આગામી ઓક્ટોબરમાં અમેરિકામાં ભજવાશે અમેરિકા અને યુરોપની ટીમે સાથે મળીને નિર્માણ કરેલી ગાંધીજી પરની અદ્વિતીય ઓપેરા- ''સત્યાગ્રહ'' ફિલિપ ગ્લાસ જેવા લેજન્ડએ બનાવેલ ગાંધીજી પરની ઓપેરા ૩૮ વર્ષથી વિશ્વપ્રવાસ ખેડે છે... ભારત જ તેનું યજમન નથી બન્યું! ૧૯૭૯માં નેધરલેન્ડના રોટેરડમ સાંસ્કૃતિક કેન્દ્રને ગાંધીજી પરની ઓપેરાનો વિચાર સ્ફૂર્યો અને તેઓએ પ્રોજેક્ટ ફિલિપ ગ્લાસને સોંપ્યો. આપણે પોપ સિંગર બ્રાયન આદમ્સના ભારત પ્રવાસ દરમ્યાનના શોની ઇંતેજારી કરી રહ્યા છીએ ત્યારે અમેરિકનો લોસ એંજલસના 'La opera' અને ન્યૂયોર્કના Bamharvey થિયેટરમાં આગામી ઓક્ટોબરમાં ગાંધી જયંતિના ઉપલક્ષ્યમાં જગવિખ્યાત ઓપેરા નિર્દેશક ફિલિપ ગ્લાસના સર્જન 'સત્યાગ્રહ'ની ૨૫ થી ૭૫ ડોલરની કિંમતની ટિકિટો ખરીદવા ભારે ઉત્સુકતા બતાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ના પ્રારંભમાં લંડનના 'ઇનો'માં અને તે પછી બેલ્જીયમ સહિત યુરોપના અન્ય દેશોનો પ્રવાસ ખેડીને આ વર્ષના 'સત્યાગ્રહ' શોનો આખરી મુકામ હવે અમેરિકામાં છે. આપણે દેશના ગદ્દાર જેવા ગેંગસ્ટરો, ખેલાડીઓ અને હવે તો પોર્નસ્ટારની બાયોપિક બનાવવામાં પાવરધા છીએ. પણ મહાત્મા ગાંધી પરની આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મ રિચાર્ડ એટનબરોએ બનાવી હતી અને ગાંધીજીનું પાત્ર અતુલનીય પરફોર્મન્સ સાથે બ્રિટનના અભિનેતા બેન કિંગ્સ્લેએ ભજવ્યું હતું. આપણે ત્યાં એવી જ ફિલ્મો બની છે જેમા ગાંધીજીની 'મહાત્મા'ની ઇમેજને પડકારવામાં આવી હોય. ગાંધીજી પરના દસમાંથી પાંચ પુસ્તકો પણ તેમના નામે પથરા તરી જતા હોઈ તેમના ચારિત્ર્ય પર પ્રહાર કરનારા પ્રકાશિત થાય છે. જે રીતે ''બાહુબલિ'', જોધા અકબર, પદ્માવત, ક્રીશ કે ધૂમ જેવી ફિલ્મો મેગા બજેટ, સ્પેશ્યલ ઇફેક્ટસ, કોસ્ચ્યુમ તેમજ કમર્શયલી રૂ. ૩૦૦-૪૦૦ કરોડની કમાણીના ટાર્ગેટ સાથે બનાવાય છે તેવો વિચાર કેમ કોઈ પ્રોડયુસર, ફાઇનાન્સિયરને ગાંધીજી ૫રની ફિલ્મ બનાવવાનો હજુ સુધી નથી આવ્યો તેવી ચર્ચા ફિલ્મ ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશનમાં છેડી શકાય. હવે તો હિન્દી ફિલ્મ નિર્માણમાં હોલીવુડની કંપનીઓ પણ ભાગીદારી કરતી થઇ છે. તમામ ભાષાના સબટાઇટલ અને ગાંધીજી જેવી હસ્તીનો વિષય હોય તો ટેકનોલોજી અને મીડિયા પ્રચારના જમાનામાં 'ગાંધી' ફિલ્મ જમાવટ કરે જ. યાદ રહે, ગાંધીજીની દસ્તાવેજી ફિલ્મ કે લો બજેટ આર્ટ જેવી ફિલ્મ નહીં. એટનબરોની 'ગાંધી' કે ફિલિપ ગ્લાસના ઓપેરા જેવા મોટા ફલકના નિર્માણની વાત પર અહીં ભાર મૂક્યો છે. આમીર ખાન, સલમાન કે અક્ષય કુમારની ફિલ્મો ચીનમાં પણ તગડો વકરો રળે છે. સફળ ફિલ્મની કુલ કમાણીમાં ૨૫ ટકા વિદેશી કલેકશનના હોય છે. હવે તો ફિલ્મના બજેટ જેટલી રકમ તો તેની રજૂઆત પૂર્વે સેટેલાઇટ હક્કોના વેચાણમાં જ રળી લે છે. જંગી બજેટ સાથે બનેલી ફિલ્મો પણ ફલોપ જતી હોય છે. ગાંધીજી પરની ફિલ્મ પણ ધારી લો કે ધાર્યો બિઝનેસ ના કરે તો તેવો નકારાત્મક વિચાર કરીને નિર્માણ જ ના કરે તેવા તો હવેના નિર્માતાઓ નથી જ. એટનબરોની 'ગાંધી'માં આમ જોવા જઇએ તો ભારતના નાગરિક માટે એકપણ બાબત કે પ્રસંગ નવા નહતા. એટનબરોએ પ્રામાણિકપણે ફિલ્મનું નામ પણ સીધુ સાદુ રાખી પ્રેક્ષકોને ગેરમાર્ગે દોરીને થિયેટરમાં ખેંચી લાવવાની માનસિકતા નહતી બતાવી. તેમણે ધાર્યું હોત તો ફિલ્મની પટકથા એવી રાખી શક્યા હોત કે વૈશ્વિક વિવાદ થાય, પબ્લિસીટી મળે અને 'ગાંધી' તે રીતે હિટ નીવડે. હા 'લગે રહો મુન્નાભાઈ' નવી પેઢી જોડે ગાંધીજીને કનેક્ટ કરવા માટે દાદ આપવા જેવી હતી. તેવી જ રીતે દિપક અંતાણી જેવા નાટયપ્રેમી અને સર્જક 'ગાંધીજી' પરનું નાટક જુદા જુદા શહેરોમાં ભજવતા રહી તેની નિષ્ઠા અદા કરે છે. ગાંધીજીનો અભિનય અને ગેટઅપ તેમને એ હદે શોભે છે કે જાણે બેન કિંગ્સ્લે પછી તેમનામાં જ ગાંધીજીએ કાયાપ્રવેશ કરવાનું પસંદ કર્યું હોય. આવા શો હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષામાં તેઓ વધુ ને વધુ કરી શકે તે માટે સંસ્થાઓ અને આયોજકોએ બહાર આવવું રહ્યુ. ગાંધીજી પરના કોઈપણ માધ્યમના સર્જનને મેગા અને ટેકનોલોજીનો સ્પર્શ આપીને એવો ટ્રેન્ડ ઉભો કરીએ કે યુવા જગત એપથી ઓનલાઇન ટિકિટ ખરીદવી ફેશન અને સ્ટેટસ માને નાટક કે ફિલ્મનું નિર્માણ અને માર્કેટિંગ તે રીતનું કરવું રહ્યું. નિર્માતા, નિર્દેશક અને અભિનેતા સલીલ મહેતા પણ ગાંધીજી, સરદાર પટેલ, સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડી નરસિંહ મહેતાને ડિજીટલ ટેકનોલોજીને સંગાથ વિઝયુઅલ ટ્રીટ આપતું પ્રેઝન્ટેશન કરે છે. તેવી જ રીતે ડૉ. માણેક પટેલના પ્રદાનની પણ નોંધ લેવી રહી. નવી પેઢીના નિર્માતા-નિર્દેશકોએ હવે ગ્રાન્ડ સ્કેલ પર રજૂઆત કરવાનો ધ્યેય રાખવો જોઈએ. શેક્સપિયરની કૃતિઓ, રોમન કાળના પાત્રો, ઐતિહાસિક પ્રસંગો અને યુધ્ધો કે ઇવન 'ટેન કમાન્ડમેન્ટ્સ' જેવા ઉપદેશો આધારીત ફિલ્મો અને નાટકો યાદ કરો. તેઓનો નિર્માણ સ્કેલ, સ્ટાર કાસ્ટ, ભવ્યતા, વેશ પરિધાન (કોસ્ચ્યુમ), મૅકઅપ, બેક ગ્રાઉન્ડ સંગીત જેવા તમામ પાસાઓને લીધે જ તે તમામ સર્જનો 'એપિક'નો દરજ્જો પામ્યા છે. આથી જ ગાંધીજીના આત્માને અકબંધ રાખીને.... કદાચ ભારે ઝિણવટનું સન્માન રાખીને ફિલિપ ગ્લાસે એક અંકી કે બે-ત્રણ અંકી સીધુ સાદુ નાટક જ નથી બનાવ્યું પણ શેક્સપિયરની કૃતિની જેમ ગાંધીજી પર ઓપેરાનું સર્જન કર્યું છે. ચાલો માની લઈએ કે ભારતની કોઈ નિર્માણ કંપની એવું માનતી હોય કે 'ગાંધી' પરની ફિલ્મ બનાવવાની અમારી પાસે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ, ટીમ, સ્ટારકાસ્ટ કે પહોંચ નહીં હોઈ અમે આવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટને ન્યાય ના આપી શકીએ તો જાણી લો કે નેધરલેન્ડના રોટેરડમ સાંસ્કૃતિક વિભાગને છેક ૧૯૭૯માં ગાંધીજી પર ઓપેરા બનાવવાનો વિચાર સ્ફૂર્યો હતો. શુભ હેતુ હોય તો અન્ય સાથ અને યોગ ઘડાવા જ માંડે છે તે ધોરણે તેઓએ ઓપેરાના નિર્માણ અને નિર્દેશનની તમામ જવાબદારીનો કળશ જેમના પર ઢોળ્યો તે ઓપેરા જગતના લેજન્ડ ફિલિપ ગ્લાસ હતા. રોટેરડમ સાંસ્કૃતિક સેન્ટરને ખબર નહતી કે ફિલિપ ગ્લાસ તો ગાંધીજી પર જુદા જુદા દ્રષ્ટિકોણથી થીસીસ લખ્યા હોય તેવા સંશોધકો કરતા પણ સવાઈ ગાંધીપ્રેમી અને અભ્યાસુ હતા. ફિલિપ ગ્લાસને ૧૯૭૮માં જ્યારે રોટેરડમ સાંસ્કૃતિક કેન્દ્રની ઓફર આવી ત્યાં સુધીમાં સાત વખત માત્ર ગાંધીજી વિશે ખેડાણ કરવાનો રસ હોઈ ભારત આવી ચૂક્યા હતા. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૭નાં રોજ અમેરિકાના બાલ્ટીમોર, મેરીલેન્ડમાં જન્મેલા ફિલિપ ગ્લાસે ૧૯૭૪માં સંકલ્પ કર્યો હતો કે માનવ ઇતિહાસ પર જ ત્રણ હસ્તીઓએ યુગ પરિવર્તક જેવો પ્રભાવ પાડયો છે તેવા ઇસુ પૂર્વેના ૧૩૩૬ વર્ષ પહેલા થઈ ગયેલા પ્રાચીન ઇજીપ્તના ૧૮મા શાસક (ફેરોહ) અખેનાતેન, તત્ત્વજ્ઞાાનીના પર્યાય સમાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને મહાત્મા ગાંધીજી પર તે ભવિષ્યમાં ઓપેરા બનાવશે. ૧૯૭૫ અને ૧૯૭૭માં તેમણે અખેનાતેન અને આઈન્સ્ટાઇન પર ઓપેરા બનાવી જેના આજે પણ શો થાય છે. કુદરતનો ચમત્કાર માનવો પડે તેમ રોટેરડમ સાંસ્કૃતિક સેન્ટરને સ્ફૂરણા થઈ કે ફિલિપ ગ્લાસને જ ગાંધીજી પર ઓપેરાનો પ્રોજેક્ટ સોંપીએ. ફિલિપ ગ્લાસ મૂળ તો નાટકો અને ઑપેરાના મહાન સંગીતકારોમાં પણ સ્થાન પામે છે. તેમણે ઓપેરા જગતના જાણીતા નિર્દેશક મેકડરમોટ અને ક્રાઉચની ટીમને સાથે રાખીને ગાંધીજી પરના ઓપેરા પર વિષયવસ્તુ બાબત મીટિંગોનો દોર જમાવ્યો. તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા કે ગાંધીજીનો ખરો જન્મ સાઉથ આફ્રિકામાં રંગભેદ નીતિ સામે અહિંસક આંદોલન કે જે માટે તેમણે ''સત્યાગ્રહ'' શબ્દનું પ્રયોજન કર્યું હતું તે અરસામાં જ થયો હતો. આથી ગાંધીજીનું સાઉથ આફ્રિકામાં આગમન, ટ્રેનના ડબ્બામાંથી તેમને બહાર ફેંકી દેવાની ઘટના, પિકેટિંગ, આંદોલન, ઉપવાસ, જેલવાસ, જેલમાં જેલર જેમ્સ સ્મટ પર સદ્વર્તન અને સદ્વિચારથી છોડેલ છાપ જેવા પાસાઓને લઈને જ ઓપેરાનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો. ઓપેરાનું નામ પણ 'સત્યાગ્રહ' તેવું જ રાખવામાં આવ્યું. ૧૯૧૪માં ગાંધીજી ઘરવાપસી કરતા ભારતની ભૂમિ પર પગ મૂકે છે ત્યાં સુધીની ગાંધીજીની જીવનયાત્રા જ ઓપેરામાં બનાવાઈ છે. ઓપેરાના ત્રણ સુત્રધારો નાટકના પ્રત્યેક અંકમાં છે. પ્રથમ અંકમાં ગાંધીજી પર લીઓ ટોલ્સ્ટોયનો અને રસ્કિન બોન્ડનો પ્રભાવ. બીજો અંક રવીન્દ્રનાથ ટાગોરની નજરે એટલા માટે કે રેંટિયાથી માંડી ગાંધીજીના કેટલાક સિધ્ધાંતો અને વિચારો પ્રત્યે ટાગોર વચ્ચે મતભેદ હતા. ઓપેરામાં ગાંધીજી કઈ રીતે આવા વિવાદ કે પ્રશ્નોને મૂલવતા તે પ્રસંગો સાથે રજૂ કરાયું છે અને ત્રીજા અંકમાં ગાંધીજી માર્ટિન લ્યુથર કિંગ જૂનિયરની નજરે 'રંગભેદ અને ગાંધીજી'ના સંદર્ભમાં રજૂ કરાયા છે. ઓપેરાની અવધિ બે ૨૦-૨૦ મીનિટના ઈન્ટરવલ સાથે સાડા ત્રણ કલાકની છે. ઓપેરાના સર્જકો પર આપણું માન વધી જવાનું એક કારણ એ છે કે તેઓએ વિશ્વના દર્શકોને તેના અર્થને સમજે કે નહીં તેની પરવા કર્યા વગર ઓપેરાનું નામ 'સત્યાગ્રહ' તેવું જ રાખ્યું છે. ગાંધીજીને આત્મબળ આપવામાં ગીતાનું મહત્તમ યોગદાન રહ્યું છે. આથી જ ફિલિપ ગ્લાસે ગાંધીજીના ઓપેરામાં નિર્ણાયક પળના દ્રશ્યો આવે છે ત્યારે ગીતાના શ્લોકોને તેનું હાર્દ જળવાઇ રહે તેથી જ બેકગ્રાઉન્ડમાં સંસ્કૃત ભાષામાં જ રજૂ કર્યા છે. પ્રત્યેક ઓપેરા શરૂ થાય તે અગાઉ ગાંધીજી, સત્યાગ્રહ, ગીતાના શ્લોકો તેમજ સર્વાંગી ગાંધી વિચારો અને દ્રષ્ટિ પર એક પ્રશ્નોત્તરીનું ઓપન ફોરમ અડધો કલાક રાખવામાં આવે છે. આ સેશનમાં ભાગ લેવાથી ઓપેરાને વધુ સારી રીતે માણી શકાય છે. ફિલિપ ગ્લાસ માને છે કે કોઇપણ નાટક, ઓપેરા કે ફિલ્મને દર્શકો સમજી શકે તે માટે સરળ બનાવવાના પ્રયત્નમાં તે તેનું હાર્દ અને મૂળ સભ્યતા, સંસ્કૃતિ કે પ્રસંગ બીજ ગુમાવી બેસે છે. દર્શકોએ જે તે વ્યક્તિ-વિષય પર સર્જનનો આસ્વાદ માણવા આવતા અગાઉ તેના વિશે અભ્યાસ કે જાણકારી મેળવીને થિયેટરમાં પ્રવેશવું જોઇએ. 'સત્યાગ્રહ' ઓપેરામાં ગાંધીજીની ભૂમિકા ઓપેરાની દુનિયાના જાણીતા કલાકાર રીચાર્ડ ક્રોફટે નીભાવી છે. ગાંધીજી કરતા તેઓ દેહ સૌષ્ઠવમાં ઘણા કસાયેલા લાગે છે છતાં ઓપેરાને ખભે ઊંચકી લે છે. ઓપેરા હોય એટલે અતિ વિશાળ સ્ટેજ, સ્પેશ્યલ ઈફેક્ટ્સ સાથેના ત્વરીત બદલાતા દ્રશ્યો, સ્ટેજની નીચે જ બેઠેલ વાદ્યવૃંદ, લાઇટ્સ - સાઉન્ડ અને એક્સ્ટ્રા કલાકારોની પુરી ૧૫૦ની ટીમ તો હોવાની જ. દુખદ વાત એ છે કે આ ઓપેરામાં પડદા પર કે પડદા પાછળ એકપણ ભારતીય કલાકાર - કસબીનું પ્રદાન નથી.આપણે ત્યાં ગાંધીજી બેનરોમાં, ચલણી નોટમાં, પૂતળા અને જાહેર માર્ગોના નામ પર જોવા મળે છે. ભારત તો આ ઓપેરા ૩૮ વર્ષથી ભજવાય છે તો પણ એક વખત પણ તેનું યજમાન નથી બન્યું |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvO8a6Jmm9%2B%2B-_y%2BNbemb%2B0mcK5n5B1vTeoYHbFDqT%3DnA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment