Friday, 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હવે તો સુખીને? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હવે તો સુખીને!
ચંદરવોઃ રાઘવજી માધડ

 

ગાડી ગામનાં પાદરમાં આવીને ઊભી રહી. અંદર બેઠેલા શેઠે જુગુપ્સાથી જોયું. નજર શોધતી હતી પચાસ-સાંઈઠ વરસ પહેલાનું પાદર. જ્યાં પોતાનું બાળપણ વીત્યું હતું. પાદરનો નાક-નકશો જ બદલાઈ ગયો હતો. પણ હૈયાની હાટડીએ, ઉદારતાથી ઉધાર લઈ ગયેલું હેતાળવું ને હસમુખું મનેખ બદલાયું નહીં હોય!

ગાડીના ડ્રાઈવરે એક જણને પૂછયું: 'હરજી મોહનનું ઘર કઈ બાજુ આવ્યું?'

'એ..હાલ્યા જાવ, મફતિયા પ્લોટ બાજુ!' જણે ઊંચો હાથ કરીને કહ્યું: 'આ ઈ રસ્તો છે!'

ગાડી ગામનાં સાવ છેવાડે આવીને ઊભી રહી. રસ્તામાં ગંદકીનો પાર નહોતો. તૂટી ગયેલા નળમાંથી વહેતા પાણીના લીધે કાદવ-કીચડ જામી ગયા હતા. અને ઉકરડાઓ વચ્ચેથી હરજી મોહનના ઘેર જવાનો રસ્તો હતો. ડ્રાઈવરે ફરી એકવાર શેઠને કહ્યું: 'આપ અહીં ગાડીમાં જ બેસી રહો. હું ત્યાં થાતો આવું!'

શેઠ શાંતિલાલે પોતાનો કક્કો ઘૂંટતા કહ્યું: 'ભાઈ, મેં તને એકવાર કહ્યું કે મારે એનાં ઘેર રૂબરૂ જવાનું છે. બોલાવવા હોત તો, મુંબઈ ન બોલાવી લેત!'

શેઠ શાંતિલાલ મુંબઈથી આવ્યા હતા. વયના લીધે શરીર સાથ આપતું નહોતું. પણ વતનમાં આવવાની હઠ લઈને બેઠા હતાં ત્યારે દીકરાએ તો ત્યાં સુધી કહ્યું હતું: 'બાપુ, કહો તો એક ને નહીં ગામનાં બધાં લોકોને અહીં બોલાવીએ, જલસા કરાવીએ!' વાતમાં તથ્ય હતું. કરોડપતિ અને દિલના દિલાવર હતા. પણ શેઠની ઈચ્છા ગામમાં આવવાની હતી અને ગામમાં આવી શું કરવાનું હતું તેની કોઈને ખબર નહોતી.

થોભલા ભરતા શેઠ હરજી મોહનના ઘેર આવ્યા. હરજી મોહન ગુજરી ગયાને તો વરસોના વહાણા વાઈ ગયા હતા. પણ તેમના ઘરવાળા સમજુબાઈ ને તેનો દીકરો હયાત હતા.

ખખડી ગયેલી ખડકીમાં શેઠનો પગ પડતા જ સમજુબાઈ ઓળખી ગઈ પણ તેને ભરોસો નહોતો બેસતો શેઠ પોતાના ઘેર આવે! ઘડીભર તો શું કરવું તેની સૂઝ પડી નહોતી. હૈયાના ગોખલે હેતના દીવડા ઝગમગી ઊઠયા હતાં. અંતરની ઓસરીમાં હરખનો ઘંટારવ થવા લાગ્યો હતો. ઘડીના છઠ્ઠાભાગમાં મનડું મંદિરની લગોલગ પહોંચી ગયું હતું, શેઠના પદરવ સ્વપ્નવત હતા પણ સાચા હતા. સમજુબાઈને હવે આયખાનો લૂણો લાગી ગયો હતો. શરીર ખડકી જેમ ખખડી ગયું હતું. રૂપ-જોબન ઓછરી ગયા હતા. સામે શેઠનું પણ એવું હતું. તેણે છાતી સમો ઘૂમટો તાણ્યોને પછી ઘડીનોય વિલંબ કર્યા વગર શેઠ આગળ આવકારમાં રીતસરનો ખોળો પાથર્યો…હૈયાથી વછૂટી હોઠે આવી ગયું હતું: 'તે દિ' ખોળો પાથર્યો'તો પણ આજ…'

સમજુનો દીકરો  તો હાંફળોફાંફળો થઈ ગયો હતો. શેઠને ક્યાં બેસાડવા, તેમની આગતાસ્વાગતા કેવી રીતે કરવી! તેણે કાથીના વાણવાળો ખાટલો ઢાળ્યો અને તેનાં પર શેઠને બેસાડયા. પણ સમજુબાઈ તો ભારે અવઢવમાં હતાં, હવે શું કરવું અને શું કહેવું તેની!

શેઠને આ ગામ છોડયું તેને વરસો વીતી ગયા હતા. ગામ સાથે કોઈ નાતો, વ્યવહાર રહ્યા નહોતા. પણ અહીં હતા ત્યારે કરીયાણાની નાનકડી હાટડી હતી. સીમમાં ખેતર હતું. આ ખેતર સમજુબાઈનો ઘરવાળો હરજી મોહન સંભાળતો હતો. તે શેઠના ઘરનો એક સભ્ય હોય તેમ રહેતો હતો. હરજી મોહન જ્યારે સમજુબાઈને પરણીને આવ્યો ત્યારે સમજુબાઈએ સમાજની રીત પ્રમાણે ખોળો પાથર્યો હતો ને શેઠે કહ્યું હતું: 'વહુ બાપા, સુખી થાવ!' પણ ઠાવકા એવાં સમજુબાઈએ સમય પારખી શેઠને ટહુકો કરી સંભળાવ્યું હતું: 'શેઠ, તમ જેવા મનેખ હામે જોવે તો સુખી થવાય…' રૂપમાં લથબથ એવાં સમજુબાઈની ટકોર શેઠ પામી ગયા હતા. મનની મહેલાતમાં સ્નેહના રંગ છાંટણા ઊડયા હતા પણ તન ક્યારેય એંઠા થયાં નહોતા. પછી તો વખતને વાતું રાખવી હોય એમ શેેઠે ગામ છોડી મુંબઈ વસવાટ કર્યો. ધંધામાં બરકત આવીને ખૂબ જ સારું કમાયા.

હરજી મોહન વરસો સુધી અહીં ગામમાં રહી ખેતી સંભાળી પોતાનું ગુજરાન કરતો હતો. તેમાં એક વખત શેઠની જાણ બહાર શેઠનો દીકરો ગામડે આવી, હરજી મોહનનો કોરા કાગળ પર અંગૂઠો લઈ ગયો હતો. જેથી ભવિષ્યમાં હરજી મોહન જમીન પર પોતાનો હક્કદાવો કરી ન શકે. આ બાબતની શેઠ બહુ જ મોડી ખબર પડી હતી અને જ્યારે ખબર પડી ત્યારે તો હરજી મોહન આ દુનિયામાં રહ્યો નહોતો. હવે શું કરવું?

શેઠને હવે શરીર સાથ આપતું નહોતું. આયખું ઉપર જાવાની ઊઘરાણી કરવા લાગ્યું હતું અને આંખો મીંચાઈ જાય એ પહેલાં એકવાર સમજુબાઈ સામે જોઈ લેવાનું હતું! મીઠી ટકોર તપાસી લેવાની હતી.

શેઠથી લાંબુ બેસી શકાય એમ નહોતું. તાપના લીધે અકળામણ થવા લાગી હતી. વળી વાત કરવામાં પણ હાંફ ચઢતી હતી તેથી સાવ ટૂંકમાં પતાવવા કહ્યું: 'હરજી તો હવે આ દુનિયામાં નથી અને હું પણ હવે કેટલા દિવસ!?' થોડો શ્વાસ ઘૂંટીને બોલ્યાઃ 'આ દીકરાને મારી સાથે તાલુકે મોકલો. આ એક ખેતર રહ્યું છે તે એના ખાતે કરવાનું છે!' શેઠનું કહેવું સાંભળી ફળિયું પણ એક કાને ને ધ્યાને થઈ ગયું!

'તમે તે દિ' કીધું તું…' શેઠ, પારોઠ ફરી ઊભાં રહેલાં સમજુબાઈને ઉદ્ેશીને બોલ્યાઃ 'તમ જેવા મનેખ હામે જોવે તો સુખી થવાય…'

'ભાઈ…!' શેઠ ઊભા થતા બોલ્યાઃ 'મારે ઉપર જઈ તારા બાપને આનો જવાબ આપવો પડશેને!!'
શેઠનું કહેવું જીભ પરથી નહિ, પરંતુ તેમના હૃદયમાંથી પ્રગટયું હતું.

'હવે તો સુખીને!?' શેઠનું કહેવું સાંભળી સમજુબાઈનું ભાવભીનું હૈયું થડકારો ચૂકી ગયું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsLWpT0ngUS4UxFCdiPZspJN9V1%2BXTVuhYpTJXAmA%3DxbA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment