Friday 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડરને તર્કથી દૂર કરી શકાતો નથી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડરને તર્કથી દૂર કરી શકાતો નથી!
કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

 

 

પ્રાણીમાત્રને ડર લાગે છે અને મનુષ્ય પણ પ્રાણી છે એટલે એને ડર લાગે તે સ્વાભાવિક છે. કશો જ ડર ન લાગતો હોય એવી વ્યક્તિ ભાગ્યે જ હશે. અને ડર એવી વસ્તુ છે કે એને તર્કથી દૂર કરી શકાતો નથી. ડરને જીતી શકાય છે, પરંતુ બીજા કોઈક રૂપમાં મનમાં ક્યાંક ને ક્યાંક એ સંતાઈ રહે છે.

ડરનો યુવાન વયનો એક પ્રસંગ અહીં લખું છું.

એકવાર હું, મારા એક પ્રકાશક મિત્ર અને એક લેખક એક પ્રિન્ટિંગ પ્રેસવાળા મિત્રને ત્યાં બેઠા હતા. પ્રેસવાળા મિત્રના ઘરનું કંપાઉન્ડ ઘણું મોટું હતું. પ્રેસ પણ એ કંપાઉન્ડમાં જ હતું. સંધ્યા આથમી ગઈ હતી અને અંધારું થવા લાગ્યું હતું. પ્રેસવાળા મિત્રે એમના ગામમાં ક્યાં કયાં ભૂત થતાં હતાં એની વાત કરી. એ વાતમાં એમણે એવી તો જમાવટ કરી કે આપણી નજર સમક્ષ ગામમાં અને ગામબહાર આવેલી જગ્યાઓ અને જે વ્યક્તિઓને ભૂતનો અનુભવ થયો હતો એ તાદૃશ થઈ જાય!

અચાનક પેલા લેખક મિત્રે કહ્યું, "એ વાત જવા દોને યાર."
મને નવાઈ લાગી એટલે મેં પૂછયું, "તમને ભૂતનો ડર તો નથી લાગતો ને?"
એમણે કહ્યું, "જવા દોને."
મેં કહ્યું, "ઘણાંને ડર લાગે છે."
એમણે વચ્ચે જ મારી વાત કાપી નાખી, "તમને ભૂતનો ડર નથી લાગતો?"
"ના. બિલકુલ નહીં."
પેલા પ્રેસવાળા મિત્રને પણ નવાઈ લાગી.
એમણે પૂછયું, "ખરેખર તમને ભૂતની બીક નથી લાગતી?"
"ના, જરાય નહીં."
લેખક મિત્રે પૂછયું, "કોઈ વસ્તુની બીક નથી લાગતી?"

"મને બીજી વસ્તુનો ડર લાગે છે પણ ભૂત-પ્રેતનો ડર લાગતો નથી." પ્રેસવાળા મિત્રે વાત આગળ ચાલવી, "અહીં ગામ બહાર એક એવી જગ્યા છે જયાં ખરા બપોરે ઘણાં માણસોએ ભૂત જોયું છે. કાલે હું તમને ત્યાં લઈ જઈશ, પછી જોઈએ."
"કાલે દિવસે શા માટે? અત્યારે ટોર્ચ લઈ લો આપણે ત્યાં જઈએ."

પરંતુ પેલા લેખક મિત્ર ભૂતપારાયણ આગળ ચલાવવા ઈચ્છતા નહોતા.
એ વાત ત્યાં બંધ થઈ ગઈ. એ લેખક મિત્રનું લખાણ વાંચનાર ભાગ્યે જ માની શકે કે એમને ભૂતનો ડર લાગતો હશે, પરંતુ કોને કઈ વસ્તુનો ડર લાગતો હશે એની બીજાને ખબર પડતી નથી. મને ભૂતનો ડર લાગતો નથી પણ બીજી વસ્તુઓનો ડર લાગે છે.

ભૂત-પ્રેત વિશે જાણવાની મને બચપણથી જ ઉત્કંઠા રહી છે. મારા પિતાએ એમના કેટલાક અનુભવોની વાત મને કહી હતી એથી મને ખાતરી થઈ હતી કે ભૂત-પ્રેત વગેરેની વાત સાચી નથી. અમારા ગામમાં એક આંબલી હતી. માણસો કહેતા કે ત્યાં 'મામો' થાય છે. આંબલી નીચેથી કોઈ પસાર થતું નહીં. આંબલી એવા સ્થળે હતી કે જ્યાં માણસોની અવરજવર ઘણી ઓછી હતી. આંબલી ઉપર લાલકપડાં, નાળિયેર અને નાનકડી માટલીઓ લોકો ટીંગાડી જતાં. એટલે આંબલી પોેતે જ ડરામણી લાગતી હતી.

જયારે કોઈ ન હોય ત્યારે ત્રણ-ચાર વાર હું ત્યાંથી પસાર થયો હતો. એક દિવસ સાંજે પસાર થયો હતો તો, બપોરે પણ અનેકવાર પસાર થયો હતો પણ મને કશું દેખાયું નહોતું એટલે ભૂત-પ્રેતની બાબતમાં એવું કશું જ હોઈ શકે નહીં એમ હું મક્કમ બની ગયો હતો.
અડધી રાત્રે મરણિયામાં બેસવાની શરતો લાગતી. મરણિયું અમારા ગામની ગોમા નદીની ઊંચી જગ્યાએ આવેલું હતું. ત્યાં મૃત્યુ પામેલાં નાનાં બાળકોને દાટવામાં આવતાં હતાં.

કોણ જાણે અમારી શરતોની વાત મારા પિતાને કોઈએ કરી દીધી હતી. એમણે મને સલાહ આપી કે કોઈ કામમાં ક્યારેય શરત ન મારવી કે હૂંસા તૂંસી કરવી નહીં. અને અગાઉ બનેલી એક સત્ય ઘટનાની વાત કરી.

એકવાર ત્રણ-ચાર મિત્રોએ કોઈક ભૂત-પ્રેત માટે જાણીતી થયેલી જગ્યાએ બેસવા માટે શરત મારી હતી. આ એ જમાનાની વાત છે કે જ્યારે રાણીછાપનો ચાંદીનો રૂપિયો ચલણમાં હતો અને એક રૂપિયો કમાવા માટે ઘણાં દિવસ સુધી માણસને મજૂરી કરવી પડતી હતી. રૂપિયો ગાડાંનાં પૈડા જેવડો હતો.

જે મિત્રને ભૂત-પ્રેત, જિન્નાત કશાનો ડર લાગતો નહોતો એ મિત્ર એ બિહામણી જગ્યાએ બેસવા તૈયાર થયો હતો. બન્યું એવું કે એણે એનાથી દૂર એક કાળો દેખાવ જોયો. એને થયું કે ઝાડના થડ જેવું કંઈક છે, પરંતુ થોડીવારે એ ત્યાંથી ખસીને વધુ નજીક આવ્યું. એને ખાતરી હતી કે એના મિત્રોમાંથી કોઈક હતું, પરંતુ એ આટલું ઊંચું કઈ રીતે હોઈ શકે?

રાત્રિનો સૂનકાર હતો. એને હતું કે એના મિત્રો એને ડરાવવા કશાક અવાજ કરશે પણ ક્યાંયથી કોઈ અવાજ આવતો નહોતો. એ હિંમતવાળો માણસ પેલા દેખાવ સામે તાકી રહ્યો. ફરી એ વસ્તુ ખસી. એણે પથ્થર ઉપાડીને જોરથી ઘા કર્યો. એ પથ્થર પેલી વસ્તુને વાગતાં જ ભમ્મ કરતો વિચિત્ર અવાજ આવ્યો અને એ વસ્તુ ડર લાગે એવા અવાજ સાથે ઊંચી થવા લાગી. એનું કદ હતું એ કરતાં એટલું વધ્યું અને એવો અવાજ કર્યો કે એ હિંમતવાળો માણસ પણ અવાચક થઈ ગયો. થોડીવારમાં તો એ બેભાન થઈ ગયો.

પેલી વિચિત્ર લાગતી વસ્તુ એ એમનો જ એક મિત્ર હતો. એણે બહાદૂરી પૂર્વક શરત મારનાર માણસને ડરાવવા માટે પોતાના માથે કોસ ઊંધો રાખ્યો હતો. એક જમાનામાં કૂવામાંથી પાણી કાઢવા માટે એ વાપરતો હતો. ભેંસના ચામડામાંથી એ બનાવવામાં આવતો હતો. સૂકા કોસ ઉપર પથ્થર વાગ્યો એટલે ભમ્મ જેવો વિચિત્ર અવાજ થયો અને શરતનો રૂપિયો લેવા બેઠેલ મિત્રને ડરાવવા એ ઊંચો નીચો થતો હતો, પરંતુ હસવામાંથી ખસવું થઈ ગયું. આ વાત સુદામડા પાસેના ગામડાની છે.

સંતાઈ રહેલા બાકીના મિત્રો દોડીને બેભાન થઈ ગયેલ મિત્ર પાસે પહોંચ્યા. ઊંચકીને એને ઘેર લઈ ગયા અને શરતની વાત કરી. ગામમાં કોઈ ડોક્ટર તો હતા જ નહીં એટલે કોઈક વૈદ જેવા માણસને તરત જ બોલાવવામાં આવ્યો. એણે દવા આપવાની કોશિશ કરી પણ પેલા બેભાન માણસના મોંમાં દવા જાય એવી કોઈ શક્યતા નહોતી. 'ભૂવાને બોલાવો.' તરત જ જેવો તેવો, મેલોઘેલો એક માણસ આવ્યો અને મંત્રો જેવું બોલવાનું એણે શરૂ કર્યું. પણ પેલો બેભાન માણસ ભાનમાં આવ્યો જ નહીં. એ અવસ્થામાં જ એ મૃત્યુ પામ્યો.

મારા પિતાજીની એ વાત સાંભળ્યા પછી મેં શરત મારવાનું બંધ કરી દીધું હતું.

મને ભૂત-પ્રેતનો ડર લાગતો નથી પણ મને ઊંચાઈનો ડર લાગે છે. ઘણાં લોકો ઊંચાઈનો આનંદ માણી શકે છે પરંતુ હું એવો આનંદ માણી શક્તો નથી. એટલે જ હું માનું છું કે ડરને તર્કથી દૂર કરી શકાતો નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuOcA1TA1LqDLdCuidQYS5VxNgbb%3D-qkeV3CFshQF_31Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment