Thursday 30 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આપણે કટ્ટર હિન્દુવાદી છીએ કે દૃઢ હિન્દુ દ્રષ્ટા છીએ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણે કટ્ટર હિન્દુવાદી છીએ કે દૃઢ હિન્દુ દ્રષ્ટા છીએ?
સન્ડે મોર્નિંગ-સૌરભ શાહ

 

વાદ એટલે કોઈ પર્ટિક્યુલર સિદ્ધાંત અથવા એ સિદ્ધાંત સાથે જોડાયેલા અન્ય પેટા સિદ્ધાંતોની શૃંખલા. અંગ્રેજીમાં જેને 'ઈઝમ' કહે છે તે. માર્ક્સિઝમ, કેપિટલિઝમ કે પછી સેક્યુલરિઝમ વગેરે. જેનું ગુજરાતી માર્ક્સવાદ, મૂડીવાદ, સેક્યુલરવાદ વગેરે થાય અને એમાં માનનારાઓને તમે માર્ક્સવાદી, મૂડીવાદી કે સેક્યુલરવાદી તરીકે ઓળખો તે બરાબર છે.

 

પણ હિન્દુત્વ કોઈ સિદ્ધાંત નથી, જીવનશૈલી છે. હિન્દુત્વને કોઈ સિદ્ધાંતમાં તમે બાંધી દો એટલે એ સંકુચિત બની જાય (અને હિન્દુત્વના વિરોધીઓને એ જ જોઈએ છે). પાયાની વાત તો એ કે હિન્દુ ધર્મ છે, કોઈ રિલિજ્યન નથી. વિદેશીઓ પાસે ધર્મનો કોઈ સમાનાર્થી શબ્દ છે જ નહીં. આવા સંજોગોમાં એમણે હિન્દુ ધર્મ કે હિન્દુત્વ માટે 'ધર્મ' શબ્દ જ વાપરવો જોઈતો હતો. એ લોકો પાસે આપણી રોટી/રોટલા/ભાખરી/ ચોપડા/થેપલાં માટે કોઈ પર્યાય શબ્દ નથી એટલે તેઓ એના માટે 'બ્રેડ' શબ્દ વાપરે છે. ઉમદા નૉર્થ ઈન્ડિયન ખાણું પીરસતી ફાઈવ સ્ટારની રેસ્ટૉરાંમાં તમે કાલી દાલ કે પનીર મખની સાથે ખાવા માટે 'બ્રેડ બાસ્કેટ' મગાવશો તો પાંઉ કે સ્લાઈસ્ડ બ્રેડ કે ડિનર રોલ નહીં આવે. નાન, પરાઠા, મિસિ રોટી વગેરે આવશે, એક જમાનામાં ફાઈવ સ્ટારમાં જવાવાળાઓમાં ફિરંગીઓ વધારે રહેતા એટલે તેઓ મેનુમાં આવી બધી ધોળિયાગીરી કરતા. જાત જાતની રીતે આપણાં દહીંવડાં કે ભજિયાં કે પછી પૂરી કે દાલ તડકાનાં ભદ્દાં વર્ણનો કરીને મેનુમાં લખતા જે હાસ્યાસ્પદ લાગતાં, હવે ભારતમાં ફાઈવ સ્ટાર્સમાં જનારાઓમાં મોટા ભાગના ભારતીયો હોય છે ત્યારે આવાં વર્ણનોવાળાં મેનું બદલી નાખવાં જોઈએ. મને જ્યારે ફોઈ, માસા, સાઢુ કે સાળાવેલીની સગાઈમાં કોણ કોણ છે એની ખબર હોય ત્યારે કોઈ મને કહે કે આ તારા બાપાની બહેન થાય કે આ તારી માનો બનેવી થાય તો મને અપમાનજનક લાગવાનું જ છે. એવું જ મેનુમાંની ભારતીય વાનગીઓનાં વિદેશી દૃષ્ટિએ થતાં વર્ણનોનું છે અને એવું જ મારા ધર્મને રિલિજ્યનના સ્તરે ઉતારી પાડવાની સાઝિશનું છે.

 

ખ્રિસ્તી કોઈ ધર્મ નથી, રિલિજ્યન છે. એવું જ ઈસ્લામનું કે અન્ય રિલિજ્યન્સનું છે જેમાં કોઈ એક વ્યક્તિએ એની સ્થાપના કરી હોય, એ લોકોનું એક નિશ્ર્ચિત પુસ્તક હોય અને ઘણાં બધાં ડુઝ તથા ડોન્ટ્સ હોય. હિન્દુ ધર્મ આવા બધા રિલિજ્યન્સથી ઘણો વેગળો છે, ઉદાર છે, વ્યાપક છે, એક જીવનશૈલી છે. અલ્લામાં ન માનનારો મુસ્લિમ ન હોઈ શકે, ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા ન ધરાવનારો ઈસાઈ ન હોઈ શકે પણ હિન્દુ ધર્મના કોઈ પણ ભગવાનમાં, ઈશ્ર્વરમાં, દેવીદેવતામાં આસ્થા ન ધરાવનારો પોતાને ગર્વભેર હિન્દુ કહી શકે છે, કારણ કે હિન્દુ ધર્મ સીમાડાઓમાં બંધાયેલો નથી, એ જીવનશૈલીમાં વણાઈ ગયેલો છે. ઈસ્લામ બંધનકર્તા છે એની સ્ત્રીઓ માટે. બુરખો પહેરવો જ છે. હિન્દુ સ્ત્રી જીન્સ-ટીશર્ટમાં પણ મંદિરમાં જઈને ભાવપૂર્વક પૂજા કરી શકે. ખ્રિસ્તી સમાજનાં બંધનો એમના બાઈબલમાંથી આવે, એમના વેટિકન દ્વારા લાદવામાં આવે. આપણે ત્યાં આવી એકચક્રી શાસન ધરાવતી કોઈ ધર્મસત્તા નથી. મસ્જિદ-ચર્ચને કંપલસરી ડોનેશન્સ આપવા પડે જે અલગ અલગ નામે ઓળખાય. મંદિરમાં તમે એક પૈસો પણ દાનપેટીમાં ન નાખતા હો તોય રોજ બેવાર આરતી સાથેનાં દર્શન કરી શકો છો, કોઈ દબાણ નહીં, કોઈ પૂછવા નહીં આવે, મંદિરમાં કરોડોનું દાન કરનાર જેટલો જ દર્શનનો હક્ક તમને પણ છે. ચર્ચમાં જો તમે દાન ધર્માદા કરવાની આનાકાની કરશો તો તમારી સાથે વહેરોઆંતરો રાખવામાં આવશે. ઈસ્લામમાં તો જકાત ભરવાની આનાકાની કરી તો મર્યા પછી અમુક લોકો તો દફનવિધિ પણ નહીં થવા દે.

 

હિન્દુ ધર્મ રિલિજ્યન નથી અને ઈસ્લામ કે ઈસાઈયત વગેરે રિલિજ્યન્સ ધર્મની વ્યાખ્યામાં બેસતાં નથી આ વાત યાદ રાખવી. એ લોકો હિન્દુને ધર્મ કહેવાને બદલે રિલિજ્યન કહેવાનું ચાલુ રાખે તો ભલે રાખે, આપણે તો હિન્દુત્વને રિલિજ્યનને બદલે માત્ર 'ધર્મ' શબ્દથી જ ઓળખીએ.

 

પાંચસો વર્ષ પહેલાં પણ જ્યારે હિન્દુ ધર્મ જ હતો, રિલિજ્યન નહીં ત્યારે, ગેરસમજ થવાનો સંભવ નહોતો એટલે જ નરસિંહ મહેતાએ ગાયું હતું કે (બ્રાહ્મમુહૂર્તમાં) 'આપણે આપણા ધર્મ સંભાળવા...' અહીં ધર્મ એટલે આપણી ફરજો. પાંચ હજાર વર્ષ પહેલાં વેદવ્યાસ ગીતામાં લખી ગયા કે સ્વધર્મે નિધનં શ્રેય:, પરધર્મો ભયાવહ:. ગીતાકાર અહીં ધર્મને રિલિજ્યનના સાંકડા અર્થમાં નથી લેતા. તે વખતે વળી ક્યાં ઈસાઈયતનો જન્મ પણ થયો હતો? ઈસ્લામ તો સાવ દૂરની વાત હતી. માત્ર દોઢ કે બેઅઢી હજાર વર્ષ જૂના રિલિજ્યનો ગીતાના રચનાકાળમાં હતો જ નહીં. એટલે સ્વધર્મે નિધનં શ્રેય: નો અર્થ બીજા કોઈમાં વટલાઈ જવા કરતાં હિંદુ તરીકે જ મરવું એવો થોડો થાય? તો પછી આ ધર્મ એટલે શું? શા માટે માણસે પોતાનો ધર્મ જ પાળવો, બીજાનો નહીં. ધર્મ એટલે કરવા જેવા વિચાર અને આચાર. શિક્ષકનો ધર્મ વિદ્યા આપવાનો અને ખેડૂતનો ધર્મ અનાજ ઉગાડવાનો. ભગવદ્ ગોમંડળમાં 'ધર્મ' શબ્દની ચાર-પાંચ પાનાં ભરીને વ્યાખ્યાઓ કરવામાં આવી છે અને ધર્મ સાથે સંકળાયેલા હોય એવા (ધર્મક્ષેત્ર, ધાર્મિક, ધર્મનિષ્ઠા વગેરે) શબ્દો માટે બીજા વીસેક પાના ફાળવવામાં આવેલાં છે. અત્યારે આપણે એમાં ઊંડા ઊતરવાની જરૂર નથી.

 

માત્ર એટલું જ સમજીએ કે વિદેશીઓ અને વિદેશીઓની વાદે ચડીને નાચણવેડા કરતા દેશી સેક્યુલરિયાઓ હિન્દુત્વને હિન્દુઈઝમ તરીકે ઓળખે એટલે આપણે હિન્દુવાદ કે હિન્દુત્વવાદ જેવી સંજ્ઞાઓ સ્વીકારી લેવાની જરૂર નથી. આપણે ત્યાં વાદની વ્યાખ્યાઓ જુદી છે. હિન્દુવાદ નહીં પણ 'હિન્દુ દર્શન' શબ્દ યોગ્ય છે. હિન્દુવાદીને બદલે આપણે આપણને 'હિન્દુ દૃષ્ટા' કહેવડાવવાની શરૂઆત કરવી જોઈએ. અને જેઓ પોતાના ધર્મ માટે જડબેસલાક છે, ચુસ્ત છે, એવા લોકોએ પોતાને 'કટ્ટર હિન્દુવાદી' કહેવડાવવાને બદલે 'દૃઢ હિન્દુ દ્રષ્ટા' તરીકેની ઓળખાણ સ્થાપવી જોઈએ. ફેનેટિઝમ કે કટ્ટરતા ઈસ્લામમાં છે, ઈસાઈયતમાં પણ છે. હિન્દુ ધર્મમાં કટ્ટરતા ક્યાંથી હોય? તમે જ્યારે ઈશ્ર્વરમાં આસ્થા ન ધરાવતી વ્યક્તિને પણ હિન્દુ ગણવાની ઉદારતા દાખવો છો તો કટ્ટરતા ક્યાંથી આવે આ ધર્મમાં? દૃઢતા જરૂર હોય, મક્કમતા જરૂર હોય. એટલે જ આજના બળેવના પવિત્ર દિવસે જનોઈ બદલીને કહીએ કે આપણે 'દૃઢ હિન્દુ દ્રષ્ટા' છીએ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OujXAdg1Vj51nMDudxBTKBnWuPS_vuZpfry036qvRkR7Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment