Tuesday 28 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રેમ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રેમ!
સ્પર્ધકની કૃતિ - ગીતા દુબલ (મલાડ)
 

એક અંધ યુવાન હતો. તેને બધાની સામે ફરિયાદ હતી. તે બધા માણસોને અને ઇશ્ર્વરને સુધ્ધાં ધિક્કારતો હતો. ચક્ષુહીન હોવાથી બધા તેની ઉપેક્ષા કરતા હતા. આ સ્થિતિ તેને અસહ્ય લાગતી હતી. અચાનક ખારા રણમાં મીઠી વીરડીની જેમ એક યુવતી તેની જિંદગીમાં આવી.

 

અંધ યુવાન તે યુવતીને પ્રેમ કરવા માંડ્યો. પેલી યુવતી પણ તેના પ્રેમમાં પડી ગઇ હતી. તેથી અંધ યુવાનની જિંદગીમાં રોમાંશ ઉમેરાયો. તે પ્રિયતમા સાથે લાંબી લાંબી વાતો કરવા લાગ્યો. અને પોતાની મોટેભાગે હૈયાવરાળ ઠાલવતો હતો. તેની પ્રેયસી બહુ જ સમજુ અને વિદ્વાન હતી. પ્રેમિકા અંધ પ્રેમીના ચહેરા ઉપર પોતાની કોમળ આંગળીઓ ફેરવી અને એ સ્પર્શથી તેને અહેસાસ કરાવતી હતી. દુનિયામાં કોઇ વ્યક્તિ તો છે જે તેના માટે ઇશ્ર્વરે સર્જન કર્યું છે.

 

માશુકાના સ્પર્શથી અંધ યુવાનના રૂવાડાં ખડાં થઇ જતાં. એ ક્ષણો દરમિયાન તે પોતાના અંધાપાને ભૂલીને ખુશી વ્યકત કરતો. ઘણીવાર પ્રિયાનો હાથ પકડીને તે બોલી ઉઠતો કે અંધાપાને કારણે મને જીવન આકરું લાગતું હતું. પરંતુ તું મારા જીવનમાં પ્રવેશી એ પછી હવે મને તો દિલફાડીને જીવન જીવી લેવાની ઇચ્છા થાય છે. તારી હાજરીથી હું ધન્ય થઇ જાઉં છું. પરંતુ "હું અંધ માણસ છું એટલે તને જીવનભર બાંધી રાખી શકું તેમ નથી.

 

પ્રેમિકા કહેતી કે તું જેવો છે એવો મને ગમે છે. અને હું તારી સાથે લગ્ન કરીને તારી આંખો બની જઇશ. પરંતુ અંધ યુવાનને પ્રિયતમાનું એવું બલિદાન મંજૂર નહોતું. તે કહેતો કે "અંધ માણસનું જીવન કેવું દુષ્કર હોય છે એની તને કલ્પના નથી અને આ મતલબી દુનિયા અંધ માણસો પ્રત્યે બહુ નિષ્ઠુર છે. માટે તું મારા જેવા અંધ માણસને પરણીશ તો તારું જીવન પણ દુષ્કર બની જશે. 'હું દિલના ઊંડાણથી ચાહું છું, પરંતુ મારી ખુશી માટે હું તારા જીવનને બદબાદ ન કરી શકું. તું મારા જીવનમાંથી ચાલી જશે એ કલ્પના પણ મને ધ્રુજાવી દે છે. પણ એમ છતાં હું તને અત્યારે પરણી શકું નહીં. હા, હું દૃષ્ટી મેળવીશ તો તારી સાથે કોઇ પણ સંજોગોમાં લગ્ન કરીશ.

 

એ પછી અંધ યુવાને કોઇની પાસેથી આંખોનું દાન મેળવવાનું અભિયાન હાથ ધર્યું. મરતાં પહેલાં ચક્ષુદાન કરી જનારા માણસોમાંથી કોઇની આંખ પોતાને મળી જાય તો પોતાનું જીવન ધન્ય થઇ જાય અને પોતે પ્રેમિકા સાથે લગ્ન કરીને સુખી સંસાર શરૂ કરે. આવા સુંદર વિચારોમાં ગળાડૂબ રહેવા માંડ્યો.

 

અંધ યુવાનની ઇચ્છા ફળીભૂત થઇ. એક દિવસ તેને ખબર પડી ગઇ કે કોઇએ તેને આંખોનું દાન કર્યું છે. પોતે હવે પ્રકાશમય દુનિયા જોઇ શકશે અને તેનાથી પણ વિશેષ તો પોતાની પ્રેયસીને જોઇ શકશે. એ વિચારથી તે અંધ યુવાન સ્વર્ગમાં વિહરવા માંડ્યો. નિશ્ર્ચિત દિવસે તેના પર ઓપરેશન હાથ ધર્યું. ઓપરેશન થિયેટરમાં જતાં અગાઉ અંધ યુવાને તેની પ્રિયતમાને કહ્યું કે હવે ગણતરીના દિવસોમાં આપણે પરણી જઇશું.

 

પ્રેમિકાએ અંધ પ્રેમીની હથેળી દબાવી અને કહ્યું કે હું એ દિવસની ઉત્કટતાથી રાહ જોઇ રહી છું.

 

અંધપ્રેમી પર સફળ ઓપરેશન થયું અને તેને દૃષ્ટિ મળી. તેણે ડૉક્ટરને કહ્યું કે મારે સૌ પ્રથમ મારી પ્રિયતમાને જોવી છે. તેની પ્રિયતમા ત્યાં જ હતી. પ્રેયસીનો ચહેરો જોવા માટે "બે તાબ બની ગયેલા અંધ યુવાનની ધીરજનો અંત આવી ગયો હતો. તે જાણે સાતમા આસમાનમાં વિહરતો હતો, પરંતુ જ્યારે તેણે આંખો ખોલી અને પ્રિયતમા સામે જોયું ત્યારે તેને લાગ્યું કે તે આસમાનમાંથી નીચે પટકાયો છે. તેની પ્રેમિકા આંધળી હતી.

 

અંધ યુવાનને આઘાત લાગ્યો. તેણે પ્રેયસીના ચહેરા તરફથી નજર હટાવી લીધી. દૃષ્ટિહીન પ્રેમીએ દૃષ્ટિ મેળવ્યા પછી પ્રેમિકાને જોઇને જ લાગણી અનુભવી હતી તે પ્રેમિકા સુધી પહોંચી નહોતી. તે ઉમળકાભેર પ્રેમી તરફ આગળ વધી ખાં- ખાં - ખોળા કરીને તેણે પ્રેમીનો હાથ શોધ્યો. અને ઉષ્માભેર સ્પર્શ કર્યો. પછી માર્દવતાથી પ્રેમીની હથેળી પોતાના બે હાથ વચ્ચે દબાવી અને પ્રેમીને પૂછ્યું, હવે તો તું મારી સાથે લગ્ન કરીશને?

 

પ્રેમીએ ઝટકો મારી ને પોતાનો હાથ છોડાવી લીધો અને સાફ શબ્દોમાં કહી દીધું કે તારી સાથે હું કોઇ કાળે લગ્ન નહીં કરું, તું અંધ છે.

 

પ્રેમીના આ શબ્દો સાંભળીને પ્રેમિકાએ પોતાની જાતને સંભાળવા કોઇનો સહારો લેવો પડયો. તેણે યુવાનને એટલું જ કહ્યું "મારી આંખોની કાળજી રાખજે અને રવાના થઇ ગઇ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osx4C8%3DCTiAemJA9CUgHmZ9BdLm5B7CN7hRRPrehVCj%2BQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment