Thursday 30 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઘાના: વિશ્ર્વનો સૌથી મોટો ભંગારવાડો જયારે ટેલેન્ટનું એપી સેન્ટર બને (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘાના: વિશ્ર્વનો સૌથી મોટો ભંગારવાડો જયારે ટેલેન્ટનું એપી સેન્ટર બને!
મોન્ટાજ-અભિમન્યુ મોદી

ખરા અર્થમાં વૈરાગ્ય લઇ લેનાર ઓલિયા-ફકીર-સાધુ-સંત તો હવે બહુ ઓછા રહ્યા છે અને તમે એ બહુ જૂજ સંન્યાસીઓમાંના એક નહિ હો તો તમારા તરફથી ઉપરોક્ત સવાલનો જવાબ હકારમાં હોવાની શક્યતા વધુ રહેશે. જમીનમાંથી મળતા મટીરિયલમાંથી સોનું મળે છે એ આપણે જાણીએ છીએ, પરંતુ વર્તમાન વિશ્ર્વમાં એ ખનીજો કરતાં કેટલાય ગણું વધુ સોનું-ચાંદી ધરાવતું મટીરિયલ છે અને તે વળી ખાણમાં હોવાના બદલે પૃથ્વીની સપાટી ઉપર છે. દેખીતી રીતે જમીની ખોદકામ કર્યા વિના હાથમાં લાગતી મૂલ્યવાન ધાતુના બિઝનેસમાં ગુજરાતી માઈન્ડને બખ્ખેબખ્ખા દેખાય બટ, વેઇટ અ મિનિટ. અમુક લોકો છે જે આ કામ છેલ્લાં થોડા વર્ષોથી કરી રહ્યા છે. તે લોકોને મળીએ?

એજોઆ. નવ વર્ષની છોકરીનું નામ છે જે પાણીના પાઉચ વેચે છે, એ વિસ્તારમાં કામ કરતાં યુવાનોને પીવાનું પાણી પહોંચાડે છે. કયાં ને કેવા યુવાનો? રહેમાન નામનો બાર વર્ષનો છોકરો અહીં કામ કરવા આવે છે. અઠવાડિયામાં એક-બે દિવસ જેટલો સમય મળે તો સ્કૂલે જાય. જ્હોન મહામા એકવીસ વર્ષનો છે જે અનિદ્રાથી પીડાઈ રહ્યો છે. ક્વ્બેના લેબોબે નામના દસ વર્ષના છોકરાને તેના વાલી સ્કૂલે મોકલી શકે એમ નથી. માટે તે આ વિસ્તારમાં આખો દિવસ રમતો હોય. થોડા દિવસથી એને માથું દુખવા મંડ્યું છે. હેડેકનું કારણ શું? ડૉક્ટરને બતાવે તો ખબર પડેને. એડમ નસારા પચીસ વર્ષનો છે પણ ચામડીના રોગથી વર્ષોથી પીડાય છે. એ દવા કરાવવાનો નથી. પૈસા નથી એટલે દવા નહિ કરાવે? ના, સમય નથી એટલા માટે તે ડૉક્ટર પાસે નહિ જાય. ઈબ્રાહિમ અબ્દુલાઈ ત્રેવીસ વર્ષનો છે. નબળાઈ અને થાક-ચક્કર તેને શું કામ આવે છે એ ખબર નથી પણ તે જ નક્કી કરે છે કે આ વિસ્તારમાં કોણ કામ કરશે અને કોણ કામ નહિ કરે. તેણે જ પેલી એજોઆ નામની નવ વર્ષની છોકરીને ત્યાં પાણીના પાઉચ વેચવાની પરવાનગી આપી છે. તે છોકરી પીવા માટેનું પાણી ઓડો નદીમાંથી ભરે છે. આ નદીમાં (નદી ઉપર નહિ) એક અજાયબ પુલ બનાવેલો છે. સામાન્યત: પુલ સિમેન્ટ-કૉન્ક્રીટથી બને આ પુલ કમ્પ્યુટરના મોનીટરથી બન્યો છે. આ બધા યુવાનોએ નદી કે ઝરણું ઓળંગવા માટે કમ્પ્યુટરના મોનીટર કે લેપટોપની સ્ક્રીન ઉપર પગ મૂકીને ચાલવાનું.

વેલકમ ટુ એગ્બોગ્લોશી. ઘાનાની રાજધાની અક્રા પાસેનો એવો વિસ્તાર જે વિશ્ર્વની ઈલેક્ટ્રોનિક વેસ્ટની સૌથી મોટી સાઈટ ગણાય છે. અમેરિકા, યુરોપ અને જાપાનમાંથી દરરોજ સંખ્યાબંધ ક્ધટેનર જહાજ અહી ઓફલોડ થાય છે. તેમાં ઠાંસી ઠાંસીને ભરાયેલો ઈલેક્ટ્રોનિક સામાન એગ્બોગ્લોશી પહોંચે છે અને ઉપર જેના જેના નામ લખ્યા એ બધા બાળકો સહિત બીજા હજારો યુવાનો તે ઈલેક્ટ્રોનિક સામાનને પોતાની રોજીરોટી બનાવવાના કામમાં જોતરાઈ જાય છે. હકીકતમાં એને કામ નહિ વેઠ કહેવી જોઈએ. વર્તમાન વિશ્ર્વની એવી વેઠ જેમાંથી ઊપજ સોના-ચાંદીના સ્વરૂપમાં મળે છે. પૃથ્વીના પેટાળમાંથી મળતી ધાતુ કરતાં અનેકગણું વધુ તાંબુ, નિકલ, સોનું, ચાંદી, પ્લેટિનમ આ કચરામાં છે અને ઘાનાના રહીશો મેટ્રોપોલિટન દેશો દ્વારા ત્યજવામાં આવેલો ઈલેક્ટ્રોનિક એંઠવાડ દિવસ-રાત ફેંદી રહ્યા છે.

તો શું આ લીગલ છે? લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિ અમાનવીય નથી? કડક કાયદા નથી બન્યા? અરે, બન્યા છેને. યુનાઈટેડ નેશન્સ કે ઠઇંઘ કે યુનેસ્કો/યુનિસેફ જેવી સંસ્થાઓએ આવી અમાનવીય પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદા બનાવ્યા જ છે. બેઝલ ક્ધવેન્શનના એગ્રીમેન્ટ હેઠળ કોઈ વિકસિત દેશ વિકાસ કરી રહેલા દેશને પોતાની કચરાટોપલી ન બનાવી શકે. જગત જમાદાર અમેરિકાના વડપણ હેઠળ વિશ્ર્વના બધા દેશોએ બેઝલ ક્ધવેન્શન ઉપર સાઈન કરેલી છે. તો પછી શું કામ ઘાના અમેરિકાની કચરાટોપલી બન્યું? બારણું દીવાલમાંથી પસાર થવા માટે બનાવવામાં આવે જયારે પૈસાદાર લોકો બારણું બનાવવા માટે જ દીવાલનું બાંધકામ કરે. અમેરિકા જેવા વિકસિત દેશોની દલીલ છે કે 'અમે તો ત્યાં રિસાયક્લિગં અને રીપેરિંગ માટે ઈલેક્ટ્રોનિક સામાન મોકલીએ છીએ. સ્ક્રેપ અને વેસ્ટમાં તો ફરક ને. અમે વેસ્ટ નથી મોકલતા, સ્ક્રેપ મોકલીએ છીએ, ઘાનાના નાગરિકોના ભલા માટે!' ક્યા બાત હૈ! એલએલબી તો અમેરિકામાંથી જ કરાય વિરાટવાચકો!

ઇલેક્ટ્રિક પ્લગની એલ્યુમિનિયમ ટીપથી લઇને કમ્પ્યુટરના મધરબોર્ડની સર્કિટના નાના નાના કણ સુધી બધું વીખી નાખતા આ યુવાનોનું સ્વાસ્થ્ય જ નહિ જિંદગી જોખમમાં છે. પરંતુ અહીં હજારો યુવાનો એવા છે જે ઈલેક્ટ્રોનિક ભંગારને રીપેર કરી જાણે છે. જે દેશમાં સિલિકોન વેલી છે, જે દેશમાં એપલ-માઈક્રોસોફ્ટ જેવી મસમોટી કંપનીઓ ઉદ્ભવી છે તેવા દેશમાં જે રીપેર ન થઇ શકે તે ઘાનામાં રીપેર થાય છે અને ફરીથી ઉપયોગમાં લેવાય છે. અહીંના લોકો ગરીબ અથવા તો મિડલ ક્લાસ હશે પણ ઘરે ઘરે ટીવી, ઓવન, ફ્રીજ, એસી છે જે આવા ભંગારમાંથી બન્યું હોય છે. આ કૂડા-કચરામાંથી બનાવવામાં આવેલું એક ડ્રોન હમણાં જ એ વિસ્તારમાં ઊડ્યું હતું.

મુદ્દો એ છે કે ઝેરીલા પદાર્થમાંથી પણ આ લોકો એવી મશીનરી બનાવી જાણે છે જેને બનાવતા પરંપરાગત પદ્ધતિથી પંદર વર્ષની સ્કૂલ-કોલેજ ઉપરાંત મિનિમમ ત્રણ વર્ષની તાલીમ જોઈએ. આ લોકો આપમેળે ટેલેન્ટેડ બન્યા છે પણ અફસોસ કે તેઓની ટેલેન્ટ ઓલમોસ્ટ વેડફાઈ રહી છે, કારણ કે અહીં ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ છે. અહીં ડમ્પ કરવામાં આવેલા કમ્પ્યુટરમાંથી ડેટા રીટ્રીવ કરવામાં આવે છે. અમેરિકાની સુરક્ષા જોખમાઈ શકે એવા ડેટા પણ આ લોકો મેળવી લેતા હોય છે એવા એક રિપોર્ટનો અંદાજ છે. ક્રેડિટ કાર્ડની ડીટેલ્સ જેવી માહિતીઓ તો આસાનીથી તૂટી ગયેલા લેપટોપમાંથી આ લોકો મેળવી લે છે.

ટૂંકમાં, એટલાન્ટિક સમુદ્રના કિનારે આવેલા આફ્રિકન દેશ ઘાનાની રાજધાની પાસે એક એવો મોટો પ્રદેશ છે જે વિશાળ ઈલેક્ટ્રોનિક ઉકરડો બન્યો છે. એ ઉકરડાને કારણે ત્યાંના યુવાનો પોતાના જાનની સલામતીના ભોગે પણ પ્રોફેશનલ એન્જિનિયરને ટક્કર મારે એવા હોશિયાર બન્યા છે પણ ગુનાખોરી અને પ્રદૂષિત વાતાવરણને લીધે તે પ્રદેશ માનવોના વસવાટલાયક નથી રહ્યો. બાય ધ વે, ઘાનાની રાજધાની અક્રા અકાન' શબ્દ પરથી આવે છે

જેનો અર્થ થાય કીડીઓ. સ્થાનિક દંતકથા મુજબ અકાન નામના દેવતા ત્યાંની ઓડો નદીમાં રહે છે. ઓડો નદી કઈ? જેમાં કમ્પ્યુટરના મોનીટરનો કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou8E4wpF29NC%2BunYo42KU3MTDMU6wrrk57udOBTgBAiww%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment