Friday 31 August 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દરેક આંખોમાં એકાદ કહાની હોય છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જરા નજીક જઈ વાંચી લેવાની હોય છે દરેક આંખોમાં એકાદ કહાની હોય છે!
ડૉ. શરદ ઠાકર


આટલા બધા દાયકાઓ વીતી ગયા પછી પણ મને એ લાચાર માની આંખોમાંથી ટપકતી આજીજી યાદ છે. જ્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં એને કહ્યું હતું, 'ના, આ કામ કાયદાની વિરુદ્ધનું છે. હું નહીં કરી આપું. હું તો શું, બીજો કોઈ ડૉક્ટર નહીં કરી આપે.'

લગભગ ચાળીસેક વર્ષ પહેલાંની ઘટના. મારી કારકિર્દીની શરૂઆતનાં વર્ષો. ગ્રામીણ વિસ્તાર. ગરીબ દર્દીઓ. મને માત્ર સારવાર કરવાનું કામ આવડે. દુનિયાદારી શીખવાની હજુ બાકી હતી. એ કાળમાં મારી લાગણીની કસોટી કરે તેવી આ ઘટના બની ગઈ. મારી સંપૂર્ણ કરિયરમાં મને યાદ રહી ગયેલા કેટલાક ગણ્યાગાંઠ્યા 'કેસીઝ' હું ગણાવું તો એ યાદીમાં આ છોકરીનો સમાવેશ અચૂક કરવો જ પડે.
એ સાયેબ! સાવ આવું સું કામ કરો સો? છોડી હજી કુંવારી છે. ભૂલ કરી બેઠી સે. એને બચાવી લો ને, ભગવાન તમારું ભલું કરશે
મા-દીકરી બંને બાજુના ગામડેથી આવ્યાં હતાં. સાવ એટલે સાવ ગરીબ. દીકરી માંડ સોળેક વર્ષની. લોહીમાં હિમોગ્લોબીન ઓછું હતું, છોકરી ફિક્કી લાગતી હતી, તો પણ એના ઊતરેલા ચહેરામાંથી નમણાશ ડોકાતી હતી.

મા હજુ કરગરતી હતી, 'એ સાયેબ! સાવ આવું સું કામ કરો સો? છોડી હજી કુંવારી છે. ભૂલ કરી બેઠી સે. એને બચાવી લો ને, ભગવાન તમારું ભલું કરશે.'

'માફ કરો, બહેન. ભગવાન તો ભલું કરતા કરશે, પણ એ પહેલાં પોલીસ અને કોર્ટ મારું 'ભલું' કરી નાખશે. તમારી મંગીને આઠમો પૂરો થવા આવ્યો છે. સરકારે ગર્ભપાતની મર્યાદા 20 જ અઠવાડિયાં સુધીની નક્કી કરી છે. 20 અઠવાડિયાં એટલે 5 મહિના. એનાથી મોટા ગર્ભને પાડી શકાય નહીં. મંગુડી કુંવારી છે એ સામાજિક પ્રોબ્લેમ છે, મેડિકલ પ્રોબ્લેમ નથી. હું આ ગુનો નહીં જ કરું.'

16 વર્ષની મંગી અને 35 વર્ષની દેખાતી એની મા કાળી. બંને મારી વાતમાં કેટલું સમજ્યાં હશે એ ભગવાન જાણે, પણ મારા ચહેરા પરની મક્કમતા અને અવાજની કડકાઈ જોઈને એમને એટલું તો સમજાઈ જ ગયું કે આ ડૉક્ટર એમને મદદ કરવાનો નથી.

ભાંગેલા પગે બંને ઊભી થઈ અને ચાલી ગઈ. એમનો ઓ.પી.ડી. કેસપેપર મારા ટેબલ પર જ પડી રહ્યો. મેં ઘંટડી મારી, 'બીજા પેશન્ટને અંદર આવવા દો.'
બપોરનો 1 વાગવા આવ્યો હતો. હજુ ચાળીસેક બહેનો વેઇટિંગમાં હતી. મને ભૂખ તો કકડીને લાગી હતી, પણ ઉપરના મારા નિવાસમાં રાહ જોઈ રહેલા ઠંડાગાર ટિફિનનો વિચાર આવ્યો, એ સાથે જ ભૂખ પણ ઠંડી પડી ગઈ.

લગભગ અઢી વાગ્યે જ પેશન્ટનો વારો આવ્યો તે દેખાવમાં શિક્ષિત અને સંપન્ન પરિવારમાંથી આવતી હોય તેવી લાગતી હતી.
'ઉંમર?' મેં પૂછ્યું.

'32 વર્ષ. શેઠ રમાકાન્ત પરીખની પુત્રવધૂ છું. કવિતા નામ મારું. એમ.એ. થયેલી છું. ગૃહિણી જ છું. સસરાજીનો કરિયાણાનો ધંધો છે. મારા પતિ એન્જિનિયર થયેલા છે, તો પણ દુકાનમાં જ બેસે છે. મારે પણ જોબ કરવાની જરૂર નથી.' કવિતાનો આટલે સુધી ગર્વિષ્ઠ જણાતો અવાજ અચાનક ઢીલો પડી ગયો 'અને વધારે રૂપિયા કમાઈને કરવાનું પણ શું? ઈશ્વરે બધું સુખ આપ્યું છે, પણ શેર માટીની ખોટ રાખી દીધી.'

એ જમાનો સાવ અલગ હતો. લેપ્રોસ્કોપીની સુવિધા હજુ ભાંખોડિયાભેર હતી. એ પણ મોટાં શહેરોમાં જ. હું જ્યાં કામ કરતો હતો ત્યાં તો એના આગમનને હજુ 15-20 વર્ષની વાર હતી. સોનોગ્રાફી એક સપનું હતું. એનું સ્થાન માત્ર અમારી ટેક્સ્ટબુકમાં જ હતું. એટલે ઇન્ફર્ટિલિટીના પેશન્ટ માટે ઇન્વેસ્ટિગેશન્સ ખૂબ મર્યાદિત બની રહેતાં હતાં. ક્યુરેટિંગ કરીએ, દવા ભરીને ગર્ભાશયના ફોટા પાડીએ અને પતિના વીર્યની તપાસ કરીએ ત્યાં સુધીમાં દર્દી થાકી જાય અને ડૉક્ટર હાંફી જાય તેવો માહોલ હતો.

મેં કવિતાને પૂછ્યું, 'તમે તો ધનવાન છો એટલે કોઈક મોટા શહેરમાં તપાસ અને સારવાર...'
એણે થેલીમાંથી 2 મોટી ફાઇલ કાઢી અને ટેબલ પર મૂકી દીધી. એક ફાઇલ 70 કિમી. દૂર આવેલા એક જાણીતા શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટની હતી, બીજી ફાઇલ અમદાવાદના સિનિયર ડૉક્ટરની હતી.'

મેં ઝડપથી બધા કાગળો પર નજર ફેરવી લીધી. બંને ડૉક્ટરોની આખરી સલાહ એકસરખી હતી, 'માત્ર બે જ વિકલ્પો બચ્યા છે. એક, આજીવન સંતાન વગર રહેવું. બે, બાળક દત્તક લઈ લેવું.'

'કવિતા, મારે આમાં કંઈ જ કરવાપણું રહેતું નથી. આ બંને વરિષ્ઠ ડૉક્ટર સાહેબોની સલાહ સાચી છે.'
'હા, સર. પણ મારાં સાસુ માનતાં નથી. એ કહે છે કે આશ્રમમાંથી બાળક લાવીએ એ કેવું હોય, કોનું હોય, એમાં સંસ્કાર કેવા હોય?'

'તારી સાસુમાને કહેજે કે ફળ ખાતી વખતે આપણે માત્ર ફળને જ જોઈએ છીએ, એ કયા વૃક્ષ પરથી આવ્યું છે એ નથી જોતા. રહી વાત જ્ઞાતિની, જાતિની અને સંસ્કારોની. તો હું જણાવી દઉં. જે બાળક તમારા ઘરમાં આવશે તેની જ્ઞાતિ અને જાતિ તમારી જ ગણાશે અને સંસ્કારો તો જેવા તમે આપશો તેવા એ બાળકમાં આવશે. ઉચ્ચ 'ગણાતાં' પરિવારોનાં બાળકો અસંસ્કારી નીવડી શકે છે અને સામાન્ય સ્થિતિના પરિવારમાં સંસ્કારી બાળકો મળી આવે છે.'
'તમે સરસ વાત કરી, સર. હું એક વાર મારી સાસુને તમારી પાસે લઈ આવીશ. તમે એમને સમજાવશો?'

'કેમ નહીં? આજે જ લઈ આવજે.' મેં કહ્યું. સાંજની ઓ.પી.ડી.માં કવિતા એના પૂરા પરિવાર (પતિ, સાસુ-સસરા)ને લઈને મને મળવા આવી. એ ઉંમરે પણ મારી અંદર થોડી ઘણી સમજાવટની શક્તિ રહેલી હશે. હું મારાથી મોટી ઉંમરનાં એવાં કવિતાનાં સાસુ-સસરાના ગળે બાળક દત્તક લેવાની વાત ઉતરાવી શક્યો.

એ પછીના દિવસે રવિવાર હતો. રવિવારનો દિવસ હોસ્પિટલની રૂટિન ફરજમાંથી છુટ્ટીનો દિવસ, પણ એ દિવસનો સદુપયોગ હું મિત્રોની સાથે ગોષ્ઠિ કરવા માટે કરતો હતો.
નાનું ટાઉન. જેમની સાથે બેસવાનું ગમે એવા માણસો ત્યાં બહુ ઓછા હતા. એક સિવિલ એન્જિનિયર હતો. એક મામલતદાર હતા. એક સામાજિક કાર્યકર્તા હતો, જે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યના કામ માટેનું એક એન.જી.ઓ. ચલાવતો હતો. અમે બધા યુવાન વયના હતા અને એકલા જ ત્યાં રહેતા હતા.
એ દિવસની મહેફિલમાં મેં વાત મૂકી, 'મારી પાસે એક અનિચ્છિત બાળક છે અને એક નિ:સંતાન દંપતી છે. નદીનું પાણી તરસ્યાને ન પીવડાવી શકાય?'

'અરે! આ તો મહાપુણ્યનું કામ છે. શુભ કાર્યમાં દેર શા માટે?' એન્જિનિયર ઊછળી પડ્યો.
'પણ એ માટે કાયદાની મદદ લેવી જરૂરી છે.' મામલદારે અમારા ઉત્સાહ પર 'બ્રેક' લગાવી, 'અહીંની કોર્ટમાં જજ છે તે મારા પરિચિત છે. એ જરૂર આપણને માર્ગદર્શન પૂરું પાડશે.'
એન.જી.ઓ. ચલાવતા કૌશિકે કહ્યું, 'જો બાળકનો જન્મ થાય તે પછી થોડાક દિવસો માટે એને સંસ્થામાં રાખવું પડે તો હું તૈયાર છું. તમે ચિંતા છોડી દો.'

હવે મારે એક જ કામ કરવાનું હતું. મંગુડીને સંદેશો મોકલી આપવાનો હતો, 'તું હવે ચિંતામુક્ત છે. એક મહિનો ખેંચી કાઢ. પછી આ હોસ્પિટલમાં હું તારી ડિલિવરી કરાવી આપીશ. પછી તું તારા ઘરે અને તારું બાળક અમારી હોસ્પિટલમાં. કાનૂની સલાહ મુજબ અમે જરૂરી કાગળો પર તારી સહી કે અંગુઠો લઈ લઈશું. પછી તારું બાળક કવિતાને વિધિપૂર્વક દત્તક આપી દઈશું. તારે ગર્ભપાત કરાવવાનું જોખમ ઉઠાવવું નહીં પડે.'

લાખ રૂપિયાનો સવાલ એ હતો કે મારે આ સંદેશો મંગુડી સુધી પહોંચાડવો કેવી રીતે? હોસ્પિટલમાં 18 પટ્ટાવાળાઓ અને વોર્ડ બોયઝ હતા. તેમાં સૌથી ચબરાક કનુ હતો. મેં એને બોલાવીને પૂછ્યું, 'કનું, મેં સાંભળ્યું છે કે તું નજીકના કોઈ ગામડામાં રહે છે. રોજ સાઇકલ પર આવ-જા કરે છે.'
'સાચી વાત છે, સાહેબ.'

'આ છોકરી ક્યાં રહે છે તે શોધી કાઢ. આ રહ્યું એના બાપનું નામ અને ગામનું નામ. તારે બીજા કોઈને કંઈ જ કહેવાનું નથી. આ મંગુની માને મળીને ખાલી એટલું કહેવાનું છે કે ચિંતા કરવાની જરૂર નથી. ડૉક્ટર સાહેબે બધી વ્યવસ્થા વિચારી રાખી છે. એક વાર મંગુની સુવાવડ થઈ જવા દો.
હું આઘાતના મારથી અવાચક હતો. મેં મારી બુદ્ધિ અને સમજ પ્રમાણે જેટલું શક્ય હતું એ બધું જ કર્યું હતું, પણ એની જાણ મંગુને ન થઈ શકી

 

કનુ ગયો. બીજા દિવસે એ રજા પર રહ્યો. હું સમજી ગયો કે એ 'મિશન મંગુ' પર હોવો જોઈએ. નાજુક બાબત હતી, સાચવીને કામ પતાવવાનું હતું. હું અધ્ધર જીવે વાટ જોઈને બેસી રહ્યો. ત્રીજા દિવસે કનુ આવ્યો. મેં પૂછ્યું. 'શું થયું? મંગુ મળી? એની મા મળી? ઘર મળ્યું?'

'સાહેબ, બધું મળી ગયું, પણ મંગુ ન મળી શકી. હવે એ ક્યારેય નહીં જોવા મળે.' કનુનો જવાબ સાંભળીને હું ચોંકી ગયો. કનુએ માહિતી આપી, 'જે દિવસે મંગુ અને એની મા તમને બતાવીને ઘરે ગયાં, તે સાંજે ઘરમાં મોટો ઝઘડો થયો. મંગુના બાપને, કાકાઓને અને ભાઈઓને ખબર પડી ગઈ. બધાએ મળીને છોકરીને ઢોર માર માર્યો. એ રાત્રે જ મંગુએ ઘરની પાછળ આવેલા કૂવામાં પડીને...'

હું આઘાતના મારથી અવાચક હતો. મેં મારી બુદ્ધિ અને સમજ પ્રમાણે જેટલું શક્ય હતું એ બધું જ કર્યું હતું, પણ એની જાણ મંગુને ન થઈ શકી. જો એ સમયે મોબાઇલ ફોનની સુવિધા હોત તો? જો મંગુ સામાજિક અને આર્થિક રીતે સધ્ધર પરિવારની દીકરી હોત તો? જો એ આપણા દંભી સમાજમાં હિંમત દાખવીને, ખોંખારો ખાઈને એવું કહી શકી હોત કે, 'હા, મેં એક પુરુષની સાથે પ્રેમ કર્યો છે અને હું મા બનવાની છું. મને એકલીને સજા શા માટે આપો છો? એ પુરુષને ફરજ પાડો કે મારી સાથે લગ્ન કરે!' વિચારો તો સેંકડો હતા, પણ વિકલ્પ માત્ર એક જ હતો. મંગુએ મરવું પડ્યું હતું.(કવિતાએ પછી બીજું બાળક દત્તક મેળવી લીધું હતું.)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvnQAnWwZHP%2B5UBGsuCEt0ovtNwqZew2pe84%2Bp5HAe7%2BQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment