Tuesday 28 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચાલો, રક્ષાબંધનને વ્યાપક બનાવીએ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાલો, રક્ષાબંધનને વ્યાપક બનાવીએ!
સમજણ-મુકેશ પંડ્યા

મનુષ્યને બુદ્ધિ આપીને પરમાત્માએ એને બીજા પ્રાણીઓ કરતાં મૂઠી ઊંચેરો બનાવ્યો છે. વર્ષો સુધી મનુષ્ય સહિત તમામ પ્રાણીઓ પ્રકૃતિ પ્રમાણે જીવન જીવતાં હતાં. પણ હાલમાં બુદ્ધિના સદુપયોગથી માનવી સંસ્કૃત થયો તો સાથે સાથે એના દુરુપયોગથી વિકૃત પણ થયો છે. વિકાસની સાથે સાથે જ અનેક પ્રકારના વિનાશના ભયસ્થાનો પણ મનુષ્યે ઉત્પન્ન કયાર્ં છે. કયા કયા ક્ષેત્રોમાં આ ભયસ્થાનો રહેલાં છે તેને સમયસર ઓળખી લઇ , તેનાથી રક્ષણ મેળવવા એક બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણે યથાશક્તિ યોગદાન આપવાનો નિર્ણય કરીશું તો જ આજનો દિવસ સાર્થક થયો ગણાશે. આજે બહેન ભાઈના હાથે રાખડી બાંધીને એના ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરશે ત્યારે બીજે ક્યાં ક્યાં રક્ષા અને સુરક્ષાની જરૂર છે એનો વિચાર કરીએ.

રક્ષા પર્યાવરણની

પર્યાવરણની દુર્દશા એ આજની સૌથી મોટી વૈશ્ર્વિક સમસ્યા બની ગઇ છે. ધરતીકંપ, વાવાઝોડાં, ભારે વરસાદ કે સૂકો દુકાળ યુગો પહેલાં પણ દેખા દેતાં પરંતુ તેઓ કાળાંતરે આવતા. જોકે, આજકાલ તો આ હોનારતોની સંખ્યા એટલી વધી ગઇ છે કે એવું લાગે છે કે પહેલાં હોનારતો આવતી પણ હવે તો આપણે જ વિકાસના નામે હોનારતો નોતરતા હોઇએ એવું લાગે છે. ભેંસના શિંગડા ભેંસને ભારે પડે એમ માનવીની અમુક શોધખોળો માનવીને જ ભારે પડી રહી છે. હાલમાં જ કેરળમાં આવેલા તારાજી સર્જતા પૂરનો એક દાખલો લઇએ. કેરળના એક પુલ પરથી નદી ગાંડી બનીને વહેવા લાગી હતી. આ પૂર ઓસર્યા પછી એ પુલ પર બોટલો સહિત અનેક પ્લાસ્ટિકિયો કચરો જમા થઇ ગયો હતો. જે જે ભેટો માનવીએ કુદરતને આપી હતી એ બધી જ ભેટોને પેલા પુલ પર રિટર્ન ગિફ્ટ તરીકે છોડીને નદી આગળ વધી ગઇ હતી. અમુક શોધોએ માનવીને સુવિધા આપી, પણ એ શોધો જો પર્યાવરણ માટે જોખમી હોય તો એનો ઉપયોગ કરતાં પહેલા સો વાર વિચારવું પડશે અથવા એના વપરાશમાં વિવેક જાળવતા શીખવું પડશે. પર્યાવરણ સુરક્ષિત રહેશે તો જ આપણે સુરક્ષિત રહી શકશું.

વિકાસના નામે બીજો ભોગ લેવાયો હોય તો એ છે આપણા પર્યાવરણના રક્ષક સમાં વૃક્ષો, જંગલો અને પહાડોનો. વિકાસના નામે આ પ્રાકૃતિક તત્ત્વોની જે રીતે ઘોર ખોદાઇ રહી છે એ ખરેખર આપણા જાનમાલના રક્ષણ સામે નવાં નવાં ભયસ્થાનો ઊભા કરી રહી છે. એક સમય હતો જ્યારે બે ગામો વચ્ચે નદી-નાળા,પાદર, ડુંગરા, ખેતરો અને સીમ(જંગલ) રહેતાં. આ કુદરતી સંપત્તિની રક્ષા કરવી તેને સહુ પોતાનો ધર્મ માનતા. આજે વિકાસના નામે આપણે નદીના પટ સાંકડા બનાવી તેને ગટર બનાવી દીધી છે. ખેતીવાડીની જમીનને નોન એગ્રીકલ્ચર બનાવી તેમાં મલ્ટિ સ્ટોરી બિલ્ડિંગો બનાવવાની હોડ જામી છે. આ બિલ્ડિંગો માટે જોઇતા લાકડા અને પથ્થરો માટે કેટલાય જંગલો અને પર્વતોનો વિનાશ થઇ રહ્યો છે. આ જંગલો અને પર્વતોમાં પાણીને રોકી રાખવાની કે તેના વેગને ધીમો પાડવાની ક્ષમતા હોય છે, જેથી મેદાની પ્રદેશમાં રહેતાં લોકો સુરક્ષિત રહી શકે. પણ આપણે લોકોએ જે આપણું રક્ષણ કરે છે તેનું જ ભક્ષણ કરવાનું શરૂ કર્યું.

ચાલો આજે આપણે સંકલ્પ લઇએ કે થોડી ઘણી તકલીફો વેઠીને પણ પર્યાવરણની રક્ષા કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. વિકાસ પાછળ આંધળી દોટ મૂકીને વિનાશને નહીં નોતરીએ.

રક્ષા સંસ્કૃતિની

જો બહેનની રક્ષા કરવી એ આપણી ફરજ હોય તો સંસ્કૃતિમાતાની રક્ષા કરવી એ પણ આપણું કર્તવ્ય છે. આપણે જોયું કે જેમ નવી ચીજો શોધાય છે એ બધી જ સારી નથી હોતી એમ પુરાતન કાળની બધી જ બાબતો કાળબાહ્ય પણ નથી હોતી. આવા કેટલાક સનાતન તથ્યો અને રીતરિવાજોને આપણે વેદકાળથી પાળતા આવ્યા છીએ જેને આપણે પ્રાચીન સંસ્કૃતિના નામે ઓળખીએ છીએ. આપણે પર્યાવરણની વાતો કરી. તમે ધ્યાનથી આપણા પુરાણા સંસ્કૃતના ગ્રંથોનો કે વેદ-ઉપનિષદોનો અભ્યાસ કરશો તો માલૂમ પડશે કે તેમાં પ્રકૃતિના વિવિધ અંગોની પૂજા અને પ્રાર્થના કરવાનો જ આગ્રહ રાખવામાં આવ્યો છે. પછી એ સૂર્ય હોય, જળ હોય, પૃથ્વી હોય , અગ્નિ હોય કે આકાશ હોય. એ સમય હતો કે પ્રકૃતિને પ્રેમ અને પૂજાના મંત્રો દ્વારા વશ કરવામાં આવતી હતી, પણ જ્યારથી વિકાસના નામે યંત્રો અને સુરંગોથી પર્યાવરણનો વિનાશ કરવાની શરૂઆત થઇ છે ત્યારથી આપણી જ સુરક્ષામાં ગાબડાં પડવા માંડ્યા છે. પુરાણ-શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે 'ધર્મો રક્ષતિ રક્ષિત:' આ યુગમાં ધર્મ એટલે કોઇ કોમ કે સંપ્રદાય ન હતો, પણ કર્તવ્ય નિષ્ઠા અને ફરજરૂપે હતો. વેદ અને ઉપનિષદ આપણા ભૌગોલિક સ્થાન અને હવામાનને અનુલક્ષીને માનવ તેમ જ સમગ્ર સમાજ અને પર્યાવરણની રક્ષા થાય એવા નીતિ-નિયમો જ હતાં, પણ અફસોસ છે કે આજે શાળા કોલેજોમાં આ મૂળભૂત સંસ્કૃતિને શિખવાડવાની તસ્દી લીધા વગર વિદેશી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ થયું છે. પરીક્ષામાં પ્રશ્ર્ન પુછાય કે ભારતનું શું વખણાય તો આપણે ફટ દઇને જવાબ આપી દઇએ છીએ કે સંસ્કૃતિ. પણ આ સંસ્કૃતિ કેમ મહાન હતી. એમાં એવું તે શું જ્ઞાન-વિજ્ઞાન હતું જે આજે વિદેશમાં પુજાય છે અને ઘરઆંગણે જ વગોવાય છે. જે સમયની આપણી આ પ્રાચીન સંસ્કૃતિ છે એ સમયે તો ન કોઇ વિવિધ ઘર્મો કે સંપ્રદાય હતાં તો પછી શા માટે દેશની ભાતીગળ સંસ્કૃતિને કોઇ ધર્મ કે સંપ્રદાયનાં વાઘાં ચઢાવીને તેની ઉપેક્ષા કરાય છે? તેનું વસ્ત્રહરણ થાય છે? માત્ર રક્ષાબંધનના નામે એક રાખડી બાંધી દેવાથી કશું નહિ વળે. સંસ્કૃતિની સુરક્ષા માટે પણ આગળ આગળ આવવું પડશે. સંસ્કૃતિ એટલે જે તે દેશની, ત્યાંના લોકોની અને ત્યાંના પર્યાવરણની સલામતીનો વિચાર કરીને પૂર્વકાળથી ચાલ્યા આવતા નિયમો જ છે. જો એ નિયમોરૂપી સંસ્કૃતિ માતાની રક્ષા આપણે નહીં કરી શકીએ તો આપણા જેવા બાળકોની રક્ષા એ કેવી રીતે કરી શકશે. હે વાચક મિત્ર, આજ સંસ્કૃતિ માતાને શાતા નથી, તારા લોચનિયા લાલ કેમ થાતાં નથી?

રક્ષા ભાષાની

સંસ્કૃતિ જેવી જ દુર્દશા આપણી સંસ્કૃત ભાષાની પણ થઇ છે. હવે તો માતૃભાષા ક્યાં સુધી ધબકતી રહેશે એના વિશે ગંભીરતાથી આપણે વિચાર કરવો પડે છે. પરમ દિવસે જ માતૃભાષા દિવસ ઉજવાયો એ આપણાંમાથી કેટલા ગુજરાતીઓને ખબર હશે? આપણે સંસ્કૃતિના રક્ષણની વાત કરી. આપણી ભાષા અને સંસ્કૃતિ એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે આપણે જે તે દેશની ભાષા શીખતાં હોઇએ છીએ ત્યારે તે પ્રદેશની સંસ્કૃતિ પણ શીખતા હોઇએ છીએ. ભારત જેવા ઉષ્ણકટિબંઘ અને કૃષિ સંસ્કૃતિ ધરાવતા દેશને ચોમાસાની શરૂઆતમાં જ વરસાદની જરૂરત હોય છે. આ જ અરસામાં (જૂન-જુલાઇમાં) શરૂ થતી આપણી શાળામાં ખરેખર તો નાના બાળકો પાસે એમ ગવડાવવું જોઇએ કે આવ રે વરસાદ, ઘેવરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આ કવિતામાં એ લોકો વરસાદને આવકાર આપવાનું શીખે છે. આ કફ અને વાયુકારક ઋતુમાં ગરમાગરમ ખાવું જોઇએ એ શીખે છે. કારેલા ખાઇને અનેક ચોમાસુ બીમારીથી બચવાનું શીખે છે. તેની બદલે અંગ્રેજીમાં- રેઇન રેઇન ગો અવે- બોલતાં શીખે છે. અરે ભાઇ મારા, લંડનમાં તો બારે માસ વત્તેઓછે અંશે વરસાદ આવતો રહેતો હોય છે એટલે રમવાની ઇચ્છા થાય ત્યારે તેમના મુખમાં આવી કવિતા મૂકાય એ યોગ્ય છે. પણ ઇંગ્લેન્ડની આવી અંગ્રેજી કવિતાનું આપણા ગુજરાતમાં માંડ માંડ એક-બે મહિના વરસાદ આવતો હોય ત્યાં શું કામ છે? પ્રજા ચાતક નજરે વર્ષાની રાહ જોઇ રહી હોય ત્યારે વરસાદને આવકાર આપતાં ગુજરાતી ગીતોને છોડીને એને જાકારો આપતું અંગ્રેજી ગીત કેમ ગવડાવવામાં આવે છે? માતૃભાષામાં ભણેલી વ્યક્તિ સર્વાંગી વિકાસ સાધી શકે છે એ પુરવાર થયું હોવા છતાં ઘણા ગુજરાતીઓ એની ઘોર ઉપેક્ષા કરે છે. અંગ્રેજી ભલે શીખે, ઘરમાં બાળકને ગુજરાતી શીખવાડીને આપણી માતૃભાષાની રક્ષા કરવાનો સંકલ્પ લેવો હોય તો ભલા આજના રક્ષાબંધનના દિવસથી વધુ ઉત્તમ દિવસ બીજો કયો હોઇ શકે?

રક્ષા દેશની

એક સમય હતો જ્યારે આ દેશના સીમાડા અફઘાનિસ્તાનથી લઇને શ્રીલંકા સુધી વિસ્તરતા હતાં. અત્યારે આપણો દેશ કાશ્મીરથી લઇ ક્ધયાકુમારી સુધી સંકોચાઇ ગયો છે, એમાંય કાશ્મીરમાં બનતી ઘટનાઓ છેલ્લાં ૭૦ વર્ષોથી આપણી ભૂમિને હજી વધુ ભાંગી નાખવા માટે ઘમાસાણ મચાવી રહી છે. આપણે આપણા પાડોશ પાકિસ્તાન અને ચીનને બદલી તો ન શકીએ પણ સુધારી શકીએ કે અમેરિકા-કેનેડા રહે છે એવા મિત્ર દેશો બનીને રહીએ એવા સંજોગો પણ દેખાતા નથી.

ત્યારે જડબેસલાક સુરક્ષા માટે ભરપૂર પ્રયત્નો કરવા આવશ્યક છે. જોકે, વાત આટલેથી અટકતી નથી. માત્ર બાહ્ય સુરક્ષા જ નહીં આંતરિક સુરક્ષાને જોખમાવે એવા દેશના જ ગદ્દારોથી પણ આ ભૂમિને બચાવવાની જરૂરત ઊભી થઇ છે. એક સમય હતો જ્યારે બે દેશ વચ્ચે અધિકૃત યુદ્ધ થતાં ત્યારે આરપારની લડાઇ થઇ જતી. પણ હવે આ દેશના નાગરિકોને ઉશ્કેરીને, આતંકવાદ અને ભાગલાવાદી તત્ત્વને પ્રોત્સાહિત કરીને જે શીતયુદ્ધ ખેલવામાં આવે છે એ વધુ ખતરનાક છે. આ મહિનામાં જ આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો ત્યારે આવા દેશદ્રોહી તત્ત્વોથી આપણા દેશની રક્ષા થાય એવા સંકલ્પ સાથે દરેક જાગૃત નાગરિકે કમર કસવી પડશે.

 

રક્ષા સંબંધોની

એક સમય હતો કે આપણા દિવસની શરૂઆત વડીલોના ચરણસ્પર્શ કે બાળકોના મસ્તક પર મુકાયેલા આશીર્વાદ આપતા હાથથી થતી હતી. પણ હવે આ સંબંધો પણ આપણા દેશના સીમાડાની જેમ સંકોચાઇને માત્ર ટેરવાં પર આવી ગયા છે. શ્રેય જાય છે ડિજિટલ મીડિયાને. સવારે આંગળીના ટેરવાંથી મોબાઇલના કચકડા પર થયેલા ગુડમોર્નિંગ અને રાત્રે ગુડનાઇટના પરબારા સંદેશથી આપણા સંબંધો પણ હવે પ્લાસ્ટિકિયા થતાં જાય છે. અરે દૂર રહેતાં સંબંધીઓને છોડો, એક જ ઘરના સભ્યો પણ હવે આંખ સાથે આંખ કે હૈયા સાથે હૈયા મેળવીને વાત કરવાની બદલે નેટ સાથે નેટ મેળવીને વાત કરે છે. ઇન્ટરનેટ દ્વારા આખી દુનિયાની માહિતી તોે મેળવીએ છીએ પણ પાડોશમાં કોણ રહે છે તેની આપણને ખબર હોતી નથી. એક સમય હતો જ્યારે આખા બિલ્ડિંગના બાળકો નવા વર્ષના દિવસે દરેક ઘરમાં જતાં અને વડીલોને પગે લાગતાં. સાથે મળીને મીઠાઇ, ચોકલેટ, નાસ્તા અને શરબતની જ્યાફત ઉડાવતાં. અત્યારે તો ડિજિટલની મદમાતી અસર હેઠળ ફિઝિકલ હસ્તધૂનન વિસરાતા જાય છે. જો પાડોશીઓ સાથે આવા સંબંધો હોય તો દૂર રહેતાં સગાંવહાલાં સાથેના સંબંધોમાં પણ ડિજિટલ આવરણ આવી જવું પણ સ્વાભાવિક છે. વારંવાર નહિ તો,વાર તહેવારે આપણે આપણા બાળકોને લઇને વડીલો,સગાવહાલાં કે મિત્રોને રૂબરૂ મળવાનો કાર્યક્રમ ગોઠવવો જોઇએ. બ્રિટનમાં થયેલા એક સર્વેના અંતે જે સાર નીકળ્યો તેનો ભાવાર્થ કંઇ આવો હતો કે મોબાઇલ તમને આનંદની પળોમાં સાથ આપશે, પણ કટોકટીની પળોમાં તો માણસ જ કામ લાગશે. ચાલો આજે રક્ષાબંધનના દિવસે, માનવીય સંબંધોની રક્ષા થાય તેવી પ્રાર્થના પણ કરીએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OspQC-9Kt7piUren6EbvDPfUonmr_zKSX2m-QRGH3FRCg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment