Friday 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લગ્ન: આંકડા અને અર્થો બદલાઈ રહ્યા છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લગ્ન: આંકડા અને અર્થો બદલાઈ રહ્યા છે!
કાજલ ઓઝા વૈધ
 


 
પ્રિયંકા ચોપરાના નિક જોન્સ સાથેના એન્ગેજમેન્ટે ખળભળી મચાવી દીધી છે. 10 વર્ષ નાના છોકરા સાથે લગ્ન કરવાની જાહેરાત કરીને પ્રિયંકાએ એની સાથેના ફોટા પણ શેર કર્યા છે. કેટલાંક અખબારોએ લખ્યું કે, પ્રિયંકા ચોપરાના શાહરુખ ખાન સાથેના અફેરના બ્રેકઅપ પછી એણે પોતાની વનઅપમેનશિપ સાબિત કરવા માટે આ ધખારા કર્યા છે. મીડિયા ક્યાંક પ્રિયંકાના આ વર્તનને શાહરુખ ઉપરનું વેર ગણાવીને એની મજાક ઉડાવે છે. મીડિયામાં કેટલાકે પ્રિયંકાના આ નિર્ણયને વધાવ્યો છે. પ્રિયંકાના પરિવારે નિક જોન્સને સ્વીકાર્યો છે. નિક જોન્સ, પરિણીતિ ચોપરા અને પરિવાર સાથે ગોવામાં રજા માણી રહેલી પ્રિયંકાની તસવીરો વાઇરલ થઈ છે.

 

કોણ છે આ નિક જોન્સ? ડલાસમાં 1992માં જન્મેલો આ છોકરો ડેનિસ અને પોલકેવિન્સ જોન્સનો દીકરો છે. નિકના પિતા ખૂબ સારા ગીતકાર અને સંગીતકાર છે. એની માતાએ સાઇન લેંગ્વેજ ટીચર તરીકે કામ કર્યું છે. નિકને એક નાનો ભાઈ ફ્રેન્કી અને બે મોટાભાઈઓ છે. ન્યૂ જર્સીમાં નિકનું હોમ સ્કૂલિંગ કરવામાં આવ્યું (સ્કૂલે નહીં મોકલીને ઘરે જ શિક્ષણ આપવાની પ્રથા). જોન્સ બાળપણથી જ ખૂબ ટેલેન્ટેડ હતો. એની મમ્મી એક બાર્બર શોપમાં વાળ કપાવી રહી હતી ત્યારે નિકને તોફાન કરતો અને ગાતો જોઈને બ્રોડવેના એક શોમાં એને આમંત્રણ મળ્યું. એના પિતા પણ 'બ્યૂટી એન્ડ ધ બેસ્ટ'માં (બ્રોડવેમાં) અભિનય કરતા હતા. 2003માં નિક જોન્સે હીરો તરીકે બ્રોડવેનું નાટક કર્યું.

 

એની પહેલી રેકર્ડ 2004માં રજૂ થઈ, જેનું નામ 'ડિયર ગોડ' હતું. એ પછી નિક જોન્સ ખૂબ લોકપ્રિય થયો. એ અને એનાે ભાઈ હવે સાથે સંગીતના કાર્યક્રમો કરે છે.

 

બહુ ઓછા લોકોને ખબર છે કે, નિક જોન્સને જુવેનાઇલ (ટાઇપ વન) ડાયાબિટીસ છે. પ્રિયંકા ચોપરા ભારતીય અભિનેત્રી છે, પરંતુ એણે અમેરિકાની ટેલિવિઝન સિરિયલ 'કોન્ટિકો'માં અભિનય કરીને પોતાની ભારતીયતાને ગ્લોબલ બનાવી દીધી છે. પોતાનાથી 10 વર્ષ નાના છોકરા સાથે લગ્ન કરવાનો આ નિર્ણય યોગ્ય છે કે નહીં એ તો સમય પુરવાર કરશે, પરંતુ એક સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કરે ત્યારે ભારતમાં સામાન્યત: પુરુષની ઉંમર વધુ અને સ્ત્રીની ઉંમર ઓછી હોય એવું જોવા મળે છે, પરંતુ આનાથી જુદી દિશામાં જઈને ઘણી સ્ત્રીઓ પોતાનાથી નાની ઉંમરના પુરુષ સાથે પ્રેમમાં પડતી હોય છે. નરગિસ દત્ત કે અમૃતા પ્રીતમ જેવી સ્ત્રીઓએ આવા સંબંધોને નિષ્ઠાથી નિભાવ્યાના દાખલા આપણી સામે છે જ.


નરગિસ દત્ત અને સુનીલ દત્તનાં લગ્ન પણ એક મિસહેપ- એક્સિડન્ટમાંથી જન્મેલો મજબૂત સંબંધ હતો. 'મધર ઇન્ડિયા'ના સેટ પર જ્યારે આગ લાગી ત્યારે સુનીલ દત્તે જાનના જોખમે નરગિસજીને બચાવ્યાં. એ પછી સન્માનપૂર્વક લગ્ન કર્યાં. એટલું જ નહીં, નરગિસજીને કેન્સર થયું ત્યારે આખરી શ્વાસ સુધી એમને સાચવ્યાં અને સારવાર કરી. ઉષા પ્રિયંવદા નામની હિન્દી લેખિકાનું પુસ્તક 'પચપન ખંભે લાલ દીવાર' પણ આવા જ એક સંબંધની કથા પર આધારિત પુસ્તક હતું. આજથી ત્રણ દાયકા કરતાં વધુ સમય પહેલાં લખાયેલું આ પુસ્તક એના સમયની બોલ્ડ નવલકથા કહી શકાય.

 

આજથી ત્રણ દાયકા પહેલાં સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં ત્યારે ઇન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ સમાજ પણ ખળભળી ઊઠેલો. એ પછી આદિત્ય પંચોલી અને ઝરિના વહાબનાં લગ્ન થયાં. એ વખતે શર્મિલા ટાગોરને એક ઇન્ટરવ્યૂમાં આ લગ્ન વિશે પૂછતાં એમણે કહેલું, 'એની જિંદગી છે અમે શું કહી શકીએ?' પરંતુ એ લગ્ન ટક્યાં નહીં. સૈફ લગભગ બે દાયકા પછી છૂટાછેડા લઈને કરિના સાથે પરણ્યો. અર્જુન રામપાલ જાણીતી મોડેલ મેહર જેસિયા સાથે પરણ્યો હતો, પરંતુ અત્યારે એમનાં લગ્ન પણ સારી પરિસ્થિતિમાં નથી એવું મીડિયા કહે છે. પરમિત શેટ્ટી, અર્ચના પુરણસિંહ, ડેમી મૂર અને એસ્ટર્ન કોસર, પામેલા એન્ડર્સન અને કીડ રોક, ટીના ટર્નર અને ઇરવિન બેચનાં લગ્નો આવા જ દાખલા છે. જે સમયે 'લિવ ઇન' શબ્દ વિશે કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય એવા સમયે અમૃતા પ્રીતમ અને ઇમરોઝે એક ઘરમાં રહેવાનું શરૂ કર્યું. અમૃતાજી સાથે જિંદગીના ચાર દાયકા વિતાવીને ઇમરોઝજીએ સાબિત કરી દીધું કે મોટી ઉંમરની સ્ત્રી સાથેનો સંબંધ યુવાન કે નાના પુરુષ માટે અશક્ય તો નથી જ હોતો.

 

ડેમી મૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'નાની ઉંમરનો પતિ અથવા પુરુષ સ્ત્રીના જીવનમાં તો ચમત્કાર સર્જે જ છે, એના પોતાના જીવનમાં પણ આત્મવિશ્વાસ પ્રવેશે છે, કારણ કે એની ઉંમરની અથવા નાની સ્ત્રી એની પાસેથી અપેક્ષાઓ રાખે છે. એવી સ્ત્રીને જોઈએ છે એક એવો પુરુષ કે જે એને લાડ કરે, એનું જતન કરે. જ્યારે મોટી ઉંમરની સ્ત્રી સાથેના સંબંધમાં પુરુષને પ્રેમિકા તો મળે જ છે. સાથે સાથે એક સમજદાર મિત્ર અને કાળજીપૂર્વક જતન કરનારી મા પણ મળી જાય છે.' ધર્મેન્દ્રની કારકિર્દી બનાવવામાં મીનાકુમારીનો ફાળો ક્યારેય ભૂલી શકાય એમ નથી, તો ઐશ્વર્યા બચ્ચન પણ અભિષેકથી ત્રણ વર્ષ મોટી છે એ વાત જગજાહેર છે. ગાયત્રીદેવીના પતિ સવાઈ માનસિંહનાં પહેલાં પત્ની એમનાથી 11 વર્ષ મોટાં હતાં. રાધા પણ કૃષ્ણ કરતાં મોટાં હતાં એમ ભાગવત કહે છે.

 

ક્યારેક શિક્ષિકા તો ક્યારેક સાથે કામ કરતી મોટી ઉંમરની સહકાર્યકર, મિત્રપત્ની કે ભાભી કે પછી પડોશમાં રહેતી કોઈ સ્ત્રી સાથે આવા સંબંધો બંધાય છે. આ સંબંધો સ્વસ્થ છે કે ફક્ત શરીરના કુતૂહલ અને સુખ ખાતર બંધાયા છે એ વિશે સ્પષ્ટ થવું બહુ જરૂરી છે, કારણ કે કાચી ઉંમરે બંધાતા આવા સંબંધો ક્યારેક મોટું નુકસાન કરી જાય છે. રવીન્દ્રનાથ ટાગોરનાં ભાભી કાદમ્બરીદેવી સાથેના એમના સંબંધોને કારણે રવીન્દ્રનાથનાં લગ્ન પછી કાદમ્બરીએ આપઘાત કર્યો હતો એમ કહેવાય છે.

 

આવા પ્રકારના સંબંધનું માનસિક વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે અસલામત સ્ત્રી સાથેના સંબંધમાં ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે. સફળ અને વ્યસ્ત પુરુષ એની પ્રેમિકાને પૂરો સમય આપી શકતો નથી. જ્યારે સફળ અને વ્યસ્ત સ્ત્રી એ પરિસ્થિતિને સારી રીતે સમજી શકે છે. એને મળેલો સમય એને માટે કીમતી હોય છે એટલે કચકચ કે ફરિયાદમાં સમય વેડફવાને બદલે એ બંનેને મળતા સમયમાં પૂરેપૂરો સંબંધ માણી શકે છે. સામાન્ય રીતે આવા સંબંધમાં પ્રવેશતી સ્ત્રી વ્યાવસાયિક હોવાની પૂરી સંભાવના છે, એટલે એ આર્થિક રીતે પુરુષ પર આધારિત નથી હોતી, જેને કારણે પુરુષને જવાબદારી કે તણાવનો અહેસાસ ઓછો થાય છે. સામે પક્ષે યુવાન કે નાની ઉંમરની સ્ત્રીની બાબતમાં પુરુષે ઘણી હરીફાઈનો સામનો કરવો પડે છે. પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથેના સંબંધમાં જિંદગી જોઈ ચૂકેલી અને મોટા ભાગે સંબંધોમાંથી પસાર થયેલી સ્ત્રી પોતાની સાથે જોડાયેલા પુરુષનું મૂલ્ય અને એની લાગણી સારી રીતે સમજી શકે છે અને એનું ધ્યાન રાખે છે. પોતાના વ્યવસાય અને બીજી બાબતો અગત્યની હોવાથી એની સમગ્ર ઊર્જા આ જ સંબંધમાં રેડાતી નથી.

 

મોટી ઉંમરની સ્ત્રી સાથે જોડાયેલા પુરુષોની મુખ્ય સમસ્યા શારીરિક સંબંધમાં મળતા સંતોષની છે એવું માનસશાસ્ત્રના નિષ્ણાતો માને છે. સ્ત્રીની શારીરિક સંબંધ માણવાની ઉત્તમ ઉંમર 35 પછી શરૂ થાય છે. આ સમયે એની સાથે જોડાનારા પુરુષને એ શ્રેષ્ઠ સુખ આપી શકે છે, પરંતુ 50 કે 55ની ઉંમરે પહોંચેલી સ્ત્રીને કદાચ શારીરિક સંબંધમાં રસ ઘટતો જાય એવું બને. આવા સમયે મોટી ઉંમરની સ્ત્રી સાથેના સંબંધો તૂટી જાય એવું જોવા મળે છે. મેનોપોઝની નજીક પહોંચેલી સ્ત્રીને આવા સમયે રિજેક્શન અને છેતરાયાની લાગણી થાય એવું બને. પ્રિયંકા ચોપરા અને નિક જોન્સના સંબંધોનું શું થાય છે એ તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો એની આ હિંમત અને જિંદગી જીવી લેવાના ઝનૂનને સલામ જ કરવી પડે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvcKNdeHCwmGs-t7iqHE6V_wNmP2bnAZRmHMhJJS%2BMW2A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment