Tuesday 28 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હમ જાડે હૈ તો ક્યા હુઆ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હમ જાડે હૈ તો ક્યા હુઆ?
મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી

જીવનમાં એક વસ્તુ તો સમજી જ લીધી છે ખાવાનો કોઈ વિકલ્પ નથી. જીવન એક જ વાર મળે છે અને એમાં પણ જો સ્વાદ વગર રહેવાનું હોય, જાતને ભૂખ્યા રાખીને આપણી પોતાના પર જ ત્રાસ ગુજારવાનો હોય તો આખું ગામ શું કરશે? જીવવા માટે ખાવાની વાત એ લોકો કરે જેને કદાચ ડાયાબિટીઝ હોય, બી.પી. હોય બાકી સ્વસ્થ માણસ તો ક્યાં સારું ખાવાનું મળે એનું લિસ્ટ લઈને ફરતો હોય કેમ કે ઘેર તો સારું ખાવાનું ન જ મળતું હોય એ વાત દરેક પરિણીત પુરુષ જાણતો જ હોય! હાં ક્યારેક આપણે સમોસા પર દેખાતા તેલને ટિશ્યૂથી સાફ કરીને માનસિક શાંતિ મેળવી લઈએ કે જો હું બહુ ફેટ ઇન્ટેક નથી કરતો પણ આ માત્ર માનસિક જ હોય છે કેમ કે સમોસું જેમાં તળવામાં આવ્યું છે એ તેલ તો એ શોષી જ ચૂક્યું હોય! મિષ્ટાન્ન વગર જીવનમાં મીઠાશ કેમ આવે? હવે જો આ બધું માનીએ તો શરીર તો વધે જ જે આપણને ઉપાડવામાં વાંધો ન હોય પણ આપણા શરીરની બળતરા બીજાને આંટો લઈ જાય અને મેદસ્વીપણા પર લેક્ચર આપવા માંડે. એમને કોણ સમજાવે કે અમે જો તમારા જેવું કર્યું હોત તો અમારું શરીર પણ ન વધત!

 

અમારા એક મિત્ર પાસે બૅંકમાં બેસવા જઈએ એટલે એ ગમે તેમ કરીને ખાવાની વાત કરાવે પછી અમને કહે કે 'થોડું કામ છે હમણા આવું.' આ પછી લગભગ અડધા પોણા કલાકે પરત આવે. અમે એક દિવસ પીછો કર્યો ત્યારે ખબર પડી કે અમે જે ખાવાના વખાણ કરતા હોઈએ એ જગ્યા પર મિત્ર પહોંચી ગયા હોય. એમને પોતે ટેસ્ટ ન કરે ત્યાં સુધી શાંતિ નહોતી થાતી અને એમના શરીર પર જે કુદરતની મહેરબાની હતી કે વાત ન પૂછો. પોતાના ટેબલ માટે એમણે ખુરશી ક્યારેય નહોતી વસાવી, એમણે સામે બેસવાવાળાનો સોફો પોતાના તરફ રાખ્યો હતો અને બૅંકના ગ્રાહકો માટે ખુરશી! આવી જાહોજલાલી માત્ર જાડા માણસો જ ભોગવી શકે. જ્યારે પણ લાઈટ જતી ત્યારે અમે એમને ઊભા કરીને ફરી સોફા પર બેસવાનું કહી સાઇડમાં બેસી જતા. સોફો પણ દબાઈ ગયો હતો એટલે જેવા એ બેસે કે તરત જ અમને એવી જોરદાર હવા આવે અને લાઇટ ન હોય ત્યાં સુધી પંખાની જરૂર જ ન પડે! મને તો સમજાતું નથી કે કોણ એવી અફવા ફેલાવે છે કે જાડા માણસોની હાર્ટની નળીઓ બ્લોક થાય છે. આ વાતમાં ક્યાંય લોજિક જ નથી. તમે જાડા થાવ તો તમારી નળીઓ પણ જાડી ન થાય? સીધો જ હિસાબ છે કે એક ઇંચની પાઇપ લાઇનમાં પાણી જેટલું જાય એનાથી દોઢ ઇંચની પાઇપ લાઇનમાં વધારે જ જાય. તમે હોસ્પિટલમાં ઘણાની તબિયત પૂછવા ગયા હશો અને જો ન ગયા હો તો હવે ચક્કર મારી આવજો. તમે જેટલાં દર્દીઓ જોશો એમાં લગભગ ૯૦% દર્દીઓ જર્જરિત હાલતમાં હશે તો પણ અફવાઓ તો એવી જ ફેલાય કે જાડાપણું એટલે રોગનું ઘર! જો એ વાત સત્ય હોત તો પાતળા દર્દી જ જોવા ન મળત. તમે ગમે એટલા જાડા થાવ તમારું મુખ્ય કામ અટકતું નથી જ, જેમ કે જાડા થાવ તો પણ નાકમાં આંગળી જાય જ તો પછી જાડા થવામાં વાંધો શું?

 

તમે ક્યારેય એવું જોયું કે દુબળા માણસને હાથી સાથે સરખાવવામાં આવ્યો? ભલે જંગલનો રાજા સિંહ કહેવાય પણ હાથી સામે તો ન જ થાય. રાજકારણમાં રાષ્ટ્રપતિની જેમ રબર સ્ટેમ્પ તરીકે સિંહને રાખવામાં આવ્યો છે બાકી સાચો રાજા તો હાથી જ છે. તમને ખબર જ હશે કે હાથીનું આયુષ્ય સિંહ કરતાં વધારે હોય છે. હવે વિચારો કે જો હાથી વધારે જીવે તો એ જાડો છે તો પણ કેમ જીવે છે? હું અને મારા પત્ની જ્યારે જ્યારે રોડ પર ચક્કર મારવા નીકળ્યા છીએ ત્યારે ત્યારે મ્યુનિસિપલવાળા અધિકારીઓએ અમારું અભિવાદન કર્યું છે. અમને બંનેને ખાસ 'રોડ રોલર' એવૉર્ડ પણ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ કહ્યું હતું કે અમારી સોસાયટીની નવરાત્રીમાં અમારે ફાળો આપવાનો નથી હોતો, ખાલી બે દિવસ અગાઉ પ્રેક્ટિસ માટે મારા પત્નીને દાંડિયા રમાડવાના હોય છે. ખાલી બે દિવસ બે કલાકની પ્રેક્ટિસમાં તો ગ્રાઉન્ડ સમતળ થઈ જાય. ક્યા દુબળા માણસમાં આવી તાકાત છે? દુબળા માણસોના વિરોધમાં પોતે જાડા ન થઈ શકવાની બળતરાને લીધા પાતળા માણસોએ બધાને ભડકાવ્યા છે અને એમાં પણ ડૉક્ટર્સ ગ્રૂપ ભળી ગયું છે. જ્યાં જુઓ ત્યાં બોર્ડ મારેલાં મળે, છાપું ખોલો ત્યાં એકાદ એડ તો મળી જ જાય અને પાછું એવી સરસ રીતે લખ્યું હોય કે 'મેદસ્વીપણાથી પરેશાન? જાડાપણું એટલે રોગનું ઘર. આજે જ સંપર્ક કરો ફલાણા ફલાણા ડૉક્ટરનો' જાણે જાડા હોવું એ રોગ હોય! શાહબુદ્દીન ભાઈએ તો કહ્યું જ છે કે 'જાડા માણસો હસમુખા હોય કેમ કે એનાથી કંઈ કોઈ પાછળ ભાગી તો શકાય નહીં એટલે દરેક વાત હસવામાં કાઢી નાખે.' પણ મને પ્રશ્ર્ન એ છે કે મરઘી પહેલા કે ઇંડું પહેલા? જાડા જ એટલે થયા હોય કેમ કે એ વાતોને હસવામાં કાઢી નાખે છે બાકી બળતરા કરતા હોય તો ભલે ને વંડી ઠેકીને ભાગી જાય પણ જાડા તો ન જ થાય. સાઉથની હીરોઇનને જુઓ. એક પછી એક હિટ ફિલ્મ આપતી જાય અને અમુક ફિલ્મ તો આપણા બોલીવૂડથી પણ વધારે કમાણી કરે છે. તમે બારીકાઇથી અભ્યાસ કરજો આ પાછળનું કારણ સાઉથના હીરોનું અદોદળું શરીર અને હીરોઇનની જાડાઇ. દીપિકા ભલે ઝીરો ફીગરના વખાણ કરાવતી હોય બાકી જઈ આવે એક વાર સાઉથનું મૂવી કરવા જોઇએ ત્યાંના લોકો કોને પસંદ કરે છે એ ખબર પડી જાય. મેદસ્વીપણું એ આપણા રાષ્ટ્રની ઓળખાણ છે. ભારતના કોઈ પણ રાજ્યમાં જઈને પોલીસ સ્ટેશનમાં તપાસ કરી આવો ઓછામાં ઓછા ૭૦% પોલીસ ફાંદવાળા ન જોવા મળે તો કહેજો. એ વાત તો જવા દો ભારતના ક્યા નેતા ફાંદવાળા નથી? આવા લોકો જ પચાવી શકે છે. દેશની કેટલી પ્રોપર્ટી, કેટલા રૂપિયા અને કેટલી ગાળો આ નેતાઓએ પચાવી હશે એનો કો'ક દિ' હિસાબ કરશો તો ખબર પડશે કે આ કામ માત્ર જાડા લોકો જ કરી શકે! અમારા ચૂનિયાની ઘરવાળી તો સૂતી હોય ત્યારે એના છોકરાઓ એના પેટ પર લખોટીઓ લઈને રમે છે અને કલાકો કાઢી નાખે છે! કઈ પાતળી સ્ત્રી પોતાના પેટ પર લખોટી રમાડી શકે?

 

મેં તો નક્કી કર્યું છે કે થોડા એવા ડૉક્ટર્સ ભેગાં કરીને ફાંદ અને શરીર વધારવા માટે ક્લિનિક્સ ખોલવા. મારા આ જાડાપણાના ફાયદાનું તમને આત્મજ્ઞાન થઈ ગયું હોય તો અત્યારથી નામ લખાવી દેજો અને જો કોઈ તૈયાર હોય તો મારે 'મારી ફાંદ રહે આબાદ' સૂત્રથી એક આંદોલનના મંડાણ કરવા છે અને દેશમાં જેટલા જિમ છે એ બંધ કરાવી ત્યાં અલગ અલગ વાનગીના રેસ્ટોરન્ટ્સ ખોલાવવા છે. એક પણ દુકાન પર પાતળો એમ્પ્લોયી પણ નથી રાખવો તો જ દેશ આગળ વધશે અને આપણા દેશનું નામ ગાજશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oscr%3D2xNsAxgqA_zW6AFk5Bd2qhmJWjxNTS8y_GbZDNnw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment