Wednesday, 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રૂબરૂ કહેવાનું રાખ્યું નથી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રૂબરૂ કહેવાનું રાખ્યું નથી!
વિનોદ ભટ્ટ

 

 

તમે નિખિલભાઈના દીકરાના મેરેજ-રિસેપ્શનમાં આવવાનાં ને ?'

'ત્યાં આપણું શું દાટ્યું છે ?' તેમણે મને સામે પૂછ્યું. તે થોડા નારાજ જણાયા. તેમની પાસેથી મેં જાણવા માગ્યું.

'તમારા તો એ ખાસ સ્નેહી છે. તેમની જોડે તો તમે બબ્બેવાર વૈષ્ણવ દેવી પણ જઈ આવ્યા છો, તમારા માટે તે ઘણો ભાવ રાખે છે.' મેં કહ્યું.

'એ બધું ખરું, પણ-' તે બોલ્યા.

'કંકોતરી નથી મળી તમને ?' મારો સવાલ.

'મળી છે ને !… કંકોતરી તો મળી છે, પણ મારો સિદ્ધાન્ત છે કે, જે પ્રસંગનું નિમંત્રણ સરખી રીતે મળે એમાં જ જવાનું, ટપાલ કે કુરિયરમાં કોઈ કંકોતરી ફેંકે તો એને કચરા ટોપલીમાં નાખી દેવાની. જેને ત્યાં પ્રસંગ હોય, જેણે રાયજગત માંડ્યો હોય એ યજમાન કે એના કુટુંબનો કોઈ મુખ્ય માણસ રૂબરૂ આવીને કે પછી ફોન પર આગ્રહ કરી કહી જાય તો એને ત્યાં ચોક્કસ જવાનું. બાકી જે લગ્નપત્રિકામાં લખ્યું હોય કે 'રૂબરૂ કહેવાનું રાખ્યું નથી' એને ત્યાં તો ખાસ નહીં જવાનું. નવાઈના લગ્ન લઈને બેઠા છો, ને તમને સ્નેહીઓને નોતરું આપવા જેટલીય નવરાશ નથી ? તમે મોટા જગડું શાહ ને અમે રંજીપંજી ? આ બાબતમાં હું જરા વધારે પડતો 'ટચી' છું. જુઓને, આ ગઈ પંદરમી ઓગસ્ટે ગુજરાતના રાજભવન ખાતે એક સ્નેહમિલન ગોઠવેલું, પરંતુ એમાં હું ધરાર ના ગયો.' તેમણે જણાવ્યું.

'કેમ ના ગયા ?' મારા કુતૂહલે પૂછ્યું. 'બસ, એમજ… આપણનેય નાક હોય કે નહીં ? રાજભવનના પી.એ. ફોન કરીને કહી દે એટલે દોડી જવાનું ? જો મને બોલાવવો હોય તો ગવર્નરશ્રી જાતે જ ખંખત રાખીને ફોન પર પ્રેમાગ્રહ કરીને કહેવું જોઈએ કે, અમે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ગુજરાતના કેટલાક બુદ્ધિજીવીઓને નાસ્તા-પાણી માટે નિમંત્ર્યા છે. માહિતી ખાતા તરફથી અમને જાણવા મળ્યું કે, તમે પણ અખબારોમાં ક્યારેક ચર્ચા પત્રો લખો છો એટલે બહોળા અર્થમાં તમનેય બુદ્ધિજીવી ગણવામાં બાધ નથી… આમ આપણે જેના બંગલે જવાનું છે એ બંગલાનો માલિક જ આપણને ના બોલાવે તો ત્યાં શા માટે જવું ? એટલે હું ના ગયો.'

'મારા મતે તમારા પક્ષે આ જરા વધારે પડતું ગણાય…' એક ફરજ લેખે ગવર્નરશ્રીનો બચાવ કરતાં મેં તેમને કહ્યું : 'ખુદ ગવર્નરશ્રી સ્વમુખે જ તમને ઈન્વિટેશન આપે તો જ તમે જાવ એવી અપેક્ષા તમે કેવી રીતે રાખી શકો ?' આ સાંભળી મારા પર તપી જતાં તે બોલ્યા : 'તમારા લોકોની આવી માનસિકતા સામે જ મારો વાંધો છે. સેલ્ફ રિસ્પેક્ટ જેવું છે કે નહીં તમારામાં ? આપણે ગવર્નર નથી એથી શું થઈ ગયું ? માણસ પણ મટી ગયા ?… નો ડાઉટ આઈ એમ બ્રાહ્મીન, પણ હું બ્રાહ્મણ છું એથી શું થઈ ગયું ? – કોઈ બોલાવે એટલે એને ત્યાં દોટ મૂકવાની ? બ્રાહ્મણોનું બ્રહ્મતેજ ઝંખવાવા માંડ્યું છે એની પાછળનું મહત્વનું કારણ આ પણ ખરું. ભૂદેવોમાં આત્મસન્માનનું ખમીર ક્ષીણ થઈ રહ્યું છે…'

પરંતુ મને કહેવા દો કે આપણા દાદાઓ-વડદાદાઓ આજની પેઢી જેવા ચોખલિયા નહોતા, પ્રમાણમાં ઘણા ઉદાર હતા. એ જમાનામાં તો નારણ વેદિયો આવીને પોળે પોળે ને શેરીએ શેરીએ સાદ પાડી જતો કે ફલાણા શેઠ તરફથી આ તિથિએ, વારે સાંજે તમને સાગમટે જમવાનું નોતરું છે. પછી તો શહેર ચોર્યાસી હોય, ગામની ખેડાલ હોય યા ગામાત હોય, નોતરું મળી જાય એટલે જમનારાઓ ઘટના સ્થળે એટલે કે જમવાની ઘટના ઘટવાની હોય, લાડવાનાં માથાં ભાંગવાના હોય એ મહાસંગ્રામ સ્થળે સમયસર પહોંચી જતા.

અને એમાંય ગામડાના બ્રાહ્મણોમાં તો લાડુ ઝાપટવાનો ઉત્સાહ અનેરો. એક ટંક ભોજન માટે થઈને લોકો એક ગામથી બીજે ગામ, આઠથી દસ ગાઉનું અંતર હસતા હસતા કાપીને પગપાળા જતા. ચાલવાનો કોઈને કંટાળો નહીં. અને એ જમાનામાં ખાસ વાહનોય ક્યાં હતાં ? ને જેને ત્યાં ગાડા જેવું વાહન હોય એવા લોકોય સાવ મફતના લાડવા ખાધાનો માનસિક આનંદ ઝૂંટવાઈ ન જાય એ વાસ્તે ચાલવાનું પસંદ કરતા. એમાં બે રીતે ફાયદા થતા. ભૂખ્યા પેટે ચાલવાથી કકડીને ભૂખ લાગતી ને લાડુને વાજબી ન્યાય પણ અપાતો. વળતી વખતે ચાલવાથી દબાવીને ખાધેલાં લાડવા કોઈ પણ પ્રકારની પાચન ગોળી લીધા વગર સહેલાઈથી પચી જતા.

મને યાદ આવે છે કે, જે સાંજે અમારે ક્યાંક જમવા જવાનું હોય એ દિવસે સવારે અમે ખાવા માગીએ તો અમારા દાદા લક્ષ્મીશંકર મોહનલાલ ભટ્ટ અમને વઢે કે ગધા, સાંજે તો જમવા જવાનું છે ને અત્યારે ખાવા માગો છો ? સવારે પેટ ભરીને ખાશો તો પછી સાંજે શું જમશો, મારું કપાળ ? ઘરનાં મોટેરાંઓ સવારે લાંઘણ કરતાં. બ્રાહ્મણોના તો લગભગ દરેક ઘરમાં એકાદ લક્ષ્મીશંકર દાદા વસતા.
*
આજકાલ તો લગ્નની આમંત્રણ પત્રિકામાં નીચે R.S.V.P. લખવામાં આવે છે. એનો અર્થ ફક્ત એટલો જ કરવાનો કે યજમાન જાણવા માગે છે કે બોલો ભાઈ/બહેન, તમે અમારા ઘેર વાળુ કરવાના છો કે તમારા ઘેર ભાખરી ને શાક ખાવાનું વિચારો છો ? સારું એ તમારું. આ તો શું કે કેટરિંગ કોટ્રાકટરે ડિશ દીઠ રૂપિયા ૮૦૦ થી ૧૦૦૦ એંઠી લેવાનો છે. હવે તમને આવવાના છો એમ માનીને અમે ચાલીએ ને તમે ન આવો એટલે તમારા માટે રાંધેલું ધાન કૂતરાંને જ નાખી દેવું પડે ને ! અને શ્વાનોમાં ચાંલ્લો કરવાનો રિવાજ નથી એ પણ તમે જાણો છો. આ કારણે તમે અમને વેળાસર જાણ કરી દો એટલે તમારા નામ પર ચોકડી મૂકવી કે કેમ એની અમને સૂઝ પડે. આટલી લાં…બી… વાતને અંગ્રેજી એ.બી.સી.ડી.ના કેવળ ચાર જ અક્ષરો R.S.V.P. દ્વારા કેવી કલાત્મક રીતે સમજાવી છે. અંગ્રેજો મારા બેટા ચતુર તો ખરા, હોં !

પણ અગાઉના વખતમાં કોઈએ R.S.V.P.નું નામ સુદ્ધાં નહોતું સાંભળ્યું. કન્યાનો બાપ વેવાઈને ઉત્સાહથી કહેતો કે ત્રિલોકરાય તમારા નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ સગાં-સ્નેહીઓ તેમજ મિત્રોને જમવા તેડતા આવજો, માણસોની જરાય ચિંતા ન કરશો, જમનાર કોના બારણે છે ! અને છોકરાવાળાય મોટે ભાગે આજ્ઞાંકિત રહેતા, વેવાઈનું માન જાળવતા, તેમના થકી ધાર્યા કરતાં દોઢા-બમણા જમનારા આવી જતાં. આને લીધે યજમાનને મોટો ફાયદો એ રહેતો કે તેને રસોઈ પડી રહેશે એવો ભય ક્યારેય લાગતો નહીં.

અને પોળમાં તો વ્યવહાર હોય એ બધાનું ઘેર સર્વે જણ તેમજ મળવા આવેલ બહેન-દીકરીઓ તેમનો વસ્તાર, ઉપરાંત ઘેર મહેમાન આવ્યા હોય તો તેમને પણ પોળના મહેમાન ગણી જમવાનું ખુલ્લુ નોતરું રહેતું. હા, પોળનો કોઈ રહીશ કાયમ દાંડાઈ કરતો હોય, બહાર પહોળા ને ઘેર સાંકડા જેવો વ્યવહાર કરતો હોય તો એવાને ના છૂટકે કમને જમણવારમાંથી બહાર રખાતો. તો પણ એવા ઘરની ડોસી યજમાનના ઘેર જઈને ખુલ્લા મનથી કહેતી કે હેં અલી પશી, મારો રમણિયો, બાબુડિયો ને પવલો ત્રણેય આજે સવારે મને કહેતા હતા કે, દાદીમા, સાંજે અમારે પશીબાને ત્યાં જમવા જવાનું છે. મેં તો છોકરાંને કહી દીધું કે, પિટ્યાઓ, પશી જોડે આપણે એવો ખાવા-પીવાનો વહેવાર નથી એટલે એ તમને જમવાનું કહે જ નહીં, પણ છોકરાં તો હઠે ચડ્યાં છે કે, અમે તો જમવા જવાના જ, બોલ પશી કેમનું કરીશું. આ છોકરાઓનું ? પશી બા અવસર લઈને બેઠાં હોય ત્યાં ત્રણેક છોકરાંમાં શો ફેર પડવાનો ? પશી ડોસી હસી પડતાં બોલી દેતાં કે તમેય શું સમરતબહેન, એવું તે કંઈ પૂછાતું હશે ? મોકલી દેજો તમારાં બધાંય ટાબરિયાંઓને.

અમારી પોળમાં રહેતા એ મુરબ્બી બચુજીના નામથી ઓળખતા. તે સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા પણ તેમના ખાવાનો શોખ અકબંધ હતો. ઘર સિવાયનું જમવાનું તેમને વિશેષ ગમતું, ભાવતું.

'વસુધૈવ કુટુમ્બકમ'ની ઉદાત્ત ભાવના તે ધરાવતા. પોળમાં ગમે તે રહેનારને ત્યાં લગ્ન, જનોઈ, નવચંડી, યજ્ઞ કે વાસ્તુ યા તો મરણનો પ્રસંગ હોય તો પણ બચુજીને એનો બાધ નહીં. તે પહેલી પતરાળી સવા લાખની ગણી જમનારાઓની પહેલી જ પંગતમાં જમવા બેસી જાય ને વધારે નહીં, પાંચ-છ લાડવા પેટમાં પધરાવી ચાલવા માંડે. પોળના નાના-મોટા એકે એક જણને આની ખબર એટલે ક્યારેક, કોઈ પ્રસંગે બચુજી પંગતમાં ન દેખાય તો પીરસનારા એકબીજાને ચિંતાથી પૂછતા કે બચુજી કેમ દેખાતા નથી ? બીમાર તો નહીં હોય ને ?

હવે ભેગાભેગી મારી પણ થોડી વાત કરી લઉં. મારો પોળિયો ભાઈબંધ સોમો ઉર્ફે વિષ્ણુ જેણે આ લોકને બદલે અત્યારે તો પરલોકને વ્હાલુ કરી તેને પોતાનું સ્થાયી સરનામું બનાવી દીધું છે. પરંતુ અમે બંને નાના હતા ત્યારે અમારી વચ્ચે એવી વણલખી સમજૂતી હતી કે, તેને કોઈ જમણવારમાં જવાનું હોય ત્યારે મને તે જમવા લઈ જતો ને મારાં ફોઈ સગાં-સ્નેહીને ત્યાં જમવાનું હોય ત્યારે હું તેને સાથે જમવા લઈ જતો. અમે આનંદથી પેટ ભરીને ઘેર પાછા ફરતા. પરધાનિયા થવાની, પારકાનું ધાન ખાવાની અમને વધારે મજા આવતી. ઘેર ખાવાનું ઓછું ગમતું. એ દિવસોમાં અમને એટલી જ ખબર હતી કે અમે ભૂદેવ છીએ ને મોદકોને બોચીએથી પકડી પકડીને અમારે તેમને ઉદરસ્થ કરવાના છે, પેટમાં પધરાવવાના છે, એ અમારી પવિત્ર ફરજ છે.

જો કે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અંદરનો બ્રાહ્મણ લગભગ અધમૂઓ થઈ ગયો છે. તો પણ અરે, સોમા ઉર્ફે વિષ્ણુ જેવો જ અવાજ લાગે છે, એ મને ક્યાંક જમવા તેડી જવા આવ્યો હોય એમ બને. બારણું ખોલું એટલે ખબર પડશે…


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvNp2UEFoUZ1-HjpO5gStZh8p%3DR%3D0uBqLxb0pezP%3DM5Ew%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment