Tuesday 28 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આવા લોકોથી ચેતીને રહેવું જરૂરી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આવા લોકોથી ચેતીને રહેવું જરૂરી!
કેલિડોસ્કોપ :- મોહમ્મદ માંકડ

 


ચંદ્રકાન્તભાઈનું નામ એમના સમાજમાં ઘણું આગળ પડતું. ધર્મનું કામકાજ, ઉપાશ્રય, દેરાસર, પાંજરાપોળની પ્રવૃત્તિ માટે રાત-દિવસ જુએ નહિ. જરૂરિયાત વાળાઓને પણ કોઈક ને કોઈક પાસેથી મદદ મેળવી આપે.

 

આમ છતાં ચંદ્રકાન્તભાઈથી એમના સાઢુભાઈ અને બીજા કેટલાક સગાં-સંબંધીઓ નારાજ હતા. પ્રતિષ્ઠિત અને મોભાદાર ચંદ્રકાન્તભાઈ માટે એમના સાઢુભાઈ રમેશભાઈ કહેતા કે ધર્મ કરવો હોય તો ચંદ્રકાન્તે પોતાના પૈસે કરવો જોઈએ. એમણે અને રંજને (રમેશભાઈના સાળી અને ચંદ્રકાન્તભાઈના પત્નીએ) કંઈ કમાવું નથી, પરસેવો પાડવો નથી અને પારકે પૈસે મોટાં થતાં ફરવું છે. આવું તો ક્યાં સુધી ચાલે? હવે તો બીજા કેટલાક સગાં-વહાલાંઓ પણ ચંદ્રકાન્તભાઈની ધાર્મિકતાથી નારાજ થયાં છે.

 

ચંદ્રકાન્તભાઈમાં કુદરતી રીતે જ એવી આવડત હતી કે તેઓ પારકે પૈસે ધર્મ તો કરતા જ, ઉપરાંત દાન પણ પારકે પૈસે જ કરતા. પૈસા ગમે તેના હોય દાન આપનાર તરીકે એમનું નામ જ લખાતું. 'ધર્મ અને ભલાઈનું કામ કરવામાં પાછી પાની કરવાની હોય જ નહીં' એમ કહીને ભલભલા પાસેથી તેઓ પૈસા કઢાવી જતા અને તખ્તીઓ તો એમના નામની જ મૂકાવતા.

 

રમેશભાઈ બળાપો કાઢતા કે, ધર્મ કરવો હોય તો સૌથી પહેલાં દેવાં ચૂકવી આપવા જોઈએ. પણ એમને શરમેય થતી નથી. નવી નવી મોટરકારમાં ફર્યા કરે છે અને લેણદાર પૈસા પાછા લેવા જાય તો ધર્મની, મહારાજ સાહેબની, સાધ્વીજી મહારાજની વાતો કરે છે. કુશળ તો એવા છે કે ક્યારેક તો ઉઘરાણી કરવા આવેલ વ્યક્તિ પાસેથી કોઈક નાનો-મોટો ફાળો લઈને જ એમને છોડે છે!

 

ચંદ્રકાન્તભાઈ જ્યારે એમ કહે કે, "પૈસા સારા કામમાં વાપરવાના છે" ત્યારે સમજવાનું કે તમારા પૈસા એમણે વાપરવાના છે.


રમેશભાઈનો બળાપો એવો હતો કે, એમના પુત્રને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું હતું, એના પૈસાની જોગવાઈ જ થતી નહોતી. ત્યાં વળી ચંદ્રકાન્તભાઈને પૈસા કયાંથી આપવા?

 

પણ કેટલાક માણસોમાં (કેટલીકવાર અનેક ક્ષેત્રમાં નિષ્ફળ ગયા પછી) એવી હૈયા ઉકલત ખીલી ગઈ હોય છે કે, એ લોકો ધર્મ કરતા રહે છે, દાન કરતા રહે છે, ભલાઈનું કામ કરતા રહે છે અને એનો બોજો સ્વાભાવિક રીતે જ બીજાઓના શિરે પડતો રહે છે.અને એ બીજાઓના શિરમાં એક શીર તમારું પણ હોઈ શકે છે! એમાં ય જો તમે શરમાળ પ્રકૃતિના હો તો તો એક શિર તમારું હોવાનું જ.


જિંદગીના સફરમાં આપણને આપણાં પાડોશમાં, સગાં-સંબંધીઓમાં, નોકરી, વ્યાપાર કે વ્યવસાયના સ્થળે આવા કુશળ માણસોનો અનુભવ થતો જ રહે છે.

 

કેટલાક માણસો તમને શરમાળને એમનું કામ કરાવી જશે તો કેટલાક લોકો તમને હુલાવી ફુલાવીને કે તમારી ખોટી પ્રશંસા કરીને પોતાનું કામ કઢાવી જશે. કહેશે કે 'દસ હજારની જરૂર છે. આટલી નાની રકમ તો તમારા માટે કાંઈ ન ગણાય.'

 

કેટલાક સગાં-સંબંધીઓ, કુટુંબીઓ એવાં મળશે કે કામ કરાવતી વખતે તમારી ઉપર એવો હકદાવો કરશે કે,'આટલું પણ તમે ન કરી શકો તો સગાં તરીકે કામના શું?'


'જે સગાં ટાણે કામમાં ન આવે એ સગાં હોય તોય શું? ને ન હોય તોય શું?'
'પૈસાની અત્યારે જરૂર છે. પછી આપો કે ન આપો બધું સરખું છે.'

 

આનો અર્થ એવો નથી કે પૈસા અથવા બીજી કોઈ મદદ માગવા આવનાર બધા ધુતારા, ઠગ કે આળસુ હોય છે અને માણસની જિંદગી એવી છે કે એમાં માણસને ગમે ત્યારે એકબીજાની જરૂર પડે અને એવા વખતે એકબીજાને ઉપયોગી થવું એ એક સંસ્કારી માણસની ફરજ પણ છે. આનો અર્થ એટલો જ છે કે, ધુતારાઓ, કામચોર કે બીજાના પૈસે તાગડધિન્ના કરતા કે પ્રતિષ્ઠા કમાતા લોકોથી શરમાઈને કે દબાઈને એમની વૃત્તિને પોષવી. બહેતર છે કે એવા માણસોને શરમાયા વગર સ્પષ્ટ ના કહી દેવી.

 

એક સંબંધીને એક ભાઈએ કહ્યું કે, 'આજે તો એવી જરૂરિયાત ઊભી થઈ ગઈ હતી કે, તમારી પાસે આવવું જ પડે પછી જોકે કામ પતી ગયું એટલે ન આવ્યો.'


સંબંધીએ હસીને કહ્યું, 'ન આવ્યા એ સારું કર્યું. મારાથી કોઈ સગવડ થઈ શકી ન હોત.'

 

એકવાર ઉછીના માગનારને એક મિત્રે ના પાડી તો પેલાએ તરત જ કહ્યું, "તમારી પાસે આટલી નાની રકમ ન હોય એવું માનવા હું તૈયાર નથી."
ઠરેલ અને ડાહ્યા મિત્રે કહ્યું, "મેં ક્યાં કહ્યું કે રકમ નથી? મેં કહ્યું કે હું તમને આપી શકું તેમ નથી."

 

આવા સ્પષ્ટ જવાબો ભાગ્યે જ કોઈ આપી શકે છે. સંબંધો બગડવાનો એમાં ડર રહેલો હોય છે. ઉછીની રકમો આપ્યા પછી આપનારને એ ભૂલી જવાની તૈયારી ન હોય ત્યારે આપનાર અને લેનારના સંબંધો બગડવાની ભીતિ રહે જ છે.

 

કેટલાક લોકોની ધાર્મિકતા, સેવા, અરે, સાદગી પણ બહુ મોંઘી હોય છે, અને ખાસ કરીને એ નજીકના લોકો ઉપર બોજારૂપ બનતી હોય છે.

 

જેમણે ધર્મ કરવો હોય એમણે જાતે જ કરવો. ભલાઈનું કામ કરનારને કોઈ રોકી શક્તું નથી. ભલાઈનું કામ પણ જાતે જ કરવું, બીજાઓ દ્વારા ભલાઈ કરવાથી ઉપકાર લેનારને માટે ઘણીવારએ શરમજનક બની જાય છે.

 

અશ્રદ્ધાળુઓ ન માને પણ શ્રદ્ધાળુઓ તો માને જ છે કે હાથીને હાથી જેટલું અને કીડીને કીડી જેટલું મળી રહે છે. સૃષ્ટિના પાલનહાર પાસે વ્યક્તિએ કોઈના વાયા જવાની જરૂર નથી.

 

જગતના દરેક ધર્મમાં સાદગીનું ખૂબ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે અને પૈસાનું ક્યાંય મહત્ત્વ નથી. આમ છતાં, આજકાલ ધર્મમાં દેખાદેખીથી પૈસાનું ખૂબ મહત્ત્વ વધી ગયું છે અને એ રીતે ધર્મો તકલાદી થતા જાય છે. ધર્મના કામની વાત કરીને એના વહીવટ કરનારાઓ પણ ખૂબ વધી ગયા છે અને આવી જ પરિસ્થિતિ રહેશે તો વહીવટ કરનારાઓ વધતાં જ જશે અને, એટલે જ એમનાથી સાવધાની રાખવાની જરૂર ઊભી થઈ છે.

 

બાકી તો તુલસીદાસ કહે છે એમ દુનિયામાં ભાતભાતના લોકો વસે છે અને આપણી આ નાનકડી જિંદગીમાં આપણે જો બીજાને ઉપયોગી ન થઈ શકીએ તો જીવનનો અર્થ પણ શું છે? જીવન એક બીજાની હૂંફથી જ જીવી શકાય છે. હૂંફ આપવાનો કે લેવાનો ઈન્કાર કરવો એ જીવનનો જ ઈન્કાર કરવા બરાબર છે. આમ છતાં, કેટલાક લોકોથી ચેતીને રહેવા જેવું હોય છે એ વાતનો પણ ઈન્કાર થઈ શકે એમ નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ovxgi%2BXhio5Tk0e3%3DvLL5DkF6jkNJ-9Lzx1Lf6ov%3DCc_A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment