Friday 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સંતાનોને શિક્ષણ એ સૌથી મોટું રોકાણ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બીજા દેશની ભાષાનું સંતાનોને શિક્ષણ એ સૌથી મોટું રોકાણ: જીમ રોજર્સ!
સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈ

 

આજની પેઢીના મોટાભાગનાં માતા-પિતા સંતાનોને અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં ભણવા અને કારકિર્દી બનાવવા મોકલવાનું ઈચ્છે છે. જ્યારે અમેરિકાના જીમ રોજર્સે તેમનાં સંતાનોના ભાવિ માટે એશિયાના દેશ સિંગાપોરમાં શિફટ કર્યા છે. તેઓ પોતે પણ ત્યાં રહે છે. ચીન, સિંગાપોર સહિત એશિયાના અન્ય દેશોની ભાષા - સંસ્કૃતિ શીખી લીધી છે.

 

ચીન-ભારત જેવી મોટી માર્કેટમાં મલ્ટિનેશનલ કંપનીઓ મોટું રોકાણ કરી શકતી હોય તો તેમનાં બાળકોને એશિયન દેશોની ભાષા-સંસ્કૃતિનું શિક્ષણ આપીને તેમના ભાવિ માટે તેઓ ખરેખર મોટું રોકાણ જ કરી રહ્યા છે. જીમ રોજર્સ પાંચ વર્ષના હતા ત્યારથી જ ખાલી બોટલ ભેગી કરવી, મગફળીનું વેચાણ કરીને ભણવાનું ચાલુ રાખ્યું હતું. કોમોડિટી - શેરમાર્કેટમાં મોટું રોકાણ કરીને સફળ થયા અને રોકાણકારોને માલામાલ પણ કર્યા.

 

તેમનાં પુસ્તકો સૌથી વધુ વેચાણની યાદીમાં છે. વિશ્ર્વભરના દેશોની જાણકારી મેળવવા અને માર્કેટનો અભ્યાસ કરવા બે વાર વિશ્ર્વભ્રમણ કરીને ગિનેશ બુકમાં સ્થાન મેળવ્યું. તેમણે કોમોડિટી - ઈક્વિટી અને ઈન્વેસ્ટમેન્ટ ફંડ ઊભા કર્યાં. સફળ બિઝનેશમૅન, રોકાણકાર, વિવેચક, લેખક અને દૂરંદેશી ધરાવતી વ્યક્તિ જીમ રોજર્સની સફર વિશે જાણીએ. જીમ રોજર્સનો જન્મ ૧૯ ઑક્ટોબર, ૧૯૪૨ના રોજ બાલ્ટીમોર - મેરીલેન્ડ અમેરિકામાં થયો હતો. તેઓ ઘણા નાના હતા ત્યારે તેમનાં માતા-પિતા બાલ્ટીમોરથી સ્થળાંતર કરીને ડેમોપોલિસ-અલ્બામા આવ્યાં હતાં. પિતા રસાયણની ફેક્ટરીમાં પ્લાન્ટ મૅનેજરનું કામ કરતા હતા, આર્થિક સ્થિતિ સાધારણ હતી. તેમને મદદરૂપ થવા જીમ ફક્ત પાંચ વર્ષનો હતો, ત્યારથી જ જે કામ મળે તે કરવા માંડ્યું. રમવાની ઉંમરે જીમ બેઝ બોલની રમત થતી હતી ત્યાં જતો હતો. ગેમ પૂર્ણ થયા બાદ ફેન દ્વારા જે બોટલ ફેંકી દેવાઈ હતી તે ભેગી કરીને વેચવાનું કામ કરતા હતા. આટલી નાની વયમાં જ બિઝનેસ કરવાનો ગુણ આવી ગયો હતો. મગફળી પણ વેચી છે, નાસ્તામાં મોટાભાગના લોકો મગફળી ખાતા હોય છે.

 

ભણવાનું છોડ્યું નહીં, પરંતુ નાના-મોટા કામ કરીને ભણતર ચાલી રાખ્યું અને બે ડિગ્રી મેળવવામાં સફળ રહ્યા. જીમને ભણવાની સાથે ભણાવવાનો પણ શોખ કે રસ હતો તેથી કોલંબિયા યુનિવર્સિટીમાં બિઝનેશ-ફાઈનાન્સના પ્રોફેસર તરીકે કામ કર્યું.

 

ઓક્સફર્ડ અને યેલે યુનિવર્સિટીમાં ભણ્યા. ૧૯૬૪માં યેલે યુનિવર્સિટીમાંથી ઈતિહાસના સ્પેશિયલ વિષય સાથે ડિગ્રી મેળવી. ૧૯૬૬માં ફિલોસોફીમાં પોલિટિક્સ અને ઈકોનોમી સાથે બીજી ડિગ્રી મેળવી. આ ડિગ્રી વિશ્ર્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી.

 

પ્રથમ જૉબ વૉલસ્ટ્રીટમાં કરી વૉલ સ્ટ્રીટમા ડોમિનિક ઍન્ડ ડોમિનિકમાં તેઓ શેર-બોન્ડ વિશે શીખ્યા. આ સમય દરમિયાન અમેરિકા - વિયેટનામ યુદ્ધ ચાલુ હતું તે ધ્યાનમાં લઈને રોજર્સને મિલિટરીમાં જોડાવાનું મન થયું હતું. યુ. એસ. આર્મીમાં બે વર્ષ કામ કર્યું. બાદમાં તેઓ ઈન્વેસ્ટમેન્ટ બૅંકમાં જોડાયા. જ્યોર્જ સોરોસ સાથે મળીને ઘણા વર્ષ કામ કર્યું, ત્યાર બાદ જીમ રોજર્સ અને જ્યોર્જ સોરોસ બંનેએ બૅંક છોડી દીધી. ૧૯૭૩માં બંનેએ મળીને ક્લોન્ટમ ફંડ ઊભું કર્યું જે ઈન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે વધારે જાણીતું છે. ક્વોન્ટમ ઈન્વેસ્ટમેન્ટ ફંડે દસ વર્ષમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. દસ વર્ષમાં આ ફંડે ૪૨૦૦ ટકાનું વળતર આપીને એક રેકોર્ડ કર્યો, રોકાણકારોને માલામાલ કયાર્ર્ંં. ક્વોન્ટમ ઈન્વેસ્ટમેન્ટ ફંડને અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ તેમણે રોજર્સ ઈન્ટરનેશનલ કોમોડિટી ઈન્ડેક્સ ઊભો કર્યો. આમાં પણ સારી સફળતા મળ્યા બાદ ઈન્ડેક્સ અને ત્રણ પેટા ઈન્ડેક્સને એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) સાથે લિન્ક કર્યું. હાલ ઈટીએફથી બધા પરિચિત છે, પણ તેમણે ૨૦ વર્ષ અગાઉ પાયો નાખ્યો હતો. એલીમેન્ટ બ્રાન્ડ હેઠળ નવું સાહસ કર્યું.

 

કોમોડિટી કામકાજમાં માસ્ટરી મેળવ્યા બાદ રોજર્સે ગ્લોબલ રીસોર્સ ઈક્વિટી ઈન્ડેક્સની ૬૨મા વર્ષે જાહેરાત કરી. આ ઉંમરે વ્યક્તિ નિવૃત્ત થાય છે ત્યારે રોજર્સ સતત પ્રવૃત્ત રહ્યા છે. બીજી બાજુ જે ક્ષેત્રમાં સફળતા મેળવતા ગયા તેમ તેના વિશે પુસ્તક પણ લખતા રહ્યા. જેનો અભ્યાસ-વાંચન કરીને અસંખ્ય લોકો એ પ્રમાણે કોમોડિટી - શેરમાર્કેટમાં રોકાણ કરી રહ્યા છે.

 

૨૦૦૮માં વિશ્ર્વભરમાં નાણાકીય કટોકટી બધાએ અનુભવી છે, ભારતને પણ અસર થઈ હતી. તેમાંથી સમયાંતરે મોટાભાગના દેશ બેઠા થઈ ગયા હતા. ૨૦૦૮થી મોટી મંદી-કટોકટી આવશે એવી આગાહી જીમ રોજર્સે કરી છે. હાલની વૈશ્ર્વિક સ્થિતિ જોતા તેઓ સાચા પડે એવું લાગે છે. અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ-ટ્રેડ વોર ચાલે છે તે વિસ્તરીને ઈરાન, તુર્કી, ઉત્તર કોરિયા સુધી ગઈ છે. અમેરિકાના ટેરિફ લાદવાનાં પગલાંથી ભારતને પણ અસર થઈ છે. ક્રૂડ ઑઈલ નવી ઊંચાઈએ જઈ રહ્યું છે, તેના પગલે ભારતીય રૂપિયો સતત નબળો થઈને નીચી સપાટીએ આવી ગયો છે તેને લીધે આયાતી માલ મોંઘો થયો છે. આપણે ત્યાં લોકલમાં પરિબળો મજબૂત છે, પરંતુ વૈશ્ર્વિક સ્થિતિના કારણે સહન કરવું પડે છે. અમેરિકા ટેરિફ વોરથી ચીનને સૌથી વધુ અસર થઈ છે. એશિયાના બે મોટા દેશને નબળા પાડવાની વિકસિત દેશો ખાસ કરીને અમેરિકાની ચાલ છે એવું લાગે છે. નાણાકીય કટોકટી-મંદીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. જીમ રોજર્સની આગોતરી સલાહ કહો કે ચેતવણી અથવા આગાહી નજીકના ભવિષ્યમાં સત્ય પુરવાર થાય તો નવાઈ નહીં.

 

ડૉલર સામે તુર્કીના ચલણ લીરાના લીરા ઊડી ગયા છે. યુરો, પાઉન્ડ, યુઆન, રૂપિયો એમ ચલણ નરમ થયા છે, આમ છતાં લાંબા ગાળે રોજર્સ એશિયાને રોકાણનું મોટું સ્થળ માને છે અને તેઓ એ માટે આગોતરું આયોજન કરી ચૂક્યા છે. ૨૦૦૭માં જ તેમણે ન્યૂ યોર્ક છોડીને નાના બાળકો સાથે (ત્રીજી પત્નીના) સિંગાપોર શિફટ થવાનો નિર્ણય લીધો હતો. એશિયન બજારમાં રોકાણની સંભાવનાનો અભ્યાસ તેમણે કર્યો છે. કૃષિમાં રોકાણ વધારે કરો એમ તેઓ સલાહ આપે છે. અહીં મોદી સરકાર પણ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે અનેક પગલાં લઈ રહી છે. જીમ રોજર્સે ૨૦૦ વર્ષને એક જ વાક્ય દ્વારા રોકાણને મૂલવ્યું છે. ૧૮૦૭માં જે સ્માર્ટ હતા તેમના માટે લંડન બેસ્ટ સ્થળ હતું. ૧૯૦૭માં ન્યૂ યોર્ક હતું અને ૨૦૦૭માં એશિયાને રોકાણનું મોટું સ્થળ માને છે. ચીન-ભારત જેવા મોટા દેશ માર્કેટમાં વિશ્ર્વની મોટી-મલ્ટિનેશનલ કંપનીમાં રોકાણ વધારી રહી છે.

 

ફેબ્રુઆરી-૨૦૧૮માં તેમણે કહ્યું હતું કે, કરન્સી માર્કેટની સ્થિતિ ખરાબ થશે. ઑગસ્ટમાં રૂપિયો, યુરો, યુઆન, લીરા સહિતનાં ચલણ નબળાં પડ્યાં છે. જીમ રોજર્સ કેટલા અભ્યાસુ છે તેનો ખયાલ આવે છે. કોમોડિટી શેર, રોકાણ વિશેના તેમના પુસ્તક સૌથી વધુ વેચાણની યાદીમાં છે. કોમોડિટીમાં તેજી ભાળે છે. વિશ્ર્વભરના દેશોની માર્કેટનો અભ્યાસ કરવાની સાથે તેમનો શોખ પણ પૂરો કરવા જીમ રોજર્સે બે વાર વિશ્ર્વભ્રમણ કર્યું છે.

 

૮૦ના દાયકામાં મોટરસાઈકલ પર વિશ્ર્વભરમાં ફર્યા અને ૧,૬૦,૦૦૦ કિ.મીટરનું અંતર કાપ્યું. તમામ ખંડમાં ફર્યા. ગિનેશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવ્યું. બીજી વાર ૧૯૯૯થી ૨૦૦૨માં ૧૦ હજાર માઈલનો પ્રવાસ મર્સિડીસ કારમાં કર્યો અને ગિનેશ બુકમાં સ્થાન પામ્યા, ૧૧૬ દેશોમાં ફર્યા.૧૦ વર્ષ પહેલા જ તેમણે કહ્યું હતું કે, અમેરિકાથી અનેક દેશને ખતરો છે. તેઓ ૨૦૦૭માં એશિયામાં સિંગાપોર શિફટ થઈ ગયા. જીવનમાં અને વ્યવસાયમાં વૈવિધ્યકરણ જરૂરી છે જે સંપૂર્ણ જોખમ ઘટાડે છે અથવા તો સીમિત કરે છે. તમામ ઈંડા એક જ બાસ્કેટમાં રાખો નહીં, એમ તેઓ સલાહ આપે છે. રોકાણ અલગ અલગ ક્ષેત્રમાં કરો. કૃષિ, માઈનિંગ કોમોડિટી તરફ વધુ ધ્યાન આપો.

 

તેમની બંને પુત્રીને તેમણે ચાઈનીસ ભાષા શીખવા જણાવ્યું હતું. આજે તેઓ ચાઈનીસ સિંગાપોરની ભાષામાં માહિર છે અને પાર્ટટાઈમ ચાઈનીસ ભાષાના શિક્ષક તરીકે કામ કરે છે. પુત્રીઓને પૈસાની કોઈ કમી નથી, પરંતુ તેમને પોતાના પગ પર ઊભા રહેતા તેઓ શીખવે છે જવાબદારીનું ભાન થાય એટલા માટે જોબ કરવા કહે છે.

 

વૉશિંગ્ટન પોસ્ટ, ન્યૂ યોર્ક ટાઈમ્સ, ફોર્બ્સ, ફોર્ચ્યુન અને વોલ સ્ટ્રીટ જનરલમાં લખતા રહ્યા છે. વિશ્ર્વની મોટા ભાગની ભાષા શીખ્યા છે. બીજા દેશમાં જઈને વધુ બોલાતી ભાષાનું શિક્ષણ સંતાનોને આપવું તેને સૌથી મોટું રોકાણ જીમ રોજર્સ માને છે. તેમની પુત્રીઓને એશિયાના દેશોની ભાષાનું શિક્ષણ અપાવીને તેઓ સફળ થયા છે. અમેરિકાનાં અન્ય બાળકો પણ તેમને જોઈને પ્રેરાયા છે.

 

જીમ રોજર્સનું લગ્નજીવન પ્રારંભમાં સંતોષકારક નહોતું. ૨૪માં વર્ષે લગ્ન કર્યાં, પરંતુ તે ત્રણ વર્ષથી વધુ ટક્યા નહીં બંને વચ્ચે મતભેદ થતા તેઓ છૂટા પડ્યા. બીજા લગ્ન કર્યા તે પણ ત્રણ વર્ષમાં જ તૂટી ગયા. ત્રીજા લગ્ન મોટી ઉંમરે થયા અને પત્નીની ઉંમર નાની હતી છતાં પ્રમાણમાં લાંબો સમય રહ્યા. એટલું જ નહીં મોટી ઉંમરે જીમ બે પુત્રીનો પિતા ત્રીજા લગ્ન બાદ બન્યો. તેમનાં સંતાનો મોટી ઉંમરે થતાં હજુ નાના છે.

 

પ્રથમ પત્ની સાથેના છૂટાછેડા તેમને ઘણા મોંઘા પડ્યા હતા. જીમ રોજર્સ હાલ સિંગાપોરમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જોકે પરોપકારી પ્રવૃત્તિ દ્વારા અનેક ચેરિટી કામ કરી રહ્યા છે. ચીન, સિંગાપોર બાદ ભારતમાં ક્યારે આવે છે તેના પર મીટ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OswfmghNmpGJgU-ar1-63KytuDszeGpscV8%2Bz4HHyazag%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment