ડૉક્ટર બની ગયા પછી અને લેખક બન્યા પહેલાંનો સમયગાળો મારા માટે એક અગોચર વિશ્વમાં પ્રવાસ કરવાનો અનુભવ આપનારો સંધિકાળ હતો. હું મારી મેડિકલ પ્રેક્ટિસમાંથી પરવારું ત્યારે પેરાફિઝિકલ શક્તિઓના અભ્યાસમાં રસ લેતો હતો, કાપાલિકોની દુનિયામાં ક્યારેક લટાર મારી આવતો હતો, ગિરનારની ગુફાઓમાં અઘોર સાધના કરતા સાધુઓના જીવનમાં ડોકિયું કરી આવતો હતો અને પછી અચાનક એક દિવસ મને જ્યોતિષવિદ્યાનું ઘેલું લાગ્યું. જન્મકુંડળીના અભ્યાસમાં મને કદીયે રસ પડ્યો નહીં, પણ હસ્તરેખાના અભ્યાસમાં મને ભારે રસ પડવા માંડ્યો હતો. એક રવિવારીય સાંજે હું પામિસ્ટ્રી ઉપરનાં થોકબંધ પુસ્તકો ખરીદી લાવ્યો. મહિનાઓ સુધી એના અભ્યાસમાં ડૂબી ગયો. વિદ્યાર્થી તરીકે મારી નામના એક ભારે મહેનતુ તરીકેની હતી. હું એવી ધગશ અને એકાગ્રતાથી પામિસ્ટ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો જેવી ધગશ અને તલ્લીનતા મેં એમ.ડી.ની. પરીક્ષા સમયે દાખવી હતી. 6 મહિનામાં તો હું તમામ પુસ્તકો જાણે આખેઆખાં ગળી ગયો! પાશ્ચાત્યશાસ્ત્ર એવું કહે છે કે સૈદ્ધાંતિક અભ્યાસ કરતાં હજાર ગણું મહત્ત્વ પ્રાયોગિક અભ્યાસનું છે. મેં હજારોની સંખ્યામાં લોકોની હથેળીઓ વાંચી નાખી. એક તબક્કે હું સચોટ ભવિષ્યવાણી કરતો થઈ ગયો હતો. કેટલાક કિસ્સાઓ તો માની ન શકાય તેવા હતા. જો હું એ ક્ષેત્રમાં ચાલુ રહ્યો હોત તો અવશ્ય અત્યારે દેશના ટોચના હસ્તરેખાશાસ્ત્રીના સ્થાને પહોંચી ગયો હોત. કમજાત ઔરત! અપને પતિ કા તો કુછ ખયાલ હી નહીં હૈ. જબ દેખો તબ બસ માયકા, માયકા, માયકા! ખબરદાર ફિર કભી માયકે કા નામ લિયા તો
પણ એક દિવસ મેં એ દિશા સાવ જ બંધ કરી દીધી. ખરી તકલીફ એ પછી જ શરૂ થઈ. મેં હસ્તરેખાવિદ્યાનું દ્વાર સજ્જડપણે વાસી દીધું ત્યાં સુધીમાં મારા પરિચિત અને અપરિચિત વર્તુળોમાં મારી ક્ષમતાની કથાઓ પહોંચી ચૂકી હતી. મારી પાસે હાથ જોવડાવવા માટે ભીડ જમા થવા લાગી હતી. અકલ્પ્ય દબાણો અને તગડી રકમની લાલચોનું આક્રમણ શરૂ થઈ ગયું હતું, પણ હું અફર હતો, અટલ હતો, મારા નિર્ણયમાં અડગ હતો. અને આવા માહોલમાં અચાનક એક એવી વ્યક્તિ તરફથી વિનંતી આવી જેની મેં કલ્પના કરી ન હતી. 'દાગતર સા'બ, મૈંને સૂના હૈ આપ હાથ અચ્છે સે દેખ લેતે હો.', 'ગલત સૂના હૈ, મૈં હાથ દેખતા થા, અબ નહીં દેખતા હૂં.', 'ખૈર, વો જો ભી હો, લેકિન મેરા હાથ તો આપકો દેખના હી પડેગા.', 'ક્યૂં દેખૂં! આપ દેશ કે પ્રાઇમ મિનિસ્ટર હૈ ક્યા?' હું ચિડાયો.
'નહીં, લેકિન મૈં કિસ્મત કે હાથોં માર ખાયા હુઆ પતિ હૂં.' આ સંવાદ મારી અને દુબેજી વચ્ચેનો હતો.
દુબે એક પરપ્રાંતીય, હિન્દીભાષી, કાપડના વેપારી હતા. ઉંમર ખાસ મોટી ન હતી, પણ એમની ભોજનપ્રિયતાના કારણે શરીર મેદસ્વી થઈ ગયું હોવાથી એ પિસ્તાળીસના હોય તેવા દેખાતા હતા. એમની પત્ની એકવડિયા બાંધાની, ગૌરવર્ણની અને ખૂબસૂરત હતી. એ ક્યારેક મારી પાસે સારવાર માટે આવતી હતી, એટલે હું એની ઉંમર જાણતો હતો. સુનંદા 27ની હતી, એ હિસાબે દુબે બહુ બહુ તો 30 કે 32નો હોવો જોઈએ. 'દાગતર સા'બ! ક્યા બતાઉં?' એક વાર સુનંદા બોલી ગઈ હતી, 'વો ઇન્સાન નહીં હૈ, દાનવ હૈ દાનવ! રોજ પશુ કે જિતના ખાતા હૈ, ફિર રાક્ષસ કી તરહા દારૂ પીતા હૈ ઔર બાદ મેં મુઝે મારતા હૈ. મૈં તો થક ચૂકી હૂં ઇસ જાનવર કે સાથ.' સુનંદા પાસેથી છેલ્લા છએક મહિનામાં મને જાણવા મળ્યું હતું કે એનો અને દુબેનો ઘરસંસાર કંકાસથી ભરપૂર હતો. દુબેજી પણ દેખાવમાં કદરૂપા ન હતા. જો એમણે પોતાના શરીરનું ધ્યાન રાખ્યું હોત તો એ સોહામણા જ લાગી શક્યા હોત. એક વાર દુબેજીના આમંત્રણથી હું (ફેમિલી સાથે) એમના ઘરે ડિનર માટે ગયો, ત્યારે કોર્નર ટિપાઈ પર પડેલી એમનાં લગ્ન સમયની ફ્રેમ કરેલી તસવીર જોઈને હું બોલી ઊઠ્યો હતો, 'વાહ! કેવી સુંદર જોડી! તમે અને સુનંદાજી એવાં લાગો છો જાણે ભગવાને એકમેકના માટે જ સર્જ્યાં હોય!' સુનંદા ત્યારે ટહુકી હતી, 'લગતે થે દાગતર સા'બ, અબ હમ વૈસે નહીં લગ રહૈ હૈં.' આ સાંભળીને દુબેજીની આંખમાં રતાશ ફૂટી નીકળી હતી. મને લાગ્યું કે અમે ત્યાંથી ચાલ્યા જઈશું એ પછી અવશ્ય સુનંદાની ધોલાઈનો પ્રોગ્રામ ભજવાશે જ.
દુબેને સુનંદા પ્રત્યે પ્રેમ ન હતો એવું ન હતું. સુનંદા એને અત્યંત ગમતી હતી, પણ પત્નીનું મહત્ત્વ અલ્પશિક્ષિત દુબેના મનમાં માત્ર ત્રણ જ કારણથી હતું, ઘર સાચવવું, એક દીકરીને સાચવવી અને રાત્રે દુબેનું પડખું સેવવું! બાકીના સમયમાં દુબેને મન પત્ની એટલે પગલૂછણિયું! દુબેનો તામસી સ્વભાવ શરાબ ઢીંચ્યા પછી વધારે તામસી બની જતો હતો. એ નશામાં જ ક્યારેક માણસમાંથી હિંસક જાનવર બની જતા હતા. પછી સવારે નશો ઊતરે ત્યારે એમને ભાન થતું કે મધરાતે એમણે પત્નીને ઢીબી નાખી હતી. એક-બે વાર તો દુબે મારી પાસે આવીને પસ્તાવો પણ કરી ગયા હતા, 'સા'બ, મૈં ક્યા કરું? મેરે સે ગલતી હો ગઈ. કલ રાત મૈંને સુનંદા કો... સા'બ, એક રિક્વેસ્ટ કરું? આપ સુનંદા કે ઝખ્મોં કી ટ્રીટમેન્ટ કર દીજિયેગા. મૈં જાનતા હૂં કિ આપ ગાયનેક ડૉક્ટર હૈ, જનરલ પ્રેક્ટિશનર નહીં હૈ. લેકિન બાત ક્યા હૈ કિ મુઝે ડર લગતા હૈ. અગર સુનંદા કિસી ઔર દાગતર કે પાસ ગઈ તો શાયદ પુલિસ કેસ કા લફડા હો જાયેગા. આપકે સાથ ક્યા હૈ કિ હમારા એક રિલેશન બન ગયા હૈ ના, સા'બ! તો આપ જરા મામલા સમ્હાલ લેના.' મને યાદ પણ નથી એટલી વાર મેં સુનંદાને સારવાર આપી હશે. ક્યારેક એને પહોંચેલા મૂઢ માર માટે માત્ર પેઇનકિલર ગોળીઓ જ પૂરતી થઈ પડતી હતી, ક્યારેક મલમ લખી આપતો હતો, 1-2 વાર શરીર પર પડેલા જખમોમાંથી ટપકતા લોહીને અટકાવવા માટે ડ્રેસિંગની પણ જરૂર ઊભી થઈ હતી. એક વાર મારાથી પુછાઈ ગયું, 'ઇતના અત્યાચાર ક્યૂં સહા કરતી હો સુનંદા? તુમ્હારે માયકે મેં કોઈ નહીં હૈ ક્યા?' એ આંસુ ખેરવી બેઠી હતી, 'પપ્પા બૂઢે હો ગયે હૈ. મમ્મી ચલ બસી હૈં. ભાઈ-ભાભી હૈ લેકિન...' હું સમજી ગયો. આ 'લેકિન' પછીની અધૂરી જગ્યામાં ભારતની કરોડો પરિણીતાઓની મજબૂરી છુપાયેલી હતી. દુબે એકલો આવીને પૂછી જતો હતો, 'સુનંદા કો જ્યાદા ચોટ તો નહીં લગી ના? દાગતર સા'બ, મેરે સે ગલતી હો ગઈ. આપ ઉસકા ખયાલ રખના. ફિસ કિતની હુઈ?' હું મનોમન વિચારતો રહેતો કે આ દુબેને કઈ કેટેગરીમાં મૂકવો! સુનંદાને એ જ માર મારતો હતો અને પછી પ્રેમ પણ એ જ કરતો હતો.
એક દિવસ હદ થઈ ગઈ. માર્ચ મહિનો ચાલતો હતો. સુનંદાની નાનીસરખી એક દીકરી હતી. એણે સ્કૂલમાંથી ઘરે આવીને કહ્યું, 'મમ્મી, કલ સે સ્કૂલ મેં છુટ્ટી હૈ. વેકેશન શરૂ. દો મહિને તક મૈં ક્યા કરુંગી? ચલો ના નાનાજી કે ઘર જાતે હૈ.' ઢીંગલીના નાનાજી એટલે કે સુનંદાના પિતાનુ ઘર મધ્યપ્રદેશના એક ટાઉનમાં હતું. સુનંદાએ પતિ સમક્ષ રજૂઆત કરી. દુબેની ખોપરી હટી ગઈ. એણે સુનંદાને ઢીબી નાખી, 'કમજાત ઔરત! અપને પતિ કા તો કુછ ખયાલ હી નહીં હૈ. જબ દેખો તબ બસ માયકા, માયકા, માયકા! ખબરદાર ફિર કભી માયકે કા નામ લિયા તો. દોનોં ટાંગેં તોડ દૂંગા!' બીજા દિવસે સુનંદા મને મળવા આવી. મેં પૂછ્યું, 'દવા લખી આપું?'
એણે ના પાડી, 'નહીં સા'બ! અબ આપસે દવા નહીં, દુઆ ચાહિયે. મૈં તંગ આ ચૂકી હૂં. આજ હી મુન્ની કો લેકર માયકે જા રહી હૂં. દુબેજી શોપ પર ગયે હુએ હૈં. મૈંને ઉનકો બતાયા નહીં હૈ. આપ બોલ દેના કિ અબ સુનંદા કભી ભી વાપસ નહીં આયેગી.' મને આઘાત લાગ્યો, 'બહનજી, આપ સચમુચ જા રહી હૈં? હંમેશા કે લિયે? ફિર મુન્ની કી સ્કૂલ કા ક્યા હોગા?'
સુનંદા વિચારમાં પડી ગઈ, 'આપકી બાત સહી હૈ. મૈં લૌટ કે આઉંગી, લેકિન જૂન મેં નહીં. જુલાઈ મેં આઉંગી. મૈં દુબેજી કો સબક સિખાના ચાહતી હૂં. આપ બતાઇયેગા નહીં.' મા-દીકરી ઊપડી ગયાં. રાત્રે દુબેજીને મેં સમાચાર આપ્યા, તો એમણે તો પોક મૂકીને વાતાવરણ ગજાવી મૂક્યું, 'દાગતર સા'બ, અબ મૈં ક્યા કરુંગા? વો સચ મેં ચલી ગઈ?' એણે બીજા દિવસે સાસરીમાં ફોન કર્યો, તો સાળાએ ખખડાવીને ફોન કાપી નાખ્યો. દુબેને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા. એનું રોજિંદું જીવન ખોરવાઈ ગયું. બધા પૂછ પૂછ કરતા હતા એની ચિંતા તો ખરી જ. મુન્નીની યાદ પણ સતાવતી હતી અને રાત્રે ખાલી પડખું એમને ઊંઘવા દેતું ન હતું. સમય ઊડતો રહ્યો, જૂન આવી ગયો. દસમી જૂને શાળા ખૂલતી હતી. દુબેની આશા ઠગારી નીવડી. સુનંદા ન જ આવી. હવે એ ગભરાયો. એક દિવસ દોડતો મારી પાસે અાવ્યો, 'દાગતર સા'બ, મૈંને સૂના હૈ આપ જ્યોતિષી હૈ.' 'ગલત સૂના હૈ.' મેં કહ્યું, પણ એ માને તો ને? ક્યાંકથી એ પાક્કી માહિતી લઈને આવ્યો હતો. જીદ લઈને બેસી ગયો. મેરા હાથ દેખ કે બતાઓ, સુનંદા વાપસ આયેગી કિ નહીં? હું પણ મક્કમ હતો. એનો હાથ ન જોયો તે ન જ જોયો. એણે પાંચ હજાર રૂપિયા આપવાની લાલચ આપી. હું અટલ રહ્યો. જુલાઈ આવ્યો. એક દિવસ મધ્યપ્રદેશથી ફોન આવ્યો. સુનંદા પૂછી રહી હતી, 'સા'બ, મૈં મંગલવાર કો આ રહી હૂં. વહાં કા ક્યા હાલચાલ હૈ?'
'બહનજી, દુબે મરા જા રહા હૈ તુમ્હારે બિના. મૈં કુછ કરતા હૂં. અબ વો તુમ પર કભી ભી હાથ નહીં ઉઠાયેગા.'
શનિવારની સાંજ. અડધી બોટલ શરાબ ઢીંચીને દુબેજી આવ્યા, 'દાગતર સા'બ, આજ આર યા પાર કરકે રહૂંગા. આપ મેરા હાથ દેખતે હો કિ મૈં અપની જાન દે દૂં.' મેં નાટક કર્યું. હાથ જોવાનો ડોળ કર્યો, પણ રેખાઓ ન વાંચી. કહી દીધું, 'એક પ્રોમિસ દો કિ જિંદગી મેં કભી ભી તુમ્હારી વાઇફ કો માર નહીં મારોગે! તો મૈં બતાઉં કિ વો આનેવાલી હૈ કિ નહીં!'
દુબે નાના બાળકની જેમ રડી પડ્યો. મેં ભવિષ્યવાણી ભાખી દીધી, 'મંગલવાર કો સુનંદા ઔર મુન્ની તુમ્હારે સાથ...' એ અવિશ્વાસ સાથે સાંભળી રહ્યો. પછી દૃઢ અવાજમાં બોલી ગયો, 'સા'બ, અગર આપકી બાત સચ સાબિત હુઈ, તો મૈં પ્રોમિસ દેતા હૂં કિ જીવનભર સુનંદા કો શારીરિક યા શાબ્દિક અત્યાચાર નહીં દૂંગા. વો મેરે દિલ કી રાની હૈ ઔર મૈં ઉસે રાની કી તરહ હી રખૂંગા.' મંગળવાર આવી ગયો. સાંજની ટ્રેનમાં એમ.પી.થી આવેલા બે મહેમાનોએ દુબેના મકાનને પાછું ઘર બનાવી દીધું. દુબેના ગાંડપણનો પાર ન રહ્યો. એ નાના બાળકની જેમ નાચતો-કૂદતો મારી પાસે દોડી આવ્યો. મીઠાઈ ખાશો? ગિફ્ટ આપું તો સ્વીકારશો? રોકડમાં ફી કેમ નથી લેતા? હજાર સવાલો હતા એના. એક મૂંગું સ્મિત હતું મારું. ચાર દિવસમાં એનો આનંદ સહેજ હેઠો બેઠો, એ પછી એક વાર ફરી પાછો એ મને મળવા આવ્યો. સાથે સુનંદા અને મુન્નીને લઈને. એક પેકેટ મારા હાથમાં મૂકીને બોલ્યો, 'ઇન્કાર મત કરના. યે આપકે લિયે હૈ. કુર્તા-પજામા કા કાપડ હૈ. બઢિયા માલ હૈ, સા'બ! આપકો બહોત જચેગા.' મેં એની ગિફ્ટ સ્વીકારી લીધી. થોડી વાર બેસીને એ જવા માટે ઊભો થયો. અટક્યો. પછી મને પૂછવા લાગ્યો, 'દાગતર સા'બ, આપ કી બાત સૌ ફિસદી સચ નિકલી. મંગલવાર કા બુધવાર નહીં હુઆ. ઇતની સટીક ભવિષ્યવાની આપને કહાં સે સીખી?' મેં સુનંદાની તરફ જોયું. એ હસવું ખાળી ન શકી. મુન્નીને ઊંચકીને બહાર નીકળી ગઈ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvFjfsiaqWhZ-YoGn6Vh-O4v56GNMjPEcHYQ3jMKORz7g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment