Thursday 30 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નિશી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નિશી!
સ્પર્ધકની કૃતિ-મિતેશ શાહ

'સોને આજનો દિવસ તો બરાબર જીવી લેવાની હિંમત બંધાવનાર, હિંમત માટે શક્તિ, પ્રેરણા, સ્ફૂર્તિ અને સંકલ્પશક્તિ આપનાર, રોજ ઊગતો સૂરજ સર્વત્ર પૂજનીય છે. ઊગતા સૂરજમાં એવી અદ્વિતીય શક્તિ છે જે સૌના મસ્તક પોતાનાં ભણી આદરભાવે ઝૂકાવી દે છે. છતાંયે, સાંજના વખતે તો આખરે એ સૂરજને પણ ઝૂકી જવું પડે છે, પરંતુ આજે આપની સમક્ષ એક એવો સૂરજ ઊગવાની તૈયારી કરી રહ્યો છે જેણે કદિયે ન ઝૂકવાની પ્રતિજ્ઞા લીધી છે. આજના આ કવિ સંમેલનમાં એક એવા કવિ જેમણે અત્યાર સુધી પોતાની પ્રતિભા રાતના અંધકારમાં એટલા માટે છુપાવી રાખી કારણ કે તે અંધકારને ઓગાળીને ઊગવાની તેમની તમન્ના હતી. તેઓ આપની સમક્ષ રજૂ થશે. 'સમય બહુ બળવાન'માં અખૂટ વિશ્ર્વાસ ધરાવતા આ કવિનો આ પહેલો જ જાહેર પ્રસંગ છે. જીવનના વિધવિધ રંગોના અનુભવોનું સુમધુર મિશ્રણ એટલે તેમની અપ્રતિમ કવિતાઓ. કવિ શ્રી નિશી.

સંચાલકના આ શબ્દો પછી સહુની આતુર આંખોમાં પોતાની છબી ઊભરાવીશ. કાવ્યો વડે દિલ ભરીશ અને જીવન પ્રતિ એક નવી દૃષ્ટિ અર્પણ કરીશ એમ વિચારતો, મનમાં મલકાતો ને હોઠ પર હાસ્ય ઊભરાવતો નિશી ઝડપથી પગલાં ભરી રહ્યો હતો. આજે તેની અખંડ આતુરતાની પૂર્ણાહુતિ હતી. વ્યક્તિ પોતાના અસ્તિત્વ વિષે સભાન થાય તેમ તે જ્યારથી જાગૃત થયો ત્યારથી જ જીવન પ્રતિ પણ આકર્ષણ ધરાવતો થયો હતો અને ત્યારથી જ પોતાનાં અવ્યક્ત ભાવોને કવિતાઓની મધુર રચનાઓમાં આલેખી એક સર્જનાત્મક, સંતોષ અનુભવતો હતો. વિધવિધ દૃષ્ટિથી જીવનના અનુભવો લીધા પછી તેને નમિ મળી હતી. જે પોતાનામાં જ એક કવિતા હતી. નમિ, તેની પ્રેરણા, સમય પ્રતિ સભાન કરનારી પત્ની જે હંમેશાં સમય કરતા આગળ રહેવામાં માનતી હતી અને પોતે? સમય બળવાન છે, હંમેશાં સમય જ સમયનું કાર્ય કરે છે એમ માનતો. વર્ષોની અખંડ સાધના પછી આજે સંચાલકને ખાસ વિનંતી કરી અને સહકવિઓની સંમતિ લઈ તેને જ સ્ટેજ પર ઊગતા સૂરજ તરીકે પ્રથમ પ્રગટ થવાની સંમતિ મળી હતી.

સવારે સૂરજને સૌ પ્રથમ નમસ્કાર કરનાર કદાચ આજે પોતે જ હતો અને બપોરે બહાર જતાં પહેલાં બારણામાં, હંમેશાં સમય કરતા વહેલા પહોંચવાની સલાહ આપનારી નમિ, ઘડિયાળ પહેરાવતા 'આજે તો સાંજે સમયસર સંમેલનમાં પહોંચી જજો' કહી મધુર હસી રહી હતી.

ઘણાં બધાને ખાસ નિમંત્રણ આપી સાંજે સંમેલન સ્થળથી નજીકની હૉસ્પિટલમાં સર્જન તરીકે કામ કરતા તેના મિત્ર અજયને લેવા ગયો. હૉસ્પિટલમાં પહોંચતા ખબર મળ્યા કે અજય ઑપરેશન થિયેટરમાં હતો અને મોટર અકસ્માતમાં ઘાયલ થયેલ એક કમનસીબ વ્યક્તિનું ઑપરેશન કરી રહ્યો હતો. રાહ જોઈ જોઈને સંમેલનનો સમય થવા આવતાં સંદેશો મૂકી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં અજય નીકળ્યો.

'હલ્લો નિશી, સંમેલનમાં જવું છે કેમ? પણ હું ખરેખર દિલગીર છું. અકસ્માતવાળો એક જણ તો હમણાં જ ગયો. પાંચેક મિનિટનો ફરક પડી ગયો. પાંચ મિનિટ વહેલું ઑપરેશન કરી શક્યો હોત તો એ નવી જિંદગી પામત. પણ એ સમય કરતા જલદી જવા ગયો એમાં અકસ્માત કરી બેઠો.'

'હું સંમત નથી અજય. કદાચ તે સમયની સાથે થવા પણ પ્રયત્ન કરી રહ્યો હશે. શું ખબર પડે? આ જીવનનો જ એક રંગ છે અને હું સંમેલનમાં જરૂર તેનો ઉલ્લેખ કરી તેને અંજલિ આપીશ. તું આવે છે ને?'

'નહીં અવાય. હજુ બીજો સિરિયસ છે અને ક્યારે મારી જરૂર પડે કંઈ કહેવાય નહીં. તું ઉપડ નહીં તો તૂં પણ મોડો પડીશ. રાત્રે તને મળીશ અને હા, સફળતા બદલ અત્યારથી જ અભિનંદન!'

'આભાર અજય, પણ હજુ સંમેલન થવા તો દે. લગભગ બધા જ નામી કવિઓ ભાગ લેવાના છે, અને હું તો હજી ઊગતો સૂરજ છું, એમ કહી મલકાયો.' 'ચાલ રજા લઉં રાત્રે મળજે.'

છૂટા પડી ઘડિયાળમાં જોયું તો છ વાગી રહ્યા હતા. પાંચ જ મિનિટનો રસ્તો હતો, પણ જો સમયસર સંમેલન શરૂ થઈ ગયું તો ઊગતા સૂરજ તરીકે પ્રથમ પોતાને જ સ્ટેજ પર આવવાનો મોકો નહીં મળે અને અલભ્ય એવો જિંદગીનો પ્રથમ મોકો હંમેશ માટે ગુમાવી દેવાશે. જલદી પગ ઉપાડો નિશી, જલદી. સમયસર પહોંચવું છે ને?

હવે એક જ રસ્તો ઓળંગવાનો અને પછી બે જ મિનિટ. તેને હવે નમિ યાદ આવી. નમિ. હું સમય કરતાં પાછળ રહી ચાલ્યો. તૃું હંમેશાં સમય કરતા આગળ રહેવાનું કહેતી હતી ને. આ સમયે તારી વાત સાચી જણાય છે. અજયને લીધે મોડું થયું નહીંતર હું તો સમયસર જ હતો. હંમેશાં મને મદદ કરનારી નમિ, આજે તું મને આ સમયે મદદ નહીં કરે? મને પણ કોઈ અજયની જેમ પાંચ મિનિટ લાવી આપો તો હું પણ ઊગતા સૂરજ તરીકે એક નવી જિંદગી પામીશ.

ત્યાં તો માણસોને રસ્તો ઓળંગવાનું સિગ્નલ લાલ થઈ ગયું. હવે બે મીનિટ અહીં જ બગાડવાની? ચાલ દોડી જાઉં. હજુ તો મોટરો સ્ટાર્ટ થાય છે અને નિશી દોડ્યો. પણ અહીં જ તેણે ભૂલ કરી. સમય કરતાં આગળ નીકળી, સમય સાથે થવા જતાં તે મોટર સાથે અથડાયો અને ઉછળીને પડ્યો.

મોટરોની બ્રેકોની ચિચિયારી અને લોકોના કોલાહલો વચ્ચે એક જિંદગી પ્રશ્ર્ન બની ગઈ. વાહનવ્યવહાર અટક્યો અને લોકોની દોડાદોડી ને ટોળું ભેગું થઈ થયું. ટ્રાફિક પોલીસ દોડ્યો અને બે ચાર જણ સાથે મળીને અથડાયેલી મોટરમાં જ નિશીને મૂકી અજયની હૉસ્પિટલે લઈ ગયાં.

* * *

'નમિ, તારો નિશી, ઊગતો સૂરજ, ઉગતાં પહેલાં જ આથમી ગયો. બરાબર સંમેલનના સમયે જ આ અકસ્માત થયો. તેણે એક બીજી વ્યક્તિ વિષે કહ્યું હતું તેમ સમયની સાથે થવા જતા આવું થયું. ઈન્સ્પેક્ટર, નિશી અકસ્માતથી ગયો અને તમારી નોંધ માટે તે વખતે છ વાગ્યા હતા. કારણ કે તેની ઘડિયાળ પણ તે જ વખતે અથડામણથી બંધ પડી ગઈ છે.'

આ સાંભળતાં જ નમિ એકદમ બોલી, 'નહીં અજયભાઈ, તે વખતે છ: વાગવામાં પાંચ મિનિટ હશે, કારણ કે તે વહેલા પહોંચી શકે એમ ધારી મેં જ તેમની ઘડિયાળ તેમને ખબર ન પડે એમ પાંચ મિનિટ આગળ કરી દીધી હતી.'

આ સાંભળી અજય અવાક્ બની રડતી નમિને જોતો રહી ગયો!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OszF9_3b2a222vLCY7oKaaLsxry5jPJDQfk_htEw6VU%3Dw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment