Tuesday 28 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મિત્રતાની માયાજાળ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મિત્રતાની માયાજાળ!
સ્પર્ધકની કૃતિ-હેમા દલાલ

મિલો ન તુમ તો હમ ગભરાએ
મિલો તો આંખ ચુરાયે
હમેં ક્યા હો ગયા હૈ...
હમેં ક્યા હો ગયા હૈ...

 

સવારે હું ઊઠી ત્યારથી જ મનમાં અજંપો હતો અને એફએમ રેડિયો પર વાગતા આ ગીતે મારા અજંપામાં વધારો કરી દીધો. રસોડામાં મૂકેલ શાકનો વઘાર બળી ગયો અને દૂધ પણ ઊભરાઈ ગયું. મનને શાંત કરવા મેં બધું જ કામ બાજુએ મૂકી બેડરૂમમાં એસી ચાલુ કરીને મારું મનગમતું પુસ્તક વાંચવા બેઠી. મારું ચિત્ત એમાં પણ ન લાગ્યું અને હું ભૂતકાળમાં સરી પડી.

 

અરે હાં, તમને ક્યાંથી ખબર હોય કે મારી સગાઈ આજથી દસ વર્ષ પહેલાં સમીર સાથે નક્કી થઈ હતી. અલબત્ત, મારા મા-બાપના આગ્રહથી જ! નાનપણથી જ હું અને સમીર ભણવામાં ખૂબ હોશિયાર. સ્કૂલના દરેક વર્ષમાં પરિણામ વખતે શિક્ષકોને ખાતરી હોય કે મારા વર્ગમાં હું પ્રથમ આવીશ અને સમીરના વર્ગમાં સમીર પ્રથમ આવશે. અરે! તમને મજાની વાત કહું? અમારી વચ્ચે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ આવવા માટે હંમેશ હરીફાઈ રહેતી અને એમાં હું હંમેશાં સમીર કરતાં આગળ નીકળી જતી. છતાં મારી અને સમીર વચ્ચે મિત્રતા કાયમ રહી. તમે એવું સમજવાની ભૂલ ન કરતા કે અમારી વચ્ચે પ્રેમના અંકુર ઉદ્ભવેલા.

 

અમે બંનેએ સાથે નેશનલ કોલેજમાં પ્રવેશ લીધો ત્યારે અમારા આનંદની કોઈ સીમા નહોતી. કોલેજના પ્રથમ દિવસે જ અમારી ઓળખાણ સમીક્ષા સાથે થઈ અને જોતજોતામાં અમે ગાઢમિત્રો બની ગયાં. અમારી દોસ્તીની ચર્ચા ચોરે ને ચૌટે થતી. આમ ને આમ એકબીજાનાં સાંનિધ્યમાં કોલેજકાળ ક્યારે પૂરો થયો એની અમને ખબર જ ન પડી. પદવીદાન સમારંભ પછી અમેે સાંજે કેફે કોફી ડેમાં અને એકમેકનાં સંપર્કમાં હંમેશ રહેવાના સોગંદ લીધા.ભણતર પૂરું કર્યા બાદ દરેક મા-બાપની જેમ મારાં મા-બાપ પણ મને પરણાવવા ઉત્સુક હતાં. સમીર ખૂબ જ વૈભવશાળી અને ખાનદાન પરિવારનો હતો અને અમારી આટલાં વર્ષોની મિત્રતા જોઈને મારાં મા-બાપને પણ મારા માટે જીવનસાથી તરીકે સમીર યોગ્ય લાગ્યો. એમણે મારી સંમતિથી અમારી સગાઈ અખાત્રીજના દિવસે નક્કી કરી.

 

સગાઈની આગલી રાત્રે ઘરમાં બધી તડામાર તૈયારી ચાલતી હતી ત્યારે સમીક્ષા મારી પાસે આવી. એનો ઉદાસ ચહેરો જોઈને મેં પૂછયું "સમીક્ષા, શું થયું? તારો ચહેરો નંખાયેલ છે. શું તને તારી સખીની સગાઈ થાય છે એ નથી ગમ્યું?

 

સમીક્ષા પહેલા તો ફસડાઈને બેસી ગઈ અને પછી બોલી "શુભાંગી, હું તને કારણ જણાવીશ, પરંતુ તને આપણી દોસ્તીની કસમ કે આ વાત તું કોઈને પણ નહીં કરે. બોલ કબૂલ છે? અને હા - સમીરને પણ નહીં કહેવાનું. મેં પણ સમીક્ષાને વચન આપ્યું કે આ વાત અમારી વચ્ચે જ રહેશે અને કોઈને પણ એની જાણ નહીં થાય. ત્યારે સમીક્ષાએ કહ્યું "તને યાદ છે શુભાંગી આપણે કોલેજની પિકનિકમાં ગયાં હતાં! તે રાત્રે હું મારું માથું ખૂબ જ દુ:ખે છે એવું કહીને મારા રૂમમાં ગઈ હતી અને સમીર પણ મારી પાછળ મારા રૂમમાં આવ્યો અને મારું માથું દબાવવા બેસી ગયો, પરંતુ હું અત્યારે મારા ગુનાની કબૂલાત કરું છું કે માથું દુ:ખવાનું તો ફક્ત બહાનું હતું હું તો સમીરને મારા બાહુપાશમાં જકડી લેવા માંગતી હતી. ત્યારે અમને ખબર જ નહીં પડી કે અમે લક્ષ્મણરેખા ક્યારે વટાવી લીધી. અને હું મારું સર્વસ્વ સમીરને સોંપી બેઠી. બસ આ જ વાત હતી - હવે હું રજા લઉં અને તું તથા સમીર સુખી સંસાર વસાવો એ જ અભિલાષા.... એમ કહેતાં સમીક્ષા સડસડાટ રૂમમાંથી નીકળી ગઈ.

 

સમીક્ષાની વાત સાંભળી મને સમીર પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને બીજા દિવસે સવારે મેં મારાં મા-બાપને સગાઈ કરવાની ના પાડી. સમીરનાં લાખ કાલાવાલા છતાંયે મેં એને સાચું કારણ નહીં જણાવ્યું.

 

સમીરે પણ ગુસ્સામાં આવી સમીક્ષા સાથે લગ્ન કરી લીધાં અને સમીક્ષાને લઈને લંડન ચાલ્યો ગયો કાયમ માટે.

 

આજે દસ વર્ષ પછી ફરી ભારત આવવાનો હતો એવો સંદેશ મને મારી કોલેજની સખી પ્રિયા પાસેથી મળ્યો. એણે જણાવ્યું કે સમીર મને મળવા માંગે છે.

 

ટ્રિન... ટ્રિન... અચાનક બેલ વાગતાં ભૂતકાળમાંથી હું બહાર આવી. દરવાજો ખોલીને જોયું તો સમીર નંખાયેલ ચહેરે બહાર ઊભો હતો.

 

"અરે સમીર! સમીક્ષા ક્યાં છે? તમે બંને ખુશ તો છોને! આટલાં વર્ષોથી સંપર્કમાં નથી તો બધું હેમખેમ છેને? તું કેમ આટલો નંખાયેલો લાગે છે?

 

"શુભાંગી તું આમ મારા પર પ્રશ્ર્નોની ઝડી જ વરસાવશે કે પછી અંદર આવવાનું કહેશે.

 

"ઓહ સોરી સમીર! આવ, અંદર બેસ હું તારા માટે પાણી લઈ આવું.

 

"હાં, તો બોલ હવે તમે બંને કેમ છો? સમીક્ષા કેમ સાથે નથી આવી? "શુભાંગી સમીક્ષા હવે આ દુનિયામાં નથી. ગયા વર્ષે ગંભીર બીમારીમાં એ મૃત્યુ પામી છે. મરતાં પહેલાં એણે કબૂલાત કરી કે એણે આપણને છેતરીને લગ્ન કર્યા હતાં અને એણે તને વચનબદ્ધ કરી આપણી વચ્ચે ખાઈ ઊભી કરી હતી. શુભાંગી, બંગલામાં અમારી વચ્ચે ક્યારેય શરીરસંબંધ નહોતો બંધાયો. એણે તો બસ મને પામવાની ઘેલછામાં આપણને છેતર્યા હતાં. તું મને માફ કરીને મને અપનાવી શકશે? મને ખબર છે કે તું મને ધિક્કારતી નથી તો મને પ્લીઝ અપનાવી લે, કારણ કે જે કંઈ પણ બન્યું એમાં તારો કે મારો કોઈનો વાંક નહોતો. આપણે મોટું મન રાખી સમીક્ષાને માફ કરી દઈએ અને નવજીવનની શરૂઆત કરીએ.

 

અને દસ વર્ષનો વિરહ દસ સેકંડમાં ભૂલીને હું સમીરની બાંહોમાં સમાઈ ગઈ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oui7Xqa36p4FSkFreYcCsuE0SKpuid02uVXGZXibHWZnw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment