Friday 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અંતરનેટની કવિતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અંતરનેટની કવિતા!
અનિલ ચાવડા
 


 
બાળપણમાં ઉખાણાની રમત રમી હોય એવું કોઈને યાદ છે?

લોગ ઇનઃ

સરસ સરોવર એક, ભર્યું છે નિર્મળ નીરે,
પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે.
તે સર સમીપ જાય, બૂડે જન જોતાં ઝાઝા,
દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા.
કવિ શામળ કહે કારમું, હોંશીજનને હિત હશે,
સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.

– શામળ ભટ્ટ

શામળ ભટ્ટ આપણા મધ્યકાલીન સમયના કવિ. મદ્યકાલીન સમયમાં તેમણે રચેલી પદ્યવાર્તાઓ ખૂબ જ લોકપ્રિય હતી. તેમનો વ્યવસાય કથાકારનો હતો. આજે જેમ મોરારિબાપુ રામકથા કરે છે, તેમ એ સમયે શામળ ભટ્ટ પદ્યવાર્તાઓ કહેતા. તે સમયે મનોરંજનના વિશેષ સાધનો હાથવગાં નહોતા. લોકો આખા દિવસના કામથી પરવાર્યા પછી સાંજે આ વર્તાઓ સાંભળવા ઉમટતા. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશકાળની પૌરાણિક કથાઓનો આધાર લઈને શામળ ભટ્ટ સુંદર વાર્તાઓ રચતા. એ વાર્તામાં પોતાની મૌલિક કથનકળા અને કલ્પનાકળા તેઓ ઉમેરતા. આ વાર્તાઓનો મુખ્ય આશય સમાજને મનોરંજન સાથે બોધ આપવાનો રહેતો. વાર્તાઓમાં ઘણી વાર ઉખાણાં પણ આવતાં. કાવ્યસ્વરૂપે આવતાં આ ઉખાણાં લોકોની બુદ્ધિને કસતાં. વાર્તામાં રહસ્ય જગવતાં. આજનાં બાળકોને જોકે ઉખાણાં સાથે વિશેષ નિસબત નથી, તેમને રાય્મ્સ અને ગેમ સાથે ઘરોબો છે. તેમને મોબાઈલ સાથે મૈત્રી બંધાઈ ગઈ છે. આ મૈત્રી બીજી રમતોને જલદી નજીક આવવા દેતી નથી. પહેલાંના સમયમાં રમાતી ઉખાણાની બૌદ્ધિક રમત બાકળોમાંથી આજે ગાયબ થઈ ગઈ છે. બાળપણમાં ઉખાણાની રમત રમી હોય એવું કોઈને યાદ છે? આજના અમુક યુવાનો, પ્રૌઢો અને વૃદ્ધોને બાળપણમાં રમેલી ઉખાણાની રમતો યાદ હશે. કેટકેટલાં ઉખાણાં પૂછાતાં, ગમ્મતો થતી. ખૂબ મજા પડતી. 'એક જનાવર એવું, પૂંછડે પાણી પીતું', 'કૂવામાં કોષ તરે.' જેવાં અનેક ઉખાણાં પૂછાતાં.


ઉપરની કવિતા ઉખાણાં સ્વરૂપે છે. આપણે મગજ કસીને નક્કી કરાવનું છે કે એ ઉખાણું શેનું છે? કવિએ તો વાત કરી દીધી કે એક સરસ સરોવર છે, તેમાં નિર્મળ નીર ભર્યું છે, પણ એ નીર કોઈ પી શકતું નથી. એ સરોવરને આરે આવીને કોઈ હંસ પણ બેસતા નથી. કોઈ પંખી પણ આવતાં નથી એવું કહીને કવિએ જિજ્ઞાસા જગાવી છે. વળી આ સરોવરમાં અનેક લોકો ડૂબી ગયા છે એવું કહીને રહસ્ય પણ ઊભું કર્યું છે.

 

આ ઉખાણું અરીસા વિશેનું છે. અરીસો નિર્મળ અને સ્વચ્છ સરોવર જેવો હોય છે. તે સરોવરનો આભાસ ઊભો કરે છે. આપણે ત્યાં કવિતામાં અરીસાને સરોવર જેવો કે સરોવરને અરીસા જેવું ઘણી વાર કહેવામાં પણ આવ્યું છે, પણ અરીસારૂપી સરોવરનું પાણી કોઈ પી થોડું શકે? તેના કિનારે કોઈ પંખી ઓછાં બેસવાં આવે? વળી અરીસામાં જોઈને પોતાના રૂપની પાછળ ઘેલા થનારા આપણે ત્યાં ક્યાં ઓછા છે! સરોવરમાં ડૂબવાની વાત અરીસામાં જોઈને પોતાની જ પાછળ ઘેલા થવાની છે. પોતાના જ પ્રેમમાં પડવાની વાત તો ઘણી જૂની છે. હજારો વર્ષ પહેલાં નાર્સિયસ નામનો એક માણસ હતો. તે ખૂબ જ રૂપાળો હતો. પણ તે વખતે અરીસાની શોધ નહોતી થઈ. તેણે પોતાને ક્યારેય જોયો નહોતો. તેને જોઈને ઇકો નામની એક સુંદર યુવતી તેના પ્રેમમાં પડી હતી. પણ નાર્સિયસે તેને ઠુકરાવી દીધી, ધીરે ધીરે તે દુબળી પડતી ગઈ, એ હદે દુબળી પડી ગઈ કે તેનું શરીર સાવ જતું રહ્યું, માત્ર તેનો અવાજ જ બચ્યો. કદાચ આજે અવાજ માટે ઇકોસાઉન્ડ શબ્દ વપરાય છે, તે ત્યાંથી આવ્યો હોય તો નવાઈ નહીં! આ નાર્સિયસ એક દિવસ એક શાંત સરોવરમાં પાણી પીવા માટે ઉતર્યો. સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને પોતાના જ પ્રેમમાં પડી ગયો. તે ચુંબન કરવા ગયો, ત્યાં તેનું પાણીમાં રહેલું પ્રતિબિંબ વમળોમાં વિખરાઈ ગયું. આવું વારંવાર થયું. તે ન પાણી પી શક્યો કે ન પોતાના પ્રતિબિંબને ચૂમી શક્યો. આખરે તરસને લીધે તેનું મૃત્યુ થયું. અરીસો પણ આપણને આપણા પ્રેમમાં પાડે છે, તેના આ ભેદી જાદુથી બચવા જેવું ખરું. પરંતુ આ ઉખાણાને અંતે કવિ 'સ્વામી લાવો સોહામણું, તો સોળે પૂરા થશે.' એવું કહી પતિ પાસે અરીસો મગાવતી નાયિકા દ્વારા અરીસાથી યૌવનને પૂર્ણતા મળે છે તેવો પણ સંકેત કરે છે.

 

ઉખાણું માણસની બુદ્ધિને કસે છે. ઉખાણાં રચનારની એ જ તો કળા છે કે તેનો રચનાર તમને દિશા ચીંધે છે, રહસ્ય જગવે છે, ભરમાવે પણ છે. આજના સમયમાં અમુક જિગર જોષી પ્રેમ જેવાં બાળસાહિત્યમાં ખેડાણ કરતાં સાહિત્યકારો ઉખાણાં રચી રહ્યા છે તે સારી વાત છે. શામળના ભટ્ટના આ ઉખાણાની વાત કર્યા પછી, થોડાક ઉખાણાંથી જ લેખને લોગઆઉટ કરીએ.

 

લોગ આઉટઃ

રાતે જુએ ને દિવસે અંધ, પાસે જાઓ તો મારે ગંધ,
પગ ઉપર ને નીચે અંગ, કાળો મેશ જેવો છે રંગ.

(ચામાચીડિયું)
 
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ,
જે કોઈ આવે વચમાં, કપાઈ જાય એની કચકચમાં.

(કાતર)
 
હવા કરતા હળવો હું, રંગે બહુ રૂપાળો છું,
થોડું ખાઉં ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં.

(ફુગ્ગો)
 
શરીર નહીં પણ જન્મે ખરી, મોં નહીં પણ કરે અવાજ,
હાથ મહીં વસવાટ કરે, જન્મી એવી ઝટ મરે.

(ચપટી)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsQAcbdirYUbfkF%3DN3A5vCqjazTMfHRm9zuUvtyZP4muA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment