ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટનો આ જમાનો છે. ઘરની બહાર નીક્ળ્યા વિના તમે પ્રેક્ટિકલી કોઈપણ ચીજવસ્તુ કે કરિયાણું કે ખાવાપીવાની વાનગીઓ ઓનલાઈન ખરીદી શકો છો. ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, એસી અને ઘરના ર્ફિનચર સહિતની વસ્તુઓ ઘેર બેઠાં ખરીદીને ટેમ્પો-ટ્રક ભરીને જોઈએ એટલો માલ મગાવી શકો છો. ઓનલાઈન ખરીદીનું પેમેન્ટ તમે ઓનલાઈન કરી શકો છો અથવા ઘરે માલ આવે ત્યારે રોકડા ચૂકવી શકો છો અથવા ઘરે ડિલિવરી લેતી વખતે કાર્ડથી પેમેન્ટ કરી શકો છો.
ઓફલાઈન ખરીદી કે ખર્ચ માટે પણ રોકડા ચૂકવવાની જરૂર નથી રહી. શાકવાળાઓ અને પાનના ગલ્લાવાળાઓ પણ પેટીએમ જેવાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા થઈ ગયા છે. ઉબર વગેરે ટેક્સી સર્વિસીઝ પણ પેટીએમથી પૈસા સ્વીકારે છે, તમારે ખિસ્સામાં રોકડા રાખવાની જરૂર નથી, છુટ્ટાની માથાઝીક નથી. શોપિંગ મોલ, રેસ્ટોરાં અને લગભગ દરેક દુકાનદાર તમારી પાસેથી કઈ પેમેન્ટ કે ડિજિટલ પેમેન્ટ સ્વીકારીને તમને રોકડા રૂપિયા સાચવવાની ઝંઝટમાંથી મુક્ત કરી દે છે. ઘરમાં કામ કરતા નોકરચાકર, મહારાજ, ડ્રાઈવરથી માંડીને બહારગામ ભણતા સંતાનોને તમે એમના બેન્ક ખાતામાં સીધેસીધા પૈસા મોકલીને એમનો/તમારો સમય અને શક્તિ બચાવી લેતા થઈ ગયા છો. વારંવાર એટીએમમાં જઈને રૂપિયા કાઢવાની માથાકૂટ ઓછી થઈ ગઈ છે. સેલ્ફનો ચેક લઈને બેન્કના કેશ કાઉન્ટર પરથી પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવાની પળોજણ મોટાભાગના લોકો માટે જાણે ઈતિહાસ બની ગઈ છે.
સો ફાર સો ગુડ.
ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ આ બંનેના અનેક ફાયદાઓ છે. પણ આ ફાયદાઓ લેવામાં જો પગ લપસી ગયો તો ઊંડી ખાઈ છે. પહેલાં ડિજિટલ પેમેન્ટની વાત હાથમાં લઈએ. નાની રકમના ખર્ચાઓ જ્યારે રોકડેથી કરવાને બદલે ડિજિટલ પેમેન્ટના માધ્યમથી કરીએ છીએ ત્યારે આપણી મેન્ટાલિટી બદલાઈ જાય છે, આપણે જરાક લાપરવાહ થઈ જઈએ છીએ અને જરાક જરાક કરતાં જો આદત પડી ગઈ તો ખૂબ લાપરવાહ થઈને તબાહી નોતરી લઈએ છીએ, ઘરનું મન્થલી બજેટ ખોરવી નાખીએ છીએ.
કોઈ મોલમાં ચાલતી કરિયાણાની દુકાન કે મોટા પ્રોવિઝન સ્ટોર્સમાં તમે ખરીદી કરવા જાઓ છો. અગાઉ ઘરેથી લિસ્ટ બનાવીને જતા. અંદાજે કેટલા રૂપિયાનું ટોટલ બિલ થશે એની ગણતરી કરીને જતા. એટલા પૈસા ઘરના કબાટના નાનકડી તિજોરી જેવા ખાનામાંથી સાચવીને, ગણીને કાઢતા અને સાથે લઈ જતા. ઘરે પાછા આવતા ત્યારે તમારી થેલીમાં બિનજરૂરી ચીજો કે અત્યારે કામની ન હોય એવી ચીજો કે તમે તૈયાર કરેલી યાદીમાં જેનો સમાવેશ ન થતો હોય એવી ચીજો જૂજ રહેતી.
હવે મોટેભાગે શું થતું હોય છે? તમે દુકાનના શેલ્ફ પર પડેલી જે ચીઝ ગમે તે બાસ્કેટમાં નાખી દો છો. ઘણી વખત તો કિંમત પણ તપાસતા નથી. ગમી એટલે લઈ લીધી. કામની છે કે નહીં, પોસાય એમ છે કે નહીં એવો વિચાર પણ ઘણી વખત નથી કરતા. ખિસ્સામાં કાર્ડ છે એટલે પૈસા ખૂટી પડશે કે નહીં એની ચિંતા નથી. પાછા જવા માટે રિક્શાના પૈસા ભલે ન હોય, ઉબર કરવા માટે પેટીએમમાં તો બેલેન્સ છે જ. જોઈતી-ન જોઈતી અને સોંઘી-મોંઘી તમામ ચીજોનો ખડકલો ઘરે આવીને જુઓ છો ત્યારે વિચાર પણ નથી આવતો કે આટલી વસ્તુઓની આપણને જરૂર હતી? આટલી બધી ખરીદી કરવાની આપણી હેસિયત છે ખરી! પછી મહિનાના અંતે આપણે બૂમાબૂમ કરીએ છીએ, સરકારને કોસીએ છીએ, જમાનાને કોસીએ છીએ કે મોંઘવારી કેટલી વધી ગઈ છે. મોંઘવારી નથી વધી રોકડા ખર્ચીને રિક્શામાં ફરવાને બદલે ડિજિટલ પેમેન્ટ લઈને તમને ભાગની ટેક્સી કરવાની લત પડી ગઈ છે એટલે તમારા પૈસા ખૂટી પડે છે.
ઓનલાઈન શોપિંગ. કહેવાય છે કે ભૂખ લાગી હોય ત્યારે ક્યારેય તમારે રેડીમેડ ફ્ૂડ કે ફરસાણ વેચતી દુકાનોમાં ખરીદી કરવા જવું નહીં. ઓવર એસ્ટિમેટ કરીને તમે જરૂરિયાત કરતાં વધારે ખરીદી કરીને જ આવવાના. મૂડ ખરાબ હોય ત્યારે ઠીક કરવા માટે ઘણા લોકોને શોપિંગ માટે નીકળી પડવાની આદત હોય છે. શોપિંગ કરવું ઘણી વખત વ્યસન બની જાય છે. અત્યાર સુધી સારું એટલું હતું કે આવા ગમે તે કારણસર તમારે ખરીદી કરવી હોય તો ઘરનાં કપડાં બદલીને જરાક સાફસુથરા કે રૂપાળા દેખાવ સાથે ઘરની બહાર નીકળવું પડતું. વેહિકલમાં દુકાન, શોપિંગ સેન્ટર કે મોલ સુધી જવું પડતું. હરીફરીને ચીજવસ્તુઓ જોવાની, બાર્ગેન કરવાનું. કંઈક તો મહેનત થતી. વળી નિશ્ચિત સમયે જ આ શોપિંગ થાય. રાતના અમુક વાગ્યા પછી કે સવારના અમુક વાગ્યા પહેલાં દુકાનો બંધ હોત. કેટલીક દુકાનો વળી સપ્તાહમાં એકવાર બંધ હોય. ઉપરાંત ગિરદી, વરસાદ, તડકો વગેરે કેટલી માથાકૂટ.
ઓનલાઈન શોપિંગ તમે મૂડ આવે તો અડધી રાતે પણ કરી શકો છો. ઘરથી ઓફિસે જતાં ટ્રેન, બસ, કારમાં પણ કરી શકો છો. દિવસ દરમિયાન ગમે ત્યારે કંટાળો દૂર કરવા ઓનલાઈન ખરીદીની સુવિધા આપતી સાઈટ્સ પર જઈને ર્સિંફગ કરી શકો છો. ગજવામાં રોકડા રાખવાની જરૂર નથી. કાર્ડથી કે બેન્કના ખાતામાંથી સીધા પૈસા મોકલી શકો છો. ઓનલાઈન બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટના જેટલા ફાયદા છે એની સામે ઘણા ઘણા ગેરફાયદા છે. ડિજિટલ પેમેન્ટ માણસને ગેરજવાબદાર બનાવી શકે છે અને ઓનલાઈન શોપિંગ માણસના ફિજુલ ખર્ચાઓ વધારી શકે છે.
અને આવું તો દરેક જમાનાના દરેક નવા આવિષ્કાર સાથે બનવાનું. ઈલેક્ટ્રિસિટીની શોધ સાથે માણસના જીવનમાં પ્રકાશ પથરાયો, ઔધોગિકીકરણે જબરજસ્ત વેગ પકડયો. પણ વીજળીના જીવંત તારના બે છેડા આપણાથી ન પકડાય એવી પ્રેક્ટિકલ સમજ પણ આપણામાં છે. ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટના આવિષ્કાર પછી એના બે છેડા પકડી લઈને એકબીજા સાથે ન અડકાડીએ એનું ધ્યાન રાખીએ, શોક લાગશે તો જીવતે જીવતભસ્મ થઈ જઈશું.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuoMa033kXuGHet-5xGYe5mxhJAaEjxSGt9Sp7PBX7UBg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment