Friday, 5 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ સામે મહિલા જજને જ વાંધો કેમ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ સામે મહિલા જજને જ વાંધો કેમ?
એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિત

 

 

આપણે ત્યાં ધર્મના નામે જાત જાતનાં તૂત ચાલે છે. આ તૂતમાં એક સર્વસામાન્ય તૂત ફલાણાને મંદિરમાં પ્રવેશ નહીં ને ઢીંકણો મંદિરમાં ના જઈ શકે એવું છે. મોટા ભાગનાં ધર્મસ્થાનોમાં આ તૂત ચાલે છે. ધર્મનો ઠેકો લઈને ફરનારા નમૂના જાહેરમાં એવું કહેતા ફરે છે કે, ભગવાન આગળ બધા સરખા છે, કોઈ ઊંચ નથી કે કોઈ નીચું નથી. એ જ લોકો ધર્મસ્થાનમાં પ્રવેશના નિયમો બનાવી નાંખે છે ને પોતે જ કહેલી વાતને ખોટી ઠેરવે છે. હિંદુ ધર્મમાં આ પ્રકારનાં તૂત વધારે ચાલે છે ને મોટાં મોટાં મંદિરો તેનાથી બાકાત નથી. કેરળનું સબરીમાલા મંદિર દક્ષિણ ભારતનાં મોટાં મંદિરોમાં સ્થાન પામે છે ને ત્યાં પણ વરસોથી આવું તૂત ચાલતું હતું.

 

સબરીમાલામાં પર્વતની ટોચે અયપ્પા એટલે કે ભગવાન કાર્તિકેયનું મંદિર છે. હિંદુ પુરાણો પ્રમાણે કાર્તિકેય શિવ અને પાર્વતીના મોટા પુત્ર હતા. ભારતના બીજા ભાગોમાં કાર્તિકેયની કોઈ પૂજા કરતું નથી કે દેવ તરીકે પણ કોઈ તેમને યાદ કરતું નથી ત્યારે દક્ષિણ ભારતમાં કાર્તિકેયનો ભારે મહિમા છે. ઠેર ઠેર ભગવાન અયપ્પાનાં મંદિર આવેલાં છે. ધર્મ શ્રદ્ધાનો વિષય છે ને માણસે જેને પૂજવું હોય એને પૂજે. આ દેશનું બંધારણ તેની છૂટ આપે જ છે તેથી આ મુદ્દે કશું કહેવાનું રહેતું નથી.

 

સબરીમાલા મંદિરમાં વરસોથી એવું તૂત ચાલે છે કે, આ મંદિરમાં રજસ્વલા એટલે પીરિયડ્સ આવતો હોય તેવી કોઈ પણ મહિલાને પ્રવેશ નથી અપાતો. મતલબ કે ૧૦ વર્ષથી શરૂ કરીને ૫૦ વર્ષ સુધીની મહિલાઓ મંદિરમાં ના જઈ શકે. દસ વર્ષથી નાની છોકરી મંદિરમા જઈ શકે ને પચાસ વર્ષથી મોટી ઉંમરની ડોશીઓ જઈ શકે પણ વચ્ચેની વયની સ્ત્રીઓ ના જઈ શકે. આ નિયમ વરસોથી ચાલ્યો આવે છે ને એ માટે એવી વાહિયાત દલીલ કરાય છે કે અયપ્પા નૈષ્ઠિક બ્રહ્મચારી હતા તેથી મહિલાઓ તેમના મંદિરમાં પ્રવેશે તો તેમની પવિત્રતા જોખમાય. આ મંદિરનો કારભાર ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ કરે છે ને એ લોકો સદીઓ જૂની પરંપરાના નામે મહિલાઓને મંદિરમાં આવવા જ દેતા નહોતા.

 

આપણે ત્યાં ધર્મની વાત આવે ત્યારે રાજકારણીઓ બુદ્ધિ ચલાવતા નથી ને ધર્મના નામે ચાલતાં ધતિંગોને આંખો મીંચીને ટેકો આપે છે. આ કિસ્સામાં પણ એવું જ થયેલું. કેરળમાં કૉંગ્રેસ ને ડાબેરી પક્ષો તાકતવર છે. કૉંગ્રેસ તો વરસોથી ધર્મના નામે ચાલતાં ધતિંગોને પોષીને મતબેંક સાચવવાનો ધંધો કરે જ છે તેથી એ સબરીમાલાના તૂતને પોષે તેમાં નવાઈ નથી પણ ડાબેરીઓએ પણ આ તૂતને પોષ્યું છે. ડાબેરીઓ પોતાને નાસ્તિક ગણાવે છે ને ધર્મ સાથે કંઈ લેવાદેવા હોવાની વાતો કરે છે પણ સબરીમાલામાં જે કંઈ ચાલે તેને ટેકો આપતા. કેરળમાં વારાફરતી કૉંગ્રેસ ને ડાબેરીઓની સરકાર આવે છે ને જેની પણ સરકાર હોય, કેરળ સરકાર પોતે આ વાહિયાત વાતને ટેકો આપે છે. જોકે બધા લોકો રાજકારણીઓ જેવા હોતા નથી તેથી આ વાહિયાત પ્રથા સામે લોકોએ વાંધો લીધેલો. કારભારીઓ તેમને ગાંઠતા નહોતા તેથી છેવટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થયેલી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને જાહેર કર્યું કે, સબરીમાલા મંદિરમાં બધાંને પ્રવેશ છે ને કોઈને રોકવાનો કારભારીઓને કોઈ હક નથી.

 

સુપ્રીમનો ચુકાદો યોગ્ય છે અને આ પહેલાં અપાયેલા ચુકાદાઓને અનુરૂપ છે. આ પહેલાં મુંબઈ હાઈ કોર્ટે હાજી અલી દરગાહમાં છેક અંદરના ભાગમાં દરગાહ લગી મહિલાઓના જવા પર ઠોકી બેસાડાયેલા પ્રતિબંધને આ રીતે જ ફગાવી દીધેલો. જે રીતે પુરૂષો દરગાહમાં મન ફાવે ત્યાં લગી જઈ શકે છે ને પોતાને ગમે તે રીતે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી શકે છે એવી છૂટ મહિલાઓને પણ આપવી એવા સુપ્રીમના ફરમાન પછી દરગાહમાં મહિલાઓને છૂટ મળી ગઈ છે. મહારાષ્ટ્રના શિંગળાપુરમાં શનિદેવના મંદિરમાં પણ આવું જ તૂત ચાલતું હતું. આ મંદિરમાં પણ મહિલાઓને પ્રવેશ નહોતો અપાતો ને હાઈ કોર્ટે લાલ આંખ કરીને આ તૂત બંધ કરાવેલું. સબરીમાલામાં પણ હાઈ કોર્ટે તો આ તૂત બંધ કરવા કહેલું જ પણ આ મંદિરના કારભારીઓ વધારે જડ નિકળ્યા ને સુપ્રીમમાં પહોંચેલા. એ લોકો એટલા જડ કે, કોઈ સંજોગોમા મહિલાઓને પ્રવેશ આપવા તૈયાર જ નહોતા.

મંદિરના બોર્ડના પ્રમુખ તરીકે પ્રાયર ગોપાલકૃષ્ણન નામના રાજકારણી છે ને આ મહાશયે તો ત્યાં લગી કહી દીધેલું કે, કોઈ પણ સ્ત્રી માટે મંદિરમા પ્રવેશવાનો યોગ્ય સમય થયો નથી એવું બતાવી આપે તેવું મશીન ના આવે ત્યાં લગી આ નિયમમાં ફેરફાર કરવાનો સવાલ જ પેદા થતો નથી. મતલબ કે કોઈ સ્ત્રી રજસ્વલા થાય છે કે નહીં તે નક્કી કરે તેવું મશીન શોધાશે પછી એ મશીન મંદિરમાં મૂકીશું ને તેના આધારે મહિલાઓને પ્રવેશ મળશે. આવી વાહિયાત વાતો કરનારા લોકો મંદિરનો કારભાર કરતા હોય ત્યારે તેમની પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખો? ખેર, સુપ્રીમ કોર્ટે આવો બકવાસ કરનારા લોકોને તેમની હૈસિયત બતાવી છે અને મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી છે.

સુપ્રીમનો ચુકાદો ઐતિહાસિક છે ને હરખાવા જેવો છે તેમાં શંકા નથી પણ આ ચુકાદામાંય સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી વાત છે. આ ચુકાદો સુપ્રીમની પાંચ જજોની બંધારણીય બેંચે આપ્યો. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ આર.એફ. નરીમાન, એ.એમ. ખાનવિલકર, ડી.વાય. ચંદ્રચૂડ અને ઈન્દુ મલહોત્રા એ પાંચ જજ સામે આ કેસની સુનાવણી થયેલી. આ પાંચમાંથી ચાર જજે એકમતે મહિલાઓને પ્રવેશ મળવો જ જોઈએ એવું વલણ લીધેલું ને એક જજ એવું માનતાં કે, મહિલાઓને પ્રવેશ ના મળવો જોઈએ. આ જજ કોણ છે ખબર છે? જસ્ટિસ ઈન્દુ મલહોત્રા. ઈન્દુ મેડમ પોતે એક મહિલા છે ને તેમણે બીજા જજોથી અલગ વાજું વગાડીને એવો ચુકાદો આપ્યો કે, સબરીમાલા મંદિરના ભગવાન અયપ્પા એક કાનૂની વ્યક્તિ છે અને બંધારણની કલમ ૨૫ પ્રમાણે તેમને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર છે તેથી કોર્ટે તેમના મામલામાં દખલ ના કરવી જોઈએ. તેમના મતે, આ દેશનું બંધારણ કોઈ પણ વ્યક્તિને પોતાને મનફાવે તે ધર્મને અનુસરવાની છૂટ આપે છે. એ બીજા કોઈને ભેદભાવપૂર્ણ લાગે તો પણ કોર્ટ તેમાં કડછો ના મારી શકે. મંદિર વતી એવી દલીલ કરાયેલી કે, કોઈ પણ મંદિરમાં મૂર્તિનું સ્થાપન કરાય પછી તેનામાં જીવ આવી જતો હોય છે ને શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે પૂજા કરાય પછી તે જીવંત રહે છે. ઈન્દુ મેડમે આ દલીલને સ્વીકારીને મંદિરને પોતાના નિયમો બનાવવાની છૂટ છે એવું જાહેર કરી દીધું.

સદનસીબે બીજા ન્યાયાધિશોને ગળે આ ગોળી ના ઊતરી તેથી ચુકાદો અલગ આવ્યો પણ આ બાબત આપણે ત્યાં કેવી માનસિકતા પ્રવર્તે છે તેના પુરાવારૂપ છે. સુપ્રીમ કોર્ટનાં જજ હોય એવાં એક મહિલા ધર્મના નામે ચાલતાં તૂતને યોગ્ય ગણાવે તેનાથી વધારે આઘાતજનક શું કહેવાય? એ પાછાં એક મહિલા પણ છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓ સાથે ભેદભાવ થાય છે. મહિલાઓ રજસ્વલા થાય છે એ કુદરતી વ્યવસ્થા છે ને તેના કારણે તેમને અપવિત્ર ગણવી તેનાથી વધારે બકવાસ બીજો ક્યો હોઈ શકે? મહિલાઓના કારણે તો માણસોનું અસ્તિત્વ છે ને તમે તેમને જ મંદિરથી દૂર રાખો એ કેવો ધર્મ? ધર્મના ઠેકેદારો તો આ બધી વાતોને પોષે પણ સુપ્રીમ કોર્ટનાં જજ પણ? આ દેશમા મહિલાઓની સ્થિતિ કેમ ખરાબ છે તેનો જવાબ આ માનસિકતામાં છે. એક મહિલા જજ મહિલાઓને અપવિત્ર ગણે પછી શું કહેવાનું ?

ખેર, જેનો અંત સારો તેનું બધું સારું. આ દેશમાં હજારો ધર્મસ્થાનો છે કે જ્યાં આ પ્રકારના ભેદભાવ રખાય છે. ઘણાં મંદિરો એવાં છે કે જે ચોક્કસ જ્ઞાતિનાં લોકોને અંદર નથી આવવા દેતા. ઘણી મસ્જિદો એવી છે કે જેમાં મુસ્લિમોમાં જ ચોક્કસ સંપ્રદાયનાં લોકોને ઘૂસવા નથી દેવાતા. આ દૂષણ કોઈ એક ધર્મ પૂરતું મર્યાદિત નથી, બધાં ધર્મમાં આ સડો પેઠેલો છે ને બધા ધર્મોમાં આ તૂત ચાલે છે. ધર્મના બની બેઠેલા ઠેકદારો ધર્મનું ધરાર ખોટું અર્થઘટન કરીને ધર્મના નામે પોતાની મનમાની ચલાવે છે ત્યારે આશા રાખીએ કે આ ચુકાદા પછી આ બધું અટકશે. ફરી સબરીમાલા જેવો કેસ કોર્ટમાં નહીં આવે ને કોર્ટનો સમય નહીં બગાડે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvO2u8AcvBMi2zbiwiHFmObAw%3D%3DMFaUJqk7gsLaUXnk%2Bw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment