મોદી સરકારે કાગળ પર જે કેટલીક ઉમદા યોજનાઓ રેખાંકિત કરી છે એમાંની એક યોજના છે 'પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા.' સાક્ષરતા એ સુસંસ્કૃત સમાજનું આગવું લક્ષણ મનાય છે. જે દેશનો પ્રત્યેક નાગરિક શિક્ષિત હોય એ દેશને પ્રગતિને પંથે આગળ વધતો કોઇ ન રોકી શકે. શિક્ષણ ઉજ્જવળ ભવિષ્યનું પ્રેરક બળ છે. જોકે, શિક્ષણના મામલે આપણા દેશમાં વર્ષો સુધી વિરોધાભાસી પરિસ્થિતિ જોવા મળી છે. એક તરફ કેરળ જેવા રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ 100 ટકાએ પહોંચી ગયેલું જોવા મળે છે તો બીજી તરફ બિહારમાં ઘણે ઠેકાણે કાળો અક્ષર ભેંસ બરાબર જેવી અવસ્થા વર્ષો સુધી જોવા મળી છે. અલબત્ત સત્તાવાર માહિતી મુજબ હવે પરિસ્થિતિ દિવસે દિવસે સુધરી રહી હોવાનું ચિત્ર નજરે પડી રહ્યું છે. બિહાર જેવા રાજ્યમાં પણ સાક્ષરતાનો દર સુધરી રહ્યો છે. 'પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા'નો નારો હકીકત બનવાના વધુ એંધાણો મળી રહ્યા છે. વાત હરખાવાની ચોક્કસ છે. જોકે, ડિજિટલ ઇન્ડિયાની પ્રગતિના સમાચાર એક તરફ આનંદ આપે છે તો બીજી તરફ શિક્ષકોની અછત કે પછી બાળકોને વિષમ વાતાવરણમાં ભણવું પડતું હોવાની વાતો આંચકો આપી જાય છે. આ પરિસ્થિતિમાં ગામડાનાં બાળકો શિક્ષણથી વિમુખ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે જે ચોક્કસ અકળાવનારી બાબત છે. અહીં કર્ણાટકના હાસન જિલ્લાની એક શાળાના વર્ગમાં કેવી હાલતમાં બાળકો શિક્ષણ લઈ રહ્યા છે એનું નિરુપણ કર્યું છે. એ જાણીને તમે ચોક્કસ વ્યથિત થશો અને તમને એવો પણ વિચાર આવશે કે આવી પરિસ્થિતિમાં 'પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા'નો નારો હકીકત કઇ રીતે બની શકે? કર્ણાટકના હાસન જિલ્લાના મલિપટના નામના ગામમાં આવેલી એક સરકારી શાળાની આ વાત વ્યથિત કરી દેનારી છે. અહીં આ વર્ષે મેઘરાજાએ મહેર કરી છે અને એટલે જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જાહ્નવી નામની દસમા ધોરણની વિદ્યાર્થીની છત્રી લઈને શાળાએ જવા નીકળી છે. વાત સ્વાભાવિક છે, પણ વાત હજી આગળ છે. જાહ્નવી શાળાએ પહોંચીને છત્રી બંધ નથી કરી દેતી, એ ક્લાસમાં પણ ઉઘાડી છત્રી રાખીને બેસે છે, એને બેસવું પડે છે. આવી કરુણ અવસ્થા માત્ર એની એકલીની નથી. વર્ગમાં ભણી રહેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ આવી જ વસમી અવસ્થાનો સામનો કરી રહ્યા છે. ક્લાસની છતમાંથી પાણી ટપકતું હોવાને કારણે માથા પર અને વધુ મહત્ત્વ તો પુસ્તકો અને નોટબુકોને ભીના થતા અટકાવવા તેમણે ખુલ્લી છત્રી રાખીને બેસીને ભણવું પડે છે. હવે વિરોધાભાસ જુઓ. વિદ્યા વિનયથી શોભે એવી કહેવત અમસ્તી નથી પડી એનો અહેસાસ આ શાળાની કામગીરી કરાવે છે. આવી વિષમ પરિસ્થિતિમાં અભ્યાસ કરવો પડતો હોવા છતાં આ વિદ્યાર્થીઓની લગનને બે હાથે સલામ કરવાનું મન થાય એવી એમની કામગીરી રહી છે. 2017-18ના શૈક્ષણિક વર્ષમાં હાસન જિલ્લાની જે જૂજ શાળાઓનું એસએસસીનું પરિણામ 100 ટકા આવ્યું એમાં એક નામ આ શાળાનું પણ છે. આજથી 56 વર્ષ પહેલા એટલે કે 1962માં આ શાળા શરૂ કરવામાં આવી હતી. સોળ વર્ષ અહીં વિદ્યાર્થીઓનું ભણતર ચાલ્યા પછી એની ઇમારત બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે 1978માં આખીય શાળા નવી ઈમારતમાં ખસેડવામાં આવી એ ઈરાદા સાથે કે બાળકોને ભણતરની વધુ સુવિધાઓ મળી શકે. આજની તારીખમાં આ સરકારી શાળામાં આઠથી દસમા ધોરણના વર્ગો ચાલે છે જેમાં ક્ધનડ અને અંગ્રેજી એમ બે માધ્યમમાં મળીને 168 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એમને સારું શિક્ષણ નિયમિત સ્વરૂપે મળતું રહે એ માટે શાળાની ઈમારતમાં આઠ ક્લાસરૂમ છે. જોકે, કરુણતા એ વાતની છે કે એમાંથી માત્ર ત્રણ ક્લાસ જ સારી હાલતમાં છે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવી શકાય. આ સંદર્ભમાં માહિતી આપતા શાળાના હેડમાસ્તર એમ. પી. શિવપ્રકાશ જણાવે છે કે 'એક જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવી શકાય એ હેતુથી અમે અંગ્રેજી તેમ જ ક્ધનડ ભાષામાં શિક્ષણ લેતા બાળકોને એક સાથે કરી નાખ્યા છે. અમે અત્યારે ત્રણ ક્લાસરૂમનો ઉપયોગ કરી રહ્યા છીએ અને બીજા જે ક્લાસની છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે એને તાળાં મારીને બંધ કરી દીધા છે.' હકીકત એમ છે કે મલિપટના ગામમાં છેલ્લા 40 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. શાળા સરકારી હોવાને કારણે વાત જિલ્લા પરિષદ સુધી પહોંચી ગઇ છે. સ્વાભાવિક રીતે મીટિંગો બોલાવાઇ હશે, ચર્ચાઓ થઈ હશે અને નિર્ણયો લેવાયા હશે. જિલ્લા પરિષદના સભ્ય એસ. પી. રેવાના આ અંગે માહિતી આપતા જણાવે છે કે 'સરકારી શાળાની આ ઈમારત ઘણી જૂની છે. ગયા વર્ષે પણ સમસ્યાઓ અંગે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે હાસન જિલ્લા પંચાયતે બે લાખ રૂપિયા મરમ્મત માટે ફાળવ્યા હતા. એ પૈસામાંથી તાડપત્રીઓ ખરીદીને એને બે ક્લાસની છત પર પાથરીને લીકેજ અટકાવી દેવામાં આવ્યું હતું.' લીકેજની કેવી વ્યવસ્થા? આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા વધુ બે લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. જોકે, એ નાણાં ખર્ચી શકાયા નહોતા, કારણ કે એ સમયે આચારસંહિતા અમલમાં હતી. ટૂંકમાં ઈમારતની વધુ મરમ્મત થઇ ન શકી. પાણીના ગળતર ઉપરાંત બીજી કેટલીક સમસ્યાઓથી પણ રાજ્યની અન્ય સરકારી શાળાઓ પરેશાન છે. ભૂતકાળમાં શાળામાં ચોરીના બનાવો ઉપરાંત કેટલાક અસામાજિક તત્ત્વોએ ઘૂસીને તોડફોડ કરી હોવાના અનિચ્છનિય બનાવો પણ બન્યા છે અને એની પોલીસ ફરિયાદ સુધ્ધાં થઇ છે. અકળાવનારી વાત એ છે કે આ સમસ્યા પ્રત્યે ઘોર ઉદાસીનતા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના ભાવિ વિશે કોઇ દરકાર ન હોય એવું ચિત્ર ઉપસે છે. કેટલાક પ્રયત્નો તેમ જ ફરિયાદો પછી પણ આવી બેહાલી એક વરવું ચિત્ર ઊભું કરે છે. જિલ્લા પરિષદના સભ્ય એસ. પી. રેવાના આ વિષયમાં વધુ જાણકારી આપતા જણાવે છે કે 'શાળાની ઈમારત બહેતર બનાવવા અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ઘટાડવા માટે અમે ભંડોળની માગણી કરતા આવ્યા છીએ. શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાની ફરિયાદ કરવામાં આવે છે. તમે જ કહો કે જે ક્લાસરૂમની છતમાંથી પાણીનું ગળતર થતું હોય એવી જગ્યાએ વાલીઓ પોતાના સંતાનોને ભણવા મોકલે એવી અપેક્ષા વધુ પડતી નથી? ઘણી વખત અચાનક વરસાદ પડવાથી બાળકોના પુસ્તકો અને કપડાં ભીના થઈ જાય છે. હું આશા રાખું છું કે અમારી સમસ્યાની નોંધ સરકાર ગંભીરતાથી લેશે અને શાળા માટે નવી ઈમારતના બાંધકામને મંજૂરી આપીને એને માટે જરૂરી નાણાં ભંડોળ ફાળવશે.' જોકે, સમસ્યા માત્ર કેવળ છતમાંથી થતા ગળતરને કારણે ટપકતા પાણીથી થતી વિદ્યાર્થીઓની હેરાનગતિની જ નથી. ક્લાસરૂમ ઓછા હોવાને લીધે ક્ધનડ તેમ જ અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓએ સાથે બેસીને શિક્ષણ લેવું પડે છે. એટલે થાય છે એવું કે બેઉ ભાષાના જુદા જુદા વિદ્યાર્થીઓને શિક્ષકોએ સાથે ભણાવવા પડે છે. આ વાત કેટલી મુશ્કેલ છે એ ફોડ પાડીને કહેવાની જરૂર ખરી? હવે વિચાર કરો કે આવી અવસ્થામાં પણ શાળાના એસએસસીના વિદ્યાર્થીઓ સાતત્યપણે સારું રિઝલ્ટ લાવી રહ્યા છે. આ જોતા શાળા પ્રત્યેની સરકારની ઉપેક્ષા અને બેદરકારી આંખમાં કણાની જેમ ખૂંચે એવી છે. સરકારે સત્વરે શાળાની સમસ્યાઓને ધ્યાનમાં લઇને જરૂરી પગલાં લઈને માળખાકીય સગવડો વધારવી જોઈએ એવો એકમત વ્યક્ત થઇ રહ્યો છે. ચૂંટણી વખતે વચનોની લહાણી કરતા સરકારી માધ્યમો શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે વધુ સજાગ બને એ જરૂરી છે. વિદ્યાર્થીઓ આ અવસ્થામાં પણ જે લગનથી અભ્યાસ કરી રહ્યા છે એ બદલ તેમને સલામ કરવી જોઇએ. જોકે, 'પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા'નો નારો બોદો પડી ન જાય એ માટે ઉત્તમ શૈક્ષણિક સગવડો મળતી રહે એ જોવાની જવાબદારી સરકારની છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov7sm2A7VZLCKOhzv6r6C9wWuFimkri4dgKBbUXWf2ufA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment