'સદમા' નહીં વજ્રાઘાત! હા, શ્રીદેવીના અચાનક મૃત્યુએ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના દિવસે તેમના ચાહકોને જે 'સદમા'નો એટલે કે આઘાતનો અનુભવ કરાવ્યો તે, હકીકતમાં તો આપણા સૌ માટે વજ્રાઘાત જ હતો. કોઇ માની શકતું નહોતું. અંગ્રેજી શબ્દ 'અનબિલિવેબલ'નો સૌથી વધુ ઉપયોગ કદાચ તે દિવસોમાં થયો હશે! તેથી તેમના દુબઈમાં થયેલા આકસ્મિક અવસાન પછી શ્રીદેવીના જીવન અને મૃત્યુ બન્ને વિશે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ સ્વાભાવિક જ પોતપોતાની ઢબે વિશાળ પાયે કવરેજ કર્યું જ હતું. છતાંય, સિનેમાના એક ગંભીર વિદ્યાર્થી તરીકે અમને સતત એમ લાગ્યા કર્યું છે, કે જેમની અભિનયની કારકિર્દી ૫૦ વરસ સુધીની રહી હોય, એવી એક વિક્રમસર્જક અદાકારાને પૂરતો ન્યાય થયો નથી. તેમને યાદ કરતાં મોટેભાગે એક સરખી વિગતો અને તે પણ તાજેતરની ઘટનાઓની જોવા મળી હતી. તેમાં, છાપાની ભાષામાં કહીએ તો, હેડલાઇન અને પેટાહેડિંગ કે બહુ તો 'બોક્સ આઇટમ' જેવા રિપોર્ટ્સ હતા. હકીકતમાં તો ગયા વર્ષે, ૨૦૧૭માં, જ્યારે શ્રીદેવીના પતિ બોની કપૂરે 'મૉમ' ફિલ્મ રિલીઝ કરીને પોતાની પત્નીની એક્ટિંગ કરિયરની સુવર્ણ જયંતિ મનાવી; ત્યારે અડધી સદી સુધી કેમેરાનો સામનો કરનાર એ અભિનેત્રીની વિગતવાર જીવનકથા મીડિયામાં ચારે તરફ છવાઇ જવી જોઇતી હતી. "મગર યે હો ન સકા, ઔર અબ યે આલમ હૈ કિ...", એમ બચ્ચન સ્ટાઇલમાં કહીને અફસોસ કરવાને બદલે હવે આભાર માનવાનો છે; આજથી શરૂ થતી આ સિરીઝ બદલ. શ્રીદેવીના જીવનને વધારે ઊંડાણમાં જઈને જોવાની તથા તેનું વિશ્લેષણ કરવાની તક આ શ્રેણીથી પ્રાપ્ત થઈ રહી છે. વાત છે ૧૯૮૩ની... જ્યારે શ્રીદેવી સાથે પ્રથમ પરિચય થયો, એક અભિનેત્રી તરીકે. તે દિવસોમાં મારી નોકરી એવી હતી કે કોઇપણ થિયેટરમાં ગમે ત્યારે, ગમે તે શોમાં જઈ શકાય, પિક્ચર જોઇ શકાય. કહોને કે ફિલ્મો જોવાની, તેના બિઝનેસ પર ધ્યાન રાખવાની મારી ફરજ હતી! એવા સમયે એક થિયેટરમાલિક મુંબઈ જઈને આવ્યા અને મને કહે કે "ચાલો, મારી સાથે ગાડીમાં બેસી જાવ. તમને કશુંક સરસ સંભળાવું..." હવે આ નવતર હતું. સામાન્ય રીતે નવા પિક્ચરની રજૂઆત અગાઉ સિનેમા માલિકો મુંબઈના નાઝ બિલ્ડિંગમાં આવેલી ડિસ્ટ્રીબ્યુટર્સની ઓફિસે જાય, ફિલ્મના ટ્રેઇલર કે ટ્રાયલ શો જુએ અને પછી પોતપોતાના શહેર માટે પ્રિન્ટ બુક કરાવે. બોમ્બેથી આવે ત્યારે પોસ્ટર્સ, લૉબી કાર્ડ્સ અને કેસેટો લઈને આવે. સૌ જાણે છે એમ, તે વખતે આજના જેવી ટેકનિકલ સુવિધાઓ નહીં કે એક સાથે એક જ શહેરમાં સંખ્યાબંધ થિયેટર્સમાં પિક્ચર રજૂ થાય. મલ્ટિપ્લેક્સનો જમાનો નહીં. બધે સિંગલ સ્ક્રીન થિયેટર જ. જો કોઇ મોટું પિક્ચર બે સિનેમામાં આવવાનું જાહેર થયું હોય તો પણ, પ્રિન્ટ તો એક જ હોય. બેઉ સિનેમાગૃહોમાં એક જ પ્રિન્ટ ચલાવવાની હોય એટલે શોના ટાઇમ અલગ અલગ હોય. ફિલ્મ એક જગ્યાએ સાડા અગિયારે શરૂ થાય તો બીજે બાર વાગે! તેને લીધે બે રિક્ષાઓ આખો દિવસ એક થિયેટરથી બીજા સુધી પ્રિન્ટનાં ચકરડાં લઈને ભાગા-ભાગી કરતી હોય એવાં દ્દશ્યો અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરત જેવાં મોટાં શહેરોમાં ત્યારે કૉમન હતાં. પણ નાનાં શહેરોમાં મોટાભાગે મોનોપોલીનો બિઝનેસ થતો. એક જ થિયેટરમાં ફિલ્મ લાગે. ધંધાની ભાષામાં જેને 'સોલો રિલીઝ' કહેતા તેનો એ જમાનો. 'સોલો' બુકિંગ કરાવીને આવ્યા પછી કોઇ સિનેમામાલિકને એટલા ચાર્જ થયેલા અગાઉ જોયા નહોતા અને આમેય સંગીત સાંભળતા લોંગડ્રાઇવ પર જવાનું અમને તો ગમે જ. ઉપડ્યા અમે બન્ને. તેમણે કારનું રેકોર્ડ પ્લેયર ચાલુ કર્યું અને 'હિમ્મતવાલા'નું ગાયન શરૂ થયું, "નૈનોં મેં સપના, સપનોં મેં સજના, સજના પે દિલ આ ગયા..." શરૂઆતના શબ્દો અને સંગીતરચના સાંભળીને હું હજી તો આ સંગીત લક્ષ્મી-પ્યારેની સ્ટાઇલનું છે એવું કાંઇ કહેવા જાઉં તે પહેલાં તો પેલા મિત્ર કહે, "બાપુ, આ ગાયનમાં જે મટકા ડાન્સ છે, એવો તમે કદી નહીં જોયો હોય. હીરોઇન નવી છે. પણ શું નાચી છે!..." એ દિવસે મ્યુઝિકની બારીકીઓની કોઇ ચર્ચામાં તેમને રસ નહોતો. તેમણે ભવિષ્યવાણી પણ કરી "આ પિક્ચર સુપરહિટ થશે અને હીરોઇન જબ્બર ચાલશે. ખાલી આ મટકા ડાન્સ પર જ પહેલા વીકના બધા ૨૮ શો હાઉસફુલ જવાના..." આવું તો જો કે દરેક સિનેમામાલિક નવું પિક્ચર લઈને આવે ત્યારે કહેતા. પણ 'હિમ્મતવાલા'એ અને "નૈનો મેં સપના..." એ ગીતે તો ખરેખર કમાલ કરી દીધી! પહેલા શોમાં એ ગાયન શરૂ થવાથી માંડીને પૂરું થતા સુધીમાં રંગબેરંગી ડિઝાઇનવાળાં અગણિત માટલાં સમુદ્રના બીચ પર અલગ અલગ રીતે ગોઠવાયાં હોય અને તેની આસપાસ જીતેન્દ્ર સાથે નાચતી નવી હિરોઇન શ્રીદેવીને લોકોએ સીટીઓ અને તાળીઓથી વધાવી એ સાથે જ એક સ્ટારનો જન્મ અમારી નજર સામે થયાનો અનુભવ થયો! (વર્ષો પછી દિવ્યા ભારતીનું 'વિશ્વાત્મા' અને "સાત સમંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ..." જોતાં 'સેમ ટુ સેમ' અનુભવ થયો હતો.) તે પછીના શોથી તો એ ગાયન પર પૈસા ઉછળવાના પણ શરૂ થયા. બીજા વીકથી કલેક્શન મજબૂત (તે દિવસોના ટ્રેડની ભાષામાં, 'રોક સ્ટેડી'!) થયાં અને પિક્ચર એવું ચાલ્યું કે કમાણીની દ્દષ્ટિએ ૧૯૮૩માં ચોથા નંબરે રહ્યું. હકીકતમાં તો હિન્દી સિનેમાની એક નવી પરંપરા શરૂ થવાના એ દિવસો હતા. અગાઉ ચાર-પાંચ વર્ષે નવા કલાકારો પૈકીના એકાદનો સિતારો ચમકતો. તેને બદલે દર સાલ જૂના જોગીઓ સામે નવોદિત કલાકારો પણ ધુંઆધાર શરૂઆત કરીને લાંબી રેસના ઘોડા સાબિત થવાના નવા દૌરનું આગમન થતું હતું. (અત્યારે તો નવી/ફ્રૅશ ટૅલેન્ટ દર મહિને કે કદાચ દર અઠવાડિયે આવી રહી છે અને બાપ રે, કેટલી ધરખમ પ્રતિભાઓ! દરેક આત્મવિશ્વાસથી છલોછલ ભરેલા આર્ટિસ્ટ.) એટલે જે વર્ષે અમિતાભ બચ્ચનની 'નસીબ', 'લાવારિસ', 'કાલિયા', 'યારાના' વગેરે આવી તે જ ૧૯૮૧માં કમલ હસન અને રતિ અગ્નિહોત્રીની સુપરહિટ 'એક દુજે કે લિયે' અને સંજયદત્તની 'રૉકી' આવી. '૮૨માં 'પ્રેમરોગ'થી પદ્મિની કોલ્હાપુરે બતૌર હિરોઇન ચમકી અને ૧૯૮૩માં તો સનસનાટી થઈ ગઈ! અમિતાભની 'કુલી' સૌથી વધુ કલેક્શન લાવી; પરંતુ, તે પછીના ત્રણેય ક્રમે ભવિષ્યના ત્રણ સ્ટારની ફિલ્મો હતી. 'બેતાબ' બીજા નંબરે; તેના હીરો સની દેઓલની દોડ કેવી હણહણાટીભરી રહી એ કોણ નથી જાણતું? તે પછી હતી 'હીરો' જેમાં શરૂઆત કરનાર જેકી શ્રોફ પણ લંબી રેસ કા સ્ટાર સિધ્ધ થયા. જ્યારે ચોથે ચોક પૂરનાર શ્રીદેવીએ પણ 'હિમ્મતવાલા'થી ધમાકેદાર પ્રારંભ કર્યો. પરંતુ, સાથે સાથે તે સાલ બૉક્સ ઓફિસનો, જાણવા જેવો એક અનેરો, ઐતિહાસિક રેકોર્ડ પણ સર્જાયો હતો.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov9FjX6__T1DkUF1aDq33woKD718YAb2R8Cvd_t6H7SCQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment