મફતના ભાવમાં મળતો હતો. પિતાજીએ માટી જાતે જ ખોદી હતી, કૂવામાંથી પાણી કાઢીને એને ગૂંદી હતી, ઘરની દીવાલો ચણી હતી અને છાપરે નાળિયેરીનાં પાંદડાં ગોઠવ્યાં હતાં. ઘરની આજુબાજુ પપૈયાનાં ઝાડ વાવ્યાં હતાં. વખત જતાં પપૈયાં લાગ્યાં એટલે એમણે એની ચીરીઓ કરીને વેચવાનું શરૂ કર્યું. એક પપૈયામાંથી આઠ આના જેવું એમને મળી રહેતું. ઘરની બાજુમાં જ એમણે જંગલી લાકડાના ખપાટિયા અને શણની ગુણીઓ ખોલીને છાપરી જેવી એક નાનકડી દુકાન બનાવી હતી. એ જગ્યાએથી મોટો ટ્રન્ક રોડ પસાર થતો. ગાડાંમાં ઘણા પ્રવાસીઓ ત્યાંથી અવરજવર કરતા. ખેડૂતોનાં ટોળાં પણ એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે ત્યાંથી પસાર થતા. રાજુના પિતાની દુકાનમાં તમાકુ, પાન, ફળફળાદિ, પીપરમિન્ટ, ચણા વગેરે જોઈને મુસાફરો બેઘડી આરામ કરવા રોકાઈ જતા અને ધીમે ધીમે દુકાનનો ધંધો વધવા લાગ્યો. બાપા બિઝી બિઝી થઈ ગયા. જમવાની પણ ફુરસદ ન મળે. મા બહુ આગ્રહ કરે ત્યારે ગલ્લા પર દીકરાને બેસાડીને પિતા ઘરે જમવા જતા અને સૂચના આપતા જતા: 'જે કંઈ આપે તેની સામે પૈસા લેવાનું ભૂલવાનું નહીં. અને જે કંઈ ખાવાનું છે તે તારે નથી ખાવાનું, એ બધું જ વેચવા માટે છે. કંઈ પૂછવું કરવું હોય તો મને બૂમ પાડજે.' એક ગ્રાહક આવ્યો. રાજુએ બાપાને બૂમ પાડીને પૂછયું, 'અડધા આનામાં કેટલી પીપરમિન્ટ આપવાની?' બાપાએ ઘરમાંથી જમતાં જમતાં મોટેથી જવાબ આપ્યો, 'ત્રણ' અને ઉમેર્યું, 'જો એ પોણો આનાની લે તો એને...' પિતાએ કંઈક અટપટી ગણતરી સમજાવી પણ રાજુને પલ્લે પડી નહીં. એણે ગ્રાહકને કહ્યું, 'મને ખાલી અડધો જ આનો આપજો' અને બદલામાં રાજુએ એને ત્રણ પીપરમિન્ટ ગણીને કાઢી આપી. ક્યારેક બરણીમાંથી ત્રણને બદલે ચાર પીપરમિન્ટ નીકળી જતી તો ગણતરીની ઝાઝી લપ્પનછપ્પનમાં પડવું ના પડે એટલે રાજુ વધારાની પીપરમિન્ટ પોતાના મોઢામાં મૂકી દેતો. ક્યારેક પિતાજી બાજુના મોટા ગામે દુકાન માટે ખરીદી કરવા જતા તો રાજુને સાથે લઈ જતા. એ તરફ જતા કોઈ બળદગાડાને રોકીને બેસી જવાનું. બજારમાં જઈને પિતાજી રાજુના ખિસ્સામાં શિંગ અને મીઠાઈ ભરી આપતા, પોતે ઓળખીતાઓની દુકાને જઈ જઈને માલ ખરીદતા. રાજુ દૂર બેઠાબેઠાં ભાવતાલ કરતા લોકોને જોતો રહેતો, ક્યારેક એ લોકો હસતા, ક્યારેક ઘાંટા પાડતા, ક્યારેક ગાળાગાળ કરતા. રાજુને આ બધું જોવાની મજા આવતી, પણ એક સવાલ એને વારંવાર થયા કરતો: પિતાજીની પોતાની દુકાન છે તો એ બીજા લોકોની દુકાનેથી શું કામ ખરીદી કરતા હશે. રાજુ પિતાજીને પૂછતો પણ ખરો જેનો એને ક્યારેય જવાબ મળતો નહીં. રાજુના પિતાનો ધંધો ધમધોકાર ચાલતો હતો. અધરાત-મધરાતે ત્યાંથી પસાર થતાં નાળિયેર અને બીજી ચીજોથી ભરેલાં ગાડાં પસાર થતાં. દુકાને રોકાઈને બળદોને બે ઘડી છુટા કરતા અને પોતે રાજુના પિતા સાથે અલકમલકની વાતો કરતા. એક દિવસ અચાનક ઘરની આસપાસ ખૂબ ચહલપહલ થતી હતી. રોજ સવારે મોટા શહેરથી માણસો આવતા અને આખો દિવસ કંઈક ને કંઈ કામકાજમાં ખૂંપી જતા. ખબર પડી કે નવી રેલવે લાઈન બંધાઈ રહી છે અને પાટા અહીં જ નખાવાના છે. એ લોકો નાસ્તાપાણી માટે પિતાની દુકાને આવતા. પિતા પૂછતા, 'તે હેં, હવે અમારા ગામમાં રેલગાડી આવવાની? ક્યારે આવવાની?' 'કોને ખબર? હજુ છ-આઠ મહિના તો નીકળી જવાના.' ખટારા ભરીને લાકડાના સ્લિપર્સ અને લોખંડના પાટા આવતા. સાથે જાતજાતનો બીજો સામાન પણ આવતો. દરમ્યાન, રાજુની ઉંમર સ્કૂલે જઈને ભણવા જેટલી થઈ ગઈ. ગામની આલ્બર્ટ મિશન સ્કૂલમાં એની અનિચ્છાએ ઍડ્મિશન લેવામાં આવ્યું. અને એક દિવસ રાજુએ જોયું કે જે આમલીના ઝાડ નીચે એ રોજ રમતો તેની પાસે સ્ટેશનનું મકાન ખડું થઈ ગયું. પાટા નખાઈ ગયા હતા. સિગ્નલના થાંભલા ખોડાઈ ગયા હતા. 'આવતી કાલે સ્કૂલમાં રજા છે. કાલે આપણા ગામમાં રેલગાડી આવવાની છે.' જાહેરાત થઈ. સ્ટેશનનું મકાન શણગારાઈ ગયું હતું. બૅન્ડવાજાં વાગવા માંડ્યાં હતાં. પાટા પર શ્રીફળ વધેરાયાં. દૂરથી રેલના ડબ્બાઓ ખેંચીને આવતું ઍન્જિન દેખાયું. પ્લેટફોર્મ પર કલેક્ટર, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, મ્યુનિસિપલ ચૅરમેન સહિત ગામના મોટા વેપારીઓ અને મોભીઓ ગાડીના સ્વાગત માટે હાજર હતા. લીલા રંગની આમંત્રણપત્રિકા વિના કોઈ આ સમારંભમાં ઘૂસી ન જાય એ માટે પોલીસનો પાકો બંદોબસ્ત હતો. રાજુને કોઈએ આમંત્રણ આપ્યું નહોતું જેનું એને ભારે માઠું લાગ્યું હતું. માલગુડી સ્ટેશનની રખેવાળી કરતા લોખંડના મોટા સળિયા વચ્ચેથી નાનકડો રાજુ પ્લેટફૉર્મમાં ઘૂસી ગયો ત્યાં જ ઍન્જિન અને એની પાછળના રેલના ડબ્બાનો પ્રવેશ થયો. પ્લેટફૉર્મ પર મેજ પાથરીને મિજબાનીની વાનગીઓ ગોઠવવામાં આવી હતી. વારાફરતી દરેક મહાનુભાવે ઊભા થઈને પ્રાસંગિક પ્રવચનો કર્યાં, સૌએ નાસ્તાપાણી કર્યા. બધાએ તાળીઓ પાડી. બૅન્ડ ફરી ગાજી ઊઠ્યું. ઍન્જિનની વ્હિસલ વાગી, પ્લેટફૉર્મ પર ડંકા વાગ્યા, ગાર્ડે પણ સિસોટી વગાડી. નાસ્તો કરી રહેલા મહાનુભાવો ટ્રેનમાં ગોઠવાઈ ગયા. રાજુ પણ ટ્રેનમાં ચડી જવા માગતો હતો, પણ પોલીસ બંદોબસ્ત ભારે હતો. ધીમે ધીમે ટ્રેન ઓઝલ થઈ ગઈ અને સ્ટેશનની બહાર જમા થયેલી ભીડને પ્લેટફૉર્મ પર પ્રવેશ મળ્યો. એ દિવસે રાજુના પિતાની દુકાનમાં રેકૉર્ડ વકરો થયો. ધંધો વધતો ગયો. પિતાએ મોટા ગામથી ખરીદી માટે આવવા-જવા માટે એક ટાંગો ખરીદી લીધો. માની ના હતી. આપણને ના પોસાય. ખોટી પળોજણ, પણ પિતા સમૃદ્ધિનાં સપનાં જોતા થઈ ગયેલા, પણ છેવટે પિતાને ટાંગાનો નિભાવ ખર્ચ ભારે પડ્યો. ઘોડાની દેખભાળ માટે જેને રાખ્યો હતો એ જ માણસ લુચ્ચાઈ કરીને સાવ સસ્તામાં ઘોડો અને ગાડી - બેઉ પડાવી ગયો. ભલું થયું ભાંગી જંજાળ. પિતાને પ્લેટફૉર્મ પર એક દુકાન રેલવેવાળાઓએ ચલાવવા આપી. સિમેન્ટની પાકી દુકાન હતી. માએ ટોણો માર્યો કે હવે તો તમે મોટરગાડી જ લઈ લેજો. પિતા મોટે ગામ જઈને ખૂબ બધો માલ લાવતા થયા. વખત જતાં પિતાએ આ નવી દુકાન ચલાવવાની જવાબદારી રાજુને સોંપી દીધી, પોતે જૂની-છાપરી જેવી-દુકાને બેસી રહેતા. માલગુડી સ્ટેશનેથી રોજ બે ટ્રેનો પસાર થતી. બપોરે મદ્રાસથી આવતી અને સાંજે ત્રિચીથી આવતી. રાજુએ દુકાન સંભાળી લીધી એમાં એની સ્કૂલ છૂટી ગઈ. દુકાનમાં માલસામાન વેચવાની સાથે ફાજલ ટાઈમમાં રાજુ પસ્તીમાંથી છાપાં-મૅગેઝિનો-પુસ્તકો તારવીને વાંચતો રહેતો. કાળક્રમે પિતા ગુજરી ગયા. બચત હતી. માનું ગુજરાન સુખેથી ચાલે એમ હતું. રાજુને એની કોઈ ચિંતા નહોતી. રાજુએ પેલી ઝૂંપડી જેવી દુકાન આટોપી આખો દિવસ સ્ટેશનની દુકાને જ રહેતો. રાજુને લોકો સાથે વાતો કરવાની મઝા આવતી. માલગુડીમાં સ્કૂલ ઉપરાંત આલ્બર્ટ મિશન કૉલેજ પણ ખુલી ગઈ હતી. કૉલેજમાં આવતા વિદ્યાર્થીઓ રાજુની દુકાન પાસે ઊભા રહીને ટ્રેનની રાહ જોતા. રાજુએ નાળિયેર-સંતરાનાં સ્થાને કિતાબો વેચવાનું કામકાજ શરૂ કર્યું. રાજુ ઘણી વખત આ પુસ્તકોની અવનવી દુનિયામાં ખોવાઈ જતો. હવે એ 'રેલવે રાજુ'ના નામે ગામમાં ઓળખાતો હતો. અજાણ્યા લોકો આવીને એને પૂછી જતા કે કઈ ટ્રેન કેટલા વાગ્યે આવશે. ટ્રેનમાંથી ઊતરતા મુસાફરો રાજુની દુકાને આવીને સોડા કે સિગારેટ માગતા અને પુસ્તકો પર નજર ફેરવતાં પૃચ્છા કરતા: ફલાણી જગ્યા અહીંથી કેટલી દૂર છે, ઢીંકણા સ્થળે જવું હોય તો કેવી રીતે જવાય? ક્યારેક કોઈ પૂછતું કે અહીં કોઈ જોવા જેવી જગ્યા ખરી? કોઈ પ્રાચીન, ઐતિહાસિક સ્થળ? સરયુ નદી માલગુડીથી પસાર થાય છે, પણ એ નદીનું ઉદ્ગમસ્થાન કયાં? બહુ રમણીય જગ્યા હશે ને એ? મને ખબર નથી - એવું કહેવાનું રાજુના સ્વભાવમાં જ નહોતું. જો એને એવું કહેતાં આવડતું હોત કે, 'મને ખબર નથી કે તમે શું કહી રહ્યા છો' તો રાજુની જિંદગીએ કોઈક જુદો જ વળાંક લઈ લીધો હોત, પણ એને બદલે રાજુ કહેતો, 'અરે હા, બહુ જ મસ્ત જગ્યા છે. તમે જોઈ નથી? ટાઈમ કાઢીને જવા જેવું છે. નહીં જાઓ તો સમજો કે માલગુડીનો ફેરો ફોગટ ગયો.' રાજુ કોઈને છેતરવા માટે જુઠ્ઠું નહોતો બોલતો, લોકોને ખુશ કરવા આવું બોલતો હતો. ઘણા લોકો રાજુને ત્યાં જવાનો રસ્તો પૂછતા. 'એક કામ કરો, પેલા રસ્તે ચાલ્યા જાઓ, ત્યાં બજાર ચોક આવશે અને ત્યાંના કોઈપણ ટૅક્સીવાળાને પૂછજો, લઈ જશે,' રાજુ જવાબ આપતો, પણ બધા મુસાફરોને આ જવાબથી સંતોષ થતો નહીં. કેટલાક એને બજાર સુધી આવીને રસ્તો દેખાડવાનું કહેતા, કેટલાક ટૅક્સી અપાવવાની વિનંતી કરતા. સ્ટેશન પર એક પોર્ટર હતો. એનો એક દીકરો હતો. રાજુ એ છોકરાને દુકાન સોંપીને મુસાફરોને ટૅક્સી અપાવવામાં મદદ કરતો. બજારના ફુવારા પાસે ગફૂર નામનો એક ટૅક્સીવાળો ઊભો રહેતો. રાજુ કહેતો, 'ગફૂર, આ મારા મિત્ર છે, એમને અમુકતમુક જગ્યા જોવી છે...' ભાવતાલ કરીને ટૅક્સી નક્કી થતી. મુસાફરને જે ભાવે જવું હોય તે જ ભાવે રકઝક કરીને રાજુ ગફૂરને મનાવી લેતો, પણ મુસાફર જો ગફૂરની ઠાઠિયુ ગાડીની હાલત જોઈને ફરિયાદ કરે તો, રાજુ ગફૂરનો પક્ષ લઈને કહેતો, 'તમારે જ્યાં જવાનું છે ત્યાં ઘણે ઠેકાણે તો રસ્તા પણ નથી. આ જ ગાડી તમને છેક સુધી લઈ જશે.' રાજુને નવાઈ લાગતી કે લોકો પણ કેવા કેવા હોય છે. ઘરનાં સુખસગવડ છોડીને પ્રવાસે નીકળી પડે છે અને ખાવાપીવાની, રહેવાની, સૂવાની તમામ અગવડો વેઠીને સેંકડો માઈલ દૂર જઈને નવું નવું જોવાની હોંશ રાખે છે. જોકે, રાજુ કંઈ બોલતો નહીં, પણ વિચાર્યા કરતો જરૂર કે સરયુ નદી પોતે પહાડોમાં ઊછળતી કૂદતી સામેથી છેક તમારા ગામ સુધી તમને મળવા આવી ગઈ હોય તો એને જોવા માટે છેક એના ઉદ્ગમ-સ્થાન સુધી લાંબા થવાની શું જરૂર છે! રેલવે રાજુમાંથી રાજુ ગાઈડ બનવાનું આ પહેલું પગથિયું હતું. ગાઈડ તરીકે રાજુમાં ગજબની કોઠાસૂઝ હતી. ટ્રેન હજુ માલગુડી સ્ટેશનના આઉટર સિગ્નલ પર હોય ને રાજુને ગંધ આવી જતી કે એમાંથી પોતાને લાયક કોઈ ટૂરિસ્ટ ઊતરશે કે નહીં. દેશમાં કેટલાક લોકો કઈ જમીન નીચેથી પાણી નીકળશે અને ક્યાં કૂવો ખોદવો જોઈએ એવી કોઠાસૂઝ ધરાવતા હોય છે. રાજુમાં આવી જ કોઈ છઠ્ઠી ઈન્દ્રિય હતી જે એને કહી દેતી કે એણે આવી રહેલી ટ્રેનના કયા ડબ્બા પાસે ઊભા રહેવું જોઈએ. એવું નહોતું કે એ મુસાફરના ગળામાં લટકતા દૂરબીન કે ખભા પર લટકતા કૅમેરા પરથી પારખી જતો કે આ પેસેન્જર ટૂરિસ્ટ છે કે નહીં. એના વગર પણ એને ગંધ આવી જતી. અને જો ઍન્જિન પ્લેટફોર્મ પર પ્રવેશતું દેખાય છતાં રાજુ જો ઍન્જિન જે દિશામાં જઈ રહ્યું હોય તે દિશા ભણી ચાલી જતો દેખાય તો સમજી લેવાનું કે આ ટ્રેનમાંથી કોઈ ટૂરિસ્ટ નહીં ઊતરે. પહેલાં રાજુને લાગતું કે એને ગાઈડ બનવાનો શોખ છે અને એનો ધંધો દુકાન ચલાવવાનો છે, પણ હવે એને લાગતું હતું કે ગાઈડ તરીકે એ પ્રોફેશનલ બની ગયો છે, દુકાન એનો સાઈડ બિઝનેસ છે. કોઈ ટૂરિસ્ટ ન આવે ત્યારે પણ રાજુ દુકાન સંભાળવાને બદલે બજારમાં ફુવારાની પાળી પર બેસીને ટૅક્સી ડ્રાઈવર ગફૂર સાથે ગપ્પાં મારતો રહેતો. રાજુને હવે ખબર પડી ગઈ હતી કે કેટલા પ્રકારના ટૂરિસ્ટો હોય છે. રાજુ જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવતો. કેટલાક ટૂરિસ્ટોને ફોટા પાડ્યા કરવાની બહુ હોંશ હોય. સામે દેખાતું દરેક દૃશ્ય કૅમેરાના વ્યૂ ફાઈન્ડરમાંથી જ જોવાનું. ટ્રેનમાં ઊતરતાં વેંત, હજુ હમાલ આવીને એમનો સામાન ઊંચકે એ પહેલાં પૂછે: આ ગામમાં કૅમેરાનો રોલ ધોઈ આપે એવી કોઈ દુકાન છે? 'છે ને. માલગુડી ફોટો બ્યૂરો. આ ઈલાકાની સૌથી મોટી...' 'મારી પાસે ફિલ્મના રોલ તો પૂરતા છે, પણ જો ખૂટી જાય તો અહીંથી મને સુપર પેન્ક્રો થ્રી-કાર મળે ખરા?' 'સાહેબ, એ જ તો એની સ્પેશ્યાલિટી છે,' રાજુ એના ક્લાયન્ટને ધરપત આપતો. ટૂરિસ્ટ પૂછે કે અહીં જોવા જેવું શું શું છે તો રાજુ એનો તરત જવાબ ન આપતો, પહેલાં એ ટૂરિસ્ટને ચકાસતો એવી પાસે કેટલા દિવસ છે, વાપરવા માટે કેટલા પૈસા છે. માલગુડી અને એની આસપાસના વિસ્તારોમાં રાજુ કોેઈ પણ ટૂરિસ્ટને બધી જોવા જેવી જગ્યાઓનો ઝડપથી આંટો મરાવી શકતો અને ધારે તો દરેક જગ્યાએ લઈ જઈને કલાકો સુધી ત્યાં ટૂરિસ્ટને ફેરવી શકતો જેમાં કુલ મળીને આખું અઠવાડિયું વીતી જતું. ટૂરિસ્ટ પાસે ગજવામાં કેટલા પૈસા છે એના પર રાજુના માલગુડી-દર્શનના કાર્યક્રમની લંબાઈનો આધાર રહેતો. ટૂરિસ્ટની આર્થિક સધ્ધરતા માપવાના ઘણા રસ્તા હતા. ટ્રેનમાંથી એ ઊતરે ત્યારે રાજુ એના બેગબિસ્તરાની હાલત જોતો, કેટલો સામાન સાથે છે એની મનોમન નોંધ લેતો, સામાન ઊંચકવા માટે એ મજૂર કરે છે કે નહીં. આંખના પલકારામાં આ બધું જ રાજુના મનમાં નોંધાઈ જતું. હૉટેલ પર જવા માટે એ ચાલી નાખે છે, ટૅક્સી કરે છે કે પછી ટાંગાવાળા સાથે ભાવની રકઝક કરવામાં સમય વેડફે છે. કઈ હૉટેલ પસંદ કરે છે. હૉટેલમાં કયા પ્રકારનો રૂમ રાખે છે. કોઈ કોઈ ટુરિસ્ટ સાધારણ હૉટેલમાં જઈને ધર્મશાળાના રૂમ જેવી ડોર્મિટેરીમાં રહેવાનું પસંદ કરીને કહે છે કે, 'આપણે તો ખાલી સૂવા માટે અહીં આવવાનું છે. માત્ર એક પથારીની જરૂર છે. આખો દિવસ તો બહાર રખડવાનું છે પછી ખાલી ફોગટ પૈસા શું કામ વેડફવાના, નહીં?' 'બિલકુલ, બરાબર. એકદમ સાચી વાત' 2ાજુ કહેતો. પણ 'પહેલાં આપણે શું જોવા જઈશું?' એવા સવાલનો જવાબ રાજુ હજુય આપતો નહીં. રાજુ માનતો કે ટુરિસ્ટ ટે્રનમાંથી ઊતરે પછી મુસાફરીનો થાક દૂર કરીને ફ્રેશ થાય, કપડાં બદલે, ઈડલી-કૉફીનો નાસ્તો કરે પછી જ એનો કાર્યક્રમ નક્કી કરવાનો. ટૂરિસ્ટ જો રાજુને પણ નાસ્તાની ઑફર કરે તો સમજવાનું કે એ બીજાઓ કરતાં ઉદાર છે, પણ હજુ વધારે ગાઢસંબંધો થાય તે પહેલાં નાસ્તાની ઑફર સ્વીકારી લેવાની નહીં. થોડી દોસ્તી થઈ ગયા પછી રાજુ પૂછતો, 'માલગુડીમાં તમે કેટલા દિવસ રોકાવાનું ધારો છો? 'બહુ બહુ તો ત્રણ દિવસ. શું લાગે છે આટલા વખતમાં બધું કવર થઈ જશે?' 'બિલકુલ થઈ જશે. જોકે, એનો આધાર તમને ક્યાં ક્યાં જવામાં રસ છે એના પર છે.' માલગુડીમાં જોવા જેવું બધું જ હતું. ઐતિહાસિક સ્થળો હતાં, કુદરતી સૌંદર્યના નઝારા હતા, તીર્થસ્થળો હતા, હાઈડ્રોઈલેક્ટ્રિક વકર્સ અને ડૅમ જેવાં આધુનિક સમયની સાક્ષી આપતા સ્થળો પણ હતા. ટુરિસ્ટના મિજાજ મુજબ રાજુ એમને ધોધ જોવા લઈ જતો, બારે બાર મંદિરોની યાત્રા કરાવીને એ દરેક મંદિરના કુંડમાં સ્નાન પણ કરાવતો અને કોઈને રસ પડે તો ખંડેરો જોવા પણ લઈ જતો. રાજુને ખબર પડી ગઈ હતી કે દરેક ટૂરિસ્ટ બીજાઓ કરતાં કંઈક અલગ ખાસિયત ધરાવવાનો છે. જેમ ખાવાપીવામાં દરેકની જુદી જુદી રુચિ હોય એવું જ પર્યટકોમાં રહેવાનું. રાજુ દરેકના ટેસ્ટનો ખ્યાલ રાખતો. જો કોઈ જાણકાર ટૂરિસ્ટનો ભેટો થઈ જાય તો પોતે રચેલા મનઘડંત ઈતિહાસની વિગતો ભરડવાને બદલે ટૂરિસ્ટને બોલવા દેતો. ગાઈડ સમક્ષ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવામાં ટૂરિસ્ટને પણ આનંદ આવતો. અને કાંઈ એવો ભોટ જિજ્ઞાસુ ભટકાઈ જાય તો રાજુ નૉનસ્ટોપ બોલી બોલીને એને પ્રભાવિત કરી દેતો. અને ક્યારેક એને કંટાળો આવતો તો કહી દેતો, 'આ ખંડેર કંઈ પ્રાચીન નથી. વીસ વરસ પહેલાં એક ઈમારત તૂટી ગઈ હતી એને લોકો પ્રાચીન સ્મારક તરીકે ઓળખે છે, આગળ ચાલો...' આ રીતે દિવસો પસાર થતા હતા ત્યાં એક દિવસ મદ્રાસથી માલગુડી આવેલા ટૂરિસ્ટ દંપતીમાંથી ખૂબસુરત સ્ત્રીએ આવતાવેંત જ રાજુને પૂછ્યું હતું: 'અહીં કોઈ સપેરાની વસતિ છે? મારે કિંગ કોબ્રાને જોવો છે જે બિન વગાડતાની સાથે જ એની ધૂન પર ડોલવા માંડે, નૃત્યુ કરે.'
|
No comments:
Post a Comment