Wednesday 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સારું છે માટે મારું છે કે મારું છે માટે સારું છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સારું છે માટે મારું છે કે મારું છે માટે સારું છે?
ઉઘાડી બારી -ડૉ. દિનકર જોશી

કે મારું છે માટે સારું છે?

અમુકતમુક ફૂલ મને બહુ ગમે છે. એ જ રીતે ફલાણી-ઢીંકણી વાનગી મને બહુ ભાવે છે. (અહીં ભાવવું અને ગમવું બંને એક જ ભાવ દર્શિત કરે છે.) તમને મારું આ પ્રિય ફૂલ મુદ્દલ ગમતું નથી. એ જ રીતે મારી આ મનગમતી પ્રિય વાનગી પણ તમને નથી ભાવતી. મારા આ ગમા સામે તમે મોં મચકોડો છો અને તમારા મોઢા સામે જોઈને મારા ચહેરા ઉપર અણગમો વ્યાપી જાય છે.

મને આ ફૂલ શું કામ ગમે છે અથવા એ જ ફૂલ તમને શું કામ નથી ગમતું એનાં કારણો આપણે બેમાંથી કોઈ નહિ આપી શકીએ. ફૂલનો રંગ કે સુવાસ મને ગમે છે એમ જો હું કહીશ તો એવાં જ રંગ અને સુવાસવાળાં બીજાં ફૂલોનાં નામ તમે આપી શકશો. એ જ રીતે ગળપણ ભાવવાનું કારણ મારી પાસે કોઈ નથી. ફરસી વાનગી ભાવવાનું કારણ તમારી પાસે પણ કોઈ નથી. આપણે બધા તર્કબાજો છીએ એટલે આપણી વાતને - પછી ભલે એ ખોટી હોય - સાચી સિદ્ધ કરવામાં આપણને આનંદ આવે છે. આપણે ગમા-અણગમા માટેનાં લગભગ વાહિયાત કહી શકાય એવાં કારણો શોધી કાઢીએ છીએ.

દુનિયામાં જે કાંઈ છે એ બધું જ આપણને ગમતું હોય એવું તો નથી જ. જે કંઈ બને છે એમાં પણ અસંખ્ય ઘટનાઓ આપણને નથી ગમતી. આપણને અણગમતી લાગતી આ ઘટનાઓ બીજા કરોડો લોકોને ગમતી પણ હોય છે. આવી ઘટનાઓ ગમતી હોવાનાં કારણો આપણી પાસે હોય છે. એ જ રીતે અણગમતી હોવાનાં કારણો સામા પક્ષે પણ હોય છે. સામા પક્ષનાં કારણો સ્વીકારીને આપણે આપણો ગમો-અણગમો ફેરવતા નથી અને એ જ રીતે સામો પક્ષ પણ આપણાં કારણો સ્વીકારીને પોતાના ગમા-અણગમામાં પણ ફેરફાર કરતો નથી. આપણે એમની વસ્તુ ગમાડી શકતા નથી અને એ આપણી વસ્તુ ગમાડી શકતા નથી.

આ ગમા-અણગમાની લાગણી પેદા શી રીતે થાય છે? જનેતાના ગર્ભમાંથી બાળક જ્યારે બહાર આવે છે ત્યારે એની લાગણીની પાટી તો સાવ કોરીકટ હોય છે. આ કોરીકટ પાટીમાં અમુકતમુક ગમો-અણગમો શી રીતે ચિત્રિત થાય છે? આપણી જેવા જન્માંતરને માનતા લોકો એમ કહી શકે કે જાતક પૂર્વજન્મના સંસ્કારો લઈને નવી જીવનયાત્રામાં દાખલ થાય છે. આ નવા જન્મમાં પણ એની સાથે આગલા સંસ્કારો તો હોય જ છે. આ ખુલાસો સ્વીકારી લઈએ તો પ્રશ્ર્ન હળવો થાય ખરો પણ એનાથી સંતોષ ન થાય.

આ ગમા-અણગમાની ભારે વિટંબણા એ છે કે એ હંમેશાં એકસરખો નથી રહેતો. આજે જે તીવ્રતાથી અમુકતમુક ગમે છે અથવા નથી ગમતું એ જ કેટલાક સમય પછી એટલી જ તીવ્રતાથી ગમતું કે અણગમતું રહેતું નથી. આ પરિવર્તનનું કારણ કદાચ પ્રકૃતિની ચંચળતા હોય. ગમતી કે ભાવતી વસ્તુ કે વ્યક્તિ વખત જતાં કોઠે પડી જાય છે. આ કોઠે પડી જવું એટલે એનું એકધારું સાંનિધ્ય પેલી મનભાવન લાગણીને બરછટ કરી નાખે છે. સંસ્કૃત સુભાષિતોમાં 'અરુટ ક્ષફિખ્રૂળટ અમસળ' એમ જે કહ્યું છે એ શું આ જ હશે? અર્થશાસ્ત્રનો પહેલો સિદ્ધાંત કફૂ જ્ઞર મશળશક્ષશતવશક્ષલ યિિીંક્ષિ એ શું આ જ હશે?

ગુલાબ ગઈ કાલે ગમતું હતું અને પૂરણપોળી ગઈ કાલે ભાવતી હતી પણ હવે આજે ગુલાબ નથી ગમતું અથવા પૂરણપોળી નથી ભાવતી એવું બને તો ગુલાબ કે પૂરણપોળી કોઈ ફરિયાદ નથી કરતા, એમને માઠું નથી લાગતું. એમને આ કારણો જાણવામાં મુદ્દલ રસ નથી હોતો પણ વ્યક્તિગત સંબંધોમાં આવું નથી બનતું. વ્યક્તિગત સંબંધોમાં જો ગમા-અણગમા ફેરવાય તો એના માટે કારણો આપણે જ ઊભાં કરેલાં હોય છે એનો સ્વીકાર કર્યા વિના ચાલે એમ નથી. ચાહનાની પળ ખોટી નથી હોતી. એ પળે પ્રગટેલી ચાહના પ્રામાણિક પણ હોય છે, જેણે નિષ્ઠાનો દ્રોહ કરીને આ પળ પ્રાપ્ત કરી છે એમની વાત જુદી છે પણ જેઓ પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે એમની પાસેથી પણ વખત જતાં આ પળ સરકી કેમ જાય છે? જે પ્રામાણિકતા અને નિષ્ઠા પેલી ચાહનાની પળે હતાં એ પ્રામાણિકતા અને નિષ્ઠા અકબંધ હોવા છતાં લાગણીની આ સુંવાળપ બરછટ કેમ થઈ ગઈ?

કારણ શોધીએ તો જાતને જ થોડીક પીંખવા જવું પડે એમ છે. જાતને પીંખવી આપણને ગમતી નથી એટલે આવા કારણમાં ઊંડા ઊતરતા નથી. થોડાંક ખાખાંખોળાં કરીએ તો જવાબ જડે છે. જડેલા આ જવાબને સ્વીકારવો કે ન સ્વીકારવો એ દરેકની ક્ષમતાની વાત છે. ચાહવું, ગમવું કે ભાવવું આ ત્રણેય પ્રક્રિયાઓ આમ તો જુદી જુદી લાગે છે પણ તાત્ત્વિક ભૂમિકાએ આ ત્રણેયનાં મૂળિયાં એકસરખાં જ છે. ગમવા અને ભાવવાની મહેફિલમાં આપણે અન્યને નોતરીએ છીએ. ચાહવાની મહેફિલમાં આપણે કોઈને નોતરતા નથી. ઊલટું, ચાહનાની ઉત્કટ ક્ષણે આપણો એકાધિકાર સ્થાપિત કરી દેવા પણ જાણેઅજાણે મથતા હોઈએ છીએ. એ ક્ષણે આપણે ભૂલી જઈએ છીએ કે દરેક વ્યક્તિ પાસે સદાય ગોપિત રહેતું એક આગવું વિશ્ર્વ હોય છે. એનું એ વિશ્ર્વ અકબંધ રહેવા દેવું જોઈએ એને બદલે એ વિશ્ર્વને સંબંધના નામે વારંવાર ઢંઢોળ્યા કરવાથી કદાચ કશું પ્રાપ્ત નહિ થાય સિવાય કે સંબંધનો ઘસરકો. કવિ શ્રી ઉમાશંકરે આ વાતને જરા જુદી રીતે એક કાવ્યમાં વણી લીધી છે. - એમણે કહ્યું છે 'સૌંદર્યોથી ઉર ઝરણ ગાશે પછી આપમેળે.' પેલા ખાનગી ખૂણાને ઢંઢોળવાનો ન હોય. એ તો આપમેળે ખૂલી જતો હોય છે. આ વાત જ્યારે ભુલાઈ જાય છે ત્યારે પેલું ચાહવું એની લાગણી સાથે ગમવું અને ભાવવા સાથે ગોઠવાઈ જાય છે.

ગુરુવર્ય કહી શકાય એવા કવિ શ્રી મકરંદ દવેની ક્ષમાયાચના સાથે અહીં એક વાત યાદ આવી જાય છે. મકરંદભાઈએ કહ્યું છે કે ગમતાંનો કરીએ ગુલાલ. કવિની ભાવના બહુ ઊંચી છે, વિશુદ્ધ છે. ગમતું મળે છે ત્યારે આનંદ થાય છે અને આ આનંદમાં સ્વજનો અને સ્નેહીઓને નોતરવાનો આમાં સંકેત છે, પણ આપણને જે ગમ્યું, આ ગમાથી જે આનંદ પ્રાપ્ત થયો એને આવો ગુલાલ ઉડાડવાથી અન્યોને પણ આવો જ આનંદ થશે એમ કહી શકાય ખરું? એક માંસાહારીએ પોતાના ઘરમાં એને બહુ ભાવતી માંસની કોઈક મીઠાઈ બનાવી હોય તો એ મીઠાઈની વાનગી એ અત્યંત પ્રેમપૂર્વક મારા ઘરે પણ પહોંચાડે તો એનાથી મને આનંદ થશે ખરો? ધુળેટીના દિવસે આપણે રંગ અને ગુલાલથી પરસ્પરને આનંદથી રંગીએ પણ ગુલાલના રંગથી જ જેમને પીડા થાય છે તેઓ આનો સ્વીકાર કરતા નથી. કેટલાંય રમખાણો આ ગુલાલ ઉડાડવાને કારણે જ થયાં છે. શરાબ કે ગાંજા જેવાં કેફી દ્રવ્યો દુનિયાના કરોડો માણસો માટે કદાચ ખૂબ આનંદદાયક છે. એક શરાબી એના આ આનંદમાં ભાગ લેવા મને નોતરે તો એનું આ નોતરું હું સ્વીકારી શકું ખરો? આપણે શરાબીને બુરાઈમાં ખપાવીએ છીએ પણ વહેવારમાં અનેક શરાબીઓ સુધ્ધાં ભારે સજ્જનો અને પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય છે.

કેટલીક વાર કેટલીક માન્યતાઓ આપણને કેટલાક ચોક્કસ ગમા-અણગમા પ્રત્યે દોરી જતી હોય છે. આ વિષયમાં મારો મત આવો છે. આવું જ્યારે આપણે કહેતા હોઈએ છીએ ત્યારે જેને આપણે આપણો મત કહીએ છીએ એ મત કેવી રીતે બંધાયો એનું થોડુંક નિરીક્ષણ કરવા જેવું છે. કોઈ પણ વિષયમાં ચોક્કસ મત બાંધતા પહેલાં જે વિચારણા થવી જોઈએ એ આપણે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. આજે તો મોટા ભાગે આપણા મતનું ઘડતર પ્રસાર માધ્યમો જ કરતાં હોય છે. પારકી લાકડીએ દોરવાઈને આપણે ચોક્કસ દિશાને આપણો મત કહી દઈએ છીએ. બને છે એવું કે જે મારું છે એ સારું છે એ માન્યતા આપણામાં પહેલેથી દૃઢ થઈ ગઈ હોય છે. વાસ્તવમાં જે સારું છે એ મારું છે એમ હોવાને બદલે વહેવારમાં જે મારું છે એ સારું છે એ જ પ્રસ્થાપિત થતું રહે છે. જેમાં આપણે ઊંડા ઊતરીને તટસ્થ વિચારણા કર્યા પછી આપણો મત બાંધવાને બદલે ઉછીના મતના આધારે આ મારું સારુંથી દોરવાઈને ગમા-અણગમાને ઘડી કાઢીએ છીએ.

'સુત્ત નિકાય' એ બૌદ્ધ ધર્મનો એક અગત્યનો ધર્મગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન તથાગત બુદ્ધે સમયે સમયે ભિક્ષુઓને જે ઉપદેશ આપ્યો છે એ વાતો સંઘરાયેલી છે. ભિક્ષુઓ પૂર્વ જીવનમાં પોતપોતાના જે ગમા-અણગમા જાળવતા હોય એ હવે ભિક્ષુ જીવનમાં શી રીતે છોડી શકાય એની વાત એમણે કહી છે. પૂર્વજીવનમાં જે અણગમતું હતું અને અણગમતું હોવાને કારણે જ મારું નહોતું એને હવે મારું માનીને ગમતું કરવાની વાત તથાગતે કહી છે, જે ગમે છે એ તો મારું છે જ પણ હવે પછીના જીવનમાં પૂર્વે જે નહોતું ગમતું એને મારું કરવાની વિદ્યા બુદ્ધે શીખવી છે. જે કંઈ સારું છે એને જ મારું માનીએ તો પછી જે કંઈ ખરાબ છે એ આપોઆપ અણગમતું થઈ જશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otp1E8YaHkOkG2g1sYSm13zp-5QWA-ytwc9H-i5H6TSJA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment