Tuesday, 28 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચુપકીદી મારી બીમારી નહીં, મારી વેદના છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચુપકીદી મારી બીમારી નહીં, મારી વેદના છે - અટલ બિહારી વાજપેયી!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

છેલ્લાંં કેટલાંય વર્ષોથી શરીર સાથ નથી આપતું. તબિયત સાવ લથડી ગઇ છે. ઘણાં વર્ષો માંદગી અને હૉસ્પિટલમાં કાઢ્યા. બસ, આ માંદગીનાં વર્ષો જ મારા પોતાના હતાં, બાકીની જિંદગી તો દેશ માટે પસાર કરી. માંદગીનાં વર્ષો દરમિયાન દેશ, દુનિયા અને જીવન વિશે ઘણું વિચારી શક્યો. મારી પોતાની જિંદગી વિશે શાંતિથી વિચારવાનો મોકો પણ માંદગીનાં વર્ષોમાં જ મળ્યો. ભૂતકાળની ઘટનાઓ નજરની સામે તરવરતી દેખાઇ. યુવાનીનાં એ વર્ષો અને ત્યાર પછી દેશસેવા માટે ન્યોછાવર કરેલાં વર્ષો.

 

એ સમયે તનમનમાં જુવાનીનું જોશ હતું એટલે જે વિચારો મનમાં રોપાયા એ ઉત્કટ હતા. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વિચારધારાથી હું પ્રભાવિત થયો હતો. મારામાં પહેલેથી એક મોટો ગુણ એ હતો કે હું જે કંઇ કરું એ પૂરી નિષ્ઠાથી કરતો. આરએસએસ સાથેનો સંબંધ પણ મેં હંમેશાં પૂરી નિષ્ઠાથી નિભાવ્યો અને મારા સિનિયરોએ જે કહ્યું એમ કર્યું. ગાંધીજીની હત્યાને પગલે ૧૯૪૮માં આરએસએસ પર પ્રતિબંધ આવ્યો. રાજકીય રીતે અમે વધુ સક્રિય બનવા માંગતા હતા એટલે ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી, જેમાં હું એક વરિષ્ઠ નેતા હતો. આદરણીય નેતા દિનદયાળ ઉપાધ્યાયના કહેવાથી મેં આરએસએસના વિચારોનો પ્રસાર કરતી પત્રિકાઓમાં પણ કામ કર્યું. હું કવિજીવ તો પહેલેથી હતો જ. આખરે ૧૯૬૮માં હું જનસંઘનો પ્રમુખ બન્યો.

 

જનસંઘના પ્રમુખ તરીકે મેં ખૂબ કામ કર્યું, ખૂબ મહેનત કરી. મારા વ્યક્તિત્વ તથા મારી વક્તૃત્વ છટાથી પંડિત જવાહરલાલ નહેરુ પણ પ્રભાવિત થયા હતા અને એમણે કહ્યું કે આ નેતા એક દિવસ દેશના વડા પ્રધાન બનશે. જોકે ત્યારે મારા માટે દિલ્હી બહુ દૂર હતી. મારાં ભાષણો વખણાતાં હતાં, મારી ચારેતરફ પ્રશંસા થતી હતી, પરંતુ મારા પક્ષને જોઇએ એવી સફળતા નહોતી મળતી.

 

સમય જતાં કૉંગ્રેસમાં સડો થતો ગયો. અગાઉ જે સિદ્ધાન્તો કૉંગ્રેસે અપનાવ્યા હતા એને ભૂલાવી દેવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધી એક કુશળ નેતા હતાં, પરંતુ સત્તાની લાલચમાં એમણે ઘણું ખોટું પણ કર્યું. બાંગલાદેશને સ્વતંત્રતા અપાવવા માટે એમણે પાકિસ્તાનને યુદ્ધમાં પરાજય આપ્યો ત્યારે મેં એમની ખૂબ પ્રશંસા કરી હતી, પરંતુ ૧૯૭૫માં સત્તા ટકાવી રાખવા માટે એમણે દેશમાં કટોકટી લાદી ત્યારે મેં એમનો સખત વિરોધ કર્યો હતો, એટલું જ નહીં, ત્યાર પછી કૉંગ્રેસ વિરુદ્ધ એકઠા થયેલા પક્ષોની સાથે હું જોડાયો હતો. જનતા પાર્ટીની રચના માટે હું એમાં મારા પક્ષ જનસંઘને વિલીન કરી દેવા પણ સહમત થયો હતો.

 

જનતા પક્ષનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો એટલે મેં મારા મૂળ જનસંઘને ફરી નવો જન્મ આપ્યો અને એનું નામ રાખ્યું ભારતીય જનતા પક્ષ (બીજેપી). અમે ભલા અને અમારા સંઘ પરિવાર સાથે સંકળાયેલાં સંગઠનો ભલા એમ વિચારીને અમે એકલે હાથે સત્તા હાંસલ કરવાના પ્રયાસો શરૂ કર્યો. અલબત્ત, અમને લોકસભાની બેઠકો વધારવામાં ધીમી સફળતા મળતી રહી, પરંતુ પોતાના સંખ્યાબળ પર સરકાર બનાવી શકાય એટલી બેઠકો ક્યારેય ન મળી એટલે અમે બીજા કેટલાક રાજકીય પક્ષોની સાથે મળીને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની સ્થાપના કરી.

 

એનડીએના વડા તરીકે હું ત્રણ વાર વડા પ્રધાન તો બન્યો, પરંતુ પહેલી વાર ફક્ત તેર દિવસ માટે અને બીજી વાર ફક્ત તેર મહિના માટે. જોકે બીજી વારની સરકાર બની એમાં કેટલાંક સારાં કામો કરવાનો મને મોકો મળ્યો, જેને કારણે મારી વ્યક્તિગત પ્રતિષ્ઠા વધી. ખાસ તો કારગીલ વોરને લીધે ૧૯૯૯ની ચૂંટણીમાં અમે સ્થિર સરકાર બનાવી શકીએ એવી સ્પષ્ટ બહુમતી મળી.

 

વડા પ્રધાન તરીકેનો મારો આ સમય ઉત્તમ હતો. આ સમય દેશ માટે અને મારા માટે વ્યક્તિગત રીતે પણ મહત્ત્વનો રહ્યો. એનડીએના મારી સાથે પક્ષો સાથે એક પ્રકારની સમજૂતી હતી, પરંતુ એ બધા પક્ષો અમારા સંઘ પરિવારના એજન્ડા સાથે સહમત નહોતા. આથી અમારે કોમન મિનિમમ એજન્ડા પ્રમાણે સરકાર ચલાવવી પડતી. આના કારણે હું હંમેશાં મૂંઝવણ અને દ્વિધામાં ઘેરાયેલો રહેતો. એક બાજુ સંઘ પરિવાર તરફથી અમારા મૂળ એજન્ડા (રામમંદિર, ૨૭૦ કલમ રદ કરવી વગેરે)નો અમલ કરવાનું દબાણ થતું તો બીજી તરફ સાથી પક્ષો એ માટે રાજી નહોતા. આ વિશે હું આગળ નહોતો વધતો એને લીધે સંઘ પરિવાર સાથે સંકળાયેલા અમુક નેતાઓ તો નારાજ થઇ ગયા હતા. બલરાજ માધોકે તો ફરીથી જનસંઘને બેઠો કરવાની ધમકી આપી હતી.

 

જોકે એનડીએ શાસનના આ સમય દરમિયાન મારો એક વ્યક્તિ તરીકે અલગ રીતે વિકાસ થયો. દેશના શાસક તરીકે, વડા પ્રધાન તરીકે સમગ્ર દેશની સામૂહિક ભાવનાને હું અલગ રીતે સમજતો થયો. જે વિષયો પર હું પ્રચારક તરીકે કટ્ટર વિચાર ધરાવતો હતો એ વિચાર દેશના વડા પ્રધાન તરીકે પચાવવાનું મારા માટે મુશ્કેલ હતું. દરેક દેશવાસીને સાથે રાખીને જ આગળ ચાલવાનું મહત્ત્વ હું સમજ્યો. મારો દષ્ટિકોણ વિસ્તર્યો. આથી જ બાબરી મસ્જિદ ધ્વંશ અને ૨૦૦૨નાં રમખાણોની મેં જાહેરમાં ટીકા કરી. એટલું જ નહીં, એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને 'રાજધર્મ'ને લગતી ટકોર પણ કરી, જે પછીથી બહુ ફેમસ થઇ ગઇ.

 

દેશના વડા તરીકે આર્થિક નીતિઓ બાબતે પણ હું અલગ રીતે વિચારતો થયો. અમારી મૂળ વિચારધારા 'સ્વદેશી'ની, પરંતુ મને સમજાયું કે તત્કાલીન સમયમાં વિશ્ર્વની સાથે રહેવાનું જરૂરી છે. આથી ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવે શરૂ કરેલા આર્થિક સુધારાને આગળ વધારવાનું કામ આવશ્યક છે. પાકિસ્તાન સાથે મિત્રતાભર્યા સંબંધો રાખવાનું જરૂરી છે. હું મારી રીતે આગળ વધતો ગયો, પરંતુ બીજી તરફ કેટલીક બાબતોમાં મારી પીછેહઠ થતી ગઇ.

 

બરાક મિઝાઇલ કૌભાંડને પગલે સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસે રાજીનામું આપવું પડ્યું. ત્યાર પછી કારગિલ સૈનિકોના કોફીનનું કૌભાંડ બહાર પડ્યું. કારગિલ યુદ્ધ વિશેના તપાસ પંચે એવો રિપોર્ટ આપ્યો કે આ યુદ્ધ નિવારી શકાયું હોત. બીજી તરફ આરએસએસના પ્રમુખ બાંગારુ લક્ષ્મણ લાંચ લેતા પકડાયા. આ બધી ઘટનાઓને કારણે હું હતાશ થઇ ગયો.

 

૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થશે એવી સૌએ ધારણા રાખી હતી, છતાં અમારો પરાજય થયો. હું અંદરથી ભાંગી પડ્યો. ૨૦૦૫માં મેં રાજકીય રીતે નિવૃત્તિ જાહેર કરી અને એલ કે અડવાણી તથા પ્રમોદ મહાજન પક્ષની નેતાગીરી સંભાળે એવી ઇચ્છા વ્યક્ત કરી.

 

ત્યાર પછી જે કંઇ બની રહ્યું છે એ હું એક સાક્ષી તરીકે જોઇ રહ્યો છું. ક્યારેક એમ લાગે છે કે રાજનીતિ કરવા કરતાં હું એક કવિ, એક સર્જક બન્યો હોત તો વધુ સારું હતું. જે વિચારને દાયકાઓ સુધી મનમાં પોષ્યો હોય એની નિરર્થકતા સમજાય ત્યારે શું કરવું? જે ધ્યેય સિદ્ધ કરવા માટે જિંદગી આખી સંઘર્ષ કર્યો એ ધ્યેય સત્તા હાથમાં હતી ત્યારે પણ સિદ્ધ ન થઇ શક્યું.

 

હું તો ખેર, લાચાર હતો મારા સાથી પક્ષો પરના પરાવલંબનને કારણે, પરંતુ હાલના વડા પ્રધાન પર તો એવું કોઇ દબાણ નથી, છતાં એ શા માટે મૂળ ધ્યેય, મૂળ એજન્ડાનો અમલ નથી કરી શકતા. શક્ય છે કે એક પ્રચારક અને એક વડા પ્રધાનનો દષ્ટિકોણ અલગ હોય છે. પાકિસ્તાન સાથે દોસ્તીના પ્રયાસ, વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન, ૨૭૦ની કલમને અભરાઇ પર ચડાવી દેવી, રામ મંદિર બાબતે નિષ્ક્રિય રહેવું આ બધુ જ હું વડા પ્રધાન તરીકે કરી ચુક્યો છું અને હાલના વડા પ્રધાન પણ કરી રહ્યા છે.

 

તો શું અમારા મૂળ ધ્યેય, મૂળ એજન્ડા બધુ એક કલ્પના જ છે. અને શું આ બધી રાજનીતિ સત્તા પ્રાપ્ત કરવા માટેની સીડી જ છે? હું આગળ કંઇ જ વિચારી નથી શકતો અને આ વિશે કંઇ જ બોલવા નથી માંગતો. આથી જ છેલ્લા કેટલાય મહિનાઓથી હું બોલી શકું એમ છું છતાં નથી બોલતો. ચુપકીદી એ મારી બીમારી નથી, વેદના છે.

 

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os2%2B5DnWj-97Q438w8if%2BJR4%3D_bUxjFWWcXD7i9M763CA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment