Wednesday, 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જો બીત ગઈ સો બાત ગઈ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જો બીત ગઈ સો બાત ગઈ!
દીપક સોલિયા
 

 


સોશિયલ મીડિયા પરની અધધધ સામગ્રીથી બચી નથી શકાતું. અલબત્ત, પૂરેપૂરા બચવાની જરૂર પણ નથી. એ બધામાં જે કામનું હોય એટલું જોવું અને સહેજ પણ નકામું લાગે તો તરત આગળ વધી જવું.

સવાલ 'જગ્યા'નો છે. દિવસ ૨૪ જ કલાકનો હોય છે અને જિંદગી બહુ બહુ તો સો વરસની જ હોવાની. આવામાં, તમારે ખૂબ મેળવવું હોય તો 'શું નથી જ જોઈતું?' એ મામલે સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. અમારા એક વરિષ્ઠ અને અત્યંત આદરણીય પત્રકારવડીલ રોજ સવારે અડધો ડઝન છાપાં ફ્ટાફ્ટ વાંચી લે અને કામની વાતો ટપકાવી લઈને 'ફ્રી' થઈ જાય. એમનું સૂત્ર કામનું છેઃ 'શું વાંચવું એના કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો છે, શું ન વાંચવું. જો તમને એ ખબર હોય કે આ તો હું નહીં જ વાંચું તો જે કંઈ વાંચવા જેવું છે તેના પર તમે વધુ ધ્યાન આપી શકો છો.'

 

બરાબર છે. મર્યાદિત સમયમાં મહત્તમ મેળવવું હોય તો 'ફેકસ' જરૂરી છે. ફેકસ જરા પણ ઢીલું પડે તો માણસ નકામા કચરામાં અને નકામી માહિતીઓમાં અટવાઈ પડે તેવી ભરપૂર શક્યતા ધરાવે છે આજનો યુગ.

 

મગજમાં જગ્યા (અને ઇવન આખેઆખા મગજને વિચારમાં) રોકી રાખતી એક ચીજ છે, ઇતિહાસ. ઇતિહાસ એટલે માત્ર એકદમ દૂરની વાતો નહીં, ઇવન ગઈ કાલની કે એક કલાક પહેલા ઘટેલી ઘટના પણ એક ઇતિહાસ છે. એની સાથે પનારો પાડી લીધા બાદ એનાથી છુટકારો મેળવવો જ પડે. તો જ રહી શકે મગજ તાજું, સ્વચ્છ, સ્વસ્થ અને સ્ફૂર્તિલું. બાકી, જીવન કે જગતમાં કોઈ સારી કે ખરાબ ઘટના ઘટે અને પછી કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી, અરે પેઢીઓ અને સદીઓ સુધી એમાં રાચ્યા કરવાનો કોઈ મતલબ નથી. ભૂતકાળના મિથ્યા અભિમાનમાં રાચતા પેલા ભદ્રંભદ્ર જેવા કે પછી ભૂતકાળની હારથી સતત છટપટાતા પેલા પાકિસ્તાન જેવા બનવાની જરૂર નથી.

 

ભૂતકાળને ભૂલી જવાની કે યાદશક્તિને નબળી પાડવાની આ વાત નથી. સારી સ્મૃતિ ખરાબ બાબત નથી. સવાલ સ્મૃતિઓમાં રાચવાનો છે.

 

સારા કે ખરાબ ભૂતકાળમાં રાચ્યા કરવાની વત્તીઓછી વૃત્તિ આપણા સૌમાં હોય છે. એટલું વળી ઓછું હોય તેમ સોશિયલ મીડિયા, નેતાઓ, પોતાના હિત ખાતર આપણને ઉશ્કેરવા માગતા લોકો વારંવાર આપણને ભૂતકાળમાં લઈ જવાની કોશિશો કરતાં રહે છે. આપણા દેશ પર વિદેશી શાસકો ચડી આવેલા… એક જમાનામાં ભારત આખા જગતનો સૌથી સમૃદ્ધ દેશ હતો… અગાઉની સરકારો વધુ ખરાબ કે વધુ સારી હતી… ફઈન. એ બધી વાતો સાચી હોય તો પણ આજે એનું શું છે?

 

આજની રાજકીય પરિસ્થિતિ વિશે એ મુગલવંશીના અભિપ્રાયો વિશેની એ ક્લિપ હતી. એક વાર તો લિન્ક પર ક્લિક થઈ ગયું, પરંતુ પછી તરત એક સવાલ મનમાં જાગતાંની સાથે જ વિન્ડો બંધ કરી દીધી. મનમાં જે સવાલ જાગ્યો તે આ હતોઃ આ માણસના વંશમાં એક પૂર્વજ સમ્રાટ અકબર હોય તો પણ એનું આજે શું છે?

 

અકબર તો દૂરનો ઇતિહાસ થયો. આજના અમિતાભની જ વાત કરીએ. અમિતાભ સુપરસ્ટાર છે. ફઈન. પણ પછી અભિષેકને મૂલવવો હોય ત્યારે એના પિતાને ભૂલવા જ પડે. એ જ રીતે, અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચન એક દિગ્ગજ કવિ હતા તો હતા. તેને લીધે અમિતાભમાં કવિત્વનું આરોપણ કરવાની જરૂર નથી.

 

આ જ અભિષેકના દાદા અને આ જ અમિતાભના પિતા એવા આ જ હરિવંશરાય બચ્ચનની એક ઉમદા કાવ્યપંક્તિ યાદ રાખવા જેવી છેઃ

_જો બીત ગઈ સો બાત ગઈ_
_જીવન મેં એક સિતારા થા_
_માના વહ બેહદ પ્યારા થા_
_વહ ડૂબ ગયા તો ડૂબ ગયા…_
_જો બીત ગઈ સો બાત ગઈ._

 

ટૂંકમાં, આ લેખના મુખ્ય બે જ મુદ્દા છેઃ

૧) વર્તમાનને મસ્ત રીતે માણવો હોય કે સાચી રીતે સમજવો હોય તો મગજ 'મુક્ત' હોવું જરૂરી છે. 'હાઉસફ્ુલ'ના પાટિયાં ઝૂલાવતા (સ્મૃતિઓમાં રાચતા) મગજમાં નવા વિચારો પ્રવેશી શકતા નથી.

૨) ભૂતકાળનો બોધ એક હોકાયંત્ર તરીકે દિશાસૂચન કરે ત્યાં સુધી ઠીક છે, બાકી ભૂતકાળને પગમાં બેડીની જેમ ન બંધાય કે ખભે ગાંસડીની જેમ ન ઊંચકાય.

 

આવી કોઈ બેડી કે ગાંસડી તમારી સ્પીડ તો નથી ઘટાડી રહી ને? ચેક કરી લેજો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsrKLjvK%3DevrrWBqP72voaUntxYdjH8kbFsks83ghLsnA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment