Wednesday, 29 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મારા માટે અસામાન્ય એ જ સામાન્ય છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મારા માટે અસામાન્ય એ જ સામાન્ય છે!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

બોલીવૂડની ટોપ હીરોઇન તરીકે છત્રીસ વર્ષની ઉંમરે લગ્ન કરવા, એક વિદેશી સાથે લગ્ન કરવા અને પોતાનાથી ૧૧ વર્ષ નાની ઉંમરના પુરુષ સાથે લગ્ન કરવા એ જાણીને ઘણાને આશ્ર્ચર્ય થઇ રહ્યું છે, પરંતુ જેઓ મને જાણે છે, મારી કામ કરવાની રીત જાણે છે અને જીવન પ્રત્યેના મારા અભિગમને સમજે છે એમને આ વાતની કોઇ જ નવાઇ ન લાગવી જોઇએ, કારણ એ કે હું પહેલેથી અલગ પ્રકારની સ્ત્રી તરીકે જીવી છું.

 

મારા ફાધર આર્મીમાં હતા એટલે મારું બચપણ એક જગ્યાએ નથી વીત્યું. મારે સ્કૂલ બદલતા રહેવું પડ્યું હતું, પરંતુ એ વાતનો મને ક્યારેય અફસોસ નહોતો થયો. પરિવાર સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલી હોવાથી હું હંમેશાં સલામતી અનુભવતી અને એના આધારે જ જીવનમાં આગળ વધવાની પ્રેરણા મને મળતી રહી. મને કોઇ જ વાતનો ડર નહોતો અને જે પ્રાપ્ત કરવું હોય એ મેળવવા માટે કોઇ પ્રકારનો સંકોચ ન રાખવાનો અભિગમ પણ મારો પહેલેથી રહ્યો છે. ફેમિના મિસ ઇન્ડિયાની કોન્ટેસ્ટમાં મેં ભાગ લીધો ત્યારે મારી કેટલીક ફ્રેન્ડ્સને આશ્ર્ચર્ય થયું હતું. એમનું એવું માનવું હતું કે મારો ચહેરો એવો સુંદર નથી કે મિસ ઇન્ડિયા બની શકું. ત્યારે મેં એમને કહ્યું હતું કે મારામાં મિસ ઇન્ડિયા બનવાની ધગશ છે અને હું એમાં સફળ થઇ. હું મિસ ઇન્ડિયા બની અને પછી ૨૦૦૦ માં મિસ વર્લ્ડ પણ બની.

 

મિસ વર્લ્ડ બનનારી છોકરીઓને બોલીવૂડની ફિલ્મોની ઓફરો મળતી જ હોય છે, પરંતુ બધી છોકરીઓ મારા જેટલી સફળ નથી થતી. મને પણ શરૂઆતમાં એવી મોટી સફળતા નહોતી મળી, પરંતુ મેં નિષ્ફળતાથી ડર્યા વિના મહેનત કરવાનું ચાલુ રાખ્યું. મારી શરૂઆતની ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ. ત્યાર પછી મારી પહેલી સફળ ફિલ્મ 'મુઝ સે શાદી કરોગી' આવી. ૨૦૦૪ના અંત ભાગમાં અબ્બાસ મસ્તાનની ફિલ્મ 'ઐતરાઝ' મારા માટે બહુ મહત્ત્વની પુરવાર થઇ. ફિલ્મમાં મારો નેગેટિવ રોલ હતો, પરંતુ મારા અભિનયની ખૂબ પ્રશંસા થઇ. અમુક વિવેચકોએ તો એમ લખ્યું કે ફિલ્મના હીરોહીરોઇન ભલે અક્ષય કુમાર અને કરીના કપૂર હોય, પરંતુ આ ફિલ્મ પ્રિયંકા ચોપરાની છે. વાઉ. બીજું શું જોઇએ. ત્યાર પછી મારી કરીઅર સ્ટેડીલી આગળ વધતી ગઇ, હું ટોપ પર પહોંચી અને ફરીવાર એક સેટબેક આવ્યો. મારી કેટલીક મોટી ફિલ્મો ફ્લોપ ગઇ. અને ત્યાર પછી આવી મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન'.

 

આખરે 'ફેશન' ફિલ્મે મારી કરીઅર અને મારું જીવન બદલી નાંખ્યું. આ ફિલ્મની મહત્ત્વાકાંક્ષી મોડેલની ભૂમિકા મને ખૂબ જ ગમી ગઇ હતી. એ ફિલ્મ માટે મેં છ કિલોગ્રામ વજન વધાર્યું એટલું જ નહીં, ફિલ્મની વાર્તા આગળ વધે એમ મેઘના માથુરનું વજન ઘટે છે એટલે એ સમય દરમિયાન મેં પોતે પણ તબક્કાવાર વજન ઘટાડ્યું હતું. આ અનુભવ મારા માટે અમૂલ્ય રહ્યો, કારણ કે હું રિયલ લાઇફમાં પણ મેઘના માથુર જેવી સ્ટ્રોંગ બની શકી. 'ફેશન' ફિલ્મ માટે મને અનેક એવૉર્ડ્સ મળ્યા અને મારી કરીઅરે જોર પકડ્યું. ફેશન ફિલ્મથી મને પર્સનલી તો લાભ થયો જ, એ ફિલ્મને પગલે બોલીવૂડમાં વૂમન ડોમીનેટેડ ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો.

 

મને નવું સાહસ કરવામાં હંમેશાં આનંદ આવે છે. આથી જ હું ટોપની હીરોઇન હોવા છતાં સાવ અલગ પ્રકારના કે નેગેટિવ રોલ કરવાનો મને ક્યારેય વાંધો નહોતો. કમીને, સાત ખૂન માફ, બરફી વગેરે જેવી ફિલ્મોના અનટ્રેડિશનલ રોલ્સ સ્વીકારીને મેં હંમેશાં મારા આ શોખને પૂરો કર્યો.

 

બોલીવૂડમાં મોટી સફળતા મેળવનાર સ્ટારને હંમેશાં બોલીવૂડમાં કંઇક કરી દેખાડવાની ઇચ્છા હોય છે. મારે પણ મારું ફલક વિસ્તારવું હતું. મેં એબીસી સ્ટુડિયો સાથે સાઇન કરીને થ્રિલર સિરીઝ 'ક્વોન્ટિકો'માં કામ કર્યું, જેની ટેલિવિઝન વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી. એ માટે મને એવૉર્ડ્સ પણ મળ્યા. ત્યાર પછી મેં હોલીવૂડના બીજા કેટલાક પ્રોજેક્ટસ પણ કર્યા અને મારી એક ખાસ પોઝિશન બનાવી.

 

એક્ટિંગની કરીઅર સાથોસાથ મેં સિંગિંગ અને રાઇટિંગ પર પણ હાથ અજમાવ્યો અને એમાંય સફળતા મેળવી. મારી કરીઅરની આ સફરમાં મને મારા પરિવારની હૂંફ સતત મળતી રહી. આથી જ લગ્ન માટે મને પરિવારજનો હંમેશાં કહેતા રહેતા, પરંતુ તેઓ મારા સ્વભાવથી પરિચિત હતા એટલે ક્યારેય દબાણ નહોતા કરતા. આમને આમ ઉંમરનો મુકામ ક્યાંથી ક્યાં પહોંચી ગયો એની ખબર ન પડી.

 

બોલીવૂડમાં મારા જેટલી ઉંમરની હીરોઇનો તથા મારાથી નાની ઉંમરની હીરોઇનો લગ્ન કરી રહી હતી અને મારી ઉંમર વધી રહી હતી એનાથી હું વાકેફ હતી, પરંતુ આવી પારંપરિક વાતો મને ક્યારેય વ્યથિત નહોતી કરતી. જીવનની દરેક વાતમાં મેં મારી મરજી પ્રમાણે અને મને જે પસંદ હોય એ જ કર્યું છે તો લગ્ન જેવી મોટી વાતમાં કોઇ દબાણમાં હું કેવી રીતે આવી શકું?

 

જોકે અંદરથી ઘંટડી વાગે ત્યારે એનો રણકાર હું સાંભળી ન શકું એવી જડ પણ હું નથી. નિક જોનાસ મને ગમી ગયો. એ સિંગર છે અને સિંગિંગ મારો પણ પેશન છે. નિકને જ્યારે મળી ત્યારે લાગ્યું કે અત્યાર સુધી હું એની જ રાહ જોતી હતી. કેમિસ્ટ્રી જ્યારે મળે ત્યારે બંને પદાર્થોનું સરળતાથી મિશ્રણ થાય છે. નિકને પણ હું એટલી જ ગમતી હતી એ હું એની વાતો અને એના એટિટ્યુડ પરથી સમજી ગઇ હતી. અમને રોકી શકે એવી કોઇ જ વાત નહોતી. અમે પ્રેમમાં પડ્યા, એન્ગેજમેન્ટ કર્યા અને હવે લગ્ન કરીશું.

 

હા, નિક વિદેશી છે અને મારાથી ઉંમરમાં નાનો છે એ વાત અમુક લોકોને અસામાન્ય લાગે, પરંતુ મારા માટે અસામાન્ય એ જ સામાન્ય છે. મારી આખી કરીઅર અને મારી જિંદગીમાં આનાથી મોટું તથ્ય કોઇ નહીં મળે. લોકો તો અત્યારથી અમારા મેરેજના ટકાઉપણા વિશે વાતો કરી રહ્યા છે, બટ હૂ કેર્સ? મારા જીવનની કોઇ પણ બાબતમાં મેં ક્યારેય કોઇ ફરિયાદ નથી કરી. મારો રસ્તો હું પોતે જ શોધી લેવામાં માનું છું અને દર વખતે હું મેં ચાતરેલા માર્ગ પર ચાલતી રહી છું. જે લોકો મને સાચી રીતે સમજી શક્યા છે તેઓ મારાથી પ્રભાવિત છે. મારી એક ફ્રેન્ડે કહ્યું કે 'પોતાની મરજી પ્રમાણે, સ્વતંત્ર રીતે જીવવા માંગતી છોકરીએ તારી લાઇફ પરથી પ્રેરણા લેવી જોઇએ.' વેલ. હું આમાં શું કહી શકું?

 

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou8C6K-A-b3AAhk8b6jPFBsZEJnGdtzhpo%3DiabP%2BJDyoA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment